અચાનક જ કશું ખાધા પછી ઍલર્જી થઈ જાય તો શું?

04 September, 2024 01:46 PM IST  |  Mumbai | Krupa Jani

ત્વચા પર લાલ ચકામાં થઈ જાય, ખંજવાળ આવે, શ્વાસ લેવામાં મુશ્કેલી થાય તો આ લક્ષણોથી ચેતો

પ્રતીકાત્મક તસવીર

મોટા ભાગે વ્યક્તિનું બંધારણ જ એવું હોય કે બાળપણથી જ અમુક ફૂડ-પ્રોડક્ટ્સ ન સદે, પણ અમુક કેસ એવા પણ બને છે જેમાં ટીનેજ, યંગ એજ કે પછી પાછલી વયે અમુક-તમુક ચીજની ઍલર્જી ડેવલપ થાય છે. આવા સમયે ઍલર્જીને નજરઅંદાજ કરવાની ભૂલ કેમ નથી કરવા જેવી એ આજે સમજી લો

તાજેતરમાં લંડનમાં કોસ્ટા કૉફી શૉપમાંથી હૉટ ચૉકલેટ પીધા પછી ૧૩ વર્ષની ટીનેજરનું ઍલર્જિક રીઍક્શનને કારણે મૃત્યુ થયું હતું. ૨૦૨૩માં કૅનેડામાં પણ આવો જ એક કિસ્સો બનેલો, જેમાં ૧૨ વર્ષની છોકરીને સૂપ પીધા બાદ હૉસ્પિટલમાં દાખલ થવું પડ્યું. તે છોકરીએ લેબલ વાંચ્યા વગર પૅકેજ્ડ સૂપ પી લીધું હતું. એ સૂપમાં અખરોટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેના કારણે તેને તાત્કાલિક રીઍક્શન થતાં તે કોમામાં સરી પડી હતી.

૩૦ વર્ષની નિશાને સ્કિન પર અચાનક લાલ ચકામાં થવાથી તે તેના ફૅમિલી ડૉક્ટર પાસે ગઈ. તો  તેને કોઈ ફૂડની ઍલર્જી થઈ હોવાનું નિદાન થયું. શાની ઍલર્જી થઈ છે એ જાણવા એક બ્લડ રિપોર્ટ કરાવ્યો તો ખબર પડી કે મગફળીની ઍલર્જી છે. નવાઈની વાત એ હતી કે નિશાને નાનપણથી શિંગની ચિક્કી બહુ ભાવે, પણ આ અગાઉ તેને શિંગની ઍલર્જી હોવાનો અનુભવ ક્યારેય થયો નહોતો. આ કિસ્સાઓ દર્શાવે છે કે ફૂડ-ઍલર્જી ક્યારેક અચાનક પણ શરૂ થઈ શકે છે અને એની અવગણના જીવલેણ પણ સાબિત થઈ શકે છે.

ઍલર્જી કેમ થાય છે?

આપણા શરીરમાં કોઈ પણ બહારનો વાઇરસ, બૅક્ટેરિયા, ફંગસ, જીવાણુ કે ફૉરેન પાર્ટિકલ અંદર જાય તો શરીરની રોગપ્રતિકારક સેના સાબદી થઈ જાય. શરીર માટે હાનિકારક ચીજોને એ માત આપવા કાર્યરત થઈ જાય. એ જ કારણ છે કે વાઇરસ શરીરમાં ઘૂસે તો તરત તાવ આવે અને શરીર રીઍક્શન આપે છે. અલબત્ત, આ આપણા ભલા માટે જ હોય છે. જોકે ક્યારેક આપણી રોગપ્રતિકારક સિસ્ટમમાં ગરબડ થઈ જાય છે અને એ શરીર માટે બિનહાનિકારક હોય એવી ચીજને પણ શત્રુ માનીને હુમલો કરી બેસે છે. આ હુમલો થાય ત્યારે જે લક્ષણો દેખાય છે એને આપણે ઍલર્જિક રીઍક્શન કહીએ છીએ. આધુનિક જીવનશૈલી અને પર્યાવરણીય ફેરફારો, ફાસ્ટ ફૂડ પર આધાર રાખવો અને ખેતી માટે ઉપયોગમાં લેવાતા ફર્ટિલાઇઝર કે પેસ્ટિસાઇડ્સ વગેરેને કારણે આપણી ઇમ્યુન સિસ્ટમમાં ગરબડ થવાથી ફૂડ-ઍલર્જીના દરદીઓનું પ્રમાણ વધી રહ્યું છે.

ઍલર્જિક રીઍક્શન એટલે શું?

