હાલમાં જોવા મળતા અસામાન્ય તાવના પ્રકોપ અને એની દેશી સારવાર જાણી લો

11 July, 2024 06:24 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અશક્તિને કારણે વ્યક્તિ માટે પોતાની રૂટીન ઍક્ટિવિટી કરવાનું આકરું થઈ પડતું હોય છે

પ્રતીકાત્મક તસવીર

અત્યારની ઋતુમાં વકરેલી વ્યાધિમાં જ્વર અથવા તો ફીવર જોવા મળી રહ્યો છે. આમ તો ઋતુ ફેરવાય એટલે તાવ, શરદી, ઉધરસ જેવી વાઇરલ ઇન્ફેક્શનની વ્યાધિ સામાન્ય છે. આયુર્વેદની દૃષ્ટિએ એનું મુખ્ય કારણ મંદાગ્નિ છે. ચોમાસામાં વળી મચ્છરોને કારણે ફેલાતા તાવનું પ્રમાણ પણ વધારે હોય છે. જોકે આ વખતે તાવના કેટલાક વિચિત્ર કહી શકાય એવા કેસ અમારી પાસે આવ્યા છે જેને પકડવા અને સમજવા ડૉક્ટરો માટે પણ અઘરા બન્યા છે, કારણ કે આ તાવમાં તાપમાન ઝડપથી ૧૦૩ની આસપાસ પહોંચી જાય છે જે રૂટીન દવાથી કાબૂમાં નથી આવતો. આ પ્રકારના તાવને ચકાસવા માટે જ્યારે બ્લડ-ટેસ્ટ કરાવી તો વળી એમાં કંઈક નવી વિચિત્રતા જોવા મળી જેમાં વાઇટ બ્લડ સેલ્સ એટલે કે શ્વેત રક્તકણોનું પ્રમાણ ઓછું મળે. આપણે એને સ્વાભાવિક ગણીએ, કારણ કે રોગપ્રતિકારક શક્તિ આ ઋતુમાં ઘટેલી હોય પણ સાથે પ્લેટલેટ્સ નૉર્મલ હોય અને ડેન્ગીનો રિપોર્ટ પૉઝિટિવ આવતો હોય છે. સામાન્ય રીતે ડેન્ગી સાથે પ્લેટલેટ્સના પ્રમાણમાં ફેરફાર આવતો હોય છે, પણ આ પ્રકારના તાવમાં એવું નથી થઈ રહ્યું.

આ તાવનાં લક્ષણો સામાન્ય રીતે આવતા તાવ જેવા જ છે; જેમાં શરીરનું તૂટવું, ધ્રુજારી સાથે અથવા ધ્રુજારી વિના શરીરનું તાપમાન એકદમ વધી જવું, અતિશય થાક લાગવો, નબળાઈ લાગવી, ભૂખ ઓછી થઈ જવી અને માથું દુખવું વગેરેનો સમાવેશ છે. અશક્તિને કારણે વ્યક્તિ માટે પોતાની રૂટીન ઍક્ટિવિટી કરવાનું આકરું થઈ પડતું હોય છે. આયુર્વેદમાં આ પ્રકારની અવસ્થામાં અમુક સારવારથી અમને હકારાત્મક પરિણામ મળ્યું છે જે આજે હું તમારી સાથે શૅર કરું છું.

સારવાર માટે નેપાલનું કરિયાતું, સુદર્શનની ચૂર્ણની ફાંટ દિવસમાં ત્રણથી ચાર વાર લેવી જોઈએ. (કરિયાતા સાથે સુદર્શન ચૂર્ણની ફાંટ બનાવવા માટે બે ગ્રામ સુદર્શન ચૂર્ણ, પાંચ ગ્રામ કરિયાતું પાઉડરને ૧૦૦ મિલીલીટર ઊકળતા ગરમ પાણીમાં પલાળો અને બે કલાક પછી ચોળી લો અને ગાળીને પી જાઓ.) ગળો ઘનવટીની બે-બે ગોળીનું સેવન દિવસમાં બેથી ત્રણ વાર બબ્બે વાર કરવું. આ પ્રયોગથી ખૂબ જ ફાયદો થશે. જમવામાં મગ, મગનું પાણી, ચોખાની કાંજી, સૂંઠનું ઉકાળેલું પાણી, દૂધી-તૂરિયાં-ગલકાં-પરવળનો સૂપ, ખીચડી જેવો પચવામાં હલકો હોય એવો ખોરાક ભૂખ કરતાં ઓછો લેવો. આ બધા જ ઉપચાર કોઈ પણ નિષ્ણાતના માર્ગદર્શન હેઠળ કરો તો વિશેષ ફાયદો થાય છે; કારણ કે વ્યક્તિની ઉંમર, પ્રકૃતિ અને જીવનશૈલી પ્રમાણે આયુર્વેદ ચિકિત્સા નક્કી થતી હોય છે અને એક માટે અમૃત ગણાતી વસ્તુ પ્રકૃતિભેદને કારણે બીજા માટે ઝેર સમી પણ હોઈ શકે છે.

health tips life and style columnists