દેશી કરમદાં પણ છે કમાલનાં ગુણકારી

19 July, 2024 11:05 AM IST  |  Mumbai | Sameera Dekhaiya Patrawala

લાલ રંગનાં ખટમીઠાં ફળ કરવંદાં કે કરમદાં જેટલાં ગુણકારી છે એટલાં પ્રચલિત નથી. ચાલો આયુર્વેદ નિષ્ણાત પાસેથી જાણીએ આ દેશી ફળના ગુણધર્મો અને ફાયદા

દેશી લાલ કરમદાં

મૂળે અમેરિકન ફ્રૂટ ક્રૅનબેરી હવે તો ભારતમાં પણ સરળતાથી ઉપલબ્ધ થઈ રહ્યું છે. ક્રૅનબેરી મોટા ભાગે જુલાઈ, સપ્ટેમ્બરથી લઈ છેક નવેમ્બરના એકાદ અઠવાડિયા સુધી માર્કેટમાં દેખા દે છે. લોકો ન કેવળ એના સ્વાદને પસંદ કરે છે, પણ એના ઔષધીય ગુણોને લીધે હવે એને ઔષધી તરીકે પણ વાપરવા લાગ્યા છે. લોકો ઋતુ સિવાય પણ કેન્ડ ક્રૅનબેરી અને ડ્રાઇડ ક્રૅનબેરી તથા એના જૂસને પણ લે છે. પણ આ બોર જેવું દેખાતું નાનકડું ફળ એના વિદેશીપણા અને મોંઘી કિંમતને લીધે હજી પણ દરેક માટે હાથવગું નથી થતું. આવા વખતે લોકો ક્રૅનબેરીનો ભારતીય વિકલ્પ શોધતાં-શોધતાં એના જેવું ભળતું નામ ધરાવતાં દેશી ફળ ‘કરમદા’ સુધી પહોંચી જાય એની નવાઈ નહીં. જ્યાં એકાદ કિલો કરવંદાં લોકોને ૮૦થી ૧૦૦ રૂપિયામાં મળી જાય છે ત્યાં ૧ કિલો ડ્રાય ક્રૅનબેરીનો ભાવ લગભગ ૧૫૦૦ની આસપાસ જોવા મળે છે.

ક્રૅનબેરી જેવું જ દેખાતું પરંતુ દેશી ફળ કરમદાં ખૂબ ગુણકારી હોવા છતાં આપણે એને સાવ જ નજરઅંદાજ કર્યાં છે. કરમદાં કે કરવંદાં જેવા નામથી ઓળખાતું આ ફળ આયુર્વેદમાં ‘કરમદક’ તરીકે ઓળખાય છે. સ્વાદમાં મજેદાર આ ફળનાં અથાણાં, શરબત પણ મજેદાર છે અને એ ગુણમાં અકસીર હોય છે.

આયુર્વેદ નિષ્ણાત, ડૉ. નીતિન ગોરડિયા

દ્રવ્યગુણ નિષ્ણાત, ડૉ. રમણ મિસ્ત્રી

કરમદાંનું ઝાડ અને ફળ

લોકો આજકાલ ખોરાકના વિજ્ઞાન પ્રત્યે વધુ સતર્ક થતા જાય છે એવામાં કરમદાંની થાળીમાં હાજરી માત્ર જે-તે વાનગીના પોષણ અને સ્વાદમાં ઉમેરો કરે છે. આ વિશે દ્રવ્યગુણ વિજ્ઞાનના નિષ્ણાત અને રિટાયર્ડ પ્રોફેસર ડૉ. રમણ મિસ્ત્રી કહે છે, ‘કરમદાંને સંસ્કૃતમાં ‘કરમદક’ કહેવાય છે, એટલે કે એવું ફળ જેનાથી હાથમાં ચળ આવે છે. એનાં કાચાં ફળોમાંથી દૂધ જેવું દ્રવ્ય બહાર આવે છે. એને આયુર્વેદની ભાષામાં હૃદયનું ટૉનિક પણ કહેવાય છે. હૃદય માટે આ ફળ બહુ જ હિતકારી છે. એનો સ્વાદ થોડો ખાટો હોય છે. કોઈ પણ ખાટું ફળ હૃદયને બહુ જ ગુણકારી નીવડે છે. એટલે જ ગર્ભવતી સ્ત્રીઓને ગર્ભાવસ્થામાં ખાટું ખાવાની ઇચ્છા થાય છે. એના લીધે બાળકનું હૃદય સારું બને છે. કરમદાંનું વૃક્ષ નાના કદનું અને નાનાં ફળોવાળું કંટકીય ક્ષુપ હોય છે એવું જણાવતાં સાઉથ મુંબઈના પ્રખ્યાત આયુર્વેદ નિષ્ણાત ડૉ. નીતિન ગોરડિયા કહે છે, ‘એને કૅરિસા કૅરેન્ડાસ જેવું વૈજ્ઞાનિક નામ અપાયું છે. કરમદાંના પ્રકાંડને કાપવામાં આવે તો એમાંથી સફેદ ક્ષીર એટલે કે દૂધ નીકળે છે. એની શાખાઓ તેજ કાંટાવાળી હોય છે. જાન્યુઆરી-ફેબ્રુઆરીના પ્રારંભમાં એના પર નાના કદનાં સફેદ રંગનાં ફૂલો આવે છે. મે–જૂન સુધીમાં એનાં ફળો પુખ્ત થઈ ખાવાલાયક બને છે. જોકે એનાં કાચાં ફળો શાક, મુરબ્બો અને અથાણાં બનાવવા વપરાય છે. અમુક લોકો એની ચટણી પણ બનાવે છે.’

