વરુણ ધવનને થયેલી રૅર બીમારી શું છે?

12 December, 2022 03:11 PM IST  |  Mumbai | Jigisha Jain

ખૂબ ઓછી જોવા મળતી આ બીમારીમાં વ્યક્તિને બૅલૅન્સ રાખવામાં મુશ્કેલી પડે છે. એ ઉપરાંત બીજું શું થાય અને એનો ઇલાજ કેવી રીતે કરાય એ નિષ્ણાત પાસેથી જાણીએ

વરુણ ધવન

હાલમાં ઍક્ટર વરુણ ધવને પોતાને  વેસ્ટિબ્યુલર હાઇપોફંક્શન નામની બીમારી છે એવું જાહેરમાં કહ્યું હતું. પ્રમાણમાં ખૂબ ઓછી જોવા મળતી આ બીમારીમાં વ્યક્તિને બૅલૅન્સ રાખવામાં મુશ્કેલી પડે છે. એ ઉપરાંત બીજું શું થાય અને એનો ઇલાજ કેવી રીતે કરાય એ નિષ્ણાત પાસેથી જાણીએ

તમને આ રોગ થયો છે તો એની પાછળ કયો ભાગ અસરગ્રસ્ત છે એ જાણવું ખૂબ જરૂરી છે. તકલીફ તો છે પણ એનો સ્રોત જ્યાં સુધી નહીં મળે એનો ઇલાજ યોગ્ય રીતે ન થઈ શકે.

સ્ટ્રેસ, ડર કે ખરાબ મૂડ વર્ટિગો પર સીધી અસર કરે છે. એ પરિસ્થિતિને વધુ બગાડશે એટલે મેન્ટલ હેલ્થને સારી જ રાખવી જરૂરી છે.

હાલમાં એક મીડિયા ઇન્ટરવ્યુમાં ઍક્ટર વરુણ ધવને જણાવ્યું હતું કે તેને વેસ્ટિબ્યુલર હાઇપોફંક્શન નામની હેલ્થ કન્ડિશન છે, જેમાં વ્યક્તિને બૅલૅન્સ રાખવામાં પ્રૉબ્લેમ આવે છે. તેણે કહ્યું હતું કે ઇલાજ સાથે એ ઘણો ઠીક છે હવે. તેણે પોતાની જાતને ઘણી પુશ કરી છે આમાંથી બહાર આવવા માટે. આજે જાણીએ વરુણને થનારી આ બીમારી વિશે. 

આપણા શરીરમાં એક સિસ્ટમ હોય છે જે કાનના અંદરના ભાગ કે જેને ઇનર ઇયર કહે છે એ અને મગજ વચ્ચેની લિન્ક હોય છે, જેને વેસ્ટિબ્યુલર સિસ્ટમ કહેવાય છે. કોઈ પણ કારણોસર જ્યારે આ સિસ્ટમમાં ખલેલ પડે છે ત્યારે જુદા-જુદા રોગ થાય છે. વેસ્ટિબ્યુલર હાઇપોફંક્શન પણ આ જ પ્રકારનો એક રોગ છે. જ્યારે આપણે ચાલીએ છીએ કે સૂતા હોય અને એકદમ ઊભા થઈએ ત્યારે આપણા શરીરને બૅલૅન્સમાં રાખવાની જરૂર પડે છે. ઊબડખાબડ રસ્તા પર ચાલતા હોય ત્યારે આપણે એકદમથી પડી નથી જતા. આ જે બૅલૅન્સ છે એ રાખવાનું કામ વેસ્ટિબ્યુલર સિસ્ટમનું છે. જ્યારે રોગ થાય છે ત્યારે આ બૅલૅન્સ ખોરવાય છે. વ્યક્તિને ચક્કર આવે છે કે બૅલૅન્સ ન હોય એવું લાગે છે, જેને લીધે આત્મવિશ્વાસ હલી જાય છે કે તે પડી જશે. જો એ સમયે તે ધ્યાન ન રાખે તો ચોક્કસ પડી પણ શકે. આ રોગનું મહત્ત્વનું લક્ષણ જ એ છે કે તમને ચક્કર આવે કે બૅલૅન્સ ન રહી શકે. 

રોગમાં થાય શું?

આ સિસ્ટમ સમજાવતાં અંધેરીના ઈએનટી સ્પેશ્યલિસ્ટ ડૉ. શૈલેશ પાંડે કહે છે, ‘કાન ફક્ત સાંભળવાનું મશીન નથી, એનાં બીજાં પણ કામ છે જેમાં બૅલૅન્સિંગ એક અત્યંત મહત્ત્વનું કામ છે. કાનની અંદરના ભાગને ઇનર ઇઅર કહે છે જેની અંદર એક લિક્વિડ હોય છે. આ એ પ્રવાહી છે જે કરોડરજ્જુની અંદર પણ જોવા મળે છે. આ પ્રવાહીનું કામ છે શરીરને બૅલૅન્સમાં રાખવાનું. વેસ્ટિબ્યુલર સિસ્ટમ અંદરના આ કાન સાથે કામ કરે છે, જે આંખ અને સ્નાયુઓની મદદથી બૅલૅન્સ બનાવે છે. પરંતુ જ્યારે આ સિસ્ટમ કોઈ પણ કારણસર કામ કરતી અટકે એટલે બ્રેઇનને એનું સિગ્નલ મળે છે, જેને લીધે વ્યક્તિને ચક્કર આવે કે બૅલૅન્સ ખોરવાતું લાગે છે.’

