ડિયર લેડીઝ, કોણ તમને રોકે છે યોગ કરતાં?

20 June, 2023 04:44 PM IST  |  Mumbai | Ruchita Shah

આજે મળીએ એક એવાં મહિલા યોગશિક્ષકને જેમણે યોગથી જીવન બદલ્યું છે. અનેક શારીરિક સમસ્યાઓ વચ્ચે પણ યોગે તેમને કઈ રીતે સાચવી રાખ્યાં છે એ જાણવું પ્રેરણાદાયી રહેશે

મીતા રાજા

આપણું આખું જીવન પ્રાયોરિટી પર નિર્ભર કરે છે. તમે દુનિયાભરનાં કામો માટે સમય કાઢી શકો છો; પણ જ્યારે જાત માટે સમય કાઢવાની વાત આવે, પોતાના સ્વાસ્થ્યને બહેતર બનાવવાની વાત આવે ત્યારે શું કામ આખી વાતને છેલ્લી પાટલીએ લઈ જતા હો છે? મહિલાઓ પોતાની હેલ્થને લઈને બેદરકાર હોય છે, પરંતુ બીમારી આવ્યા પછીયે જાતને પ્રાયોરિટીમાં રાખતી નથી હોતી. જોકે યોગ જીવનમાં સામેલ થાય ત્યારે કેવો ચમત્કાર સર્જાઈ શકે છે એ જાણવા માટે આપણે મળવું પડે દહિસરમાં રહેતાં મીતા રાજાને. મીતાબહેન છેલ્લાં દસેક વર્ષથી 
યોગની ટ્રેઇનિંગ આપે છે. પંદરેક વર્ષથી તેઓ યોગનો અભ્યાસ કરે છે. યોગને કારણે તેમનું જીવન કેવી રીતે બદલાયું એની મજેદાર વાતો જાણીએ આજે. 

અનાયાસ યોગ

‘તમે નામ લો એવી દરેક વસ્તુ હું વેચી ચૂકી છું.’ વાતની શરૂઆત કરતાં મીતાબહેન આગળ કહે છે, ‘ઘરમાં નવરા બેસીને શું કરવું? એને બ‍દલે કંઈક કામ કરવાનું ગમતું. એમાં જ પહેલાં પાર્લરનું કામ કરતી. પછી ટપરવેઅરના ડબ્બા વેચ્યા છે. કુર્તીઓ, જ્વેલરી, કટલરી એમ ઘણું કામ કર્યું. ટીવીનો શોખ નહીં અને નવરા બેસવું ગમે નહીં, પણ સાથે હેલ્થના ઇશ્યુ પણ એટલા જ હતા. એવામાં મને મારાં નણંદે યોગનો કોર્સ કરવાની સલાહ આપેલી. એ પહેલાં ટીવીમાં રામદેવ બાબાને જોઈને યોગનો પ્રભાવ અનુભવવાનો શરૂ કરી દીધેલો.’

હેલ્થ સુધરી

પોતાના જીવનમાં યોગનો પ્રત્યક્ષ ચમત્કાર જોઈ ચૂકેલાં મીતાબહેન કહે છે, ‘એ સમય એવો હતો કે સત્તર જાતની હેલ્થની સમસ્યા હતી. અસ્થમા હતો. એક દિવસ મારો શરદી વિનાનો નહોતો રહેતો. ગુસ્સો બહુ આવતો. માનસિક રીતે બહુ ડિસ્ટર્બ રહેતી. યોગને કારણે એમાંથી હું બહાર આવી છું. પહેલાં હું બહુ જ ઊંઘતી. સવારે સૂઈ જઉં, બપોરે ત્રણ કલાક સૂવાનું. એ બધાને કારણે માનસિક રીતે ધીમી પડી ગઈ હતી. યોગના અભ્યાસ પછી સવારે પાંચ વાગે ઊઠ્યા પછી રાતે અગિયાર વાગ્યા સુધી થાક્યા વિના કામ કરું છું. દિવસમાં પાંચ-સાત ક્લાસ લઉં છું. એટલું જ નહીં, યોગ શીખ્યા પછી મેં જ્યારે લોકોને યોગ શીખવવાનું શરૂ કર્યું ત્યારે પણ વ્યક્તિ તરીકે મારામાં ખૂબ બદલાવો આવ્યા છે અને જીવન ખરેખર બહેતર બન્યું છે.’

બહુ જ મોટી ચૅલેન્જ

યોગશિક્ષક તરીકે જર્ની શરૂ થયા પછી મીતાબહેને પાછા વળીને જોયું નથી. ભારત જ નહીં, બહારના દેશોમાં રહેતા ભારતીયોને પણ તેઓ યોગ શીખવી રહ્યાં છે. જોકે એ દરમ્યાન મેનોપૉઝ અને શરીર પર સફેદ ડાઘની સમસ્યા શરૂ થઈ એની વાત કરતાં તેઓ કહે છે, ‘એમાં બન્યું એવું કે ઉંમર સાથે શરીરમાં અમુક પણ બદલાવ આવે. મારી ફ્લેક્સિબિલિટી સારી છે, પરંતુ લોઅર બૉડીમાં વજન વધારે છે. એને ઘટાડવાના પ્રયાસો પણ ચાલુ છે, પરંતુ મહિલાઓ માટે હૉર્મોન્સની ઊથલપાથલ સતત ચાલુ જ હોય છે. હું મારા અનુભવ પરથી કહું છું કે વજનની બહુ ચિંતા કર્યા વિના શરીર સ્વસ્થ રહે એના પ્રયાસો કરવા જોઈએ. વેઇટ ઉપરાંત શરીર પર સફેદ ડાઘ પડવાના શરૂ થયા છે. અત્યારે હાથ અને પગમાં જ દેખાઈ રહેલા આ ડાઘ સાથે પણ હું લોકોને યોગ શીખવું છું. શરૂઆતમાં મને પોતાને સંકોચ થતો હતો, પણ પછી લાગ્યું કે યોગ સ્વસ્થતા લાવવામાં તમારી મદદ કરે છે. જોકે એ પછીયે આપણાં અમુક કર્મો હોય છે જેમને આપણે પાર પાડવાનાં હોય. હું તમને ગૅરન્ટી સાથે કહું છું કે ઘણીબધી બીમારીઓને યોગ ડામી શકે છે અને અમુક બીમારી જો ડામી ન શકાય એવી હોય તો એની તીવ્રતા યોગ ઘટાડી જ દે છે. આ મારો સ્વાનુભવ છે. હું મહિલાઓને કહીશ કે તેમણે પોતાની જાત માટે દરરોજ કમસે કમ ત્રીસ મિનિટ તો યોગાભ્યાસ માટે ફાળવવી જ જોઈએ.’

yoga international yoga day health tips ruchita shah columnists