હેલ્થ બનાવવાનો રામબાણ ઇલાજ એટલે રામફળ

13 December, 2022 04:39 PM IST  |  Mumbai | Jigisha Jain

રામફળ એક હાઇપર લોકલ ફળ છે જે આ સીઝનમાં મળી રહ્યું છે. ઍડલ્ટ ઍક્નેથી લઈને આર્થ્રાઇટિસમાં મદદરૂપ થનાર આ ફળ ખાવાના અઢળક ફાયદાઓ કયા-કયા છે એ આજે જાણીએ

રામફળ

આમ તો ફળ સ્વરૂપે ખાઓ એ જ બેસ્ટ છે, પરંતુ સીતાફળની જેમ ગળ્યું હોવાથી ડિઝર્ટ વાનગીઓ સાથે પણ એ ખૂબ ભળે છે. ખીર, કસ્ટર્ડ, આઇસક્રીમ, મિલ્કશેક, સ્મૂધીઝ કે બાસુંદીમાં રામફળનો સ્વાદ ખૂબ સરસ લાગશે. 

રામફળનું આમ તો ખાસ અંગ્રેજી નામ નથી, પરંતુ અમુક લોકો એને અંગ્રેજીમાં બુલોક્સ હાર્ટ કહે છે. કદાચ નંદીના હૃદય જેટલું સશક્ત ફળ માનીને એનું આવું નામ રખાયું હશે. ઉપરથી પીળા-બદામી રંગનું અંદરથી એકદમ દળદાર સીતાફળ જેવાં થોડાં બીજવાળું ફળ એટલે રામફળ. થોડો એનો આકાર અંજીરના ફળ જેવો લાગે. સીતાફળ બહારથી ઊબડ-ખાબડ દેખાય છે, જ્યારે રામફળ એકદમ સ્મૂધ સપાટી ધરાવતું ફળ છે. રામફળ એક હાઇપર લોકલ ફળ છે. એટલે જ કદાચ કેરી-કેળા કે પપૈયાની જેમ ફેમસ નથી. એટલે કે દરેક વ્યક્તિએ રામફળ ખાધું હોય એવું જરૂરી નથી. વળી, દરેક જગ્યા મુજબ રામફળના નામે જુદાં-જુદાં ફળ લોકો ખાતા હોય છે, જેમ કે સૌરાષ્ટ્ર બાજુ એકદમ રસાળ સૉફ્ટ પેર હોય એને રામફળ કહેવાય છે, પણ આજે આપણે જે ફળની વાત કરવાના છીએ એ સીતાફળ ફૅમિલીનું જ છે અને ઘણા પ્રદેશોમાં એને જ રામફળ કહે છે. ભારતમાં આસામ, વેસ્ટ બેન્ગાલ, ગુજરાત, મહારાષ્ટ્ર, કેરલા, તામિલનાડુ જેવાં રાજ્યોમાં ઊગતું ફળ છે. રામફળનો સ્વાદ લગભગ સીતાફળ જેવો જ હોય છે. સીતાફળની જેમ રામફળ પણ શિયાળામાં આવતું ફળ છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી આ ફળની સીઝન છે. વધારે ખાવાથી શરદી વધી જાય એવું પણ બને અને શુગર પણ વધી શકે છે. આમ એને ચોક્કસ ખાવું, પરંતુ માત્રામાં ખાવું જોઈએ. ન્યુટ્રિશનિસ્ટ કેજલ શાહ પાસેથી જાણીએ કે આ રામફળના ફાયદાઓ શું-શું છે. 

ઇમ્યુનિટી અને એનર્જી 

વિટામિન સી અને ઍન્ટિ-ઑક્સિડન્ટ્સથી ભરપૂર હોવાને કારણે એ ઇમ્યુનિટીને બૂસ્ટ કરે છે. આ સિવાય વિટામિન એ અને બી પણ એમાંથી મળી રહે છે. આ ફળ એક ઇન્સ્ટન્ટ સોર્સ છે એનર્જીનો. આ એક એવું ફળ છે જેમાંથી આયર્ન પણ મળે છે, જેથી શરીરમાં લોહીના ટકા વધે છે એટલે કે હીમોગ્લોબિનની માત્રામાં વધારો થાય છે. ભાગ્યે જ એવાં ફળ જોવા મળે છે જેમાંથી આયર્ન મળે. રામફળ એમાંનું એક છે. 

