રડવું એ તો સંવેદનશીલતાની નિશાની છે

26 December, 2022 06:25 PM IST  |  Mumbai | Jigisha Jain

આ વાત હવેના પુરુષો બહુ સારી રીતે સમજી રહ્યા છે. ‘છોકરો થઈને થોડું રડાય’ જેવા સોશ્યલ કન્ડિશનિંગની ઘૂંટી પીને કઠોર બની ગયેલા પુરુષો હવે મનને હળવું કરતા થયા છે. જોકે હજીયે રડવું એ તો નબળાઈની નિશાની છે એવી વાતો કેટલાય પુરુષોને મનમાં કોરી ખાતી જ હોય છે.

રડવું એ તો સંવેદનશીલતાની નિશાની છે

આ વાત હવેના પુરુષો બહુ સારી રીતે સમજી રહ્યા છે. ‘છોકરો થઈને થોડું રડાય’ જેવા સોશ્યલ કન્ડિશનિંગની ઘૂંટી પીને કઠોર બની ગયેલા પુરુષો હવે મનને હળવું કરતા થયા છે. જોકે હજીયે રડવું એ તો નબળાઈની નિશાની છે એવી વાતો કેટલાય પુરુષોને મનમાં કોરી ખાતી જ હોય છે. ત્યારે આવો મળીએ એવા વીરોને જેમને રડવાનો કોઈ છોછ નથી. ઊલટું એમની આસપાસના લોકો પણ એમની આ સંવેદનશીલતાને સહજ રીતે સ્વીકારે છે

હાલમાં કતારમાં યોજાયેલા ફિફા વર્લ્ડ કપમાં પોર્ટુગલ લેજન્ડ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની ટીમ જ્યારે મૉરોક્કો સામે  હારી ગઈ ત્યારે તે મેદાન પર જ રડી પડેલો. તે એટલો બધો દુખી થઈ ગયેલો કે તેને કોઈ શાંત નહોતો કરી શકે એમ. તે રડ્યે જ જતો હતો. ફુટબૉલ વર્લ્ડ કપમાં આ પ્રકારના બનાવો બનતા રહે છે. હાલમાં ઇન્ડિયા-પાકિસ્તાનની મૅચ વખતે હાર્દિક પંડ્યા મૅચ જીત્યા પછી પોતાના પિતાજીને યાદ કરીને રડી પડ્યો હતો. હાલમાં એક ઇન્ટરવ્યુમાં શાહરુખ ખાને કબૂલ્યું હતું કે ૨૦૧૪માં તેની આઇપીએલ ટીમ જ્યારે અબુ ધાબીમાં એક પછી એક મૅચ હારતી હતી ત્યારે તે ખૂબ દુખી થઈ જતો હતો અને હોટેલ રૂમમાં જઈને એકલો રડતો હતો. એમાં તેણે કહ્યું હતું કે કેટલું પણ ડહાપણ હોય તમને કે હાર અને જીત તો ચાલ્યા કરે, પરંતુ જ્યારે હારીએ તો દુઃખ તો થાય જ છે અને દુઃખ થાય તો રડવું પણ આવે છે. 

એક સમયે રડતા પુરુષો માટે આપણે ત્યાં વેવલો કે બાયલો જેવાં વિશેષણો વપરાતાં. આપણે ત્યાં ઘણી જગ્યાએ પુરુષો આપ્તજનોનાં મૃત્યુ પર પણ રડી નથી શકતા. એનું કારણ એ છે કે મન ભરાઈ આવે તો પણ સહન કરતાં શીખવાનું તેને બાળપણથી શિખવાડાયું છે. ‘તું છોકરો છે, રડ નહીં’નું વિધાન છોકરાઓમાં નિષ્ઠુરતાનાં બીજ રોપે છે. ઘણા સમયથી આ બાબતે સમાજમાં ચર્ચા ચાલે છે કે છોકરાઓને સંવેદનશીલ રહેવા દ્યો, તેને રડવા દ્યો. હકીકત એ છે કે પુરુષો પણ અંતે મનુષ્ય જ છે અને મનુષ્યને આંસુ સારવાનો હક છે. કદાચ કહીએ કે આંસુ જ મનુષ્યને માનવતાની નજીક રાખે છે તો ખોટું નથી. ભલે સમાજ ગમે તેટલો કઠોર હોય આ બાબતે, સમાજમાં ઘણા પુરુષો એવા છે જે સંવેદનશીલ છે, જે રડી શકે છે અને આ બાબતે એમને જરા પણ છોછ નથી. મળીએ કેટલાક એવા વિરલાઓને જેણે પોતાની અંદર એ કોમળતાને મરવા દીધી નથી. 