શરીરને કોઈ ખાદ્ય પદાર્થની ઍલર્જી થાય છે ત્યારે આપણી ઇમ્યુનિટી સિસ્ટમ એ પદાર્થને શરીરમાંથી દૂર કરવા કામે લાગે છે અને ઍલર્જીના વિરોધમાં ઍન્ટિબૉડી બનાવે છે એમ સમજાવતાં બોરીવલીની પંડ્યા હૉસ્પિટલના કન્સલ્ટન્ટ સર્જ્યન ડૉ. ભરત પંડ્યા કહે છે, ‘લગભગ ચાર ટકા પુખ્ત વયના લોકોને ફૂડ-ઍલર્જી હોય છે. જ્યારે બાળકોમાં આનું પ્રમાણ થોડું વધુ (આશરે છ ટકા) જોવા મળે છે. ૪૦ વર્ષની કરીઅરમાં મેં અનેક દરદીઓને ટ્રીટ કર્યા છે. ફૂડ ઍલર્જી કરતાં ફૂડ-ઇન્ટૉલરન્સના (ખોરાક અસહિષ્ણુતા) દરદીઓ વધુ આવે છે. એક દરદી મારી પાસે શ્વાસ લેવામાં તકલીફની સમસ્યા લઈને આવેલો અને ખરેખર તેને ઝિંગા માછલીનું ઍલર્જિક રીઍક્શન હતું.’ 

શાની ઍલર્જી થાય?

ઈંડાં, મગફળી, કાજુ, બદામ, વૉલનટ, હેઝલનટ, પિસ્તાં જેવાં નટ્સ, દૂધ અને દૂધના પદાર્થો, સોયા, ઘઉં, માછલી, શેલફિશ અને તલથી ઍલર્જી થતી હોય છે. આમાંથી કોઈ પણ ચીજ જીવલેણ ઍલર્જિક રીઍક્શનનું કારણ પણ બની શકે છે એમ જણાવતાં ડૉ. ભરત પંડ્યા કહે છે, ‘સાધારણ ફૂડ-ઍલર્જીમાં શરીર પર ઝીણી લાલ ફોડલીઓ, ચાઠાં કે ચકામાં થઈ જાય છે. હોઠ સૂઝી જવા, શ્વાસ લેવામાં તકલીફ પડવી અથવા આંખો લાલ થઈ જવી એ પણ ફૂડ-ઍલર્જીનાં સામાન્ય લક્ષણો છે. ગંભીર કિસ્સાઓમાં દરદીને તત્કાલિક હૉસ્પિટલમાં દાખલ કરવા પડે છે.’

નિદાન અઘરું છે

આ સંદર્ભે વાત કરતાં કાંદિવલીનાં જનરલ ફિઝિશ્યન ડૉ. મૈત્રી જાની કહે છે, ‘ભારતીયો જન્મજાત ફૂડી છે. લગ્નપ્રસંગ હોય કે બર્થ-ડે પાર્ટી, આપણે જુદા-જુદા પ્રકારના ફૂડ ગ્રુપની વાનગીઓ બિન્દાસ એકસાથે આરોગીએ છીએ. પણ આમ બધા પ્રકારનો આહાર એકસાથે લેવાથી ફૂડ-ઍલર્જી થઈ શકે છે એ વાત બહુ ઓછા લોકો જાણે છે. મોટા ભાગના દરદીઓને તેમને શેની ઍલર્જી છે એ ખબર હોતી નથી. ઇન શૉર્ટ, તેમની ઍલર્જીનું નિરાકરણ કરતાં પહેલાં એ શેના કારણે થઈ એ શોધવાનું સહેલું નથી. ફૂડ અને ડ્રગ ઍલર્જી ટેસ્ટ કરાવે નહીં ત્યાં સુધી જાણવું મુશ્કેલ પડે કે એક્ઝૅક્ટ્લી વ્યક્તિને શેની ઍલર્જી છે. આ બ્લડ ટેસ્ટમાં ૭૨-૯૦ પૅરામીટરના આધારે ફૂડ કે ડ્રગ્સની ઍલર્જી ચેક કરવામાં આવે છે. ઇમ્યુનોગોબ્યુલિન E (IgE) લેવલ પણ આ ટેસ્ટમાં આવરી લેવાય છે.’

જનરલ ફિઝિશ્યન ડૉ. મૈત્રી જાની

ફૂડ-ઍલર્જી સાબિત થઈ શકે છે જીવલેણ

કોઈ પણ ફૂડને કારણે થતું ઍલર્જિક રીઍક્શન અતિ ગંભીર સ્થિતિ છે. જ્યારે ઍલર્જિક વ્યક્તિ ફૂડ ઍલર્જન સાથે સંપર્કમાં આવે છે ત્યારે શરીર એક ઍન્ટિબૉડી પ્રોટીન છોડે છે જે શરીરનાં વિવિધ અંગો પર માઠી અસર કરી શકે છે તેમ જ અમુક કેસોમાં જીવલેણ પણ સાબિત થઈ શકે છે. એ સમજાવતાં ડૉ. ભરત પંડ્યા કહે છે, ‘જો વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય, છાતીમાં ગભરામણ થતી હોય, શરીર પર ફોડલી કે ચકામાં ઊપસી આવે, પગ, હોઠ કે ગળામાં સોજો જણાય તો તમારે તરત જ નજીકના ડૉક્ટરને દેખાડવું જોઈએ; કારણ કે અમુક ઍલર્જી થોડા કલાકોમાં જીવલેણ પણ સાબિત થઈ શકે છે. તેથી કોઈ પણ ઍલર્જિક રીઍૅક્શનને નજરઅંદાજ કરવું ન જોઈએ.’