સ્કિન અને વાળ 

રામફળમાં રહેલું વિટામિન બી૬ કિડની સ્ટોન થતો અટકાવે છે અને હાર્ટ પાસે ફૅટનો ભરાવો થતો પણ અટકાવે છે, જેને કારણે હાર્ટ-સંબંધિત તકલીફોથી પણ બચાવે છે. સ્કિન અને વાળ માટે રામફળ એક રામબાણ ઇલાજ છે. ટીનેજર્સને જે ખીલ થઈ જવાની સમસ્યા સતાવે છે એ ખીલ થતા અટકાવે છે, એટલું જ નહીં, ઍડલ્ટ ઍક્નેમાં પણ એ ઘણું મદદરૂપ છે. વાળ ખરવાની સમસ્યામાં પણ રામફળ ઘણું ઉપયોગી સાબિત થાય છે. વાળની જે રુક્ષતા એ આનાથી ઓછી થાય છે. 

બીપી અને શુગર 

જ્યારે નબળાઈ આવી જાય કે શુગર એકદમ ડ્રૉપ થઈ જાય ત્યારે શુગરને નૉર્મલ લિમિટ સુધી લાવવામાં એ મદદરૂપ થાય છે, પરંતુ એનો અર્થ એવો નથી કે શુગરના દર્દીઓ આ ફળ ન ખાઈ શકે. બસ, એનો પોર્શન કંટ્રોલમાં રાખીને ડાયાબિટીઝના દર્દીઓ પણ એ ખાઈ શકે છે. એમાં પોટૅશિયમની માત્રા ઘણી સારી છે, જેને લીધે બ્લડપ્રેશરમાં ઘણી રાહત રહે છે. એટલું જ નહીં, જે વ્યક્તિનું બ્લડપ્રેશર વારંવાર લો થઈ જતું હોય એના માટે તો આ ફળ ઇલાજનું કામ કરે છે. 

રિકવરી માટે બેસ્ટ 

જે પણ વ્યક્તિ બીમાર છે એની રિકવરી જલદી થાય અને એની શક્તિ વધે એ માટે એ ઉપયોગી છે. જો તમે કોઈ લાંબી બીમારીમાંથી ઊઠ્યા હો તો જીવન પહેલાં જેવું બનાવવા માટે આ ફળ તમારી ચોક્કસ મદદ કરી શકે એમ છે. એટલું જ નહીં, કોઈ ઘાવ થઈ ગયો હોય તો એને ભરવામાં પણ વાર ન લાગે, શારીરિક ક્ષમતા વડે એ જલદી ભરાઈ જાય એ માટેની મદદ આ ફળ કરે છે. 

પાન પણ ઉપયોગી 

રામફળ એ પરંપરાગત રીતે મહત્ત્વ ધરાવતું ફળ છે, જે જુદી-જુદી ઘણી બીમારીઓમાં કામ લાગે છે. રામફળ ખાવાથી નબળા પાડી ગયેલા સ્નાયુઓ સશક્ત બને છે. રામફળનાં પાન પણ ઘણાં જ ઉપયોગી છે. એનો લેપ બનાવીને શરીરના એ ભાગ પર લગાવી શકાય, જ્યાં ખૂબ દુખાવો થતો હોય. એ દુખાવામાં ઘણી રાહત આપે છે. ખાસ કરીને જેને પીઠ કે કમરનો દુખાવો હોય એના માટે એ ઘણો સારો ઇલાજ સાબિત થઈ શકે છે. આર્થ્રાઇટિસની તકલીફ હોય જેને લીધે સાંધાઓમાં દુખાવો થતો હોય તો એ સાંધાઓનું પેઇન દૂર કરવામાં મદદરૂપ છે. એનાં પાનનો લેપ પગમાં આવતા સોજાને ઉતારવામાં મદદરૂપ છે. આ તકલીફને એ જડથી દૂર કરવામાં મદદરૂપ છે.

