29 September, 2024 12:09 PM IST | Mumbai | Jigisha Jain
પ્રતીકાત્મક તસવીર
આપણે સદેહે ધરતી પર અવતરીએ એ પહેલાંથી માના ગર્ભમાં ચોથા મહિનાથી જ ધબકવાનું શરૂ કરી દેતું હૃદય જ્યારે બંધ થાય ત્યાં જીવનનો અંત આવે છે. આજે વિશ્વ હૃદય દિવસ છે અને આજકાલ બહુ નાની ઉંમરે હાર્ટ-અટૅકથી મૃત્યુના કિસ્સા વધી ગયા છે ત્યારે આપણી જીવાદોરી સમાન અંગ વિશે જાણવા જેવું બધું જ જાણી લઈએ
હૃદય શું કામ કરે છે?
હૃદય સ્નાયુઓનું બનેલું અંગ છે જેમાં હાડકું નથી. એ આખા શરીરમાં લોહીના પરિભ્રમણ માટે જવાબદાર અંગ છે. આખા શરીરમાંથી ખરાબ લોહી હૃદયમાં ઠલવાય છે જ્યાં ફેફસાંમાંથી મળતો ઑક્સિજન એમાં ભળે છે અને લોહી શુદ્ધ થાય એટલે હૃદયમાંથી આખા શરીરમાં, દરેકેદરેક કોષ સુધી એ પહોંચે છે. દરરોજ ૨૦૦૦ ગૅલન લોહી આપણું હૃદય સાફ કરીને એને શરીરમાં ફરતું કરે છે.
સ્થાન: હૃદય છાતીની એકદમ વચ્ચે નહીં, એની થોડી ડાબી બાજુએ આવેલું છે જે મુશ્કેલીથી ૩૦૦-૪૫૦ ગ્રામ જેટલું વજન ધરાવે છે. એમાં ચાર ચેમ્બર આવેલી હોય છે જે વાલ્વ સાથે જોડાયેલી હોય છે. વાલ્વ ખૂલે અને બંધ થાય એ મુજબ દરેક ચેમ્બરમાંથી લોહી પસાર થાય છે. હૃદયની પોતાની ઇલેક્ટ્રિક સિસ્ટમ છે જેના દ્વારા એ ધબકે છે. એક સામાન્ય મનુષ્યના ધબકારા ૬૦થી ૧૦૦ની વચ્ચે જોવા મળે છે. એનાથી ઓછા કે વધુ ધબકારા કોઈ તકલીફનો નિર્દેશ છે.
હાર્ટ-અટૅક, હાર્ટ-ફેલ્યર અને કાર્ડિઍક અરેસ્ટ વચ્ચે શું ભેદ?
હાર્ટ-અટૅક એટલે શું? ઃ જ્યારે હાર્ટને મળતું લોહી કોઈ પણ કારણસર એના સુધી ન પહોંચે ત્યારે લોહી વગર હૃદયના એક ભાગના ટિશ્યુને ઑક્સિજન મળતો નથી અને એ મૃત્યુ પામે છે. આ તકલીફ મોટા ભાગે કૉરોનરી આર્ટરી, જે હૃદયને સૌથી વધુ માત્રામાં લોહી પહોંચાડે છે એમાં આવેલા બ્લૉકેજને કારણે થતી તકલીફ છે.
હાર્ટ-ફેલ્યર એટલે શું? ઃ જ્યારે કોઈ કારણસર હૃદય એનું કામ ન કરી શકે એટલે કે લોહીના પરિભ્રમણનું કામ એનાથી ન થઈ શકે એ અવસ્થા એટલે હાર્ટ-ફેલ્યર. જે વ્યક્તિને મૅસિવ હાર્ટ-અટૅક આવે કે બે-ત્રણ વાર હાર્ટ-અટૅક આવે પછી તેનું હાર્ટ-ફેલ થઈ શકે છે. આ સિવાય ધબકારાની સમસ્યા, વાલ્વની સમસ્યા, હૃદયના સ્નાયુની તકલીફ એટલે કે કાર્ડિયોમાયોપથી જેવા જુદા-જુદા રોગો એની પાછળ જવાબદાર હોય છે.
