કિતના તીખા બહુત તીખા હોતા હૈ?

27 June, 2024 07:37 AM IST  |  Mumbai | Laxmi Vanita

જાણીએ કે કેટલું તીખુ ખાઈએ તો સ્વાસ્થ્યને કોઈ ફરક નથી પડતો

પ્રતીકાત્મક તસવીર

પશ્ચિમી દેશો મસાલાયુક્ત ફૂડ પર ‘સ્વાસ્થ્ય માટે હાનિકારક’નું લેબલ લગાવીને હવે પ્રતિબંધ મૂકી રહ્યા છે. હાલમાં જ જૅપનીઝ-કોરિયન રામન નૂડલ્સને અતિશય તીખા કહીને ડેન્માર્કે એના પર પ્રતિબંધ મૂક્યો. જ્યારે આ નૂડલ્સ ભારતીય યુવાનોની ખાણીપીણીમાં પ્રચલિત થઈ રહ્યા છે ત્યારે જાણીએ કે કેટલું તીખુ ખાઈએ તો સ્વાસ્થ્યને કોઈ ફરક નથી પડતો!

 

તાજેતરમાં ચર્ચા હતી કે વિદેશમાં ભારતીય મસાલાની એક ચોક્કસ બ્રૅન્ડની નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો કારણ કે ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્‌મિનિસ્ટ્રેશન એટલે કે આહાર કેટલો સ્વાસ્થ્યવર્ધક છે એ નક્કી કરતી સંસ્થા) પ્રમાણે એ સ્વાસ્થ્ય માટે બહુ જ નુકસાનકારક હતા; જ્યારે કે ભારતીયો એ જ મસાલા વર્ષોથી તેમના આહારમાં લઈ રહ્યા છે. આ ચર્ચા હજી ઠંડી થઈ નથી કે ગયા અઠવાડિયે સમાચાર આવ્યા કે ડેન્માર્કે કોરિયન નૂડલ્સ (રામન), જે અત્યારે ભારતમાં ધૂમ મચાવી રહ્યા છે જેના પગલે મૅગીએ રામન નૂડલ્સ લૉન્ચ કરવા પડ્યા, પર પ્રતિબંધ મૂક્યો કારણ કે એ બહુ જ તીખા હોય છે. સામે કોરિયન ઑથોરિટીએ તેમના બચાવમાં કહ્યું કે લોકો માટે એ હેલ્ધી છે અને દરેકની તીખાશ પચાવવાની ક્ષમતા જુદી હોય છે. આખું કોરિયા તીખા-તમતમતા નૂડલ્સ ખાઈ રહ્યું છે અને ભારતમાં પણ યુવાનો આ તીખાશને માણી રહ્યા છે. સામાન્ય ધારણા એવી છે એશિયન લોકોની તીખું પચાવવાની ક્ષમતા પશ્ચિમી દેશોના લોકો કરતાં વધારે હોય છે ત્યારે આપણે એ જાણીએ કે ભારતીયો કેટલું તીખું ખાઈ શકે છે અને કેટલી હદ સુધી તીખું ખાઈએ તો સ્વસ્થ રહી શકીએ.

આપણે કેમ વધારે તીખું ખાઈ શકીએ?

અમેઝિંગ ડાયટ ફૅક્ટ્સ ઍન્ડ કૅલરી નામની બુકનાં ઑથર, ડાયટ અને ઓબેસિટી કન્સલ્ટન્ટ અને ન્યુટ્રિશનિસ્ટ મેઘના પારેખ કહે છે, ‘ભારત એના મરીમસાલા માટે જાણીતું છે. આપણે અહીં બાળપણમાં જ બાળકોના આહારમાં થોડા-થોડા સ્પાઇસ આપવાનું શરૂ કરી દઈએ છીએ. આપણું પાચનતંત્ર પહેલેથી જ ટેવાઈ જાય છે. આ જ બાબત એશિયન દેશોને લાગુ પડે છે. આપણી રસોઈમાં લાલ અને લીલું મરચું એમ બન્ને વપરાય છે. લીલાં મરચાંમાં તો સ્વાસ્થ્યવર્ધક ગુણો પણ હોય છે. એમાં વિટામિન Cની હાજરી છે અને જ્યારે વ્યક્તિ તીખું ખાય ત્યારે એન્ડોર્ફિન નામના હૉર્મોનનો સ્રાવ થાય છે. આ હૉર્મોન હૅપી હૉર્મોન છે એટલે વ્યક્તિને મજા આવે એટલે તે વારંવાર ખાય છે. એક પ્રકારે ઍડિક્ટિવ ફૂડ છે. જો તમે હેલ્ધી ડાયટ અનુસરો છો તો કોરિયન નૂડલ્સ પંદર દિવસ કે મહિનામાં એક વાર ખાવામાં વાંધો ન આવે, પણ એ તમારા નિયમિત આહારનો પર્યાય બની જાય તો શરીરને સહન કરવું પડે.’

