દંડો લઈને યોગાભ્યાસ કરશો તમે?

27 May, 2024 12:08 PM IST  |  Mumbai | Ruchita Shah

લાકડી યોગાભ્યાસને કઈ રીતે સરળ બનાવે અને સદીઓથી યોગીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા યોગદંડ એ લાકડીથી કઈ રીતે જુદા પડે છે એ જાણીએ આજે

મલાઇકા અરોરાએ લાકડીના સપોર્ટથી કરેલા યોગનાં અમુક પોશ્ચર્સ જુઓ

તાજેતરમાં મલાઇકા અરોરાએ લાકડી લઈને યોગનાં અમુક પોશ્ચર કરતો વિડિયો પોતાના સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર શૅર કર્યો હતો. યોગાભ્યાસમાં ખુરશીથી લઈને દીવાલ અને દુપટ્ટા, યોગા બ્લૉક્સ જેવાં જુદાં-જુદાં સાધનોનો ઉપયોગ થતો આવ્યો છે; પરંતુ લાકડીનો ઉપયોગ સહેજ નવીનતા ઉમેરે છે. લાકડી યોગાભ્યાસને કઈ રીતે સરળ બનાવે અને સદીઓથી યોગીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા યોગદંડ એ લાકડીથી કઈ રીતે જુદા પડે છે એ જાણીએ આજે

યોગ અત્યારે એ સ્તર પર છે કે તમે એને પસંદ કરો કે ન કરો એ તમારી ચૉઇસ હોઈ શકે, પણ એને અવગણી શકો એમ નથી એટલા વ્યાપક બની રહ્યા છે. યોગને કારણે થતા દુનિયાભરના ફાયદાઓને કારણે પણ એને અવગણવું અઘરું છે. યોગની વ્યાપકતા જેમ વધી છે એમ એમાંથી એની એકવિધતા કાઢવા માટે યોગમાં પણ અનેક નવા ઉમેરા થઈ રહ્યા છે. બિઅર યોગ, ગોટ યોગ કે આજકાલ ઇન્ટરનેટ પર ઊહાપોહ મચાવી રહેલા પિગ યોગ જેવા ફાલતુ અખતરાઓથી યોગની બદનામી રહેવા દઈએ; પણ એ સિવાય યોગમાં વિવિધ પ્રૉપ્સ એટલે કે સાધનોનો ઉપયોગ કરીને એની તીવ્રતા અને શારીરિક લાભ બન્ને વધારવાની દિશામાં જે કાર્ય થઈ રહ્યું છે એ ઉમદા છે. દંડ યોગા એવો જ એક પ્રકાર કહી શકાય જેને ફરી લાઇમલાઇટમાં લાવવાનું કામ ઍક્ટ્રેસ મલાઇકા અરોરાએ કર્યું. આપણે ત્યાં વર્ષો પહેલાં કપડાં સૂકવવા કે રસ્તે ચાલવા માટે સપોર્ટ તરીકે વપરાતી લાકડીનો ઉપયોગ ઑલમોસ્ટ બંધ થઈ ગયો છે. એને તમે યોગમાં વાપરી શકો અને યોગાભ્યાસને વધુ સરળ અને તીવ્ર બનાવીને એમાંથી લાભ પણ મેળવી શકો એ વાતમાં કેટલો દમ છે? કયા અભ્યાસમાં લાકડીનો ઉપયોગ સંભવ છે એ યોગ-નિષ્ણાતો પાસેથી જાણીએ.

યોગીઓ સદીઓથી આવી ટાઇપનો યોગદંડ વાપરતા આવ્યા છે

આજનું નથી કંઈ આ

રૂપલ સિદ્ધપુરા, સેલિબ્રિટી યોગ-ટીચર

આપણે ત્યાં હજારો વર્ષથી યોગીઓ યોગદંડનો ઉપયોગ કરે છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય હોય છે તમારા સ્વર એટલે કે ડાબા અને જમણા નાકથી ચાલતા શ્વાસને તમારી અનુકૂળતા મુજબ બદલવાનો. યોગદંડ અને દંડ યોગા એ બન્ને જુદી બાબતો છે. આ બન્નેને સમજાવતાં કરીના કપૂર, સૈફ અલી ખાન, ઝોયા અખ્તર, રિતેશ-જેનિલિયા જેવી અઢળક અગ્રણી સેલિબ્રિટીઝથી લઈને ગોદરેજ ફૅમિલી, HDFCના ફાઉન્ડરની ફૅમિલી જેવા અગ્રણી કૉર્પોરેટ્સને યોગ શીખવતી યોગશિક્ષિકા રૂપલ સિદ્ધપુરા કહે છે, ‘લાંબો સમય સુધી ધ્યાનસ્થ રહેનારા અને જપ કરનારા યોગીઓ દ્વારા બહુ જ નિયમિત ધોરણે યોગદંડનો ઉપયોગ થતો. ટી આકારના યોગદંડથી શરીરને સપોર્ટ પણ અપાતો તો બીજી બાજુ માથું, ગરદન અને કરોડરજ્જુને સપોર્ટ આપવા ઉપરાંત શ્વસનક્ષમતા વધારવામાં પણ યોગીઓ આ યોગદંડનો ઉપયોગ કરતા. જપ કરતા હોય અને એક જ જગ્યાએ લાંબા સમય માટે સ્થિરતાપૂર્વક બેસવું હોય અને હાથને સપોર્ટ આપવા માટે યોગદંડ કામનો છે. યોગદંડ ધ્યાન અને પ્રાણાયામમાં વપરાય છે, જે તમારા શરીરના જુદા-જુદા પૉઇન્ટને પ્રેસ કરીને એનર્જી ચૅનલ્સને ખોલવાનું કામ કરે છે. ધારો કે તમારી જમણી નાસિકા બંધ હોય અને ડાબા ખભાના નીચેના ભાગમાં એટલે કે ડાબા અન્ડર આર્મમાં જો આ દંડને થોડીક વાર ખોસીને રાખો તો જમણી નાસિકા ખૂલી જાય. યોગના ગહન એવા આ સ્વર વિજ્ઞાનના પ્રયોગો માટે પણ યોગદંડનો બહોળો પ્રયોગ થતો રહ્યો છે. છેલ્લાં દસેક વર્ષથી હું પણ મારા સ્ટુડન્ટ્સને બૉડીના બેસ્ટ અલાઇનમેન્ટ માટે યોગદંડ સાથેની પ્રૅક્ટિસિસ કરાવું છું.’

