બહેરાશની નીરવતામાંથી કઈ રીતે બહાર આવ્યા આ ડૉક્ટર?

06 March, 2023 06:17 PM IST  |  Mumbai | Jigisha Jain

બોલતાં આવડતું હોવા છતાં તમારો અવાજ ખોવાઈ જાય ત્યારે જે ભયંકર ડિપ્રેશન આવે એને મહાત આપીને ડૉમ્બિવલીના ડૉ. અશોક ભાનુશાલી કઈ રીતે એમાંથી બહાર આવ્યા એની દાસ્તાન અનેકો માટે પ્રેરણાદાયી છે

બહેરાશની નીરવતામાંથી કઈ રીતે બહાર આવ્યા ડૉ. અશોક ભાનુશાલી

મજાની જિંદગી ચાલતી હોય અને અચાનક કોઈ રોગને કારણે શ્રવણ શક્તિ છિનવાઈ જાય ત્યારે એને જીરવવું સહેલું નથી હોતું. બોલતાં આવડતું હોવા છતાં તમારો અવાજ ખોવાઈ જાય ત્યારે જે ભયંકર ડિપ્રેશન આવે એને મહાત આપીને ડૉમ્બિવલીના ડૉ. અશોક ભાનુશાલી કઈ રીતે એમાંથી બહાર આવ્યા એની દાસ્તાન અનેકો માટે પ્રેરણાદાયી છે

‘અચાનક એક દિવસ તમને ખબર પડે કે તમને એક એવો રોગ છે જે થવાનું કોઈ કારણ હજી સુધી સાયન્સને ખબર નથી અને એને કારણે તમારી સાંભળવાની શક્તિ જતી રહેશે ત્યારે તમે ખુદ ભલે ડૉક્ટર હો પણ તમારા માટે એ સહન કરવું સરળ નથી.’

આ શબ્દો છે ડોમ્બિવલીમાં રહેતા અને કલ્યાણમાં પ્રૅક્ટિસ કરતા ૫૦ વર્ષના ડૉ. અશોક ભાનુશાલીના. એક ફૅમિલી ફિઝિશ્યન તરીકે કામ કરતા ડૉ. અશોક ભાનુશાલીને ૨૦૦૩માં મીનીયર્સ ડિસીઝ નામનો એક ભાગ્યે જ થતો રોગ થયો હતો, જેને લીધે ધીમે-ધીમે તેમના એક કાનમાં સંપૂર્ણ બહેરાશ અને બીજા કાનમાં ૮૦ ટકા જેવી બહેરાશ આવી ગયેલી. શરૂઆતમાં અશોકભાઈને થોડાં તમ્મર ચડી જાય કે ચક્કર આવી જાય જેવાં ચિહ્નો સામે આવ્યા. જેના વિશે તેઓ કહે  છે, ‘મને શરૂઆતમાં થયું કે કદાચ થાક કે લો બીપી જેવું કંઈ હોઈ શકે, પરંતુ જ્યારે એપિસોડ રિપીટ થવા લાગ્યા ત્યારે મને લાગ્યું કે આ કંઈક અલગ છે. મેં ટેસ્ટ કરાવી ત્યારે ખબર પડી કે મને મીનીયર્સ ડિસીઝ છે. આ અંદરના કાનને અસર કરતો રોગ છે. આ રોગ પાછળનું કોઈ કારણ સાયન્સને હજી સુધી મળ્યું નથી એટલે એ મને કેમ આવ્યું એનો કોઈ જવાબ તો મળે નહીં. ઍલોપથીમાં એની કોઈ ખાસ ટ્રીટમેન્ટ હતી નહીં એટલે મેં હોમિયોપથી શરૂ કરી. લગભગ દોઢ વર્ષ સુધી મારી તબિયત એકદમ સારી રહી. ચક્કર બંધ થઈ ગયાં અને મને લાગ્યું કે હવે હું ઠીક છું.’ 

પરંતુ દોઢ વર્ષ પછી ફરી ડૉ. ભાનુશાલીના કાનમાં તમરાં બોલવા લાગ્યાં. એ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘બધું ઠીક જ હતું પણ અચાનક ફરી કાનમાં અવાજો આવવાનું શરૂ થઈ ગયું. મને ખૂબ તકલીફ થવા લાગી હતી. હું મુંબઈના જ નહીં; મુંબઈથી બહાર રહેતા આંખ, કાન, નાકના ડૉક્ટર્સ અને સર્જ્યનોને પણ મળ્યો, કારણ કે પહેલાં ક્યારેક જ આવતી. ધીમે-ધીમે એનો પ્રભાવ વધતો ચાલ્યો. બધા મને કહેતા કે ચિંતા જેવું કંઈ નથી. આ રોગ સેલ્ફ લિમિટિંગ છે. થોડા સમયમાં ઠીક થઈ જશે. પરંતુ એ ઠીક ન જ થયો.’