આ પણ વાંચો : હેલ્થ બનાવવાનો રામબાણ ઇલાજ એટલે રામફળ

માણસનો સ્વભાવ 

જૈન ધર્મનાં શ્રાવક-શ્રાવિકાઓ એક હૉલમાં ભેગાં થયાં છે અને આ જનમેદનીને ૫૪ વર્ષના સુનીલભાઈ  છેડા પ્રવચન આપી રહ્યા છે. કતલખાનામાં કપાતા જીવોની વાત પર સહજ રીતે સુનીલભાઈ એટલા ભાવુક થઈ જાય છે કે ત્યાં હજારો લોકો વચ્ચે રડી પડે છે. અને તેમનાં આંસુથી દ્રવિત થઈને જીવદયા માટે કરોડોનું દાન એકઠું થઈ ગયું. એ આંસુ હજારો હૃદય સુધી પહોંચ્યાં. એ વિશે વાત કરતાં સુનીલભાઈ કહે છે, ‘આંસુ ન હોવાં એટલે લાગણીવિહીન હોવું. એ બે પ્રકારે સંભવ છે. તીર્થંકર ભગવાનને આંસુ હોતાં નથી, કારણ કે તે દરેક લાગણીથી પર થઈ ગયા છે. તે વીતરાગ છે. અને એક રાક્ષસને આંસુ હોતાં નથી, કારણ કે એ નિષ્ઠુર થઈ ગયો છે. આપણે નથી ભગવાન કે નથી રાક્ષસ, આપણે મનુષ્યો છીએ. લાગણીશીલ હોવું એ આપણો સ્વભાવ છે. સંવેદનશીલતા આપણે જ્યારે છોડીએ છીએ ત્યારે આપણે માણસાઈ છોડી દીધી છે એમ સમજવું. પુરુષમાં પુરુષત્વ હોય એ વાત સાચી, પરંતુ પુરુષત્વ માણસાઈ વિહોણું ન હોઈ શકે.’ 
કોઈનાં સત્કાર્યો જોઈને તેમની આંખ ભરાઈ આવે તો કોઈના દુખે ખુદ દુખી થઈ જતા સુનીલભાઈ કહે છે, ‘પાપનો પશ્ચાત્તાપ જો ખરો હોય તો વ્યક્તિનાં આંસુ નીકળે જ પછી એ પુરુષ હોય કે સ્ત્રી. મને એ વાતનો ગર્વ છે કે હું આટલો સંવેદનશીલ છું. હું પુરુષ છું છતાં જ્યારે હું રડી પડું ત્યારે એ સંવેદનાને કારણે હું હાંસીપાત્ર નથી બનતો. ઊલટું એ લોકોના હૃદય સુધી પહોંચે છે. આ સંવેદના કીમતી છે. બહુમૂલ્ય છે. કોઈ એને કાયરતામાં નથી ખપાવતું.’ 

સંયુક્ત પરિવારને કારણે લાગણીશીલ સ્વભાવ 

ઘાટકોપરમાં રહેતા ૭૬ વર્ષના મૂળરાજ શાહ નાનપણથી જ સંયુક્ત પરિવારમાં ઊછર્યા હતા. પોતે ૬ ભાઈ અને ૩ બહેન હતાં. હંમેશાં લોકો વચ્ચે રહેતાં હોય એ બાળકો સંવેદનશીલ જ હોય એમ જણાવતાં મૂળરાજભાઈ કહે છે, ‘માણસોની વચ્ચે તમે રહો તો મન લાગણીશીલ જ હોય એમ મારું માનવું છે. બે દિવસ પહેલાં મારી એક બહેન ગુજરી ગઈ ત્યારે હું ખૂબ રડ્યો. આપ્તજનોનાં મૃત્યુ પર તો તમે પુરુષ હો કે સ્ત્રી, રડવું તો આવવાનું જ છે. ઘણા પુરુષો બધાની સામે રડતા નથી. પરંતુ મને એવો કોઈ ઈગો નથી કે મને લાગતું નથી કે મને રડતો જોઈને કોઈ મને ઓછો આંકશે. જેમ તમે મુક્ત મને હસી શકો તો મુક્ત રીતે રડી પણ શકવા જોઈએ.’