કાર્ડિઍક અરેસ્ટ એટલે શું? ઃ જ્યારે હૃદય અચાનક જ ધબકતું બંધ થઈ જાય એ અવસ્થા એટલે કાર્ડિઍક અરેસ્ટ. હાર્ટ-અટૅક, કૉરોનરી આર્ટરી ડિસીઝ, કાર્ડિયોમાયોપથી, ધબકારાની કે વાલ્વની કોઈ સમસ્યા આમાંથી કોઈ પણ કારણ કાર્ડિઍક અરેસ્ટ માટે જવાબદાર હોઈ શકે છે. આ સિવાય હાર્ટમાં જન્મજાત કોઈ ખોડ રહી ગઈ હોય તો પણ કાર્ડિઍક અરેસ્ટ થાય છે.
PR આપતાં શીખો
CPR એટલે કાર્ડિયોપલ્મનરી રિસસિટેશન. કાર્ડિઍક અરેસ્ટ જેવી ગંભીર અવસ્થામાં શરૂઆતી પળોમાં જ્યારે દરદી ઍમ્બ્યુલન્સની રાહ જોતો દમ તોડી શકે છે ત્યારે CPR જેવી લાઇફ સેવિંગ સ્કિલ દરદીને નવજીવન આપી શકે છે. આ સ્કિલમાં બંધ પડી ગયેલા હૃદયને ફરી ચાલુ કરવાનું હોય છે અને દરદીને ખૂટતો શ્વાસ પૂરો પાડવાનો હોય છે. મહત્ત્વનું એ છે કે આ સ્કિલ કોઈ પણ વ્યક્તિ શીખી શકે છે. જુદી-જુદી જગ્યાએ એની ટ્રેઇનિંગ અપાતી હોય છે. દરેક વ્યક્તિએ આ ટ્રેઇનિંગ લેવી જોઈએ.
આ સાત ચીજો છે હૃદયના સ્વાસ્થ્ય માટે દુશ્મન સમાન
સ્મોકિંગઃ સ્મોકિંગને કારણે શરીરમાંનું લોહી જાડું થઈ જાય છે. એ જાડું થઈ જવાને કારણે ક્લૉટિંગ થવાનું રિસ્ક વધે છે. એવું થાય ત્યારે હાર્ટ-અટૅક થવાનું રિસ્ક પણ વધે છે. સિગારેટમાં રહેલા તમાકુના નિકોટીનને કારણે હૃદયના ધબકારા ઘણા વધી જાય છે. એટલે કે હાર્ટને વધુ વાર ધબકવા માટે વધુ લોહીની જરૂર પડે છે. લોહી ઓછું પહોંચે અને ધબકારા વધી જાય તો પણ હૃદય ડૅમેજ થાય છે. આ રીતે સ્મોકિંગ હૃદયને અસર કરે છે.
આલ્કોહોલ ઃ અમેરિકન હાર્ટ અસોસિએશન મુજબ જેમને હાર્ટ-પ્રૉબ્લેમ્સ છે, જે લોકોને એક વખત અટૅક આવી ગયો છે, હાર્ટ-ફેલ્યર જેવી ક્રિટિકલ પરિસ્થિતિમાંથી પસાર થઈ ચૂક્યા છે અને બચી ગયા છે અથવા તો કાર્ડિયોમાયોપથી કે અનિયમિત ધબકારાની સમસ્યા ધરાવે છે તેમને આલ્કોહોલ લેવાની બિલકુલ મનાઈ હોય છે, કારણ કે તેમના માટે આલ્કોહોલ અતિ ગંભીર પરિસ્થિતિ સરજી શકે છે.
ઓવરઇટિંગઃ હાર્ટ-હેલ્થ માટે લોકો આ ખાવું અને આ ન ખાવું પર ભાર આપતા હોય છે પરંતુ હકીકત એ છે કે સૌથી વધુ ભારર આપવો જોઈએ કે વધુ ન ખાવું. વધુ પ્રમાણમાં ખાવામાં આવતો ખોરાક પાચનને બગાડે છે, ફૅટ શરીરમાં જમા થાય છે અને એને જ કારણે હાર્ટને મુશ્કેલીમાં મૂકતા રોગો ઓબેસિટી, ડાયાબિટીઝ કે હાઈ બ્લડ-પ્રેશર થાય છે.