તકલીફ વધી 

જ્યારે કાનમાં અવાજો આવવા લાગ્યા ત્યારે એ અવાજોને કારણે ડૉ. ભાનુશાલી એટલા ડિસ્ટર્બ રહેવા લાગ્યા કે ધીમે-ધીમે તેમણે ક્લિનિક જવાનું જ બંધ કરી દીધું. દરરોજ કાનમાં તમરાં નહોતા બોલતાં, પરંતુ અમુક દિવસો એવા આવતા કે ત્યારે તકલીફ એટલી વધારે થતી હતી કે એ કશું કામ કરી નહોતા શકતા. ધીમે-ધીમે આ પ્રકારના દિવસો વધતા ગયા અને એની સાથે-સાથે બહેરાશ પણ આવતી ચાલી. એ વિશે વાત કરતાં ડૉ. ભાનુશાલી કહે છે, ‘એક નૉર્મલ માણસ ધીમે-ધીમે બહેરાશની દુનિયા તરફ ધકેલાઈ રહ્યો હતો. આ સમયની ગંભીરતા એ જ સમજી શકે જે એમાંથી પસાર થયું છે. જેમ-જેમ તમને સંભળાવાનું બંધ થતું જાય એમ-એમ તમે દુનિયાથી અલિપ્ત થતા જાઓ. લોકોને કશું કહેવાની ઇચ્છા થાય પરંતુ સામે ડર લાગે કે એના પ્રત્યુત્તરમાં એ જે બોલશે એ તો મને સંભળાશે નહીં તો હું શું કરીશ? એમ તમે ધીમે-ધીમે જરૂરી અને એકદમ કામની વાત હોય તો જ બોલવાનું રાખો છો. બાકી બોલવાનું બંધ થઈ જાય.’ 

ડિપ્રેશન 

ડૉ. ભાનુશાલીએ બીજા એક ડૉક્ટરને પોતાની હેઠળ ટ્રેઇન કર્યા અને પોતાના ક્લિનિકને કોઈ પણ રીતે ચાલુ રાખવાનો ઑપ્શન વિચાર્યો. આ રીતે ક્લિનિક તો ચાલુ રહ્યું છતાં આવક સાવ નહીંવત થઈ ગઈ. આ દિવસો યાદ કરતાં ડૉ. ભાનુશાલી કહે છે, ‘એક દિવસ સારો જાય, બીજો ખરાબ. ડૉક્ટર્સને સતત મળતો રહું પણ કોઈ સોલ્યુશન મળે નહીં. દવાઓ, જુદા-જુદા ઇલાજ અને દરેક વસ્તુ હું ટ્રાય કરી ચૂક્યો હતો. એ સમયે ઘરમાં જ ભરાઈ રહેતો. કશે બાહર જતો જ નહીં. આ ૨૦૧૦ પછીનો સમય હતો. એક સમયે હું અતિ સોશ્યલ હતો. અઢળક મિત્રો અને સગાંસ્નેહીઓ વચ્ચે જ હું રહેતો. ખૂબ હસતો. ખૂબ વાતો કરતો. મારા ઘણા દરદીઓ સાથે પણ મારે ઘર જેવા સંબંધો હતા. ધીમે-ધીમે મારી આખી પર્સનાલિટી જ બદલતી ચાલી. આખો દિવસ ચૂપ રહેવું, ઘરમાં પણ કોઈ સાથે વાતો ન કરવી, એક ડૉક્ટર તરીકે મને સમજાઈ રહ્યું હતું કે હું ખુદને જ ડિપ્રેશનના દલ-દલમાં ડુબાડી રહ્યો છું.’ 

