કાનુડાને ભાવતા માખણમાં છે વિટામિન્સનો ભંડાર

26 August, 2024 01:30 PM IST  |  Mumbai | Kajal Rampariya

આજે જન્માષ્ટમી નિમિત્તે જાણીએ કૃષ્ણ ભગવાનના પ્રિય માખણ વિશે

પ્રતીકાત્મક તસવીર

વજન વધવાના ડરથી જો માખણની તમારા ડાયટમાંથી બાદબાકી કરી નાખી હોય તો ફેરવિચાર કરવાની જરૂર છે. ઍલોપથી અને આયુર્વેદ એમ બન્ને ઉપચારપદ્ધતિના નિષ્ણાતો કહે છે કે કેટલીક સાવધાનીનું ધ્યાન રખાય તો માખણ ડાયટનો મહત્ત્વનો હિસ્સો છે. આજે જન્માષ્ટમી નિમિત્તે જાણીએ કૃષ્ણ ભગવાનના પ્રિય માખણ વિશે.

જન્માષ્ટમીના અવસરે જ્યારે વાત કૃષ્ણ ભગવાનની થાય તો તેમના મનપસંદ માખણને કેમ ભૂલી શકાય. માખણ આજકાલ અન્ડરરેટેડ થઈ ગયું છે. માખણમાં ફૅટ હોય છે અને એનાથી વજન વધે છે એવું ધારીને આજકાલ લોકો માખણથી દૂર ભાગે છે. જોકે હકીકત એ છે કે કાનુડાને અતિપ્રિય માખણમાં વિટામિન્સનો ખજાનો છે જે શરીરને જરૂરી પોષણ પૂરું પાડે છે. સેલિબ્રિટીઝ તેમના ડાયટ-ચાર્ટમાં માખણનો સમાવેશ કરે છે ત્યારે આપણે વજન વધવાના ડરથી માખણના નામથી જ દૂર ભાગીએ છીએ. આ ધારણાને એક બાજુએ મૂકીને આપણે માખણ સાથે સંકળાયેલી રોચક વાતો અને એના ફાયદા જાણી લેવા જોઈએ.

બૅલૅન્સ ડાયટ સાથે બેસ્ટ

માખણ ખાવાથી શરીરને મળતા પોષણ વિશે દ​​ક્ષિણ મુંબઈના ઑપેરા હાઉસ વિસ્તારમાં રહેતાં ડાયટિશ્યન વિધિ શાહ કહે છે, ‘શરીરને દરરોજ સામાન્ય રીતે ૨૦૦૦ કૅલરીની જરૂર હોય છે. જો તમે બૅલૅન્સ સ્ટાન્ડર્ડ ડાયટ ફૉલો કરો છો તો માખણ તમારા શરીર માટે સર્વશ્રેષ્ઠ છે. આખા દિવસના ડાયટમાં ફૅટનું પ્રમાણ ૧૫થી ૨૦ ટકા કરતાં વધુ ન હોવું જોઈએ. ઘરે બનતા સફેદ બટર કહેવાતા માખણમાં સૅચ્યુરેટેડ ફૅટ હોય છે તો વ્યક્તિની હેલ્થ કન્ડિશન કેવી છે એના પર પણ માખણનો ઇન્ટેક નિર્ભર કરે છે. દાખલા તરીકે ડાયાબિટીઝના રોગીઓને બહુ ઓછા પ્રમાણમાં માખણ ખાવાની સલાહ આપીએ છીએ. માખણ હાર્ટ માટે હેલ્ધી કહેવાય છે. એ ગુડ કૉલેસ્ટરોલ લેવલને મેઇન્ટેન કરે છે અથવા ઇમ્પ્રૂવ કરે છે. એમાં રહેલાં વિટામિન્સ અને મિનરલ્સ હાર્ટ-હેલ્થને સારી રાખે છે. માખણમાં અનસૅચ્યુરેટેડ ફૅટ પણ છે જે હાર્ટ માટે સારું માનવામાં આવે છે, પણ એમ છતાં માખણ કેટલું આરોગવું જોઈએ એ માટે ડાયટિશ્યનની સલાહ લેવી જોઈએ. શરીરમાં ફૅટ અને મસલ્સના પ્રમાણ પર માખણ ખાવું જોઈએ કે નહીં એ નક્કી થાય છે. ધારો કે બે વ્યક્તિનું વજન એકસરખું છે, પણ એમાંથી એકના શરીરમાં ફૅટનું અને બીજાના શરીરમાં મસલ્સનું પ્રમાણ વધારે છે તો હું બન્નેને અલગ-અલગ પ્રમાણમાં માખણ ખાવાની સલાહ આપીશ. જેનું ફૅટ વધુ છે તેને ઓછું અને જેના મસલ્સ વધારે છે તેને વધુ માખણ ખાવાનું કહીશ.’

