13 January, 2023 05:35 PM IST | Mumbai | Dr. Pradnya Gadgil
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
મારા ત્રણ વર્ષના દીકરાને ટ્યુબરસ સ્ક્લેરોસિસ નામના જિનેટિક રોગને કારણે એપિલેપ્સી એટલે કે ખેંચની તકલીફ ઘણી વધારે છે. દિવસમાં લગભગ ૧૫ વાર ખેંચ આવે છે જેની તીવ્રતા પણ ખૂબ વધારે હોય છે. એ સમયે તેને કન્ટ્રોલ કરવો ખૂબ જ મુશ્કેલ બની રહ્યો છે. દવાઓ તો ચાલુ છે, પણ મેં સાંભળ્યું છે કે આ તકલીફમાં કીટો ડાયટ ખૂબ કામ લાગે છે. શું એ હકીકત છે? એમાં શું ધ્યાન રાખવું?
તાણ, ખેંચ કે આંચકી આમ તો કોઈ પણ ઉંમરે આવી શકે છે, પરંતુ નાનાં બાળકોમાં એ વ્યાપક રીતે જોવા મળે છે. કીટો ડાયટ એપિલેપ્સીમાં ઘણી જ ઉપયોગી છે, પરંતુ વાઈના કોઈ પણ દરદીઓ આ ડાયટ કરી શકે એવું પણ નથી. એપિલેપ્સીની અમુક ખાસ દવાઓ છે. અમારી પાસે જ્યારે દરદી આવે ત્યારે તેને એક પ્રકારની દવા આપવામાં આવે છે. જો એ અસર ન કરે તો બીજા પ્રકારની દવા અપાય છે. જો એ પણ અસર ન કરે તો ચકાસવામાં આવે છે કે દરદીની સર્જરી થઈ શકે એમ છે કે નહીં. જો સર્જરી પણ ન થઈ શકે એમ હોય તો જ તેને ડાયટ શરૂ કરવાનું કહેવામાં આવે છે. જોકે આ ડાયટ ટેક્નિકલી કઈ રીતે એપિલેપ્ટિક મગજ પર અસર કરે છે એ કોઈ થિયરી સાથે સમજાવી શકાતું નથી. એની અમુક દવાઓ પણ એવી છે જે કઈ રીતે મગજ પર કામ કરે છે એ સમજાવી શકાતું નથી. એનો ઉપયોગ એના રિઝલ્ટને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. કીટો ડાયટ એપિલેપ્સી પર ઘણી જ અસરદાર છે એમાં કોઈ બેમત નથી.
આ પણ વાંચો : ઉંમર સાથે હાડકાંનો ઘસારો રોકી શકાય?
કીટો ડાયટ શરૂ કરતાં પહેલાં ત્રણ દિવસ બાળકને હૉસ્પિટલમાં દાખલ કરવું પડશે. એ જરૂરી પ્રોસેસ છે. બાળકનું કીટોસિસ લેવલ આવી જાય ત્યાં સુધી તેને હૉસ્પિટલમાં રાખે છે. એટલું જ નહીં, પેરન્ટ્સ અને આખી ફૅમિલીને ટ્રેઇનિંગ પણ આપવામાં આવે છે, કારણ કે આ એક એવી બાબત છે જેમાં આખા પરિવારે બાળકનું ધ્યાન રાખવું પડે છે. કીટોમાં નિશ્ચિત સમયે અને નિશ્ચિત માપમાં કહેલી વસ્તુ જ ખવડાવવાની હોય છે. ન કશું જ વધારે, ન કશું ઓછું. ભૂલથી પણ એક ચૉકલેટ જેની મનાઈ છે એવી એક પણ વસ્તુ બાળક ખાઈ ન લે એનું પૂરું ધ્યાન રાખવાનું હોય છે, કારણ કે જો એ નિયમો ન પાળવામાં આવે તો ડાયટનો કોઈ ફાયદો થતો નથી.