22 September, 2023 02:47 PM IST | Mumbai | Dr. Sushil Shah
પ્રતીકાત્મક તસવીર
મારા દીકરાને એક મહિના પહેલાં ન્યુમોનિયા થયો હતો. તાવ ઊતરી ગયો, પણ વીકનેસ અને પીઠનો દુખાવો જતો જ નહોતો. ચેસ્ટ સીટી સ્કૅન કરાવ્યું. ફેફસાં તો એકદમ બરાબર હતા, પરંતુ અપર લોબમાં એક ગાંઠ જેવું દેખાયું. ડૉક્ટરે તરત જ અમને બાયોપ્સી કરવાનું કહ્યું. એમાં ખબર પડી કે કૅન્સર નથી. આ સાથે હિસ્ટોપૅથોલૉજીના રિપોર્ટ્સ મોકલું છું. શ્વાનોમા ટ્યુમર છે એવું નિદાન થયું છે. ઍન્ટિબાયોટિકનો કોર્સ કર્યા પછી હવે લક્ષણો નૉર્મલ છે તો હવે આ ટ્યુમરનું શું કરવું? શું દવાથી ઓગળી જાય? અમે જે હૉસ્પિટલમાં દાખલ થયેલા એ ડૉક્ટરનું કહેવું છે કૅન્સરના સર્જ્યનને જ મળો. આવું કેમ?
તમારા રિપોર્ટ્સ જોયા. એ એક રાહતની વાત છે કે શ્વાનોમા ટ્યુમર મોટાભાગે બિનિંગ એટલે કે નૉન-કૅન્સરસ હોય છે. જોકે આ ટ્યુમર નર્વ પર થયેલું હોય છે એટલે એને ઇગ્નોર ન કરી શકાય. એમાંય ખાસ કરીને એ જે જગ્યા પર છે એની આજુબાજુમાં બહુ જ વાઇટલ ઑર્ગન્સ રહેલાં છે એટલે જો આ ટ્યુમરની સાઇઝ વધે તો એ કઈ નર્વ પર દબાણ વધારશે એ કંઈ કહી ન શકાય. આ ટ્યુમર ભલે ૯૯ ટકા કેસમાં કૅન્સરસ નથી હોતી, પરંતુ એની સાઇઝ વધતી રહે છે. તમારા દીકરાને જે જગ્યાએ ટ્યુમર છે એની આસપાસમાં હાર્ટ, લંગ્સ, સ્પાઇનલ કૉર્ડ અને મગજ તરફ લઈ જતી નસો હોવાની સંભાવના છે. એવામાં જો ટ્યુમરની સાઇઝ સહેજ પણ વધે તો જે-તે નર્વ પર દબાણ આવે અને અચાનક સેન્સેશનને લગતી કોઈ પણ સમસ્યા થઈ શકે છે. આવામાં બહેતર એ છે કે આ ટ્યુમરને સર્જિકલી રીમૂવ કરવામાં આવે.
અગેઇન, આ ટ્યુમર જે જગ્યાએ છે એને રીમૂવ કરવા માટે નિષ્ણાત સર્જ્યન હોવા જરૂરી છે. છાતીના ભાગના કૅન્સરની સર્જરી કરતા હોય એ નિષ્ણાતને થૉરેસિક ઑન્કોસર્જ્યન કહેવાય. આવા નિષ્ણાત પાસે હાઇ ટેક્નૉલૉજીની કુશળતા હોય જેનાથી તેઓ આસપાસના સેન્ટિસિટિવ અવયવોને ઓછામાં ઓછું ડિસ્ટર્બ કરીને ટ્યુમર રીમૂવ કરી શકે છે. ભલે ટ્યુમર જોખમી નથી, પરંતુ જે જગ્યાએ છે એ સંવેદનશીલ ભાગ હોવાથી એની રીમૂવલમાં કુશળ ઑન્કોસર્જ્યન હોય તો બહેતર રહેશે.