વેસ્ટિબ્યુલર સિસ્ટમ અંદરના આ કાન સાથે કામ કરે છે, જે આંખ અને સ્નાયુઓની મદદથી બૅલૅન્સ બનાવે છે. પરંતુ જ્યારે આ સિસ્ટમ કોઈ પણ કારણસર કામ કરતી અટકે એટલે બ્રેઇનને એનું સિગ્નલ મળે છે, જેને લીધે વ્યક્તિને ચક્કર આવે કે બૅલૅન્સ ખોરવાતું લાગે છે. - ડૉ. શૈલેશ પાંડે

કેમ થાય?

આમ તો વેસ્ટિબ્યુલર હાઇપોફંક્શન ઘણાં જુદાં-જુદાં કારણોસર થાય છે. એ વિશે વાત કરતાં ડૉ. શૈલેશ પાંડે કહે છે, ‘અંદરના કાનમાં કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન થયું હોય, વાઇરલ ઇન્ફેક્શનની અસર કાન સુધી પહોંચી હોય, અમુક એવી દવાઓ લઈ લીધી હોય, માથામાં કોઈ પ્રહાર થયો હોય મોટો કે કોઈ ઍક્સિડન્ટ થયો હોય, મગજમાં કોઈ ટ્યુમર થયું હોય, બ્લડ ક્લૉટ હોય, કાનમાં બીજી કોઈ તકલીફ થઈ હોય કે વેસ્ટિબ્યુલર ન્યુરાઇટિસ નામનો રોગ થયો હોય તો પણ આ તકલીફ ઉદ્ભવી શકે છે. ઘણી વખત ઘણા કેસમાં સ્ટ્રેસ પણ ઘણો ભાગ ભજવે છે, જેને લીધે સાઇકોસોમૅટિક લક્ષણો દેખાય છે જે ક્લિનિકલ રીતે ચેક નથી કરી શકાતાં. દરદી સતત ફરિયાદ કરે છે કે મને આવું થાય છે. આ પરિસ્થિતિમાં કેસને જુદી રીતે હૅન્ડલ કરવો પડે છે.’

નિદાન કેવી રીતે?

સૌથી મોટો પ્રૉબ્લેમ એ છે કે જ્યારે આવું થાય ત્યારે લોકો એને ગણકારતા નથી. તેમને લાગે છે કે કદાચ નબળાઈ આવી ગઈ હશે. નબળાઈનાં ચક્કર જુદાં હોય છે અને આ બૅલૅન્સ ખોરવાઈ જવું જુદું છે. આવું થાય ત્યારે ડૉક્ટર કઈ રીતે નિદાન કરે છે એ સમજાવતાં વૉકહાર્ટ હૉસ્પિટલ, મીરા રોડના હેડ-નેક ઑન્કો સર્જ્યન ડૉ. ચંદ્રવીર સિંહ કહે છે, ‘મારી પાસે દરરોજના આવા ૨-૩ કેસ આવતા હોય છે. દરેકના પ્રૉબ્લેમ જુદા હોય છે. આનું નિદાન મુખત્વે ક્લિનિકલ ચેક-અપ દ્વારા કરી શકાય છે. આ સિવાય અમુક બ્લડ ટેસ્ટ, એમઆરઆઇ પણ જરૂરી બને છે; કારણ કે આ 
તકલીફ બે રીતે આવે છે, એક કાનની તકલીફ હોય ત્યારે અને બીજી મગજની તકલીફ હોય ત્યારે. કાનની તકલીફને ઠીક કરવી પ્રમાણમાં સરળ છે. મગજની તકલીફ હોય તો સર્જરીની પણ જરૂર પડી શકે છે. આમ તમને જો આ રોગ થયો છે તો એની પાછળ કયો ભાગ અસરગ્રસ્ત છે એ જાણવું ખૂબ જરૂરી છે. તકલીફ તો છે પણ એનો સ્રોત જ્યાં સુધી નહીં મળે એનો ઇલાજ યોગ્ય રીતે ન થઈ શકે. આમ આ પરિસ્થિતિમાં કાન અને મગજ બન્નેનું પરીક્ષણ કરવું જરૂરી છે.’

આ પણ વાંચો : કઈ બીમારીથી પીડાય છે વરુણ ધવન?

