ટીંડોરાંનું શાક બહુ ભાવે છે? તો જાણી લો શાસ્ત્રોમાં ટીંડોરાં બુદ્ધિનાશક કહેવાયાં છે

24 May, 2024 07:28 AM IST  |  Mumbai | Sejal Patel

વિરોધાભાસી વિધાનોમાંથી સાચું શું એ જાણવાનો પ્રયત્ન કરીએ આજે

પ્રતીકાત્મક તસવીર

જોકે આવું વાંચીને આ શાકને સાવ જ તિલાંજલિ આપી દેવાની જરૂર નથી. આયુર્વેદના ગ્રંથોમાં જેને બિમ્બી અથવા તો કુન્દ્રુ કહેવાય છે એ બુદ્ધિ હરનારું હોવાનો ઉલ્લેખ છે, જ્યારે મૉડર્ન ન્યુટ્રિશન સાયન્સે તાજેતરમાં આ શાકને બ્લડ-શુગર કન્ટ્રોલ કરનારું, રોગપ્રતિકારક શક્તિ વધારાનારું, હાર્ટ-હેલ્થ અને પાચનશક્તિ સુધારનારું વેજિટેબલ કહ્યું છે. આ વિરોધાભાસી વિધાનોમાંથી સાચું શું એ જાણવાનો પ્રયત્ન કરીએ આજે

 

ગુજરાતી ઘરોમાં ટીંડોરાંનું શાક વીકમાં એકાદ વાર તો બનતું જ હોય, મહારાષ્ટ્રિયન વાનગી મસાલે ભાતમાં પણ તોન્ડલી વપરાય જ વપરાય. સાઉથ ઇન્ડિયામાં સાંભર અને અવિયલમાં છૂટથી વપરાય છે એ કુન્દ્રુ પણ ટીંડોરાંનો જ ભાઈ છે. આપણા રોજિંદા જીવનમાં વપરાતા આ શાક બાબતે ન્યુટ્રિશનની બાબતમાં સવાલ ખડો થયો છે. એક યુરોપિયન યુનિવર્સિટીએ કુન્દ્રુનાં પોષકતત્ત્વોનાં ગુણગાન ગાયાં છે, પરંતુ આયુર્વેદમાં એને બુદ્ધિનાશક ગણાવાયાં છે.

પહેલાં ન્યુટ્રિશનની દૃષ્ટિએ વાત કરીએ તો કહેવાયું છે કે એમાં ભરપૂર બીટા-કૅરોટિન હોય છે જે બ્લડ-પ્રેશર રેગ્યુલેટ કરવામાં મદદ કરતું હોવાથી હાર્ટ-હેલ્થમાં સારું છે. એમાં આયર્ન, કૅલ્શિયમ, વિટામિન B1 અને B2 સારીએવી માત્રામાં છે. વળી એમાં ડાયટરી ફાઇબર પણ સારું હોવાથી ડાઇજેશન સુધારે છે, મેટાબોલિઝમ સુધારે છે અને ડાયાબિટીઝમાં પણ મદદરૂપ થતાં હોવાનો દાવો એમાં થયો છે. આ જ અભ્યાસના સંદર્ભમાં ન્યુ દિલ્હીના નૉર્થ-ઈસ્ટ ડિસ્ટ્રિક્ટના ઇમ્યુનાઇઝેશન ઑફિસર અને જનરલ ફિઝિશ્યન ડૉ. પીયૂષ મિશ્રા કહે છે, ‘કુન્દ્રુ એટલે કે જેને અંગ્રેજીમાં આઇવી ગૉર્ડ અને વૈજ્ઞાનિક નામ કૉક્સિનિયા ગ્રૅન્ડિસ નામથી ઓળખવામાં આવે છે એ પાવરફુલ ન્યુટ્રિશનથી ભરપૂર વેજિટેબલ છે અને સુપરફૂડ્સની ભરમારમાં એની તરફ સાવ જ દુર્લક્ષ્ય સેવવામાં આવ્યું છે.’

ખરેખર બુદ્ધિનાશક છે?

