શું ડહાપણની દાઢ કઢાવવી જરૂરી છે?

10 April, 2023 05:20 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આજકાલ આપણું ડાયટ પહેલાં કરતાં ઘણું બદલાયું છે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

હું ૩૬ વર્ષનો છું અને હમણાં રેગ્યુલર ચેક-અપ માટે મારા ડેન્ટિસ્ટ પાસે ગયો ત્યારે તેમણે મને મારી અક્કલદાઢ કઢાવી નાખવાનું કહ્યું છે. મારે નીચેના જડબામાં અક્કલદાઢ છે, પણ ઉપરના જડબામાં નથી. એટલે ડૉક્ટર કહે છે કે એનું કાંઈ કામ નથી તો કાઢી નાખો. મને સમજાતું નથી. કે એ દાઢ બિલકુલ ઠીક છે. કોઈ સડો નથી તો હું શું કામ એ કઢાવી નાખું? કોઈ વસ્તુ શરીરમાં છે તો એનું કંઈ તો મહત્ત્વ હશે જને. એ નકામી છે એવું કઈ રીતે માનવું? 

આજકાલ ઘણા લોકોને અક્કલદાઢ કઢાવી નાખવાની સલાહ ડેન્ટિસ્ટ આપતા જ હોય છે. ઘણી વાર ડેન્ટિસ્ટ કોઈ પ્રૉબ્લેમ ન હોય છતાં સાવચેતીરૂપે એવું પણ કહેતા હોય છે કે ભવિષ્યમાં આ દાઢને કારણે પ્રૉબ્લેમ થઈ શકે છે, તો સારું છે કે પહેલેથી જ કઢાવી નાખો. તમારો પ્રશ્ન રસપ્રદ છે કે આ દાઢ છે તો ખરી, તો શું એની કોઈ જરૂર પડતી નથી? જો આ દાઢ સ્વસ્થ રીતે આવી હોય અને વ્યવસ્થિત જડબામાં ફિક્સ થઈ ગઈ હોય તો એની જરૂર ચોક્કસ છે, પરંતુ જો એમાં કોઈ પણ પ્રૉબ્લેમ હોય તો એને કાઢી નાખવામાં જ ભલાઈ છે, કારણ કે એ એની આગળની ખૂબ જરૂરી દાઢને ખરાબ કરે છે. 

આ પણ વાંચો : ઉંમરની સાથે જાણે મગજ બુઠ્ઠું થતું જાય છે

આજકાલ આપણું ડાયટ પહેલાં કરતાં ઘણું બદલાયું છે. યાદ કરો કે છેલ્લે શેરડી દાંત વડે છોલીને ક્યારે ખાધી હતી? આજકાલ આપણો ખોરાક પકવેલો અને સરળ હોય છે જે ચાવવામાં વધુ મહેનત નથી પડતી એટલે ૩૨ને બદલે ૨૪-૨૮ દાંત વડે સરળતાથી કામ ચાલે છે. એટલે એમ કહે છે કે અક્કલદાઢ વગર પણ તમે સામાન્ય રીતે ખોરાક ખાઈ શકો છો, પરંતુ એનો અર્થ એ નથી કે એની જરૂર જ નથી. જો એ સંપૂર્ણ રીતે વિકસેલી હોય અને બીજા કોઈ પ્રૉબ્લેમ્સ એની સાથે જોડાયેલા ન હોય તો એ દાઢ ખૂબ કામની છે, પરંતુ તમારા ચોકઠામાં ઉપરની બાજુએ અક્કલદાઢ આવી નથી. વ્યવસ્થિત ચાવવા માટે બન્ને જડબાંમાં દાઢ હોવી જોઈએ. ઉપરની દાઢ નીચેની દાઢ સાથે મળે તો ચાવી શકાય. તમારા કેસમાં દાઢ તો છે, પણ એનો ઉપયોગ ચાવવા માટે થઈ નથી રહ્યો, કારણ કે ઉપર દાઢ આવી જ નથી. હવે એ આવશે પણ નહીં. માટે નીચેની દાઢ નકામી બની ગઈ છે. અક્કલદાઢ જે નકામી બની ગઈ એને કાઢી શકાય છે. જો એ ન કઢાવવી હોય તો પણ એનું ખાસ ધ્યાન રાખજો. એને સાચવવી જરૂરી છે. 

columnists health tips life and style