માખણ વજન વધારે?

માખણ ખાવાથી વજનમાં વધારો થાય કે નહીં એ વિશે છેલ્લાં ૧૬ વર્ષનો ડાયટિંગ ક્ષેત્રે અનુભવ પ્રાપ્ત કરી ચૂકેલાં વિધિ શાહ કહે છે, ‘ઘણા લોકો વજન ન વધે એ ડરથી માખણ તો શું તેલ અને ઘી પણ નથી ખાતા. વજન ઘટાડવા માટે શરીરને પોષણ ન આપવું એ તો ખોટી વાત છે. માખણ, તેલ અને શરીરને વિટામિન્સ એ, ડી, ઈ અને કેની સાથે સૉલ્યુબલ મિનરલ્સ મળે છે જે બહુ જરૂરી હોય છે અને એ ફક્ત એમાંથી જ મળે છે. એથી માખણ અને ઘીનો વપરાશ સાવ બંધ ન કરવો જોઈએ. આજકાલ લોકો ફાયદા વાંચીને કંઈ પણ સમજ્યા વિના આડેધડ એને અનુસરવા માંડે છે. આવું કરતાં પહેલાં આપણે આપણી હેલ્થને સમજવી જોઈએ. જો શારીરિક રીતે તંદુરસ્ત હો તો દિવસ દરમ્યાન વન ટેબલ સ્પૂન એટલે કે ૧૫ ગ્રામ જેટલું માખણ આરોગવું જોઈએ. જે લોકોની દિવસ દરમ્યાન શારીરિક પ્રવૃત્તિ વધુ હોય છે એટલે કે નોકરિયાત લોકોને ટ્રાવેલિંગ વધુ હોય, જિમ જતા હોય અથવા ઑનફીલ્ડ વધુ કામ કરતા હોય તેઓ તેમના ડાયટમાં ૧૫થી ૨૦ ગ્રામ જેટલા માખણનો સમાવેશ કરી શકે છે. એનાથી વિ​પરીત, બેઠાડુ જીવન જીવતા લોકોએ ૧૦ ગ્રામ અથવા એનાથી ઓછું માખણ ખાવું જોઈએ નહીંતર શરીરમાં ફૅટનું પ્રમાણ વધશે અને વજનમાં વધારો પણ ઝડપથી થશે. માર્કેટમાં યલો બટરમાં સોડિયમની હાજરી હોવાથી શરીરમાં સોડિયમનું સ્તર વધી શકે અને એમાં બીટા કેરાટિન હોય છે. તેની શેલ્ફ લાઇફ વધારવા માટે પ્રોસેસ કરવામાં આવે છે એથી યલો બટરને બદલે માખણ ખાવું વધુ યોગ્ય છે.’

ભગવાન કૃષ્ણ માખણચોર કેમ કહેવાયા?

કૃષ્ણની માખણલીલા વિશે એમ પણ કહેવાય છે કે મથુરાના રાજા અને કૃષ્ણના મામા કંસ લોકો પાસેથી ટૅક્સરૂપે દૂધ, ઘી, માખણ અને દહીં વસૂલતા હતા. આ વાત જ્યારે કૃષ્ણના કાને પડી ત્યારે તેઓ ગોપીઓની માખણ ભરેલી મટકીઓ ફોડીને ગોવાળિયાઓ સાથે માખણ ખાઈ જતા હતા, કારણ કે તેમને લાગતું હતું કે દૂધ અને એનાથી બનતી ચીજોના સાચા હકદાર વ્રજવાસીઓ છે. તેમને પોષણ મેળવવા માટે દૂધ, ઘી અને માખણ જરૂરી છે. આ જ કારણે તેમણે માખણલીલા કરીને કંસના બંધનમાંથી ગોકુળને મુક્ત કરવાના પ્રયાસ કર્યા. તેઓ જાણીજોઈને માખણ ઢોળીને ખાતા જેથી તેમના મિત્રો અને વાંદરાઓ પણ ખાઈ શકે અને તેમના શરીરને પોષણ મળે. ત્યારથી કૃષ્ણ માખણચોર કહેવાયા અને મંદિરમાં પ્રસાદી રૂપે તેમનું પ્રિય માખણ ધરાવાય છે.

માખણ વિશે આયુર્વેદ શું માને છે?

