કૅન્સરના કેટલાક કેસમાં આધુનિક વરદાન સ્વરૂપ છે સ્ટેરીઓટૅક્ટિક રેડિયોથેરપી

08 November, 2024 08:23 AM IST  |  Mumbai | Jigisha Jain

ગાંઠ કૅન્સરની હોય કે સાદી હોય, પરંતુ જો એ મગજમાં હોય કે કરોડરજ્જુ જેવા નાજુક વિસ્તારમાં હોય તો એને દૂર કરવી અઘરી બને છે

પ્રતીકાત્મક તસવીર

રેડિયેશન બેધારી તલવાર છે. શરીર માટે હાનિકારક પણ છે અને કૅન્સર જેવા અસાધ્ય રોગમાં સારવાર પણ છે. અત્યંત સંવેદનશીલ જગ્યા પર આવેલી ગાંઠ, જેને સર્જરીથી કાઢવી શક્ય નથી ત્યાં ઉપયોગી છે સ્ટેરીઓટૅક્ટિક રેડિયોથેરપી. ગાંઠ કૅન્સરની હોય કે સાદી હોય, પરંતુ જો એ મગજમાં હોય કે કરોડરજ્જુ જેવા નાજુક વિસ્તારમાં હોય તો એને દૂર કરવી અઘરી બને છે. આવા સમયમાં સ્ટેરીઓટૅક્ટિક રેડિયોથેરપી દ્વારા હાઈ ડોઝ આપીને બને એટલી ઓછામાં ઓછી સાઇડ ઇફેક્ટ દ્વારા સારાં રિઝલ્ટ મળી શકે છે. આજે ઇન્ટરનૅશનલ ડે ઑફ રેડિયોલૉજી નિમિત્તે વિસ્તારથી જાણીએ આ વિશે

૭૧ વર્ષના વસંત શાહ (નામ બદલ્યું છે)ને ફેફસાના કેન્સરનું નિદાન થયું હતું. તેમને હાઇપરટેન્શન અને ડાયાબિટીઝ બન્ને હતા. એક વાર હાર્ટ-અટૅક પણ આવી ગયો હતો જેને કારણે સર્જરીનું રિસ્ક લઈ શકાય એમ નહોતું. ફેફસાંની બાજુમાં જ હાર્ટ હોય એટલે આવું રિસ્ક લઈએ તો લેવાના દેવા પણ પડી શકે. ડૉક્ટરે તેમને સ્ટેરીઓટૅક્ટિક રેડિયોથેરપી  લેવાનું સૂચન કર્યું. અમુક સેશન્સ લીધા પછી છેલ્લાં ૩ વર્ષથી તે કૅન્સરમુક્ત જીવન જીવી રહ્યા છે.

૪૮ વર્ષનાં પારુલ દોશી (નામ બદલ્યું છે)ને ધૂંધળું દેખાવાનું શરૂ થયું. ઘણીબધી તપાસો પછી ખબર પડી કે તેમને મગજમાં એક ટ્યુમર હતું. ભગવાનની કૃપાથી ખબર પડી કે આ કૅન્સરની ગાંઠ નથી. પરંતુ આ ટ્યુમર એવી જગ્યાએ હતું કે જો એ વધે તો તેમની દૃષ્ટિ પર અસર પડી શકે એમ હતું. એટલે એ ગાંઠને હટાવવી જરૂરી હતી. તેમને સ્ટેરીઓટૅક્ટિક રેડિયોથેરપી  આપવામાં આવી, જેનાથી તેમની ગાંઠ સંપૂર્ણ દૂર થઈ. તે એકદમ સ્વસ્થ રીતે જીવે છે.

૫૫ વર્ષનાં પ્રમિલા શેઠ (નામ બદલ્યું છે)ને સ્તનનું કૅન્સર હતું. તેમનું કૅન્સર વધીને મગજ સુધી પહોંચી ગયું. સ્તનમાં તો એને રોકી શકાયું હતું. હવે દવાઓ થકી એ આગળ વધવાનું નહોતું, પરંતુ મગજમાં કૅન્સરના જે કોષો ફેલાયા હતા એને રોકવા જરૂરી હતા. સ્ટેરીઓટૅક્ટિક રેડિયોથેરપી દ્વારા એ શક્ય બન્યું, જેને કારણે કૅન્સર નાબૂદ તો નથી થતું પણ તેમનું જીવન વધારવામાં મદદ મળી.