ઉંમર સાથે મૃદુતા વધે 

મૂળરાજભાઈ પોતાનાં માતા-પિતા માટે વધુ ભાવુક છે. જ્યારે પણ નૉર્મલ વાતચીતમાં પણ જો તેમનાં માતા-પિતા તેમને યાદ આવે તો તરત આંખમાં આંસુ આવી જાય છે. ૭૬ વર્ષે પણ બાળક તરીકે તેમનાં માતા-પિતા માટે અપાર સ્નેહ અને આદર તેમના મનમાં છે અને તેમની કમી તેમને ખલતી રહે છે. આપણે નાના હોય ત્યારે ફિલ્મ જોવા જઈએ અને રડી પડીએ એવું બનતું હોય છે પરંતુ મોટા થયા પછી આ ફિલ્મ છે, એમાં રડવા જેવું કશું નથી જેવી પ્રૅક્ટિકાલિટી આપણી અંદર આવી જાય છે. હજી પણ સ્ત્રીઓ થિયેટરમાં રડતી જોવા મળે છે. પણ ફિલ્મ જોઇને કોઈ પુરુષ રડતો હોય એવું ભાગ્યે જ જોવા મળે. મૂળરાજભાઈ એ ગણ્યાગાંઠ્યા પુરુષોમાંના એક છે. એ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘હમણાં મેં ‘તારે ઝમીન પર’ ફિલ્મ જોઈ. એમાં હૉસ્ટેલમાં બાળકને એકલો મૂકી દેવામાં આવે છે એ પ્રસંગે હું રડી પડ્યો. મને લાગ્યું કે આવું કઠોર ન બનવું જોઈએ બાળકો માટે. કેટલીક કરુણ ફિલ્મો હોય એ હું જોવા જ નથી જતો, કારણ કે મારાથી એ સહન ન થાય અને હું ઘણું રડી દઉં છું. હું નાનપણથી જ આવો હતો પરંતુ જેમ-જેમ ઉંમર વધતી જાય છે એમ વધુને વધુ લાગણીશીલ બનતો જાઉં છું, પણ એમાં મને કે પરિવારના કોઈને તકલીફ નથી. ઊલટું એ લોકો આ વાતનો આદર કરે છે.’

આ પણ વાંચો : રૅગિંગ સામે આટલી ચુપકીદી કેમ?

પરિવાર માટે લાગણીશીલ 

દીપક તુરખિયા આખા પરિવાર માટે અતિ ઇમોશનલ વ્યક્તિ છે. ખાસ કરીને પરિવાર માટે તે ઘણા વધારે લાગણીશીલ રહ્યા છે. મૃત્યુ તો છોડો; કોઈ વ્યક્તિ માંદી પડે, કોઈ વ્યક્તિ બહારગામ જાય કે કોઈને નાની-મોટી તકલીફ આવી પડે તો પણ તેમનાથી રડાઈ જાય છે. સંબંધોનું મહત્ત્વ તેમને મન ઘણું છે અને એટલે જ કદાચ પોતાની અડાલજ રહેતી બહેનને રક્ષાબંધન પર મળી ન શક્યા ત્યારે બહેનને યાદ કરીને તેઓ રડી પડ્યા હતા. એ પણ ૪૫ વર્ષ ૨૭ જણના મોટામસ જૉઇન્ટ ફૅમિલીમાં રહેલા છે. પોતાની વાત કરતાં દીપકભાઈ કહે છે, ‘હું સાંતાક્રુઝ રહું છું અને મારી દીકરીની દીકરી હિયા ઘાટકોપર રહે છે. હમણાં કોરોનામાં તે બે-ત્રણ મહિના અહીં જ રોકાઈ હતી અને એ પાછી તેના ઘરે જતી હતી ત્યારે હું તેની સામે જ રડી પડેલો. નાના તરીકે તે મને ખૂબ વહાલી છે. એમનેમ  પણ તે મળવા આવે અને જાય તો મારાથી રડાઈ જાય છે. આ તો ૨-૩ મહિને આવેલી તો હું વધુ ભાવુક થઈ ગયો હતો.’ 

તેમના ઘરમાં કે ફ્રેન્ડ સર્કલમાં પણ દરેક વ્યક્તિએ એ સહજતાથી સ્વીકાર્યું છે કે દીપકભાઈ લાગણીશીલ છે. આ બાબતે કોઈ તેમને એવું નથી કહેતું કે તમારે થોડા સ્ટ્રૉન્ગ થવાની જરૂર છે. પોતાની વાત રજૂ કરતાં દીપકભાઈ કહે છે, ‘જે પુરુષ રડે છે તે કમજોર હોય છે એવું નથી. અમારી અંદર ખુમારી પર એટલી જ છે. જવાબદારીઓનું વહન પણ અમે મજબૂતીથી કરીએ છીએ. પરિવારનાં સુખ-શાંતિ માટે સતત પ્રયત્નશીલ હોઈએ છીએ. પરંતુ એની સાથે-સાથે અમે અમારી અંદરની લાગણીઓને એક્સપ્રેસ પણ કરતા હોઈએ છીએ, જે કદાચ ઘણા બીજા પુરુષો નથી કરતા હોતા.’ 

 ‘હું સાંતાક્રુઝ રહું છું અને મારી દીકરીની દીકરી હિયા ઘાટકોપર રહે છે. હમણાં કોરોનામાં તે બે-ત્રણ મહિના અહીં જ રોકાઈ હતી અને એ પાછી તેના ઘરે જતી હતી ત્યારે હું તેની સામે જ રડી પડેલો. - દીપક તુરખિયા

Jigisha Jain health tips columnists