17 December, 2024 07:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
૬ મહિનાની ઉંમરથી ૫ વર્ષ સુધી બાળકના દાંત સતત ઊગવાની પ્રોસેસ ચાલ્યા કરે છે જે દાંત દૂધિયા દાંત કહેવાય છે. ૬ વર્ષની ઉંમરથી આ દૂધિયા દાંત પડવાની શરૂઆત થઈ જાય છે અને એની જગ્યાએ પાકા દાંત આવવાનું પણ શરૂ થઈ જાય છે. આ દૂધિયા દાંત પડવાની અને પાકા દાંત આવવાની જે ઉંમર છે એ ૬ વર્ષથી લઈને લગભગ ૧૨ વર્ષ સુધીની હોય છે. આ ૬ વર્ષનો સમય સૌથી મહત્ત્વનો સમય છે કારણ કે આ સમય દરમિયાન જ બાળકના એ દાંત આવે છે જે તેની સાથે જીવનભર રહેવાના છે.
ઘણાં માતા-પિતા એવું સમજે છે કે દૂધિયા દાંત પડી જ જવાના છે અને એની જગ્યાએ નવા દાંત આવવાના જ છે એટલે એ દાંતની કાળજી પ્રત્યે તેઓ બેદરકાર બની જાય છે. પરંતુ આ બેદરકારી ખૂબ મોંઘી પડે છે અને બાળકો ખૂબ હેરાન થાય છે. બાળકનો ૬ વર્ષથી લઈને ૧૨ વર્ષ સુધીનો સમય ખૂબ જ નાજુક ગણાય છે જ્યારે તેના દૂધિયા દાંત પડે છે અને પાકા દાંત આવે છે. આજકાલ બાળકોની ખાવાપીવાની જે આદતો છે એમાં ગળપણ ભરપૂર છે. ચૉકલેટ્સ ખૂબ ખાય છે અને દરરોજ રાત્રે બ્રશ કરવાની કોઈ આદત ધરાવતા નથી. આ પરિસ્થિતિમાં તેમના દૂધિયા દાંતમાં સડો થાય છે. આજકાલ આ પ્રકારની તકલીફ વધુ જોવા મળે છે એનું કારણ જ એ છે કે નાનાં બાળકોની ખાવાની આદતો ખૂબ બગડેલી છે. ઘણી વાર માતા-પિતા બ્રશિંગ પર ધ્યાન નથી આપતાં, દાંતમાં સાડા જેવું લાગે તો પણ ડૉક્ટરને નથી બતાવતાં. એમ માનીને કે દૂધિયો દાંત છે, પડવાનો જ છે. પરંતુ એવું હોતું નથી. દાંતમાં જરા પણ સડા જેવું દેખાય તો તરત જ ડેન્ટિસ્ટ પાસે જવું જરૂરી છે કારણ કે એક સડેલો દાંત પાસેના દાંતને કે પેઢાને અસર કરે છે. બને કે એ સડેલો દાંત દૂધિયો હોય, પરંતુ બાજુનો દાંત પાકો હોય અથવા તો જેને તમે દૂધિયો માનતા હોય એ જ પાકો દાંત હોય. આમ ગફલતમાં રહેવું નહીં અને ડૉક્ટરને બતાવવું જરૂરી છે. બીજું એ કે દાંતમાં સડો ન થાય એની ખાસ તકેદારી રાખો. બાળકને વધુ ચૉકલેટ ખાતાં રોકો. અઠવાડિયામાં એકાદ દિવસ નક્કી કરો જ્યારે તે ચૉકલેટ ખાઈ શકે છે અને તે મન ભરીને ચૉકલેટ ખાઈ લે પછી તેને તરત બ્રશ કરવા લઈ જાઓ. તમે ખુદ તેના બ્રશિંગ પર ધ્યાન આપો. દાંતના ઇલાજથી બચવા માટે દાંતની સંભાળ અત્યંત જરૂરી છે. એ અભિગમ આપણે અપનાવીશું તો બાળકોને જીવનભરની શાંતિ થઈ જશે અને તેમની બત્રીસી સદા હસતી રહેશે.
- ડૉ. રાજેશ કામદાર