30 November, 2022 04:43 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
દૂધ-ગોળ સાથે લેવાથી ત્વચાના વિકાર વધે છે અને સાંધામાં આમ ભરાવાથી જૉઇન્ટ્સ પેઇન પણ વધે છે.
સફેદ અને પાંસાદાર ખાંડ જેટલી દેખાવમાં સુંદર છે એટલી જ સેહત માટે ખરાબ છે. એનું કારણ માત્ર ખાંડમાં રહેલું ગળપણ જ નથી, પરંતુ એ ગળપણનું રિફાઇન્ડ ફૉર્મ છે. દેખાવમાં સુંદર બનાવવા માટે ખાંડ પર જે પ્રક્રિયા કરવામાં આવે છે અને એ પ્રક્રિયા દરમ્યાન કેમિકલ્સ યુઝ કરવામાં આવે છે એ વધુ નુકસાનકારક છે. આ બાબતે હવે ખાસ્સી જાગૃતિ આવી હોવાથી લોકો ખાંડની જગ્યાએ ગળપણમાં ગોળ અથવા તો મધનો ઉપયોગ વધુ કરવા લાગ્યા છે. મીઠાઈઓમાં તો નૅચરલ શુગર્સ તરીકે દ્રાક્ષ, અંજીર અને ખજૂર જેવી ચીજોનો વપરાશ પણ વધ્યો છે. એક રીતે જોઈએ તો આ સારો બદલાવ છે. ગળપણને જેટલા નૅચરલ ફૉર્મમાં યુઝ કરવામાં આવે એટલું સારું. પણ જ્યારે કોઈ સારી ચીજ પણ અતિ થઈ જાય અને એનો ઉપયોગ પણ બેફામ થવા માંડે ત્યારે જરા થોભવું સારું.
ખાંડ ખરાબ હોવાથી હવે હેલ્થ-કૉન્શ્યસ લોકો જ્યાં-ત્યાં ગોળનો ઉપયોગ કરવા લાગ્યા છે. હેલ્થના નામે હવે ગોળવાળી ચા અને કૉફી સુધ્ધાં પીવા લાગ્યા છે. ઘરોમાં જ નહીં, દુકાનોમાં પણ પાટિયાં લાગેલાં જોવા મળે છે - ‘ગુડાચી ચાય મિળેલ!’ હવે તો ગોળવાળી ખીર પણ બનાવાય છે અને ગોળવાળા રસગુલ્લા પણ! અને ડાયાબિટીઝના દરદીઓ એમ માને છે કે આવી સ્વીટ ખાઈને તેમને શુગરનો પ્રૉબ્લેમ નહીં થાય.
આ બહુ મોટી ભ્રમણા છે. ખાંડને બદલે બને ત્યાં સુધી ગોળ વાપરવો એવું કહેવાય છે એનો મતલબ એ નથી કે દરેક ચીજમાં ગોળ વાપરી લેવો. આયુર્વેદમાં કેટલાક ફૂડ-કૉમ્બિનેશનને વિરુદ્ધ આહાર ગણાવાયા છે. દૂધ સાથે ગોળ એ વિરુદ્ધ આહાર છે. જ્યારે વિરુદ્ધ આહાર ગણાતી ચીજોનું સાથે સેવન કરવામાં આવે તો એનાથી ખાધેલા ખોરાકનું પાચન ખોરવાય છે અને આમ એટલે કે અપક્વ આહારરસનું નિર્માણ થાય છે.
આજની પેઢી હવે બહુ તર્કબદ્ધ થઈ ગઈ છે. તેને કદાચ સવાલ થાય કે કઈ રીતે આ બે ચીજોને વિરુદ્ધ આહાર ગણવામાં આવી? યસ, સવાલ થવો જ જોઈએ. દરેક ચીજના પોતાના ગુણ, સ્વાદ, પાક અને વિપાક હોય છે. મતલબ કે દરેક ચીજની પોતાની પ્રકૃતિ હોય છે. વિપાક એટલે કે પચ્યા બાદ એની અસર કેવી થાય છે એ. ગોળ ઉષ્ણ ગણાય છે, જ્યારે દૂધ શીત ગુણ ધરાવે છે. જ્યારે કોઈ ઉષ્ણવીર્ય ચીજને શીતળ ચીજ સાથે મેળવો તો એ વિરુદ્ધ આહાર બને છે. આવું કૉમ્બિનેશન જઠરમાં સાથે જાય ત્યારે ડાઇજેશનમાં પ્રૉબ્લેમ પેદા કરે છે. પાચન બરાબર ન થવાથી અપક્વ આમ પેદા થાય છે અને એ આમ આંતરડામાં ભરાઈ રહે છે જે લાંબા ગાળે નુકસાન કરે છે. આયુર્વેદમાં કહેવાયું છે કે અપક્વ આમ એ સેંકડો રોગોનું મૂળ છે. આમ બધી રીતે શરીરમાં ટૉક્સિન જેવી ઇફેક્ટ આપે છે.
