20 June, 2023 04:52 PM IST | Mumbai | Dr. Sanajy Chhajed
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
હું ૪૫ વર્ષની ટીચર છું. વર્ષોથી મુંબઈમાં રહેતી હોવા છતાં ચોમાસામાં મને સતત ઉધરસ રહે છે અને ક્યારેક-ક્યારેક શ્વાસની તકલીફ પણ થાય છે. આ બીમારીઓમાં ઍન્ટિબાયોટિક લેવાની મને ગમતી નથી એટલે હું એવી દવાઓ લેતી નથી. આ માટે કોઈ આયુર્વેદિક ઉપચાર હોઈ શકે?
વર્ષા ઋતુ ગ્રીષ્મ પછી આવનારી ઋતુ છે. આમાં વિશેષ દોષ સ્થિતિ ઊભી થાય છે. વાતનો પ્રકોપ, પિત્તનો સંચય અને વાતાવરણની નમી કે આદ્રતા તથા અમ્લ રસના વધારાને કારણે કફની વિકૃતિ આ કાળમાં સામાન્ય છે. વરસાદમાં પલળવાથી કફ અને વાતની વૃદ્ધિ થાય છે. અને શરદી, ઉધરસ, શ્વાસની બીમારીઓ વધે છે. આ સમયે શ્વાસનળીઓ સૂજી જાય છે અને વારંવાર છીંકો અને સૂકી કે કફયુક્ત ઉધરસથી શરૂઆત થાય છે, જેનો ઉપચાર ન કરો તો શ્વાસની તકલીફમાં પરિણમે છે. અમુક પ્રકારની સાવધાની સાથે એનાથી બચી શકાય છે.
સૌથી પહેલાં તો બને ત્યાં સુધી પલળો નહીં, જો પલળી ગયા તો તરત સૂકા થઈ જવું જરૂરી છે. વરસાદમાં સ્કૂલે જાઓ ત્યારે એક જોડી કપડાં સાથે રાખવાં. ભીના થાઓ તો વ્યવસ્થિત શરીર લૂછી, સૂકું કરીને બીજા પહેરી લેવાં. આ સિવાય પલળી જાઓ એ પછી સૂંઠની સાથે વેખંડ કે નાગદાદી ચૂર્ણ મિક્સ કરીને માથા પર ઘસી નાખો અથવા તો કપાળ પર એનો લેપ કરો. ન પણ પલળ્યા હો તો પણ જે દિવસે શરદી-ઉધરસ જેવું લાગે ત્યારે એમ કરી લેવું. આદું, મરી, તજ, તુલસીનાં પાન પાણીમાં નાખીને ઉકાળીને એમાં મધ ભેળવીને પી શકાય. તલ કે સરસોના તેલમાં સિંધવ મીઠું ભેળવીને છાતી અને પીઠ પર લગાડીને માલીશ કરી શકાય અને એના પછી શેક કરો. નાક બંધ હોય, પાણી ગળતું હોય કે શરદીનું જોર વધી જાય ત્યારે તેલ ગરમ કરીને નાકમાં તેલનાં ટીપાં નાખી શકાય. દૂધમાં હળદર નાખો, ઉકાળો અને પીઓ. આ સિવાય દૂધમાં પીપળીમૂળ નાખીને ઉકાળીને પીવો. આ સિવાય ઠંડું, ખાટું, તળેલો ખોરાક ન ખાઓ. રાત્રી ભોજનનો ત્યાગ કરવો જરૂરી છે. આટલું કરતાં પણ જો શરદી-ઉધરસનો ભાર વધારે લાગે તો દવાઓ પણ લઈ શકાય. સીતોપલાદી ચૂર્ણ મધ સાથે ચાટી શકાય. શરદી મિશ્રણ ટીકડી પણ લઈ શકાય. લક્ષ્મી વિલાસરસ અને શ્વાસકુઠાર રસ આ પરિસ્થિતિમાં ઉપયોગી દવાઓ ગણાય. ચ્યવનપ્રાશનું સેવન નિયમિત કરી દો. આ ઉપાયોથી ફાયદો નિશ્ચિત થશે.