નવાઈની વાત એ છે કે આ ફળ સંપૂર્ણ ભારતીય હોવા છતાં ભારતમાં બીજાં ફળો જેટલું પ્રચલિત નથી. ભારતના રાજસ્થાન, ગુજરાત, ઉત્તર પ્રદેશ અને હિમાલયના વિસ્તારો અને વિશ્વમાં દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, મલેશિયા, શ્રીલંકા, બંગલાદેશ અને મ્યાનમારમાં જોવા મળે છે. કરમદાંને એક અઠવાડિયા સુધી ૧૩ ડિગ્રી સેન્ટિગ્રેડ તાપમાન અને ૯૫ ટકા ભેજ પર સંગ્રહિત કરી શકાય છે.

કરમદાંના ગુણો

કરમદાં વિટામિન, ખનિજો અને શક્તિનો સમૃદ્ધ સ્રોત છે. વિટામિન્સમાં વિટામિન A, C અને B સંકુલ, ફાઇબર, કાર્બોહાઇડ્રેટ અને કૅલ્શિયમ, ફૉસ્ફરસ, પોટૅશિયમ, સોડિયમ અને સલ્ફર જેવાં ખનિજો જોવા મળે છે. એમાં અઢળક ગુણો છે. શરીરના કોષોનું ઑક્સિડેશન થઈને એજિંગ સતત થતું હોય છે એ અટકાવવાની ક્ષમતા ધરાવતાં ઍન્ટિઑક્સિડન્ટ કરમદાંમાં ભરપૂર હોય છે. અલ્સર થયું હોય તો મટાડે એવી ઍન્ટિ-અલ્સર પ્રૉપર્ટી પણ છે. લિવર અને સ્વાદુપિંડની કાર્યક્ષમતા સુધારવાનું અને પ્રોટેક્ટ કરવાનું કામ કરમદાં કરે છે. ખટાશને કારણે ભરપૂર વિટામિન C એમાં હોય છે જે હૃદયમાંથી શરીરને પહોંચાડતી રક્તવાહિનીઓનું સ્વાસ્થ્ય સુધારે છે. મલેરિયા તેમ જ વાઇરલ જીવાણુઓ સામે રક્ષણાત્મક કવચ પૂરું પાડવાની ક્ષમતા એમાં છે. કરમદાં લોહતત્ત્વથી ભરપૂર હોવાને લીધે એનો ઉપયોગ એનીમિયાના ઉપચારમાં થાય છે. સૂકાં કરમદાંમાં લોહતત્ત્વ ૩૯.૧ ટકા જોવા મળે છે જે ખજૂરના ૧૦.૬ ટકા કરતાં પણ વધારે છે.

પચવામાં ઉત્તમ

કરમદાંનાં પાકાં ફળ પચવામાં સારાં હોય છે એવું જણાવતાં ડૉ. નીતિન ગોરડિયા કહે છે, ‘પાકાં ફળો પ્રકૃતિમાં ગરમ હોય છે. જોકે ખાટાંમીઠાં અને રુચિકર હોય છે એટલા માટે ભૂખ વધારે છે. એના લીધે વાયુ અને મળની નીચે તરફ ગતિ થવાને લીધે એ વાતનાશક પણ છે અને મળનું ભેદન કરનાર પણ છે. આ સિવાય એનામાં તરસ છિપાવવાનો ગુણ છે. કાચાં કરમદાં પિત્તવર્ધક હોય છે. પાકાં કરમદાંને સૂકવીને વાપરવામાં આવે તો એની પિત્ત પ્રકૃતિ નાશ પામે છે. આમેય પાકાં કરમદાં નુકસાન નથી કરતાં. મોટા ભાગે મેથી જુલાઈમાં ખાટાં ફળો પાકી જતાં હોય છે.’

