વર્ષમાં એક વાર વિટામિન Dનું ઇન્જેક્શન લઈએ તો ચાલે?

16 January, 2025 05:10 PM IST  |  Mumbai | Laxmi Vanita

હાડકાં, સ્નાયુઓ અને ઈવન મગજનું કામ સારી રીતે થાય એ માટે વિટામિન Dની પૂરતી માત્રા જરૂરી છે જ, પણ જો પૂરતું ન હોય તો?

વિટામિન ડી

ના, જરાય ન ચાલે. વર્ષમાં એક વખત વિટામિન Dનું ઇન્જેક્શન લો એટલે આખું વર્ષ ચિંતા ન કરવી પડે એવી સલાહ ખતરાથી ખાલી નથી. ભલે રોજિંદા જીવનમાં અને શરીરનાં વિવિધ ફંક્શન્સ માટે આ વિટામિન ખૂબ જ અનિવાર્ય છે, પરંતુ વન ટાઇમ શૉટમાં જો વિટામિન Dનો ડોઝ શરીરમાં વધી જાય તો અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે

આજે મોટા ભાગના લોકો કામમાં વ્યસ્ત હોવાથી વન ટૅબ્લેટ સોલ્યુશન શોધતા હોય છે. વર્ષમાં એક ઇન્જેક્શન લો અને આખું વર્ષ હેલ્ધી રહો. સાંભળવામાં જેટલું સરળ અને વાસ્તવિક લાગે એટલું આ સરળ નથી. વાત કરી રહ્યા છીએ આપણા શરીરમાં હાડકાં, દાંત અને સ્નાયુની મજબૂતી માટે જવાબદાર  વિટામિન Dની. લોકો એક વર્ષમાં એક જ ઇન્જેક્શન લઈને આખું વર્ષ હેલ્ધી રહેવા માગે છે. વર્ષમાં એક જ વખત આ વિટામિનનો હેવી ડોઝ લઈ લેવાનું સલાહભર્યું છે કે નહીં એ નિષ્ણાતો પાસેથી જાણીએ.

વીગન કે વેજિટેરિયન માટે સપ્લિમેન્ટ આવશ્યક છે

‘બિગિનર્સ ગાઇડ ઍન્ડ જર્નલ ટુ હોલિસ્ટિક અપ્રોચ ટ્રાયસૂત્ર’ બુકનાં લેખિકા અને જુહુમાં છેલ્લાં ૮ વર્ષથી પ્રૅક્ટિસ કરતાં ઇન્ટિગ્રેટિવ ન્યુટ્રિશનસ્ટ અને હેલ્થ સાઇકોલૉજિસ્ટ કરિશ્મા શાહ કહે છે, ‘ઘણા પેશન્ટમાં વિટામિન Bની જેમ જ વિટામિન Dની કમી હોય છે. વિટામિન Dના બે પ્રકાર છે - D2 અને D3. D2 એટલે અર્ગોકૅલ્સિફેરોલ અને D3 એટલે કોલકૅલ્સિફેરોલ. એમાં D2 મશરૂમ કે પ્લાન્ટ આધારિત પદાર્થો અને દૂધ કે ચીઝ જેવી ડેરી પ્રોડક્ટ્સમાંથી મળી રહેતું હોય છે પરંતુ D3 મુખ્યત્વે ફિશ ઑઇલ, સામન જેવી ફૅટી ફિશ અને ઈંડાંમાંથી મળે છે. મોટા ભાગના વીગન, વેજિટેરિયન અને જૈન લોકોમાં આ વિટામિનની કમી હોય છે. જૈન લોકો મશરૂમ પણ નથી ખાતા એટલે તેમને શાકભાજીમાંથી પણ આ વિટામિન નથી મળતું. પેશન્ટ એમ પૂછે કે કુદરતી રીતે કેવી રીતે આ વિટામિન મેળવવું ત્યારે મારો જવાબ હોય છે કે આ સમયમાં શાકાહારી લોકો માટે લગભગ શક્ય નથી. સૂર્યપ્રકાશમાં આપણે જતા નથી અને માંસાહાર આપણે કરવાના નથી. એટલે સપ્લિમેન્ટ પર જ આધાર રાખવો પડે છે. તેમ જ વિટામિન Dનો વર્ષમાં એક ડોઝ સલાહભર્યો નથી કારણ કે અમુક લોકોની પરિસ્થિતિ એટલી ગંભીર હોય છે કે તેમને વિટામિન Dની ટૅબ્લેટ દરરોજ લેવી પડતી હોય છે. એમાં પણ ડૉક્ટરની સલાહ ખૂબ જ અનિવાર્ય છે.’