મીઠું ઉપરથી ખાવાની આદતઃ વિજ્ઞાન એ સત્ય સ્વીકારી ચૂક્યું છે કે વધારે પડતું સોડિયમ શરીરને નુકસાન કરે છે. આપણને જરૂરી માત્રામાં સોડિયમ મીઠામાંથી મળે છે પરંતુ એનો અતિરેક શરીર માટે અત્યંત હાનિકારક છે. ખાસ કરીને નસોની હેલ્થ માટે એ નુકસાન કરે છે. એટલે જ ખાવામાં મીઠાની યોગ્ય માત્રા લેવી ખૂબ જ જરૂરી છે. એક દિવસમાં ૫-૬ ગ્રામ મીઠું આદર્શ રીતે ખાઈ શકાય.
બેઠાડુ જીવન ઃ આપણે બધા આજકાલ ઘણી હેક્ટિક લાઈફ જીવીએ છીએ, અનેકગણું કામ કરીએ છીએ પરંતુ એ કામ માનસિક વધુ છે અને શારીરિક નગણ્ય છે. દરરોજ ૧ કલાક એક્સરસાઇઝ કરવી પણ પૂરતી નથી. આખા દિવસને ઍક્ટિવ બનાવવો જરૂરી છે. આપણા બેઠાડુ જીવનની આદતો હાર્ટ માટે હાનિકારક છે.
સ્ટ્રેસ લેવાની આદતઃ સ્ટ્રેસની સીધી અસર શરીરમાં રહેલી નસો પર થાય છે. નસોની હેલ્થ ખરાબ થાય તો ચોક્કસપણે વ્યક્તિની હાર્ટ-હેલ્થ પર અસર થાય જ છે. સ્ટ્રેસ લેવાની આદત છોડવા માટે વ્યક્તિ યોગ, પ્રાણાયામ, ધ્યાન કરી શકે છે. એનાથી લાંબા ગાળે ઘણો ફાયદો થાય છે.
રોગને અવગણવાની આદત ઃ મોટા ભાગના હાર્ટ-અટૅક થવા પાછળનું કારણ આ છે જેમાં દરદીઓ પોતાના રોગ જેમ કે ડાયાબિટીઝ કે હાઈ બ્લડ-પ્રેશરને અવગણતા હોય છે. જો તમને રોગ છે જ તો તમારે ત્રણગણા સાવધ રહેવાની જરૂર છે. દવાઓ સમય પર લેવી અને લાઇફ-સ્ટાઇલમાં જરૂરી બદલાવ લાવવા જેથી એ રોગ કાબૂમાં રહે.
હાર્ટ-અટૅક આવવાનો હોય એ પહેલાં જ તમને ચેતવી દેનારાં આ લક્ષણો દેખાય છે
આ લક્ષણો મોટા ભાગે ક્ષણિક અથવા થોડી મિનિટો માટે જ દેખાય છે. એ સમય જતો રહે પછી પાછી વ્યક્તિ નૉર્મલ ફીલ કરે છે. એટલે જ મોટા ભાગના લોકો એને અવગણી નાખતા હોય છે, જે એક મોટી ભૂલ છે. આ સમયે અમુક લોકોને ચાલે કે પગથિયાં ચડે ત્યારે છાતીમાં ભીંસ આવતી હોય કે દુખાવો થતો હોય એમ લાગે અથવા છાતીમાં સામાન્ય એવી ડિસકમ્ફર્ટ જણાય. આ દુખાવો પીઠમાં પણ થઈ શકે છે.
ખૂબ જ ઓછું ચાલ્યા હોય તો પણ એકદમ જ થાકી જવાય. કામ વધુ ન કર્યું હોય પણ થાક અતિશય લાગે. થોડોક અમથો પરિશ્રમ કરો ત્યાં પરસેવો વળી જાય. અંદરથી સાઇકોલૉજિકલી એવું લાગે કે કાલે દુનિયા ખતમ થઈ જશે કે કશું ખૂબ જ ખરાબ થઈ જશે
હાર્ટ-અટૅક આવે ત્યારે સામાન્ય રીતે દેખાતાં લક્ષણો છાતીની મધ્યમાં કે ડાબી બાજુ છાતીથી લઈને ડાબા હાથ તરફના ભાગમાં બધું એકદમ ભારે થઈ જાય, ભીંસ આવતી હોય એમ લાગે અથવા મામૂલી ડિસકમ્ફર્ટ થયું હોય એમ જણાય. આ એક લક્ષણ છે જે હાર્ટ-પ્રૉબ્લેમનું ક્લાસિક લક્ષણ છે. પેટ એકદમ ભારે થઈ જાય, જેને લીધે લાગે કે ગૅસ કે ઍસિડિટી જેવું કંઈ થયું હશે પરંતુ એ ગૅસ હોતો નથી, કારણ કે ગૅસ કરતાં એ થોડી જુદા પ્રકારની હેવીનેસ હોય છે. ઘણા લોકોને જડબું એકદમ પકડાઈ જાય કે દુખવા લાગે એવું બને.