તો સવાલ એ થાય કે કુન્દ્રુ એટલે કે આપણે ત્યાં જેને ટીંડોરાં તરીકે ઓળખવામાં આવે છે એ બન્ને સેમ જ છે? કદાચ એક નથી, પરંતુ એક જ પરિવારનાં છે. ગુજરાત, મહારાષ્ટ્ર, બંગાળમાં જે આઇવી ગૉર્ડ વપરાય છે એનું વૈજ્ઞાનિક નામ કૉક્સિનિયા ઇન્ડિકા છે અને આયુર્વેદમાં એને બિમ્બી કહેવામાં આવે છે એમ જણાવતાં પ્રખ્યાત આયુર્વેદાચાર્ય ડૉ. સંજય છાજેડ કહે છે, ‘એ બન્ને સેમ જ કુળનાં છે, પરંતુ આયુર્વેદમાં ટીંડોરાં માટેનો ઉલ્લેખ થોડોક અલગ છે. બે પ્રકારનાં ટીંડોરાંનો ઉલ્લેખ છે, એક અંદરથી લાલ ગરવાળાં હોય છે અને બીજામાં સફેદ રંગના ગરવાળાં. પ્રજાતિની દૃષ્ટિએ ટીંડોરાં જંગલી અને ગ્રામ્ય બન્ને છે. જોકે આયુર્વેદમાં બિમ્બીનો ઉલ્લેખ બુદ્ધિનાશક તરીકે થયો છે. ઊભા રહો, આવું સાંભળીને ટીંડોરાંને દુશ્મન બનાવી દેવાની જરૂર નથી. શાસ્ત્રોના એ ઉલ્લેખને અનુભવ જ્ઞાન સાથે સરખાવવાના અનેક જાગૃત નિષ્ણાતોએ પ્રયોગ કર્યા છે. શાસ્ત્રોમાં ચાર પ્રકારની બુદ્ધિની વાત છે. એક સમજશક્તિ, બીજી યાદશક્તિ, ત્રીજી સ્મૃતિશક્તિ અને ચોથી પ્રજ્ઞાશક્તિ જે કંઈક નવું સર્જન કરવાની ક્ષમતા ધરાવતી હોય. ટીંડોરાંથી બુદ્ધિના કયા આયામમાં નુકસાન થાય છે એની સ્પષ્ટતા શાસ્ત્રોમાં ક્યાંય નથી અને અનુભવ દરમ્યાન પણ એની માઠી અસરો જોવા મળી નથી. મેમરી પર એની તાત્કાલિક અસર નથી. આટલાં વર્ષોથી ટીંડોરાં ખવાતાં આવ્યાં છે, પણ એનાથી બુદ્ધિ પર ખરાબ અસર પડતી હોવાનું ડાયરેક્ટ ક્યાંય નોંધાયું નથી. આવો જ પ્રયોગ ઘેટાના દૂધ માટે પણ થઈ ચૂક્યો છે. શાસ્ત્રોમાં ઘેટાના દૂધને પણ બુદ્ધિનાશક કહ્યું છે અને અનુભવે પણ જોવા મળ્યું છે કે ઘેટાનું દૂધ જડબુદ્ધિ નિર્માણ કરે છે. આવું પ્રમાણ ટીંડોરાંમાં નથી મળ્યું. એને કારણે હવે આયુર્વેદ નિષ્ણાતો એવા નિષ્કર્ષ પર આવ્યા છે કે શાસ્ત્રોમાં જે ઉલ્લેખ છે એ જંગલી ટીંડોરાં માટે જ હશે, ગ્રામ્ય અને રોજિંદા જીવનમાં ખવાય છે એના માટે નહીં. જંગલી ટીંડોરાં સ્વાદમાં કડવાં હોય છે.’