આજે ઇન્ટરનૅશનલ ડે ઑફ રેડિયોલૉજી છે. મેડિસિનની એક એવી બ્રાન્ચ, જેને લીધે ઘણાં નિદાનો શક્ય બન્યાં છે અને કૅન્સર જેવા કઠિન રોગો સામે લડવાની શક્તિ પણ મળી છે. સહજ રીતે જેમ મેડિકલ સાયન્સની પ્રગતિ થાય એમ નવાં-નવાં મશીન્સ અને નવી ટેક્નૉલૉજીને કારણે આપણને વધુ ને વધુ સારાં પરિણામો હાંસલ થાય છે. એવી જ આજકાલ ખાસ્સી પ્રખ્યાત બની રહી છે જેને લોકો ટાર્ગેટેડ રેડિયોથેરપી કહે છે. નામ પરથી સમજી શકાય કે એક ટાર્ગેટ બનાવીને એના પર રેડિયો થેરપી આપવી એવું કંઈ હોઈ શકે છે જેને ઘણું ઍડ્વાન્સ વર્ઝન સમજી શકાય. જોકે મેડિકલ ટર્મમાં ટાર્ગેટેડ રેડિયો થેરપી જેવું કોઈ નામ જ નથી. એમાં જે નામ છે એ છે સ્ટેરીઓટૅક્ટિક રેડિયોથેરપી જે છેલ્લાં ૧૫-૨૦ વર્ષથી સારું કામ આપી રહી છે અને એમાં પણ છેલ્લાં ૧૦ વર્ષમાં ખાસ્સી ટેક્નૉલૉજિકલ પ્રગતિ આવી છે. આજે જાણીએ કે આ થેરપી છે શું.

સ્ટેરીઓટૅક્ટિક રેડિયોથેરપી 

સ્ટેરીઓટૅક્ટિક રેડિયોથેરપી એટલે ટ્યુમર અને એના જેવી બીજી તકલીફોના ઇલાજ માટે અપનાવવામાં આવતી એકદમ સટીક રીત. એ વિશે વાત કરતાં નાણાવટી સુપર સ્પેશ્યલિટી હૉસ્પિટલમાં રેડિયેશન ઑન્કોલૉજી ડિપાર્ટમેન્ટના ડિરેક્ટર ડૉ. કૌસ્તવ તલપાત્રા કહે છે, ‘સામાન્ય રેડિયેશન થેરપી એક મોટા એરિયામાં આપવામાં આવે છે, જ્યારે સ્ટેરીઓટૅક્ટિક રેડિયોથેરપી ઍડ્વાન્સ ઇમેજિંગ અને ટેક્નૉલૉજીનો ઉપયોગ કરીને એકદમ નિશ્ચિત જગ્યાએ વાપરવામાં આવે છે જેમાં શરીરનો મોટો ભાગ નહીં, પરંતુ ટ્યુમર જે જગ્યાએ છે એ જગ્યા પૂરતું સીમિત ટાર્ગેટ રાખીને રેડિયેશન આપવામાં આવે છે. સીમિત જગ્યાએ જ એ આપવામાં આવતું હોવાથી એનો ડોઝ હાઈ રાખી શકાય છે, જેને લીધે એની અસરકારકતા વધી જાય છે. વળી એ ચોક્કસ જગ્યાએ જ દેવામાં આવે છે એટલે પણ અસરકારકતા વધે છે એની સાથે-સાથે વધુ ભાગમાં ફેલાતું નથી એટલે જે સારા કોષો છે એનું ડૅમેજ મહદ્ અંશે ઘટાડી શકાય છે, જે એની સૌથી મોટી ઉપલબ્ધિ કહી શકાય.’

ક્યાં અપાય?

આ પ્રકારનું રેડિયેશન મોટી ગાંઠ હોય એના પર આપવામાં આવતું નથી એમ સ્પષ્ટ રીતે જણાવતાં તાતા મેમોરિયલ સેન્ટરના ડિપાર્ટમેન્ટ ઑફ રેડિયેશન ઑન્કોલૉજીનાં અસોસિએટ પ્રોફેસર ડૉ. રીમા પાઠક કહે છે, ‘હૉસ્પિટલ એકદમ નાની ગાંઠ કે ટ્યુમર હોય એના પર જ એ આપવામાં આવે છે. ખાસ કરીને મગજ, કરોડરજ્જુ, ફેફસાં અને લિવરના ભાગમાં કોઈ નાની ગાંઠ થઈ હોય જે એકદમ અંદરના ભાગમાં હોય, જેની સર્જરી કરીએ તો કદાચ આજુબાજુનાં અંગો, જે એકદમ જ એની જોડે જોડાયેલાં હોય કે ચેતાતંતુઓ હોય એ ડૅમેજ થાય તો ગાંઠ કાઢવા જતાં બીજા કોઈ મોટા ડૅમેજને આપણે આવકારી બેસીએ. આવું ન થાય એ માટે સ્ટેરીઓટૅક્ટિક રેડિયોથેરપી ઘણી ઉપયોગી થાય છે. એનો ડોઝ હાઈ હોય અને એ એકદમ નિશ્ચિત જગ્યાએ જ ટાર્ગેટ કરવામાં આવતું હોય એને કારણે એ નાની ગાંઠને દૂર કરી શકાય છે. ઘણી વાર અમુક સેશન્સમાં જ એને સમગ્ર રીતે નાબૂદ કરી શકાય છે.’