ફક્ત છાતી જ નહીં, પીઠમાં પણ દુખાવો શરૂ થઈ જાય છે. ઘણા લોકોને છાતી અને પીઠ બન્નેમાં સાથે દુખાવો થાય છે. આ સિવાય અચાનક વ્યક્તિ ખૂબ થકી જાય કે એકદમ જ પરસેવો વળી જાય શ્વાસ ચડે કે શ્વાસ ટૂંકો પડે અને વ્યક્તિ હાંફી જાય માથું ભારે લાગવું, ચક્કર આવવાં, નબળાઈ લગાવી, બેચેની, ગબરામણ થવી.
હૃદયમાં કૅન્સર નથી થતું
કૅન્સર શરીરમાં ત્યારે થાય જ્યારે આપણા કોષો બેવડાય અને પોતાના જેવા બીજા કોષોનો અતિરેક કરી નાખે. એ કોષો ભેગા થઈને ગાંઠ બનાવે અને એ કૅન્સરની ગાંઠ ગણાય. હૃદયના કોષો શરીરના બાકીના કોષો કરતાં ઘણા જુદા છે. એ કોષોનું વિભાજન થતું નથી અને એને કારણે એ પોતાના જેવા કોષોનું નિર્માણ કરતું જ નથી. એટલે કે હૃદયના કોષો જે છે એ જ જીવનભર રહે છે, નવા કોષો બનતા જ નથી. એથી હૃદયમાં કૅન્સર મોટા ભાગે થતું જ નથી. હૃદયના બાજુના અંગમાં જો કૅન્સર થયું હોય તો એ કૅન્સર હૃદયમાં આવીને ફેલાય એવું બને પણ હૃદયમાં એ ક્યારેય ઉદ્ભવતું નથી.
ભારતમાં ૨૭ ટકા લોકો હૃદયરોગને કારણે મૃત્યુ પામે છે
કૉરોનરી આર્ટરી ડિસીઝ, સેરિબ્રોવૅસ્ક્યુલર ડિસીઝ, પેરિફેરલ આર્ટરિયલ ડિસીઝ, રૂમૅટિક હાર્ટ ડિસીઝ, જન્મજાત આવતો હાર્ટ ડિસીઝ, ડીપ વેઇન થ્રૉમ્બોસિસ, પલ્મનરી એમ્બોલિઝમ જેવા હૃદયના જુદા-જુદા રોગો છે. આંકડાઓ મુજબ ભારતમાં ૧૭.૯ મિલ્યન લોકો કાર્ડિયોવૅસ્ક્યુલર ડિસીઝને કારણે મૃત્યુ પામે છે. આમ ભારતમાં કુલ મૃત્યુનાં ૨૭ ટકા મૃત્યુ હૃદયરોગને કારણે થાય છે. એમાંથી ૪૫ ટકા લોકો ૪૦-૬૯ વર્ષની અંદરની ઉંમરના હોય છે જેમના મૃત્યુનું કારણ હાર્ટ-અટૅક કે સ્ટ્રોક જણાય છે. સમગ્ર દુનિયામાં એને કારણે મૃત્યુ પામતા લોકોના ૩૧ ટકા લોકો ભારતના છે.