કરમદાંનો બીજો ગુણ જણાવતાં ડૉ. રમણ કહે છે, ‘કરમદાંમાં પુષ્કળ પ્રમાણમાં આયર્ન હોવાને લીધે એ બ્લીડિંગ ડિસઑર્ડર, જેને આયુર્વેદની ભાષામાં રક્તપિત્ત કહેવાય છે (લેપ્રસીવાળું નહીં) એમાં ખાસ ખાવાની સલાહ અપાય છે. એના મુરબ્બા અને અથાણાં બહુ વપરાય છે. આવું કરવાનું એક કારણ એ પણ છે કે એને ઓછી માત્રામાં કે ચોક્કસ માત્રામાં જ ખાવાનું છે.’

આ વાત સાથે સહમત થતાં ડૉ. નીતિન કહે છે, ‘આમ તો કોઈ પણ વસ્તુમાં અતિ નુકસાન કરે છે. કરમદાં પણ એવી વસ્તુ છે. એને થાળી ભરી નથી ખાવાનું. કાચાં કરમદાં પચવામાં બહુ જ ભારે હોય છે. પાકાં ફળો પચવામાં હળવાં છે અને ગરમી પણ ઓછી કરે છે. એ લિવરના રોગો, વાયુના રોગો અને સ્કર્વીના રોગ (ગમ્સનું બ્લીડિંગ)માં વધુ અસરકારક સાબિત થાય છે.’

કરમદાં વિશે જાણવા જેવું
•    રંગ : કરમદાંનો રંગ સફેદ, સ્યાહી જેવો જાંબલી, ચમકદાર અને લીલો હોય છે.
•    સ્વાદ : કરમદાંનાં પાકાં ફળ સ્વાદમાં ખાટાંમીઠાં અને કાચાં ફળ એકદમ ખાટાં 
હોય છે.
•    સ્વભાવ : કરમદાંનાં ફળ ખાવામાં ગરમ પ્રકૃતિનાં હોય છે.
•    હાનિકારક : કરમદાંનાં કાચાં ફળ પિત્ત અને કફને ઉભારે છે.
•    દોષો દૂર કરનાર : કરમદાંમાં વ્યાપ્ત દોષોને નમક, મરચાં અને મીઠા પદાર્થ ઉમેરીને દૂર કરી શકાય છે.

વિદેશી ક્રૅનબેરીના ઔષધીય ગુણધર્મો

કરમદાંને મળતું આવતું ક્રૅનબેરી પણ મૉડર્ન મેડિસિનમાં બહુ વખણાયું છે. ક્રૅનબેરીના રસ અને ક્રૅનબેરીના અર્ક પરના અભ્યાસો પરથી એના અનેક લાભો થતા આવ્યા છે. આ વિશે ડૉ. નીતિન કહે છે, ‘ક્રૅનબેરી બોર કુળનું હોઈ એમાં બોરના ગુણધર્મો હોઈ શકે છે. એ ગરમીમાં થાય છે એટલે શરબત વગેરે ગરમીના નાશ માટે વાપરે છે. એમાં ઍન્ટિઑક્સિડન્ટ્સ જોવા મળે છે. ક્રૅનબેરી રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરી શકે છે, ડાયાબિટીઝ ધરાવતા લોકોમાં બ્લડ-શુગર ઘટાડે છે અને કૅન્સર, હૃદયરોગ, પેટનાં અલ્સર, પોલાણ અને પેઢાંના રોગ સામે રક્ષણ આપે છે.’
આ વાત સાથે સહમત થતાં ડૉ. રમણ કહે છે, ‘ડાયાબિટીઝવાળાને પણ આ સજેસ્ટ કરવામાં આવે છે. ડાયાબિટીઝવાળાને એવાં ફ્રૂટ કે જેમાં લવણ (મીઠું) નથી હોતું એ સજેસ્ટ કરાય છે. ભૂખ્યા પેટે આ ફળો લાભકારી રહે છે.’

health tips gujarati mid-day ayurveda