દરેક કેસ અલગ છે

રેડિયેશન સામાન્ય રીતે મોટા એરિયામાં આપવામાં આવે છે, જેને કારણે કૅન્સરના કોષો સિવાયના જે સારા કોષો છે એ પણ સાથે મૃત્યુ પામે છે અથવા કહીએ તો ડૅમેજ થાય છે જે રેડિયેશનની સાઇડ ઇફેક્ટ ગણી શકાય. પણ શું એનો અર્થ એ થયો કે રેડિયેશન સારું નથી અને સ્ટેરીઓટૅક્ટિક રેડિયોથેરપી જ સારી છે. એનો જવાબ આપતાં ડૉ. રીમા પાઠક કહે છે, ‘ના, એવું જરાય નથી. દરેક કેસ પ્રમાણે એ નક્કી થાય. જો વ્યક્તિ એકદમ નબળી થઈ ગઈ હોય અને તેનામાં સ્ટેરીઓટૅક્ટિક રેડિયોથેરપી જીરવી શકવાની ક્ષમતા જ ન હોય તો તેને એ અપાય નહીં. આ સિવાય ગાંઠ ખૂબ મોટી હોય તો પણ આ પ્રકારનું રેડિયેશન કામ લાગતું નથી. એની ઉપયોગિતા છે સંવેદનશીલ એરિયામાં જ વધુ છે. મગજ કે કરોડરજ્જુ જેવા એરિયામાં ગાંઠ થઈ હોય તો એને દૂર કરવામાં કોઈ પણ પ્રકારની તકલીફ ઊભી થઈ શકે છે. આજુબાજુના અવયવો, નસો કે ચેતાતંતુઓને એ ડૅમેજ ન કરે એ માટે એની ઉપયોગિતા ઘણી વધારે છે. ટેક્નૉલૉજીનું આ ઍડ્વાન્સ વર્ઝન ઘણા દરદીઓ માટે વરદાન સમાન છે કારણ કે એની સાઇડ ઇફેક્ટ્સ પણ ઘણી છે.

કઈ રીતે ઉપયોગી?

જુદા-જુદા એરિયામાં સ્ટેરીઓટૅક્ટિક રેડિયોથેરપી કયા પ્રકારના ટ્યુમર કે ગાંઠમાં ઉપયોગી થઈ શકે છે એ જાણીએ ડૉ. કૌસ્તવ તલપાત્રા પાસેથી.

મગજ - મગજમાં જ ઉદ્ભવેલી ગાંઠ કે બીજા અંગમાંથી મગજ સુધી ફેલાયેલી ગાંઠ

માથું અને ગરદન - ગળું, મોઢું, લેરિંક્સ અને થાઇરૉઇડની ગાંઠ એટલા સંવેદનશીલ ભાગમાં હોય છે કે જો એને દૂર કરવા જઈએ તો કોઈ મોટું નુકસાન થઈ શકે છે. આવા સંજોગોમાં આ રેડિયેશન કામનું છે.

સ્તન - સ્તનની ગાંઠ દૂર કરવા જ નહીં, ફરી એ ન થાય એ માટેના પ્રયાસરૂપે પણ રેડિયેશન આપવામાં આવે છે.

ફેફસાં - ફેફસાંની ગાંઠમાં અતિ ઉપયોગી એવું આ રેડિયેશન નાના કોષો અને જે નાના નથી એવા કોષો પર પણ કારગર નીવડે છે.

પ્રોસ્ટેટ - પ્રોસ્ટેટ કૅન્સરને કન્ટ્રોલ કરવા અને જડથી દૂર કરવા બન્ને માટે આ પ્રકારનું રેડિયેશન ઉપયોગી છે

પેટ - અન્નનળી, જઠર, પૅન્ક્રિયાસ, લિવર, રિક્ટમ અને પૂંઠમાં થનારા કૅન્સરમાં અતિ ઉપયોગી છે આ પ્રકારનું રેડિયેશન ઉપયોગી છે.

ગાયનેકોલૉજિકલ - સર્વાઇકલ, ગર્ભાશય કે ઓવરીમાં આવેલી ગાંઠને માટે આ પ્રકારની થેરપી ઉપયોગી છે.

હાડકાં - જે લોકોને હાડકાંમાં જ કૅન્સરની શરૂઆત થઈ છે એમાં તો ખરું જ પણ જે કૅન્સર હાડકાં સુધી ફેલાયું છે જેને કારણે હાડકાંમાં સખત દુખાવો ચાલુ થયો છે તેમના માટે પણ એ ઉપયોગી છે.

ચામડી - બેઝલ સેલ કાર્સિનોમા અને સ્ક્વામસ સેલ કાર્સિનોમા જેવાં કૅન્સરમાં એ ઉપયોગી છે.

કરોડરજ્જુ - જ્યારે કોઈ જગ્યાનું કૅન્સર કરોડરજ્જુ સુધી ફેલાય ત્યારે ત્યાં ભયંકર દુખાવો ઊપડતો હોય છે. આ દુખાવાને દૂર કરવા અને કૅન્સરને આગળ વધતું અટકાવવા આ રેડિયેશન કામ લાગે છે.

cancer health tips life and style columnists