19 May, 2023 05:26 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
હું ૨૪ વર્ષનો છું. આજ પહેલાં ક્યારેય મને બ્લડ-ટેસ્ટ કરવાની જરૂર પડી નહોતી. નાનપણમાં કદાચ એકાદ વખત કરી હોય તો મને યાદ નથી. નાનપણથી મારા ઘરમાં બીટ, દાડમ બધું ખાવાની પ્રથા છે. છેલ્લા એક મહિના પહેલાં મને તાવ આવ્યો હતો ત્યારે ડૉક્ટરે મને બ્લડ કાઉન્ટ ચેક કરવાનું કહ્યું હતું ત્યારે મારું હીમોગ્લોબિન ૯ આવેલું. મને થાક લાગે કે એવું કશું થતું નથી, રેગ્યુલર આયર્ન ટૅબ્લેટ્સ તો ખાધી. એ પછી હીમોગ્લોબિન કેટલું વધ્યું એ ચેક કરવા માટે મેં બ્લડ-ટેસ્ટ કરાવી તો પણ એ તો ૯ જ આવે છે. હું નૉર્મલ જીવું છું, છતાં શું મને કઈ તકલીફ હોઈ શકે?
તમારી વાત સાંભળીને લાગે છે કે તમને થૅલેસેમિયા માઇનર હોઈ શકે છે. થૅલેસેમિયા જન્મજાત આવતો રોગ છે. આ રોગનાં કોઈ લક્ષણો હોતાં નથી એટલે એના વિશે દરદીને ત્યારે જ ખબર પડે છે જ્યારે તે ટેસ્ટ કરાવે. થૅલેસેમિયા માઇનરમાં વ્યક્તિનું હીમોગ્લોબિન લગભગ ૯ ગ્રામથી ૧૧ ગ્રામ વચ્ચે જ રહે છે, પરંતુ તે પોતાની જિંદગી એક નૉર્મલ હેલ્ધી વ્યક્તિની જેમ જીવી શકે છે. આવી વ્યક્તિ દેખાવમાં થોડીક ફિક્કી જણાય છે, પરંતુ તેની રૂટીન લાઇફમાં કોઈ તકલીફ આવતી નથી. ક્યારેક થૅલેસેમિયા માઇનર વ્યક્તિને ખબર નથી હોતી કે તેને આ રોગ છે. તે બ્લડ-ટેસ્ટ કરાવે ત્યારે અંદાજ આવે છે.
ઘણા વ્યક્તિઓ સાથે આવું થાય છે કે નૉર્મલ ‘સીબીસી’ એટલે કે કૉમન બ્લડ કાઉન્ટનો રિપોર્ટ કરાવતાં વ્યક્તિને ખબર પડે છે કે એનું હીમોગ્લોબિન ઓછું છે, એથી તે આયર્નની ગોળીઓ ખાવા લાગે છે. મોટા ભાગના ડૉક્ટર્સ પણ આયર્નની ગોળીઓ ચાલુ રાખવાનું કહે છે. જો વ્યક્તિ થૅલેસેમિયા માઇનર છે તો પણ એનું હીમોગ્લોબિન લેવલ ઓછું જ આવવાનું છે, પરંતુ એનો અર્થ એ નથી કે આયર્નની એના શરીરમાં કમી છે. જો એ ભૂલથી આયર્ન ટૅબ્લેટ્સ લીધાં જ કરશે તો લાંબા ગાળે આયર્નનો અતિરેક એને નુકસાન પહોંચાડી શકે છે, જેનાથી સ્કિન પીગ્મેન્ટેશન થઈ શકે, એ પૅન્ક્રિયાસને અસર કરે તો ડાયાબિટીઝ થઈ શકે, લિવર, કિડની કે હાર્ટને પણ ડૅમેજ કરી શકે. માટે પહેલાં તમે વહેલી તકે થૅલેસેમિયાની ટેસ્ટ કરાવો અને જાણો કે તમને આ રોગ છે કે નહીં. આ ટેસ્ટના રિઝલ્ટને લઈને પછી ડૉક્ટરને ચોક્કસ મળો. આ રોગ તમને હોય તો પણ ગભરાવા જેવું નથી. એની સાથે કઈ રીતે જીવવાનું છે અને શું ધ્યાન રાખવાનું છે એટલું સમજવું પૂરતું છે.