તીખાશને સમજીએ

કોઈ પણ ડાયટની મર્યાદા અને એના ગુણધર્મો વિશે મેઘના કહે છે, ‘મરચાંમાં કૅપ્સેસિન નામનો ઘટક હોય છે જેની સક્રિયતાને કારણે તીખાશ ઉત્પન્ન થાય છે. તીખું ખાવાની જે સાઇડ-ઇફેક્ટ થાય છે એ આ ઘટકને કારણે જ થાય છે. કૅપ્સેસિન ગળામાં અને મોઢામાં બહુ જ ઉષ્મા ઉત્પન્ન કરે છે. એનાથી ઘણા લોકોને મજા આવે છે અને ઘણા લોકો માટે આ પેઇનફુલ બની રહે છે. જે લોકોને ગમે તેમના માટે તીખું ખાવું એક ઍડ્વેન્ચર છે અને જેમને ન ગમે તેમના માટે તેમના શરીરમાં આ ઘટકની માત્રાથી બેચેની ઊભી થાય છે. તેમની આંખમાંથી પાણી નીકળી જાય છે અને ગાલ લાલ થઈ જાય છે. આ ચિહ્‌નો દર્શાવે છે કે તમારી તીખું ખાવાની ક્ષમતા કેટલી હદ સુધીની છે. પેટ કે આંતરડાંની અંદરની દીવાલને વધારે બળતરા ઉત્પન્ન કરે એના કારણે પેટમાં ઍસિડ પેદા થાય છે અને મોટા ભાગના લોકો તીખું ખાધા પછી ઍસિડિટીની ફરિયાદ કરે છે. આપણું ભોજન વધારે ઍસિડિક થઈ જાય ત્યારે સ્ટમક ક્રૅમ્પ થાય છે, જેનાં ચિહ્નો એકદમ માઇલ્ડથી સિવિયર થઈ શકે છે. એમ કહેવું ખોટું છે કે આપણે સૌથી વધારે તીખું ખાઈ શકીએ, કારણ કે આજ સુધી તીખાશની એવી કોઈ ચોક્કસ મર્યાદા જે બધાને જ લાગુ પડે એવી સ્ટાન્ડર્ડાઇઝ નથી થઈ. દરેક વ્યક્તિનું પાચનતંત્ર અલગ-અલગ ઇમ્યુનિટી ધરાવે છે.’

તીખાશનો તફાવત

તીખામાં પણ સારા-નરસાનો ભેદ હોય છે. એ વિશે સમજાવતાં મેઘના કહે છે, ‘કુદરતી અને આર્ટિફિશ્યલ તીખાશમાં ફરક હોય છે. જેમ કે તમે મરચું, આદું, મરી, લવિંગ આ બધા તીખા મસાલાથી વાકેફ છો અને એના ગુણધર્મો શરીરને નુકસાન નથી કરતા તેમ જ મહદ અંશે એ ફાયદાકારક છે, જ્યારે આર્ટિફિશ્યલ તીખાશની વાત કરીએ તો વધુ માત્રામાં ખાવાથી એ શરીરને નુકસાન કરે છે. હાલ માર્કેટમાં મળતા કોરિયન નૂડલ્સની વાત કરીએ તો એમાં તીખા મસાલાના રૂપમાં ગોચુજંગ પેસ્ટ - જે રાઇસ, સોયાબીન અને મરચીની પેસ્ટનો આથો લાવીને બનાવવામાં આવે છે - એનો ઉપયોગ કરવામાં આવે છે (માર્કેટમાં 2X, 3X સ્પાઇસી નૂડલ્સ મળે છે જેનાથી કદાચ માથાના વાળ ઊભા થઈ જાય એટલા તીખા હોય). હવે કોઈ પણ પૅકેજ્ડ ફૂડ ગમે એટલું બોલે કે નૅચરલ પદ્ધતિથી બનાવવામાં આવ્યું છે અને હેલ્ધી છે તો પણ એ અંતે તો પૅકેજ્ડ ફૂડ જ છે. પ્લસ નૂડલ્સ એટલે એની બનાવટને જન્ક ફૂડની શ્રેણીમાં જ મૂકી શકાય. એમાં પ્રોટીન, વિટામિન કે હેલ્થને લગતાં તત્ત્વો નથી જ. ટૂંકમાં કહેવાનું એટલું જ કે કોઈ પણ વસ્તુ મર્યાદામાં ખાવામાં નુકસાન નથી કરતી, પછી ભલે બહારની પણ ખાઓ. જ્યારે તમારા શરીરમાં તીખાશનું પ્રમાણ અતિશય વધી જાય ત્યારે પાચનતંત્રની સ્થિતિ કફોડી થઈ જતી હોય છે. આપણા પાચનતંત્રમાં ફૂડપાઇપ અને પેટની વચ્ચે ઇસોફેગલ સ્પિંક્ટર હોય છે. જો વધારે પડતું તીખું ખાઈએ તો એ સ્પિંક્ટરનો વાલ્વ ઢીલો થઈ જાય છે. એટલે એ વાલ્વ એક જ બાજુ ખૂલે છે. અતિશય તીખું ખાવાથી સ્પિંક્ટરની કાર્યક્ષમતા પણ નબળી પડી જાય, જેનાથી એ પાચનતંત્રના દરેક તબક્કામાંથી આહાર પસાર થતાં ડાયરેક્ટ પેટમાં જાય. પરિણામે પેટમાં વધારે ઍસિડ પેદા થાય જેના કારણે ગૅસ્ટ્રો, ડાયરિયા, GERD (ગૅસ્ટ્રો ઇસોફેગલ રિફ્લક્સ ડિસીઝ - એટલે ખાવાનું પચે નહીં અને વારે-વારે ગળા સુધી આવે અને એકદમ બેચેની લાગે એ પરિસ્થિતિ) આ બધી સમસ્યાઓ શરૂ થઈ જાય. મારી એક સલાહ એ જ કે બાળકોને નાની ઉંમરે અતિશય તીખા આહારથી ઇન્ટ્રોડ્યુસ ન કરવાં જોઈએ. તેમ જ હાઈ બ્લડ-પ્રેશર ધરાવતા લોકો, પ્રેગ્નન્ટ મહિલાઓ અને સ્તનપાન કરાવતી માતાઓએ વધારે તીખો આહાર ન લેવો જોઈએ.’

health tips life and style columnists