એક દિવસ કુદરત સાથે

05 June, 2024 10:01 AM IST  |  Mumbai | Sejal Patel

તંદુરસ્ત રહેવું હોય તો નેચરની નજીક રહેવું બહુ જરૂરી છે એવું કહેવું છે મનોચિકિત્સકો અને ફેફસાંના નિષ્ણાતોનું. નેચર એટલે ખુલ્લી શુદ્ધ હવા જ્યાં વૃક્ષોની હરિયાળી, પર્વતોની ઊંચાઈ અને દરિયાની વિશાળતાનો અનુભવ થતો હોય એવી કુદરત.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

અમેરિકાની હાર્વર્ડ ટી. એચ. ચેન સ્કૂલ ઑફ પબ્લિક હેલ્થના અસિસ્ટન્ટ પ્રોફેસર પીટર જેમ્સે ૨૦૨૧માં પબ્લિશ કરેલા અભ્યાસમાં તારવ્યું હતું કે જંગલ કે હરિયાળીની આસપાસ રહેતા લોકોમાં ડિપ્રેશન, ઍન્ગ્ઝાયટી, ક્રૉનિક ડિસીઝ, હૉર્મોનલ અસંતુલન, કાર્ડિયોવૅસ્ક્યુલર ડિસીઝ અને કૅન્સર જેવા રોગોનું રિસ્ક ઘટે છે. આ તારણ માટે પ્રોફેસર પીટર જેમ્સે સ્ટ્રીટ વ્યુ મૅપિંગ કરીને ફોનકૉલ પર કલેક્ટ કરેલા ડેટાનું વિશ્લેષણ કર્યું હતું.

૨૦૧૮માં અમેરિકામાં થયેલા પબ્લિક હેલ્થ સર્વેમાં નેચર અને હરિયાળીને કારણે માનવશરીર પર બે પ્રકારના ફાયદા નોંધાયા હતા, એક છે સ્ટ્રેસ રિડક્શનના અને બીજા અટેન્શન રીસ્ટોરેશનના. આ અભ્યાસમાં લગભગ ૩૧૦૦ લોકોને જ્યાં ચોમેર વૃક્ષો હોય એવી જગ્યામાં ૨૪ કલાક રાખવામાં આવ્યા. ૨૪ કલાક પહેલાં અને એ પછી તેમનાં હાર્ટ-રેટ અને સ્ટ્રેસ-લેવલ નોંધવામાં આવ્યાં હતાં અને એમાં લગભગ ૮૪.૬ ટકા લોકોમાં પહેલાં કરતાં હાર્ટ-રેટ ઘટ્યો હતો અને સ્ટ્રેસ હૉર્મોન કૉર્ટિસોલનું પ્રમાણ ૭૦ ટકાથી વધુ ઘટ્યું હતું.

એક અભ્યાસ એવું પણ કહે છે કે હાઇવેની આસપાસ રહેતા લોકો કરતાં બગીચા અને શાંત જગ્યાએ રહેતા લોકોમાં ક્રૉનિક રોગો અને હૉર્મોનલ અસંતુલનનું જોખમ ઓછું હોય છે. 
આ તો માત્ર સૅમ્પલ સંશોધનોનાં તારણોની વાત છે, પરંતુ આએદિન એવા અભ્યાસ થતા રહે છે જેમાં કુદરતનો કરિશ્મા માણસના સ્વાસ્થ્ય માટે કેટલો મહત્ત્વનો છે એ સમજાતું આવ્યું છે.

કૉન્ક્રીટમાં કુદરત શોધવી

પલ્મનોલૉજિસ્ટ 
ડૉ. સંજીવ મહેતા

મુંબઈ જેવા મેટ્રો શહેર અને કૉન્ક્રીટના જંગલમાં કુદરતને શોધવી બહુ મુશ્કેલ હોવાથી અનેક ડૉક્ટરો જ્યારે દરદીને શુદ્ધ હવાની જરૂર હોય ત્યારે શહેર છોડીને ક્યાંક બીજે વસવાટ કરવાની સલાહ આપતા આવ્યા છે. પ્રદૂષણમુક્ત હવા મેળવવી એ કોઈ પણ જીવની પ્રાથમિકતા હોવી જોઈએ, પણ આપણે ત્યાં એ દુર્લભ થઈ ગયું છે એમ જણાવતાં લીલાવતી હૉસ્પિટલના પલ્મનોલૉજિસ્ટ ડૉ. સંજીવ મહેતા કહે છે, ‘શુદ્ધ હવા એ ફેફસાંને સ્વસ્થ રાખવા માટેની પ્રાથમિક જરૂરિયાત છે. મુંબઈની ભેજવાળી આબોહવા અને ટ્રાફિકના પ્રદૂષણમાં મુંબઈગરાઓને ઑક્સિજનયુક્ત અને પ્રદૂષિત રજકણો વિનાની હવા મેળવવી એ લક્ઝરી છે. તમે ગમે એટલી દવા ખાઓ, પણ કુદરત જેવો ચમત્કાર બીજું કોઈ ન કરી શકે. ફેફસાંને સ્વસ્થ રાખવા, હાર્ટ ડિસીઝથી દૂર રહેવા તેમ જ મેન્ટલી સ્ટ્રેસમુક્ત રહેવા માટે શુદ્ધ ઑક્સિજન અને ભેજમુક્ત વાતાવરણ મળે એ બહુ જરૂરી છે. હું પોતે પણ અને મારા દરદીઓને પણ સલાહ આપતો હોઉં છું કે દર થોડા સમયે મુંબઈથી દૂર કુદરતના ખોળે થોડો સમય ગાળો. જ્યાં બીજી કોઈ જ પ્રવૃત્તિ ન હોય, માત્ર તમે હો અને કુદરત હોય. પર્વતો, નદીઓ કે જંગલો સૌથી ઉત્તમ રહેશે.’
હરિયાળીની આસપાસ રહેવું ફિઝિકલી સ્વસ્થ રહેવા માટે બહુ જરૂરી છે એ સમજાવતાં ડૉ. સંજીવ મહેતા કહે છે, ‘મેં પોતે ૩૦૦૦થી વધુ વૃક્ષો વાવ્યાં છે જે ઊંચાં અને મોટાં થઈ ગયાં છે જ્યારે બીજા નાના ૨૦૦૦ પ્લાન્ટ્સ છે જે નાની વનસ્પતિઓ જેવા છે. હું બધાને કહીશ કે ઊંચાં વૃક્ષોની આસપાસ રહો. નાના પ્લાન્ટ્સ નહીં, જેટલાં ઊંચાં અને મોટાં વૃક્ષો હશે 
એટલું તમારી આસપાસનું વાતાવરણ ક્લીન રહેશે.’