ખેતી કરવાનો નિર્ણય 

બહેરાશ માટેનો એક છેલ્લો ઉપાય કોક્લિયર ઇમ્પ્લાન્ટ હોય છે. એ વિશે તેઓ એક મોટા સર્જ્યન પાસે ગયા. એ સર્જ્યને તેમને ઘસીને ના પાડી દીધી કે તારા કેસમાં કોક્લિયર ઇમ્પ્લાન્ટ શક્ય જ નથી. એ એમની છેલ્લી આસ હતી જે તૂટી હતી. હવે ક્યારેય પોતે સાંભળી નહીં શકે એનો તેમને ભરોસો થઈ ગયો હતો. આને કારણે ડૉ. ભાનુશાલી મુંબઈ છોડીને કચ્છ જતા રહ્યા હતા. ભુજ પાસે આવેલા તેમના ગામમાં માત્ર ૧૦૦ જણની વસ્તી હશે. એ ગામમાં તેમની પાંચ એકર ખાનદાની જમીન છે, જેના પર ખેતીનું કામ ચાલે છે. તેમણે વિચાર્યું કે હવે હું આ જ કામ કરીશ. જીવન અહીં જ વિતાવીશ. મેડિસિન ફરીથી શરૂ કરવાનું જાણે કે તેમણે માંડી જ વાળ્યું હતું. ત્રણેક મહિના ત્યાં રહ્યા પછી તેમના નાના દીકરાને કારણે તેઓ મુંબઈ પાછા ફર્યા.

આ પણ વાંચો:  પિરિયડ્સમાં પેઇડ લીવ્સ મળવી જોઈએ?

પોતાના પરિવાર માટે ફરી પોતાની અંદર આસ જગાડી ડૉ. ભાનુશાલી ઈએનટી સર્જ્યન ડૉ. હેતલ મારફતિયા પાસે ગયા. તેમણે ડૉ. ભાનુશાલીને ચકાસીને કહ્યું કે ઇમ્પ્લાન્ટ થઈ જ શકશે. ૨૦૧૩માં ડૉ. ભાનુશાળીએ કોક્લિયર ઇમ્પ્લાન્ટ કરાવ્યું હતું, જે સફળ રહ્યું. ઇમ્પ્લાન્ટ સર્જરીના પંદર દિવસ પછી તરત જ ડૉ. ભાનુશાલીએ પ્રૅક્ટિસ શરૂ કરી દીધી હતી. એક કાનમાં ઇમ્પ્લાન્ટ થયું અને બીજા કાનમાં ૮૦ ટકા બહેરાશ હોવાને લીધે હીઅરિંગ એઇડ લગાવવામાં આવ્યું છે, જેને કારણે હવે તે ખૂબ સારી રીતે સાંભળી શકે છે. 

પોતાની નવી શરૂઆત વિશે વાત કરતાં ડૉ. ભાનુશાલી કહે છે, ‘૨૦૧૩માં મારો પુનર્જન્મ થયો હતો, કારણ કે મારી ફક્ત સાંભળવાની શક્તિ નહોતી ગઈ. મારું જીવન જ જતું રહ્યું હતું. દાક્તરી બંધ થઈ ગઈ હતી. બોલવાનું બંધ થઈ ગયું હતું. પરિવાર અને મિત્રો સાથેનું કનેક્શન તૂટી ગયું હતું. એ બધું જ થઈ શક્યું. એ બધું મને ફરીથી પાછું મળ્યું. હું છેલ્લાં દસ વર્ષથી એકદમ પહેલાં જેવું નૉર્મલ જીવન જીવી રહ્યો છું, જેનો મને આનંદ છે.’ 

બોલવાનું કેમ અફેક્ટ થયું? 

૨૦૧૧ આસપાસ હાલત વધુને વધુ બગડતી ચાલી. સાંભળવાનું બંધ થયું હતું, પરંતુ તમે બોલવાનું બંધ કેમ કર્યું? આ પ્રશ્નનો જવાબ આપતાં ડૉ. ભાનુશાલી કહે છે, ‘જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે એ આપણને સંભળાય છે એટલે ખુદને બોલ્યાનું ભાન રહે છે. જ્યારે તમે ખુદનું બોલેલું સાંભળી નથી શકતા ત્યારે સમજાતું જ નથી કે હું બોલ્યો કે નહીં. સામેવાળાને એ સમજાય કે હું બોલ્યો પરંતુ એના પ્રત્યુત્તરમાં જે એ કહે એ પણ તમને ન સંભળાય એટલે તમે ઑટોમૅટિકલી સાઇન લૅન્ગ્વેજમાં કે લખીને વાત કરતા થઈ જાઓ છો. આ કનેક્શન તમને સંભળાય નહીં, છતાં તમે બોલો એ પણ એક પ્રૅક્ટિસ છે જે એક બહેરી વ્યક્તિ, જેને બોલતાં આવડે છે તેણે કરવી પડે છે. એ સમયે મારી પત્ની સાથે હું મોટા ભાગે sms પર જ વાત કરતો. મહિનાના ૧૫,૦૦૦ મેસેજનું પૅક પણ અમને ઓછું પડતું.’ 

columnists Jigisha Jain health tips life and style