વિટામિન D પૉઇઝનિંગ વિશે જાણી લો

બોરીવલીની અરિહંત સુપરસ્પેશ્યલિટી હૉસ્ટિપલ અને ગોરેગામની કાપડિયા મલ્ટિસ્પેશ્યલિટી હૉસ્પિટલમાં છેલ્લાં ૭ વર્ષથી પ્રૅક્ટિસ કરતા કન્સલ્ટન્ટ ઑર્થોપેડિક સર્જ્યન ડૉ. રાહુલ મોદી કહે છે, ‘વિટામિન Dની ઊણપ હોય તો તમે ટૅબ્લેટ પણ લઈ શકો છો. જેમ કે ૬થી ૮ અઠવાડિયાંના સમયમાં દર અઠવાડિયે એક ટૅબ્લેટ પૂરતી છે, જેમાં ૬૦ હજાર IU (ઇન્ટરનૅશનલ યુનિટ - દવાના ડોઝનું ચોક્કસ પ્રમાણ) હોય છે. ત્યાર બાદ દર મહિને એક ડોઝ લેવાનો હોય છે. જ્યારે ઇન્જેક્શન દ્વારા વિટામિન D લેવામાં આવે ત્યારે એકસાથે ૬ લાખ IU જાય છે, જે હેલ્ધી લોકો માટે આમ ખોટું નથી પરંતુ જે હેતુસર તમે ઇન્જેક્ટ કરો છો એ પૂરો નથી થતો. વર્ષમાં એક જ વખત ઇન્જેક્શન લઈ લીધું તો પણ આખું વર્ષ વિટામિન Dની માત્રા જળવાઈ રહેતી નથી. ત્રણેક મહિનામાં જ આ લેવલ ઘટી જાય છે એટલે ફરી સમસ્યા શરૂ થઈ જાય છે. એટલે આ વિટામિનની શરીરમાં માત્રા જાળવવા માટે સમયે-સમયે તમારે યોગ્ય ડોઝ લેવો જોઈએ. નુકસાનની વાત તો એ છે કે આવું માત્ર ઇન્જેક્શન જ નહીં પરંતુ ટૅબ્લેટથી પણ થઈ શકે છે. તમને આ વિટામિનનો યોગ્ય ડોઝ ખ્યાલ ન હોય અને તમારે સાંભળવામાં ભૂલ થઈ કે મેડિકલથી લઈને ટૅબ્લેટ દરરોજ ખાવાની શરૂ કરી દો તો ઓવરડોઝ ‘વિટામિન D ટૉક્સિસિટી’ કરી શકે છે. એને ‘વિટામિન D પૉઇઝનિંગ’ પણ કહેવાય છે. એમાં ઊલ્ટી થવી, કિડની સ્ટોન થવો, ભૂખ ન લાગવી, બ્લડપ્રેશરમાં અસામાન્ય રીતે વધઘટ થવી જેવી સમસ્યાઓ થઈ શકે છે.’