સ્ત્રીઓ-યુવાનોમાં પણ વધી રહ્યો છે પ્રૉબ્લેમ, પ્રોફેશનલ સ્ટ્રેસ પણ હાર્ટ પર છે ભારે
દિલ્હીની એક નૅશનલ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા થયેલા એક સ્ટડી અનુસાર છેલ્લાં કેટલાંક વર્ષોમાં હાર્ટની સ્ત્રી દરદીઓમાં ૧૦ ટકાનો વધારો થયો છે. ૪૦ વર્ષથી ઓછી ઉંમરના દરદીઓમાં છેલ્લાં પાંચ વર્ષમાં ૨૮ ટકાનો વધારો થયો છે અને સ્ત્રી દરદીઓમાં ૧૦ ટકાનો વધારો થયો છે. આ સર્વે અનુસાર પ્રી-મેનોપૉઝલ સ્ત્રીઓમાં હાર્ટ-ડિસીઝનું પ્રમાણ ઘણું વધી રહ્યું છે. પહેલાં એક સમય હતો જ્યારે સ્ત્રીઓમાં ખૂબ મોટી ઉંમરે હાર્ટ-ડિસીઝ જોવા મળતો અને એ પણ પુરુષોના પ્રમાણમાં ઘણો ઓછો જોવા મળતો, પરંતુ આજે એવું રહ્યું નથી. સ્ત્રીઓ ખૂબ નાની ઉંમરે આ રોગનો ભોગ બની રહી છે.કામના કલાકો અને હાર્ટ-ડિસીઝ આજકાલ પ્રોફેશનલ કામના ભારણને કારણે યંગ લોકોમાં હાર્ટ-અટૅકથી મૃત્યુનું પ્રમાણ ખૂબ ચર્ચામાં આવ્યું છે. આ વાતને મેડિકલ જર્નલમાં છપાયેલા અભ્યાસનું પણ બૅકઅપ છે. જર્નલ લાન્સેટમાં છપાયેલા એક રિસર્ચ મુજબ જે લોકોના કામના કલાકો ખૂબ વધારે હોય એના પર હાર્ટ સ્ટ્રોકનું રિસ્ક વધારે હોય છે. ૧૭ જુદા-જુદા સ્ટડીઝને ભેગા કરીને કુલ ૫,૨૮,૯૦૮ સ્ત્રી અને પુરુષો પર થયેલા રિસર્ચ અનુસાર કામના કલાકો અને કાર્ડિઍક રિસ્ક વચ્ચે ખૂબ ગહેરો સંબંધ છે. જો વ્યક્તિના કામના કલાકો અઠવાડિયામાં ૪૧-૪૮ જેટલા હોય તો એના પર સ્ટ્રોકનું રિસ્ક ૧૦ ટકા જેટલું વધે છે, જ્યારે કામના કલાકો અઠવાડિયામાં ૪૯-૫૫ જેટલા હોય તો સ્ટ્રોકનું રિસ્ક ૩૩ ટકા જેટલું વધી જાય છે. સ્ટ્રોક સિવાય કૉરોનરી હાર્ટ ડિસીઝનું રિસ્ક પણ ૧૩ ટકા જેટલું વધી જાય છે.
ડિપ્રેશન સાથે સંબંધ
કૉરોનરી આર્ટરી ડિસીઝના લગભગ ૩૦ થી ૪૦ ટકા પેશન્ટ ડિપ્રેશનનો ભોગ બને છે, જેમાં તેમની અવસ્થાની ગંભીરતા અને મૃત્યુની શક્યતા ૬થી ૯ગણી વધી જાય છે. જેમ હાર્ટ-પ્રૉબ્લેમ્સ પછી પેશન્ટ માટે ડાયાબિટીઝ, બ્લડ-પ્રેશર, સ્મોકિંગ કે આલ્કોહોલ પીવું રિસ્ક ફૅક્ટરમાં ગણાય છે એટલું જ રિસ્કી ડિપ્રેશન છે જેનાથી લાઇફ સ્પૅન ઘટે છે એટલે કે જીવનનાં વર્ષો ઓછાં થતાં જાય છે.