અનેક લાભ

મલાઇકાના વિડિયોમાં ભલે પોતે જે કરે છે એને દંડ યોગ કહ્યું હોય, પરંતુ વાસ્તવિક યોગદંડ કરતાં એ જુદું છે એવી સ્પષ્ટતા સાથે રૂપલ કહે છે, ‘સિમ્પલ લાકડીનો ઉપયોગ પણ તમારા યોગિક પોશ્ચરને સરખું રાખવામાં અને સપોર્ટ આપવામાં મદદ કરે છે એ તમને આ વિડિયોમાં જોવા મળશે. તમારા પેટની ક્ષમતા અને કરોડરજ્જુની સ્થિરતા એ બન્નેમાં આ પ્રકારની પાતળી લાકડીનો સપોર્ટ કામમાં આવે છે. તમે જે પણ મૂવમેન્ટ કરતા હો એમાં એ લાકડી તમારા માટે બૅલૅન્સિંગ પોશ્ચર સમયે ટેકો આપવાનું કામ કરે જે તમારા હેડ, નેક અને સ્પાઇનને સ્ટ્રેટ રાખે. ફ્લેક્સિબિલિટી વધારશે. ધારો કે તમારા શરીરમાં ક્યાંય પણ ઇન્જરી હોય, બૉડી વીક થઈ ગયું હોય, કોઈ પણ પાર્ટમાં પેઇન હોય અને લિમિટેડ લોડ શરીરને મળે એવું તમે ઇચ્છતા હો ત્યારે આ લાકડી યોગમાં મહત્ત્વનું સાધન બની જશે. તમારા પેટ, નિતંબ, લોઅર બૅક જેવા સ્નાયુઓને વિશિષ્ટ પ્રકારનો સ્ટ્રેચ આપવો હોય અને એ ઇન્ટેન્સ સ્ટ્રેચિંગ સાથે ત્યાંની ચરબી ઘટાડવી હોય તો પણ આ પ્રકારની લાકડીના ઉપયોગ દ્વારા થતાં આસનોથી મદદ મળી શકે છે. સૌથી મોટી વાત કે તમે ઇન્જરીના ચાન્સ આ પ્રકારનાં પ્રૉપ્સના ઉપયોગથી ઘટાડી દો છો. બહુ જ સુરક્ષિત રીતે તમે ઇન્ટેન્સ આસનો કરી શકો છો. બૅલૅન્સ વધે છે.’ 

વડીલો માટે બેસ્ટ છે લાકડી અથવા તો દંડ યોગ

મનીષા કોઠારી, યોગ-ટીચર

વિદ્યાવિહારમાં રહેતાં યોગશિક્ષિકા મનીષા કોઠારી સિનિયર સિટિઝનના બૅચમાં નિયમિત ધોરણે લાકડીનો ઉપયોગ કરીને યોગાભ્યાસ કરાવે છે. પોતાનો અનુભવ શૅર કરતાં તેઓ કહે છે, ‘આજના સમયમાં કંઈક નવું આપો એટલે લોકોને મજા આવે છે. સ્ટ્રેંગ્થ અને ફ્લેક્સિબિલિટી વધારતાં અનેક આસનો લાકડીની મદદથી સરળ થઈ જાય છે. આગળ ઝૂકીને પગના અંગૂઠાને ટચ કરવાનું આસન એટલે કે પાદહસ્તાસનમાં જો લાકડી વાપરી હોય તો વ્યક્તિ પોતાની સામાન્ય લિમિટથી થોડુંક વધુ બહેતર રીતે આ આસન કરી શકે છે. ત્રિકોણાસન, વક્રાસન, વૃક્ષાસન વગેરેમાં પણ આ જ વાત લાગુ પડે છે. પ્લસ લોકો લાંબા સમય માટે આ આસનમાં રહી શકે છે. હું જે વડીલોને લાકડીની મદદથી આસનો કરાવું ત્યારે સામાન્ય સંજોગોમાં માનો કે દસ કાઉન્ટ માંડ તેઓ હોલ્ડ કરતા હોય તો લાકડી સાથે હોય તો ત્રીસ કાઉન્ટ સુધી તેઓ ખેંચી શકે. લોકોને આ પ્રકારનાં પ્રૉપ્સ સાથે યોગ કરવામાં મજા પણ આવતી હોય છે અને વધુ સુરક્ષિત રીતે સારાં આસનો થઈ શકતાં હોય છે.’

yoga health tips life and style columnists ruchita shah