વિટામિન D મૂડ બદલી શકે છે

હાડકાંની સખત બીમારી ન થઈ હોય ત્યાં સુધી આપણે સ્પેશ્યલિસ્ટ પાસે જવાના નથી. સામાન્ય લોકો વિટામિન D માટે શું કરી શકે? ન્યુટ્રિશનિસ્ટ અને હેલ્થ સાઇકોલૉજિસ્ટ કરિશ્મા કહે છે, ‘કસરત કર્યા વગર સ્નાયુ કે હાડકાંમાં દુખાવો થતો હોય તો લોકો અવગણે છે. મૂડ ખરાબ રહેતો હોય તો એનો દોષ આસપાસની પરિસ્થિતિને આપે છે. આ બધાં વિટામિન D ઓછું હોવાનાં ચિહ્નો છે. જો આ વિટામિન ન હોય તો કૅલ્શિયમ પણ શરીરમાં કામ ન કરી શકે એટલે કૅલ્શિયમની કમીનાં ચિહ્નો પણ શરીરમાં દેખાશે. સ્વસ્થ હોવા છતાં દાંતમાં હળવો દુખાવો પણ વિટામિન Dની માત્રા ઓછી હોવાનો સંકેત છે. હેલ્ધી લોકોએ વર્ષમાં એક વખત નહીં પરંતુ દર ૬ મહિને એક વખત વિટામિન D ચેક કરાવવું જોઈએ. જો બીમાર રહેતા હો કે પરિવારમાં વારસાગત કોઈ બીમારી હોય તો દર ત્રણ મહિને આ ટેસ્ટ કરાવવી જોઈએ. મોટા ભાગે વિટામિન D3ની જ કમી હોય છે. લોકોએ આ વિટામિન માટે પોતાની માનસિકતા બદલવાની જરૂર છે. વીગન અને વેજિટેરિયન લોકોએ સપ્લિમેન્ટ્સ લેવાં જ પડે છે. સપ્લિમેન્ટ ન લેવાં હોય તો બીજા વિકલ્પોમાં ફિશ અને ઈંડાં છે. વિટામિન Dની યોગ્ય માત્રા તમારા મૂડને સારો રાખે છે એટલે તમે તમારા કામ પર ફોકસ કરી શકો છો.’

જેન્ડર અને ઉંમરને કોઈ લેવાદેવા નથી

મહિલાઓમાં જ આ વિટામિનની વધુ કમી હોય છે એવી માન્યતાને દૂર કરતાં ડૉ. રાહુલ જણાવે છે, ‘વિટામિન Dની કમીને જેન્ડર કે ઉંમર સાથે કોઈ લેવાદેવા નથી. ૧૦ વર્ષથી નીચેનાં બાળકોને પણ થઈ શકે છે અને વયોવૃદ્ધને પણ થઈ શકે છે. મહિલાઓ અને પુરુષો બન્નેમાં એકસમાન જ કમી જોવા મળે છે. બાળકોમાં હાડકાં કે સ્નાયુઓનો દુખાવો થાય કે તેમની હાથ કોણી પાસેથી કે પગનાં હાડકાં ઘૂંટણ પાસેથી અસામાન્ય રીતે વળવા લાગે તો એ આ વિટામિનની કમીને કારણે થાય છે જેને રિકેટ્સ કહેવાય છે. સામાન્ય જ્ઞાન છે કે સૂર્યપ્રકાશમાંથી વિટામિન D મળે છે, પરંતુ એ સમજવું જરૂરી છે કે આ વિટામિન કુદરતી રીતે શરીરમાં કેવી રીતે બને છે. તમે સૂર્યપ્રકાશમાં ચશ્માં કે હૅટ પહેરીને જાઓ એટલે વિટામિન D બનતું નથી. આપણી ચામડી પ્રત્યક્ષ સૂર્યપ્રકાશમાં વિટામિન D બનાવે છે. જો સૂર્યનાં કિરણો કાચમાંથી પસાર થઈને પણ આપણા શરીર પર પડે તો આ વિટામિન બનતું નથી. એટલે સૂર્યપ્રકાશ અને આપણી ચામડી વચ્ચે હવા સિવાય કોઈ પણ લેયર ન હોવું જોઈએ. આવી રીતે સૂર્યપ્રકાશમાં સ્નાન આપણા દેશમાં શક્ય નથી. તેથી ૯૦ ટકા ભારતીયો વિટામિન Dની કમીથી પીડાય છે.’

health tips life and style indian food mumbai food columnists gujarati mid-day mumbai