જે પણ વ્યક્તિ બીમાર છે એની રિકવરી જલદી થાય અને એની શક્તિ વધે એ માટે એ ઉપયોગી છે. જો તમે કોઈ લાંબી બીમારીમાંથી ઊઠ્યા હો તો જીવન પહેલાં જેવું બનાવવા માટે આ ફળ તમારી ચોક્કસ મદદ કરી શકે એમ છે. કેજલ શેઠ, ન્યુટ્રિશનિસ્ટ

ન્યુટ્રિશન વૅલ્યુ કેટલી?

૧૦૦ ગ્રામ રામફળમાંથી મળે 
૭૦ કૅલરી 
૧૫.૭ ગ્રામ કાર્બોહાઇડ્રેટ
૨૦ મિલીગ્રામ ફૉસ્ફરસ 
૩૦ મિલીગ્રામ કૅલ્શિયમ 
૧૯ મિલીગ્રામ વિટામિન સી
૨ મિલીગ્રામ વિટામિન બી૬
૨.૫ ગ્રામ ફાઇબર 
૬ ગ્રામ ફૅટ

આ પણ વાંચો :  રૅગિંગ સામે આટલી ચુપકીદી કેમ?

હાઇપર લોકલ ફ્રૂટની વિશેષતા 

રામફળ એક હાઇપર લોકલ ફળ છે. હાઇપર લોકલ ફળોની હિમાયત કરતાં સેલેબ્રિટી ન્યુટ્રિશનિસ્ટ ઋજુતા દિવેકરે પોતાની એક સોશ્યલ મીડિયા પોસ્ટમાં રામફળના ગુણો વર્ણવતાં સમજાવ્યું હતું કે કેમ આપણે હાઇપર લોકલ ફળો ખાવાં જોઈએ. ઋજુતા દિવેકર અનુસાર લોકલ ફળ એટલે એવાં ફળ જે તમારી જમીનમાં ઊગતાં હોય. કીવી કે ગ્રીન ઍપલ નહીં જે બહારથી આપણે ઇમ્પોર્ટ કરીને લાવીએ. હંમેશાં તમારી જમીનમાં ઊગતાં ફળો તમને વધુ ફાયદાકારક છે. એટલે કે કુદરતના નિયમ મુજબ આપણે ત્યાં ઊગતાં બોર ખાવાથી શરીરને વધુ ફાયદો થાય છે, ઇમ્પોર્ટેડ બેરીઝ ખાવાથી નહીં. એમાં પણ હાઇપર લોકલ ફળો વધુ ફાયદાકારક છે. હાઇપર લોકલ એટલે એવાં ફળો જે તમારા જ પ્રાંતમાં ઊગતાં હોય, એનું આયુષ્ય એક દિવસથી વધુ ન હોય એટલે કે એને સ્ટોર ન કરી શકાય અને એનું નામ અંગ્રેજીમાં ભાગ્યે જ મળે. આ ફળો હંમેશાં સીઝનમાં જ આવે છે. સીઝન વગર બારે માસ આ ફળો જોવા નથી મળતાં. આવાં 
ફળો લોકલ માર્કેટમાં ટોપલામાં ભરીને ફેરિયાઓ વેચતા જોવા મળે છે. આ ફળોની કિંમત આજે કોઈ કરતું નથી એ દુખદ વાત છે, પરંતુ હેલ્થની દૃ​ષ્ટિએ આ ફળો ખૂબ જ ગુણવાન છે. આ ફળોના લિસ્ટમાં કરમદાં, શેતૂર, કાળાં જાંબુ, સફેદ જાંબુ, બેલ, તાડગોળા, ખારેક, લીંબોળી, કમરખ, કાતરા, ફાલસા અને રામફળ જેવાં ઘણાં ફળો આવે છે.

columnists life and style health tips Jigisha Jain