ભગવાને આપેલું હૃદય થાકી જાય ત્યારે ઉછીનું હાર્ટ લેવાની પ્રક્રિયા હવે સફળ થઈ રહી છે
વિશ્વભરમાં દર વર્ષે લગભગ ૩૫૦૦-૪૦૦૦ હાર્ટ-ટ્રાન્સપ્લાન્ટ ઑપરેશન થાય છે. ૨૦૧૫ સુધી પરિસ્થિતિ એવી હતી કે મુંબઈ જેવા શહેરમાં પણ હાર્ટ-ટ્રાન્સપ્લાન્ટ શક્ય બનતું નહોતું. ૨૦૧૫ના ઑગસ્ટ મહિનામાં ૪૭ વર્ષ પછી મુંબઈમાં હાર્ટ-ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું, જે સફળ રહ્યું હતું અને ત્યાર પછી તો ઘણાં ટ્રાન્સપ્લાન્ટ થઈ ચૂક્યાં અને થઈ રહ્યાં છે. મુંબઈ પછી મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં પણ હાર્ટ-ટ્રાન્સપ્લાન્ટ થવા લાગ્યાં છે. ૨૦૧૬ના ડિસેમ્બરમાં અમદાવાદમાં પણ સૌપ્રથમ હાર્ટ-ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરવામાં આવી હતી જે સફળ રહી હતી. હાર્ટના ડોનેશનથી ટ્રાન્સપ્લાન્ટ સુધીની સફરને સફળ બનાવવા માટેના હેલ્થ પ્રોફેશનલ્સ અને સરકારના યથાર્થ પ્રયત્નોને કારણે ૨૦૧૬ કરતાં ૨૦૧૮ સુધીમાં હાર્ટ-ટ્રાન્સપ્લાન્ટમાં દસગણો વધારો જોવા મળ્યો છે.
કઈ રીતે થાય હાર્ટ-ટ્રાન્સપ્લાન્ટ?
હાર્ટ-ટ્રાન્સપ્લાન્ટ માટે અત્યંત જરૂરી ફૅક્ટર છે કોઈ હાર્ટ-ડોનર મળી આવે, કારણ કે કોઈ જીવિત વ્યક્તિ હાર્ટનું દાન કરી શકતી નથી. એક બ્રેઇન ડેડ વ્યક્તિ પોતાનું હાર્ટ દાન કરી શકે છે. વળી એ હાર્ટ હેલ્ધી હોવું જરૂરી છે. એની સાથે જે દરદીને આ હાર્ટની જરૂર છે એ દરદી સાથે એ હાર્ટ મૅચ થવું જોઈએ. મૅચ થવા માટેનાં અમુક પૅરામીટર્સ છે જેમાં લોહીનાં ઘણાંબધાં તત્ત્વો છે જે મૅચ થવાં જોઈએ. જો હાર્ટ મૅચ થઈ ગયું તો દાતાના શરીરમાંથી હાર્ટને કાઢીને દરદીના શરીરમાં લગાવવા માટે ફક્ત ૪ કલાક જેટલો ઓછો સમય હોય છે, જેમાં ટ્રાન્સપ્લાન્ટ કરી નાખવું જરૂરી છે. આમ કોઈ વ્યક્તિ એક શહેરમાંથી બીજા શહેરના દરદીને દાન કરે એ થોડું અઘરું કામ થઈ જાય છે. દાતા અને દરદી બન્ને એક જ શહેરમાં હોય એ જરૂરી બની જાય છે. વળી ઑપરેશન પછી પણ દર મહિને અમુક પ્રકારનાં ચેકઅપ્સ અને ફૉલો-અપ માટે દરદીએ સતત આવવું પડે છે.’
આ માન્યતાઓ તોડવાની જરૂર છે તેલ-ઘી ખાવાથી હૃદયરોગ થાય
ઘણા લોકો માને છે કે તેલ કે ઘીના ઉપયોગથી કૉલેસ્ટરોલની તકલીફ આવે છે. એટલે ડરીને એનો ઉપયોગ જ બંધ કરી દે છે. જેટલાં પણ વેજિટેરિયન તેલ છે એટલે કે મગફળી, કપાસ, નારિયેળ, સૂર્યમુખી વગેરેમાંથી બનતાં તેલથી ક્યારેય કૉલેસ્ટરોલની તકલીફ આવતી નથી. જોકે એનો અર્થ એ નથી કે એનો અતિરેક કરો. શરીરને ફૅટ્સની જરૂર રહે જ છે. એક સામાન્ય વ્યક્તિ દિવસમાં ૪ ચમચી ફૅટ એટલે કે તેલ કે ઘી ખાઈ શકે છે. એમાં બે ચમચી ઘી કે બે ચમચી તેલ એમ ખાઈ શકે છે. ઍવરેજ ૨૫ ગ્રામ જેટલું તેલ વાપરી શકાય. ઘીને ઘણી જ સારી ફૅટ માનવામાં આવે છે. એનાથી ભાગવાને બદલે દરરોજ બે ચમચી ખાવાનું શરૂ કરવું જોઈએ.