બીજી રીતે ઔષધિમાં વપરાય

આયુર્વેદ વિજ્ઞાન હંમેશાં રસ, ગુણ, પાક, વિપાક, વીર્યનાં પરિમાણો પરથી કોઈ ચીજનો ઉપયોગ શામાં થાય એ નક્કી કરે છે એમ સમજાવતાં ડૉ. સંજય છાજેડ કહે છે, ‘શાસ્ત્રોમાં જે પણ ઉલ્લેખ છે એમાં કડવી બિમ્બીની વાત છે. એનાં ફળ કરતાં એનાં પાન અને મૂળના ઔષધપ્રયોગો વિશે વાત છે. વાગ્ભટ્ટે લખ્યા મુજબ કડવાં ટીંડોરાં ઊલટી રોકનાર અને કરાવનાર બન્ને છે એટલે કેટલાક લોકો એને વમન માટે વાપરે છે. ટીંડોરાંનાં પાન ચાંદા પર અકસીર હોય છે એટલે કહેવાય છે કે એનાં પાન મોંમાં ચાવીને એનો રસ થૂંકી નાખવાથી ગલોફાંમાં પડેલાં ચાંદાં રુઝાય છે. જોકે મુંબઈ જેવા શહેરમાં આપણને ક્યાં જંગલી ટીંડલીનાં પાન મળવાનાં? પણ હા, અનેક હર્બલ ઔષધોમાં ટીંડોરાંનાં પાન અને મૂળ વપરાય છે. પત્તાંની પેસ્ટ બનાવીને ઘા પર લગાવવામાં આવે તો એનાથી હીલિંગ ઝડપી થાય છે. કેટલાક લોકો માને છે કે ટીંડોરાંના સેવનથી બ્લડ-શુગર કન્ટ્રોલ થાય છે, પણ અમે અનુભવે એવો ખાસ ફરક જોયો નથી અને નથી એના પર કોઈ ઠોસ રિસર્ચ અને ડૉક્યુમેન્ટેશન થયું. એના છોડનાં મૂળનો કાઢામાં પ્રયોગ થાય છે. જે નાનાં બાળકો પથારીમાં પેશાબ કરી નાખતાં હોય તેમના માટે આ કાઢો વપરાય છે. કમળો થયો હોય ત્યારે એનાં પાનનો રસ નાકમાં નાખવામાં આવે છે. એનાથી આંખમાંથી પાણી નીકળે છે અને કમળાને કારણે આવેલી પીળાશ ઘટે છે.’

સ્ટોન માટે કુન્દ્રુનાં કાળાં બીજ

હર્બલ મેડિસિનમાં વાઇલ્ડ આઇવી ગૉર્ડનાં બીજનો ઉપયોગ કિડની સ્ટોનને તોડીને બહાર ફેંકી દેતી ઔષધિ તરીકે થાય છે એ વિશે ડૉ. સંજય કહે છે, ‘જે જંગલી અને કડવાં ટીંડોરાં છે એનાં કાળાં અને સૂકવેલાં બીજનો એમાં ઉપયોગ થાય છે. હર્બલિસ્ટો કિડની સ્ટોનના દરદીઓને આ બીજ ખાલી પેટે સવારે લેવાનું કહે છે. એક-બે ચમચી આ બીજ નરણા કોઠે ખાઈને એક-બે કલાક સુધી કંઈ જ નહીં ખાવાનું. આ પ્રયોગ ચાલતો હોય એ દરમ્યાન ઘી-ભાતની પરેજી પાળવાની. એનાથી બે-ચાર દિવસમાં જ કિડનીની પથરી ચૂરો થઈને નીકળી જાય છે. આ હર્બલ પ્રયોગનાં મને પણ અસરકારક પરિણામો જોવા મળ્યાં છે.’

તો આખરે ટીંડોરાં ખાવાં કે નહીં?

આયુર્વેદનો મત ભલે શાસ્ત્રોમાં બુદ્ધિનાશક કહેવાયાં હોય, ગ્રામ્ય અને મીઠાં ટીંડોરાં મધ્યમ માત્રામાં ખાવામાં કોઈ જ નુકસાન નથી. જોકે એ ખાવાથી મેડિસિન જેવા કોઈ ફાયદા થઈ જશે એવું ધારી ન લેવું. કાચાં ટીંડોરાં ખાવાં હિતાવહ નથી. - ડૉ. સંજય છાજેડ, મૉડર્ન ન્યુટ્રિશનનો મત

ભલે આઇવી ગૉર્ડ માટે જાતજાતનાં ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ અને પોષકતત્ત્વો ભર્યાં હોવાનું કહેવાતું હોય, પણ આ એવું શાક છે જેને તમારી ડાયટમાં ઍડ કરવું જ જોઈએ એવું ભારપૂર્વક હું નહીં જ કહું. એક નૉર્મલ શાકની જેમ એ અવારનવાર લઈ શકો છો, પણ જેમ ગ્રીન લીફી વેજિટેબલ્સ અને અમુક શાક નિયમિત તમારી ડાયટમાં હોવાં જ જોઈએ એની યાદી બનતી હોય તો એમાં ટીંડોરાંનો સમાવેશ નથી થતો. ભાવતાં હોય તો ખાઓ, ન ભાવતાં હોય અને ન ખાઓ તો તમે કશું જ ગુમાવવાના નથી. - યોગિતા ગોરડિયા, ડાયટિશ્યન

health tips life and style columnists sejal patel