પર્યાવરણ અને પંચભૂત

સાઇકિયાટ્રિસ્ટ 
ડૉ. હરીશ શેટ્ટી

એન્વાયર્નમેન્ટની આપણે વાત કરીએ ત્યારે માત્ર જંગલ, નદી, દરિયો અને હવા જ યાદ આવે, પરંતુ એ આપણા જીવન સાથે પણ એટલી જ ગાઢ રીતે સંકળાયેલી છે એની વાત કરતાં સાઇકિયાટ્રિસ્ટ ડૉ. હરીશ શેટ્ટી કહે છે, ‘માણસના જીવનના અસ્તિત્વની વાત કરીએ તો એમાં પંચભૂત મહત્ત્વનાં છે અને એ છે પૃથ્વી, જળ, વાયુ, આકાશ અને અગ્નિ. આ પાંચેપાંચ ભૂત તત્ત્વો શરીરમાં સંતુલિત હોય તો જ શરીર સ્વસ્થ રહે. જો આપણી આસપાસનાં આ પાંચ તત્ત્વો શુદ્ધ નથી તો એની અસર માનવશરીર પર પડવાની જ. એટલે આપણી આસપાસનાં જળ, પૃથ્વી અને વાયુ તત્ત્વ શુદ્ધ હોય એ જરૂરી છે. એ તત્ત્વોની શુદ્ધતાની સાથોસાથ નિયમિત એના સંસર્ગમાં રહેવું પણ બહુ જરૂરી છે. તમને થશે કે એનાથી વળી માનસિક સ્વાસ્થ્યમાં શું ફાયદો થાય? ચોક્કસ થાય. તમે જે હવા શ્વાસમાં લો છો એની માત્ર શારીરિક અસર જ નથી, માનસિક અસર પણ છે. જો કાર્બન ડાયોક્સાઇડ હવામાં વધુ હોય અને એ જ નિયમિત શ્વાસમાં લેવામાં આવે તો એનાથી ઇરિટેબિલિટી, ચીડિયાપણું અને ગુસ્સો વધારે રહે છે. જ્યારે શરીરમાં પૂરતો ઑક્સિજન નથી પહોંચતો ત્યારે અનેક રીતે આંતરિક અવયવોની કામગીરી ખોરવાતી આવી છે અને એની સૌથી પહેલી અસર મગજ પર થાય છે.’

પંચભૂતના સંસર્ગમાં રહેવું

ડિપ્રેશન, ઍન્ગ્ઝાયટી અને માનસિક અસ્વસ્થતાની શરૂઆત દેખાય છે એનાં અનેક કારણો છે અને એમાં પર્યાવરણનો પણ બહુ મોટો ફાળો છે એની વાત કરતાં ડૉ. હરીશ શેટ્ટી કહે છે, ‘તમે જોયું હોય તો જે લોકો કુદરતના ખોળે રહે છે તેમનામાં માનસિક અસ્વસ્થતાનું પ્રમાણ ઓછું જોવા મળ્યું છે. ટ્રાઇબલ એરિયામાં રહેતા લોકો સુખી અને સંતોષી હોય છે જ્યારે વધુ સુવિધાઓ, વધુ લક્ઝરીમાં અને ઊંચા કૉન્ક્રીટના જંગલમાં રહેતા લોકોમાં માનસિક અસ્વસ્થતા, ડિપ્રેશન, હતાશાની સંભાવના વધુ રહી છે. મૂડ સ્વિંગ્સ પણ તમને કુદરતના ખોળે હો ત્યારે ઓછા આવે છે. આ બધાનો ઉપાય પણ બહુ સહેલો છે. રોજ કુદરતના સંસર્ગમાં રહેવું. મને કહો કેટલા લોકો રોજ માટીમાં ખુલ્લા પગે ચાલે છે? છેલ્લે તમે ક્યારે શાંતિથી આકાશ તરફ જોયેલું? છેલ્લે તમે ક્યારે બે હાથ ખુલ્લા કરીને પર્વતની ટોચે જઈને શુદ્ધ હવા ફેફસાંમાં ભરી હતી? આવી પ્રવૃત્તિઓ નિયમિત કરો. નાનાં બાળકોને કાદવ-કીચડમાં રમવા દો. મોટા લોકો પણ માટીના સંપર્કમાં રહે. શુદ્ધ હવા માટે એકાદ દિવસ માત્ર કુદરત સાથે રહેવું એ માનસિક અને શારીરિક બન્ને સ્વાસ્થ્ય માટે બહુ જરૂરી છે.’

health tips world environment day environment gujarati mid-day gujaratis of mumbai mumbai