આયુર્વેદ ક્ષેત્રે ત્રણ દાયકાનો અનુભવ ધરાવતા આયુર્વેદિક એક્સપર્ટ ડૉ. નીતિન ગોરડિયા માખણના ફાયદા વિશે કહે છે, ‘સૌથી પહેલાં તો હું એ કહીશ કે માખણ એ બટર નથી. આયુર્વેદની ભાષામાં એને ‘નવનીત’ કહેવાય છે. નવનીત એટલે વલોવીને તરત જ કાઢેલું ફ્રેશ માખણ. હવે લોકો ઘરે માખણ બનાવતા નથી. બજારમાંથી રેડીમેડ માખણ લાવે છે. ફ્રેશ બનાવેલા માખણને ફ્રિજમાં રાખવાથી એના ગુણ બદલાઈ જાય છે. ફ્રિજમાં રાખવાની નોબત આવે તો જ્યારે એમાંથી બહાર કાઢો ત્નયારે રૂમ-ટેમ્પરેટર પર આવે ત્યારે તમે માખણન ખાઈ શકો છો. જોકે આમ તો ફ્રેશ માખણને આરોગવું સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. આ નવનીતનું સેવન ચારથી છ કલાકની અંદર જ કરવામાં આવે તો શરીરને અઢળક લાભ થાય છે. આયુર્વેદમાં માખણના ગુણોના વર્ણનમાં કહેવાયું છે કે એ મળને બાંધનારું છે. પાચકઅગ્નિ વધારનારું છે. માખણ એ કાનુડાને જેમ પ્રિય છે એમ હૃદયને પણ છે. એટલે કે

હાર્ટ-હેલ્થ માટે સૌથી સારું માનવામાં આવે છે. પાઇલ્સના રોગી અને પેટની સમસ્યા ધરાવતા લોકો માટે માખણના સેવનને શ્રેષ્ઠ માનવામાં આવે છે. કોઈને ભૂખ ન લાગવાની સમસ્યા હોય એને અરુચિ કહેવામાં આવે છે. આવા લોકોને પણ માખણ આરોગવાની સલાહ આપવામાં આવે છે, કારણ કે માખણમાં રહેલા ગુણો ભૂખ વધારે છે. માખણનું પ્રમાણ એટલું હોવું જોઈએ કે બીજા અન્નકાળ એટલે કે જમવાના બીજા ટાણા સુધી ભૂખ લાગી શકે. માખણ કેટલું ખાવું જોઈએ એ વ્યક્તિની શારીરિક પ્રવૃત્તિ પર આધાર રાખે છે. માખણ ખાધા પછી જો આળસ આવે તો કૅપેસિટી કરતાં વધુ સેવન થયું છે એમ માનવું.’

આયુર્વેદમાં માખણના ગુણો અને એની સાથે સંકળાયેલી વાતો જણાવતાં નીતિનભાઈ કહે છે, ‘શાસ્ત્રોમાં માખણને અનુપાન એટલે કે દવા પછી ખાવાની ભલામણ કરવામાં આવે છે. ઘણી વાર સહપાન એટલે કે દવા સાથે લેવાની પણ સલાહ અપાય છે. કેટલીક દવા બનાવતી વખતે એમાં માખણનો ઉપયોગ થાય છે. માખણ એ શરીર ઘટાડનારું તો નથી. એથી જો શારીરિક પ્રવૃત્તિ વધુ હોય તો હેવી ડાયટની સાથે માખણ ખાઈ શકાય છે. જોકે બેઠાડુ જીવન જીવતા લોકો તથા ગંભીર બીમારી ધરાવતા લોકોને માખણ ઓછું ખાવાની ભલામણ કરવામાં આવે છે. વલોણાથી બનતા માખણને તાવીને બનાવવામાં આવતું ઘી સ્વાસ્થ્યવર્ધક માનવામાં આવે છે અને એ સરેરાશ એક ચમચી ખાઈ શકાય છે છતાં કોઈ વધુ ગંભીર બીમારી હોય તો ડૉક્ટરની સલાહ લેવી.’

ગુણોથી ભરપૂર છે માખણ : વિધિ શાહ

નાનાં બાળકો માટે માખણ સર્વશ્રેષ્ઠ છે. બાળકોને

દિવસ દરમ્યાન ૧૫ ગ્રામ જેટલું માખણ ખવડાવવું જોઈએ. તેમના વિકાસમાં માખણ બહુ મહત્ત્વની ભૂમિકા ભજવે છે.

માખણમાં રહેલું ફૅટ માનસિક વિકાસ માટે ફાયદાકારક ગણવામાં આવે છે.

માખણમાંથી મળતું વિ​ટામિન-એ આંખોની દૃષ્ટિ સુધારે છે.

એમાં રહેલું વિટામિન-ડી હાડકાંને મજબૂત કરે છે.

માખણમાંથી મળતું વિટામિન-ઈ સ્કિન-હેલ્થ માટે સારું છે.

વિટામિન-કેથી ભરપૂર માખણ લોહીના પ્રવાહને નિયમિત કરવાનું તથા બ્લડ-ક્લોટ્સ ન થાય એ માટે કામ કરે છે.

health tips life and style columnists janmashtami