સર્જ્યન ,, ડૉ. ભરત પંડ્યા

સારવાર અનિવાર્ય

ડૉ. મૈત્રી ઉમેરે છે, ‘ફૂડ-ઍલર્જીની યોગ્ય અને સમયસર સારવાર અનિવાર્ય છે. ફૂડ-ઍલર્જીનો મુખ્ય ઉપાય એ છે કે જે ફૂડથી ઍલર્જી થાય છે એની આહારમાંથી બાદબાકી કરવી. પણ આ માટે ટેસ્ટ અનિવાર્ય છે. ઍલર્જી થઈ હોય ત્યારે દરદીને ઍન્ટિ-ઍલર્જન્ટ આપવામાં આવે છે. આ દવાઓ શરીરની રોગપ્રતિકારક શક્તિને ધીમી કરી નાખે છે જેથી પેલું ઍન્ટિજન બનતું નથી અને શરીર પર ઍલર્જિક રીઍક્શન ઓછાં આવે છે અથવા આવતાં જ નથી. અમે ત્યાર બાદ પેશન્ટને ઓછી માત્રામાં દરેક કૅટેગરીનું ફૂડ આરોગવા કહીએ અને દરદીને શાની ઍલર્જી છે એ શોધવા પ્રયન કરીએ છીએ. ઘણી વાર એકથી વધુ ખાદ્ય પદાર્થોની પણ વ્યક્તિને ઍલર્જી હોય છે. જો કોઈ વ્યક્તિને અમુક પદાર્થોની ગંભીર ઍલર્જી હોય તો અમે તેમને દવા તેમ જ એપિનેફ્રિન ઇન્જેક્શન (ઈપી-પેન) પણ સાથે રાખવાની સલાહ આપીએ છીએ જેથી તેમને ઇમર્જન્સી પરિસ્થિતિમાં તરત જ સારવાર મળી શકે. મારા મતે Precaution is always better than cure. ફૂડ-ઍલર્જી એક ગંભીર અને અમુક કિસ્સાઓમાં જીવલેણ સમસ્યા છે. પરંતુ જાગૃતિ, સાવધાની અને યોગ્ય ઉપચાર દ્વારા એનું સંચાલન શક્ય છે.’

ફૂડ-ઇન્ટૉલરન્સ v/s ફૂડ-ઍલર્જી  

ચોક્કસ ફૂડ પ્રત્યે શારીરિક રીઍક્શનો સામાન્ય છે, પરંતુ મોટા ભાગના રીઍક્શન ફૂડ-ઍલર્જીને બદલે ફૂડ-ઇન્ટૉલરન્સ (ખોરાક અસહિષ્ણુતા)ને કારણે થાય છે. ફૂડ-ઇન્ટૉલરન્સ અને ફૂડ-ઍલર્જીમાં મોટા ભાગે સમાન લક્ષણો જોવા મળે છે, જે કારણે લોકો કન્ફ્યુઝ રહે છે. ફૂડ-ઍલર્જી રોગપ્રિતકારક તંત્ર (ઇમ્યુન સિસ્ટમ)ને અસર કરે છે. ઍલર્જીમાં ખોરાકનું માત્ર થોડું પ્રમાણ પણ વિવિધ લક્ષણોને ઉશ્કેરે છે, જે ગંભીર અથવા જીવલેણ સાબિત થઈ શકે છે. એનાથી વિપરીત, ફૂડ ઇન્ટૉલરન્સ સામાન્ય રીતે ફક્ત પાચનતંત્રને અસર કરે છે અને એનાં લક્ષણો ઓછાં ગંભીર હોય છે.

 
લેબલ વાંચો
ખોરાકની ખરીદી કરતી વખતે પૅકેજ પરનાં લેબલ અવશ્ય વાંચો જેથી એમાં કઈ સામગ્રી છે એ જાણી શકાય.

ફૂડ-ઍલર્જીનાં લક્ષણો
 ચામડી પર ખંજવાળ, લાલ ચકામાં કે ફોલ્લીઓ થવી. 
 હોઠ સૂઝી જવા, આંખ લાલ થઈ જવી. 
 નાક કે આંખમાંથી સતત પાણી નીકળવું.
 શ્વાસ લેવામાં મુશ્કેલી, નાક બંધ થવું અથવા શ્વાસ ફૂલવો. 
 ઊલટી, પેટમાં દુખાવો, ઝાડા, અતિસાર. 
 અનાફિલેક્સિસ રીઍક્શન જેમાં શ્વાસની નળીમાં સોજો, બ્લડ-પ્રેશરમાં ઘટાડો અને ચક્કર આવે.

health tips gujarati mid-day life and style