દૂધની સાથે ગોળનું સેવન કરવાથી પાચનની તકલીફ વધે છે. લાંબા ગાળે આ કૉમ્બિનેશનથી ત્વચાના રોગ ખાસ કરીને ખણજ, સોરાયસિસ અને વિટિલિગો જેવી તકલીફોને વેગ મળે છે. આમજન્ય રોગોમાં સાંધાના દુખાવા અને આર્થ્રાઇટિસ જેવી તકલીફો વધે છે.
બીજું, ચા-કૉફીમાં ગોળ નાખવાથી કદાચ આપણે એવું આશ્વાસન લઈ શકીએ કે ખાંડનું ઝેર તો પેટમાં નથી જતું, પણ ગોળ સાથેના દૂધના કૉમ્બિનેશનથી પેદા થતા આમ ઝેરનું શું? વળી, જેમ ખાંડને સફેદ કરવા માટે જે કેમિકલ્સ વપરાય છે એવું જ ગોળને રૂપાળો અને સફેદ બનાવવા માટે એ વપરાય છે. આવો ગોળ તમને સ્વાદમાં ખારો પર લાગશે. લાઇટ પીળાશ પડતો ગોળ પણ કેમિકલયુક્ત ખાંડથી ઓછો ઝેરી નથી. ગોળ પણ અનરિફાઇન્ડ, કેમિકલ ફ્રી હોય એવો જ વાપરવો. આવો ગોળ ડાર્ક બ્રાઉનથી હળવા કાળા રંગ જેવો હોય છે.
ડાયાબિટીઝના દરદીઓ એમ માને છે કે દરેક જગ્યાએ ખાંડને બદલે ગોળ રિપ્લેસ કરી દેવાથી શુગર કન્ટ્રોલ થઈ જશે, પણ જરા વિચારો કે ગોળમાં પણ ગળપણ અને ગ્લુકોઝનું પ્રમાણ છે જ. હા, ગોળમાંની શુગરનું પ્રોસેસિંગ ખાંડ કરતાં ધીમું થાય છે એટલે એના સેવનથી અચાનક ગ્લુકોઝ સ્પાઇક નથી થતું. મોટા ભાગે દૂધની સાથે ગળપણ વાપરવું હોય તો ખડી સાકરનો ગાંગડો સૌથી ઉત્તમ વિકલ્પ છે.
ગોળ ઔષધ બની શકે, જો...
જો એને ભોજનના અંતે ખાવામાં આવે. પહેલાંના જમાનામાં જમ્યા પછી ગોળની કાંકરી ખાવાનો રિવાજ હતો. એ ભોજન પચાવવામાં અને મળનું સારણ કરવામાં મદદરૂપ થાય છે.
ગોળમાં ભરપૂર ખનીજ તત્ત્વો હોય છે. ગોળમાં આયર્ન, પોટૅશિયમ, કૅલ્શિયમ, મૅન્ગેનીઝ અને ઝિન્ક હોય છે જે શરીરની માઇક્રોન્યુટ્રિયન્ટ્સની જરૂરિયાત પૂરી કરી શકે છે.
એક વર્ષ જૂના ગોળનું પાણી કરીને પીવાથી એનીમિયામાં ફાયદો થાય છે.
શરદી અને કફ થયા હોય કે પછી અપર રેસ્પિરેટરી ઇન્ફેક્શન હોય તો સૂંઠ, કાળાં મરી અને ગોળ એ અદ્ભુત દવાનું કામ આપે છે.
રાતે સૂતાં પહેલાં અને ઊઠીને કેમિકલ વિનાનો ગોળ અને ગાયનું જૂનું ઘી મેળવીને લેવાથી માઇગ્રેન અને માથાના દુખાવામાં ફાયદો થાય છે.
દૂધ સાથે બીજું શું નહીં?
ગાયનું દૂધ એ સંપૂર્ણ આહાર ગણાયું છે, પણ એ બીજી ઘણી ચીજો સાથે અસંતુલિત કૉમ્બિનેશન ઊભું કરે છે. જેમ કે દૂધની સાથે કાચાં અને લીલાં શાકભાજી ન ખાવાં જોઈએ. દૂધની સાથે ખાટાં ફળ પણ ન લેવાં જોઈએ. પાચનશક્તિ સતેજ ન હોય તો દૂધ અને કેળાં પણ ન લેવાં જોઈએ. એક જ ભોજનમાં દૂધ અને કાચું દહીં પણ સાથે ન લેવાં જોઈએ. દૂધની સાથે માંસાહાર પણ વર્જ્ય છે. દૂધની સાથે કોઈ પણ ખાટી ચીજ કે ખાટું ઔષધ પણ ન લેવાય. એમાં આમળાં પણ આવી ગયાં.
દૂધ અને ગોળના વિરુદ્ધ આહારના સેવનથી ત્વચાના રોગ ખાસ કરીને ખણજ, સોરાયસિસ અને વિટિલિગો જેવી તકલીફોને વેગ મળે છે. :ડૉ. રવિ કોઠારી