આયુર્વેદિક દવાઓની પણ આડઅસર થતી હોય છે એ ધ્યાનમાં રાખવા જેવું છે

03 July, 2024 07:50 AM IST  |  Mumbai | Dr. Sanajy Chhajed

જેટલા પણ કેસ આપણે જોઈએ છીએ કે તેમને આયુર્વેદિક દવાઓ લેવાને કારણે તકલીફ થઈ તો એમાંના મોટા ભાગના કેસમાં ભૂલ આયુર્વેદશાસ્ત્ર કે દવાઓની બિલકુલ નથી, પરંતુ એના અનિયંત્રિત ઉપયોગની હોય છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

લોકોને લાગે છે કે આયુર્વેદિક દવાની કોઈ આડઅસર નથી હોતી, પરંતુ એવું નથી. આડઅસર દરેક વસ્તુની હોય છે. આયુર્વેદિક દવાની પણ હોય જ છે. આ દવાઓ ડૉક્ટરની સલાહ વગર જો તમે લઈ લેશો તો તકલીફ થવાની જ છે. આથી દવાઓ પર હળદરના ગુણોયુક્ત એવું વાંચીને બેફિકર થઈને લઈ ન લેવી. આ પ્રકારની દવાઓનું સેવન ન કરવાનું હોય ત્યારે કરો તો શરીરમાં પિત્તની વૃદ્ધિ થાય છે. એટલું જ નહીં, લોહીમાં શુગરનું પ્રમાણ જરૂર કરતાં ઘણું નીચે જઈ શકે છે. ત્રિભુવન કીર્તિ નામની દવા શરદી અને તાવ આવે ત્યારે લેવાતી હોય છે, પરંતુ એ પિત્ત પ્રકૃતિ ધરાવતી વ્યક્તિને ફાયદા કરતાં નુકસાન વધુ કરે છે. વિષતિંદુકાદી વટીથી ચક્કર આવવા જેવી સાઇડ-ઇફેક્ટ સામાન્ય છે. જેને સંધિવાત હોય એવી વ્યક્તિ જો ગુગ્ગુલ દવા લે તો તકલીફ થાય છે. તેમને મહારાસ્નાદી કવાથ પણ ન અપાય. તમાકુ કે કપૂરનો ઉપયોગ જે દવાઓમાં થતો હોય એ દવાઓ ખાવાથી હૃદયની ગતિમાં તકલીફ આવી શકે છે. અભ્યંગ તેલથી બનતી ઔષધિની આડઅસરો ઘણી ગંભીર પણ હોઈ શકે છે. આસવ અરિષ્ટને લાંબો સમય સુધી લેવામાં આવે કે એને લેતી વખતે સાવધાની ન રાખીએ તો એ લિવર પર આડઅસર કરે છે એવા કેસ ઘણા જોવા મળે છે. 
અલગ-અલગ પ્રકારની ભસ્મોના સેવનથી કિડની પર અસર થાય છે.

જેટલા પણ કેસ આપણે જોઈએ છીએ કે તેમને આયુર્વેદિક દવાઓ લેવાને કારણે તકલીફ થઈ તો એમાંના મોટા ભાગના કેસમાં ભૂલ આયુર્વેદશાસ્ત્ર કે દવાઓની બિલકુલ નથી, પરંતુ એના અનિયંત્રિત ઉપયોગની હોય છે. આયુર્વેદશાસ્ત્રમાં દરેક ઔષધિને વધુમાં વધુ કેટલો સમય લઈ શકાય, ઔષધિ કેટલો સમય કામ કરશે, કેટલા સમયમાં અને કઈ રીતે બગડી જશે એ બધું જ લખ્યું છે. જો દવાઓને ખોટી રીતે રાખવામાં આવે તો એમાં કીડા થઈ જાય કે એ ફુગાય પણ જઈ શકે છે. આવા સંજોગોમાં ધ્યાન ન રાખીએ તો નુકસાન થવાનું જ છે.

પંચકર્મ વૈદ્ય દ્વારા જ થવું જોઈએ. જો વૈદ્યની હાજરી વગર કોઈ પણ અણઘડ માણસ એ કરે તો ભસ્તી, વિરેચન અને નસ્યના પ્રયોગો ઘટક પણ સાબિત થઈ જતા હોય છે. સમાજમાં એવા કેસ સાંભળવા મળતા જ હોય છે. આ બધું હું એટલે નથી કહી રહ્યો કે તમે ડરી જાઓ; પરંતુ આજકાલ જે ખુદ જ પંડિત બની ગયા છે, વગર ભણ્યે ડૉક્ટરની ડિગ્રી ધરાવે છે અને ઇન્ટરનેટ પર સર્ચ કરીને ઇલાજ શરૂ કરી દે છે એ બધી જ પરિસ્થિતિથી ચેતવવા માટે આ કહી રહ્યો છું.

health tips life and style columnists