તમારાં દાદા-દાદીઓને કાળા તલ અચૂક ખવડાવો

19 October, 2022 04:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પચાસ વર્ષ પછીથી હાડકાંનો ઘસારો શરૂ થઈ જાય છે અને ૬૦ની એજ પછી તો હાડકાં ગળવા લાગે છે. આવતી કાલે વિશ્વ ઑસ્ટિઓપોરોસિસ દિવસ છે ત્યારે જાણીએ કે હાડકાં ગળીને ચાળણી જેવાં કરી નાખતી આ સમસ્યાને પ્રિવેન્ટ કરવા માટે શું થઈ શકે

તમારાં દાદા-દાદીઓને કાળા તલ અચૂક ખવડાવો

ઉંમર થાય એમ હાડકાં તો ઘસાય... 

યસ, આ વાત સાચી છે, પણ એ જ બ્રહ્મસત્ય નથી. તમે ધારો તો એનો ઘસારો અટકાવી શકો છો. આપણાં દાદા-દાદીઓના જમાનામાં વડીલો સિત્તેર-એંસીની વય વટાવતા ત્યારે ઑસ્ટિઓપોરોસિસની સમસ્યા દેખા દેતી, પણ હવે તો ચાળીસ-પિસ્તાળીસ વર્ષે પણ હાડકાં નબળાં પડવાથી સાંધાના દુખાવા થાય છે અને ફ્રૅક્ચર થવાની સંભાવના વધી જાય છે. ત્રીસ વર્ષ પછી હાડકાંને ફરીથી મજબૂત કરવાનું સંભવ નથી બનતું, પણ હા, એની સ્ટ્રેંગ્થને જાળવી રાખવાનું શક્ય છે. પહેલાંના જમાનામાં ઑસ્ટિઓપોરોસિસની સમસ્યા ઓછી હતી એનું મુખ્ય કારણ હતું સાદી અને શુદ્ધ જીવનશૈલી. એ વખતે ટેસ્ટી ફૂડના નામે જન્ક ફૂડ નહોતું. ડાયટના નામે કુપોષિત આહાર નહોતો. વાઇટ કૉલર જૉબના નામે બેઠાડુ જીવનની આદત નહોતી. શ્રમવાળું કામ કરીને શરીર સતત કસાયેલું રહેતું અને જેમાંથી પોષણ મળે એવો સાદો ખોરાક લેવામાં આવતો. ચાલો, જૂનામાં શું હતું જે આજે પણ આપણી જીવનશૈલીમાં હોવું જ જોઈએ કે જેથી હાડકાં ગળવાની તકલીફ પ્રિવેન્ટ થઈ શકે એ જોઈએ. 

આહારશૈલી 

ભોજનમાં કૅલ્શિયમ મળે એવી ચીજોનો ઉપયોગ કરવો. સીડ્સ એટલે કે તેલીબિયાંનો ઉપયોગ વધારવો. કાળાં તલ કૅલ્શિયમનો ઉત્તમ સોર્સ છે. રોજ સવારે નરણા કોઠે બે ચમચી કાળા તલ ચાવી-ચાવીને ખાવા અને એ પછી થોડીક કસરત કરવી. કૅલ્શિયમવાળી ચીજોનું સેવન કર્યા પછી હંમેશાં હળવી શારીરિક મૂવમેન્ટનો ઉમેરો કરવો. એનાથી આહારમાં લીધેલી ચીજોમાંથી કૅલ્શિયમ સુપાચ્ય બને છે. એ ઉપરાંત અળસી, કોળાંનાં બીજ, શક્કરિયાં જેવી ચીજો પણ લઈ શકાય. કાળા તલની ચિક્કી બપોરના નાસ્તામાં સમાવવી, જે પોષણ પણ આપશે અને ભૂખ પણ મિટાવશે. જો શક્ય હોય તો રોજ રાતે પાંચ બદામ પલાળવા મૂકવી અને સવારે એનું પાણી કાઢીને ચાવીને ખાઈ જવી. ભોજનમાં ગાયના દૂધનો સમાવેશ કરવો. દૂધ પચવામાં તકલીફ થતી હોય તો એમાં સૂંઠ અને ગંઠોડા નાખીને લેવું. ગાયના દૂધમાંથી દહીં અને છાશ બનાવીને પણ લેવાં. એમાં સુપાચ્ય કૅલ્શિયમ અને પ્રોટીન મળે છે જે હાડકાં અને મસલ્સને પોષે છે. બીજું, ભોજનમાં લીલાં પાનવાળી ભાજીઓનો સમાવેશ કરવો. મેથી અને તાંદળજો આ બાબતમાં સૌથી પોષક કહેવાય છે.

બીજું, ભોજનમાં ગાયનું ઘી અથવા તલના તેલનો ઉપયોગ જરૂર કરવો. ગાયનું ઘી સાંધામાં સ્નિગ્ધતા પૂરી પાડવાનું કામ કરે છે.

વિહારશૈલી 

કૅલ્શિયમ પચાવવા વિટામિન ડીની જરૂર પડે છે. એટલે વહેલી સવારે એટલે કે નવ વાગ્યા પહેલાં કૂણો તડકો ડાયરેક્ટ ત્વચા પર પડે એ રીતે બેસવું. રોજ ઓછામાં ઓછું અડધો કલાક કૂણા તડકામાં બેસવું. 

હાડકાં ત્યારે જ મજબૂત રહે જ્યારે એની મજબૂતાઈ સતત જળવાય એવી ઍક્ટિવિટી થાય. એ માટે ચાલવું, યોગ અને પ્રાણાયામ કરવા. જો હાડકાં નબળાં પડવાની શરૂઆત જ હોય તો 
તમે તલના તેલનો મસાજ કરીને એક્સરસાઇઝ કરવાનું રાખો.

આટલું તો ન જ કરવું

જન્ક ફૂડ અને સૉફ્ટ ડ્રિન્ક્સ હાડકાંના સૌથી મોટા દુશ્મન છે. સૉફ્ટ ડ્રિન્ક્સ શરીરમાંથી કૅલ્શિયમનું ધોવાણ કરે છે. 
ખોરાકમાં વધુપડતું સૉલ્ટ કે પ્રિઝર્વેટિવ્સવાળી ચીજો ન લેવી. એમાં સોડિયમનું પ્રમાણ વધુ હોય છે જે શરીરમાંના કૅલ્શિયમને ઓગાળે છે.

columnists health tips dr ravi kothari