લાઇફસ્ટાઇલમાં બદલાવ 

ડૉ. ચંદ્રવીર સિંહ

જો તમે ઍન્ટિડિપ્રેસન્ટ દવાઓ, એપિલેપ્સીની દવાઓ, હાઈ બ્લડ-પ્રેશરની દવાઓ, ઍન્ગ્ઝાયટીની દવાઓ કે ઊંઘની ગોળીઓ લેતા હો તો આ તકલીફ સાઇડ ઇફેક્ટ તરીકે તમને આવી શકે છે. આવું થાય તો ડૉક્ટરનો તાત્કાલિક સંપર્ક કરી દવાઓ બદલાવી શકાય છે. આ તકલીફનો મુખ્ય ઇલાજ જણાવતાં ડૉ. ચંદ્રવીર સિંહ કહે છે, ‘આ રોગના ઇલાજમાં હેલ્ધી લાઇફસ્ટાઇલ ખૂબ જ જરૂરી છે. સારો ખોરાક, રેગ્યુલર એક્સરસાઇઝ, મેન્ટલ હેલ્થનું સંપૂર્ણ ધ્યાન પણ આમાં ઘણી મદદ કરે છે. સ્ક્રીન ટાઇમ ઘટાડો જેથી આંખ ઓછી ખેંચાય. ઇલાજરૂપે દારૂ અને સિગારેટ બન્ને છોડાવવાં જરૂરી છે. બન્ને સંપૂર્ણપણે બંધ કરવાં પડે છે. જોકે એકદમ બંધ ન થઈ શકે તો ધીમે-ધીમે પણ બંધ તો કરવાં જ પડે છે. ચા-કૉફી પણ ઘટાડવાં જરૂરી છે. આમ લાગે કે આવા સરળ ઉપાય શું કામ લાગશે, પરંતુ ખરેખર એનાથી મોટા ફાયદાઓ થાય છે.’ 

દવાઓની જરૂર અને સર્જરી 

અમુક લોકોનું બૅલૅન્સ જાય છે એટલે તેઓ ગભરાઈ જાય છે કે જે ઍક્ટિવિટી તેઓ પહેલાં કરતા હતા એ બંધ કરતા જાય છે, જેની સીધી અસર તેમના આત્મવિશ્વાસ પર થાય છે. એનાથી બચવા ઍક્ટિવિટીને બંધ ન કરો પંરતુ થોડા ધીમા પડો. ધીમે-ધીમે ઍક્ટિવિટી વધારો. ધીમે-ધીમે રિકવરી આવી જ જશે. સ્ટ્રેસ, ડર કે ખરાબ મૂડ વર્ટિગો પર સીધી અસર કરે છે. એ પરિસ્થિતિને વધુ બગાડશે એટલે મેન્ટલ હેલ્થને સારી જ રાખવી જરૂરી છે. છતાં પણ જો તમારા ડૉક્ટરને લાગે તો તમે દવાઓ પણ લઈ શકો છો, જે થોડા સમય માટેની હોય છે. લાંબો સમય આ દવાઓ લેવાની હોતી નથી. આ રોગમાં સર્જરી પણ એક પ્રકારનો ઇલાજ છે, જે વિશે ડૉ. ચંદ્રવીર સિંહ કહે છે, ‘દરેક સાથે નહીં પરંતુ અમુક કેસમાં એવું થાય છે કે મગજમાં કોઈ ટ્યુમર હોય કે ક્લૉટ હોય તો આવું થતું હોય તો એ પરિસ્થિતિમાં સર્જરી અનિવાર્ય બને છે. આ તકલીફ ઇમ્બૅલૅન્સથી પણ વધુ ગંભીર છે અને એનો ઇલાજ પણ. આમ જ્યારે ઇમ્બૅલૅન્સ થાય ત્યારે એને અવગણો નહીં. બને કે એ કોઈ મોટી બીમારીને સામે લઈને આવે.’

શું ધ્યાન રાખવું? 

વરુણનું કહેવું છે કે યોગની મદદથી તેને આ તકલીફમાંથી બહાર નીકળવામાં ઘણો ફાયદો થયો. ફિઝિયોથેરપી પણ આ તકલીફમાં ઘણી ઉપયોગી સાબિત થાય છે. જે ભાગમાં તકલીફ હોય એ ભાગની અમુક ખાસ એક્સરસાઇઝ સ્નાયુઓને ઍક્ટિવ કરવામાં મદદરૂપ થઈ શકે છે. એક્સરસાઇઝ વડે બૅલૅન્સને ઇમ્પ્રૂવ કરી શકાય છે. થાય છે એવું કે જ્યારે તમે બૅલૅન્સમાં હોતા નથી ત્યારે તમે માથું હલાવતાં ડરો છો કે હલાવીશ તો ઇમ્બૅલૅન્સ થશે, પરંતુ એ ખોટું છે. માથાને નૅચરલી હલાવવું જરૂરી છે, કારણ કે એ રીતે જ શરીર બૅલૅન્સ રાખવાની કોશિશ કરશે. આમ સાવધાન રહેવાનું છે, પણ મૂવમેન્ટ બંધ નથી કરવાની.

columnists health tips Jigisha Jain life and style varun dhawan