પાતળા લોકોને અટૅક ન આવે?
જે મેદસ્વી છે તેમના પર હાર્ટ-અટૅકનું રિસ્ક વધુ રહે છે પરંતુ એનો અર્થ એમ નથી કે પાતળા લોકોને અટૅક આવતા નથી. દૂબળા હોવા છતાં જે બેઠાડુ જીવન જીવે છે તેમના પર હાર્ટ-અટૅકનું રિસ્ક ૪૦ ટકા જેટલું વધારે હોય છે. વ્યક્તિ પાતળી હોય, પરંતુ કૉલેસ્ટરોલનો પ્રૉબ્લેમ હોય, બ્લડ-પ્રેશર કાબૂમાં ન રહેતું હોય અને શુગર પર કન્ટ્રોલ ન હોય ખરાબ આદતો હોય છે જે આંતરિક અવયવોને ડૅમેજ કરતી હોય તો તેને પણ અટૅક આવી શકે છે. આ ધારો કે તમામ લાઇફસ્ટાઇલ ડિસીઝ કાબૂમાં હોય, પરંતુ ૧૦-૨૦ વર્ષ કે લાંબા સમયથી આ તકલીફો હોય તો પણ અટૅક આવવાનું રિસ્ક રહે જ છે. એટલે પાતળા લોકોએ પણ સાવધાન રહેવું.
હૃદય વિશે આ પણ છે જાણવા જેવું
પુરુષો કરતાં સ્ત્રીઓના હૃદયની સાઇઝ નાની હોય છે. નવજાત શિશુનું હૃદય એક બંધ મુઠ્ઠી જેટલું હોય છે, જ્યારે પુખ્ત વયની વ્યક્તિનું હૃદય બે મુઠ્ઠી જેટલું.
એક દિવસમાં હૃદય સરેરાશ એક લાખ વખત ધડકે છે.
આપણા શરીરમાં આશરે સાડાપાંચ લીટર જેટલું લોહી ફરતું હોય છે. આટલું લોહી એક મિનિટમાં ત્રણ વાર આખા શરીરનું પરિભ્રમણ કરી નાખે છે. એનો મતલબ એ કે સાડાપાંચ લીટર લોહી એક દિવસમાં ૧૯,૦૦૦ કિલોમીટર જેટલો પ્રવાસ આપણા શરીરની રક્તવાહિનીઓમાં કરી નાખે છે.
માણસ જન્મે ત્યારથી મૃત્યુ પામે ત્યાં સુધી હૃદય સતત પમ્પ કરતું જ રહે છે.
સરેરાશ મનુષ્ય આખી જિંદગી દરમ્યાન ૧૫૦ લાખ લીટર લોહી પમ્પ કરે છે.
હૃદયમાંથી લોહીની ધાર છૂટે તો એ ૯ મીટર જેટલે દૂર સુધી જાય એટલું લોહીનું દબાણ હોય છે.
પેટની ફરતે ચરબીના થર જામવાથી ઍપલ ઓબેસિટી થઈ હોય તો ડાયાબિટીઝનું જોખમ વધે છે એમ ગરદનનો ઘેરાવો વધી જાય તો એ હાર્ટ ડિસીઝનું રિસ્ક વધ્યું હોવાનું લક્ષણ છે.
યંગ અને કૉમ્પિટિટિવ પ્રોફેશનલ લાઇફ ધરાવતા લોકોમાં દર સોમવારે હાર્ટ-અટૅક આવવાની સંભાવના વધુ હોય છે. શનિવારે હાર્ટ-અટૅકનું રિસ્ક બીજા નંબરે છે.
પચાસ ટકા સ્ત્રીઓ પહેલી વાર હાર્ટ-અટૅક આવે એ પછીના પહેલા જ વર્ષમાં મૃત્યુ પામે છે.
સૌથી પહેલી ઓપન હાર્ટ સર્જરી ૧૮૯૩માં ડૉ. ડેનિયલ વિલિયમ્સે કરી હતી.
સૌથી પહેલું સફળ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ ૧૯૬૯માં સાઉથ આફ્રિકાના કેપટાઉનમાં કરવામાં આવેલું.