બચ્ચનજી કહે છે કે દારૂ નહીં પીને કે બાદ ભી... લિવર ખરાબ હો જાતા હૈ

24 January, 2025 07:18 AM IST  |  Mumbai | Jigisha Jain

અમિતાભ બચ્ચને હાલમાં નૉન-આલ્કોહોલિક ફૅટી લિવર ડિસીઝ માટે પણ પોલિયો જેવું જ સઘન અભિયાન ચલાવવાની પહેલ કરી છે

અમિતાભ બચ્ચન

‘સત્તે પે સત્તા’ ફિલ્મનો આઇકૉનિક સીન છે જેમાં વારંવાર અમિતાભ કહે છે કે મૈં દારૂ નહીં પીતા, દારૂ પીને સે લિવર ખરાબ હો જાતા હૈ. એ જ અમિતાભ બચ્ચને હાલમાં નૉન-આલ્કોહોલિક ફૅટી લિવર ડિસીઝ માટે પણ પોલિયો જેવું જ સઘન અભિયાન ચલાવવાની પહેલ કરી છે, જાણે તેઓ તેમની સ્ટાઇલમાં કહેતા હોય કે દારૂ નહીં પીને કે બાદ ભી લિવર ખરાબ હો જાતા હૈ. જાણીએ આજે આ રોગ વિશે કેટલીક જરૂરી બાબતો

પોલિયો અને ટીબી જેવા રોગોની નાબૂદી માટેના અભિયાનના બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર બની જન જાગૃતિ ફેલાવનારા અમિતાભ બચ્ચનને હવે નૉન-આલ્કોહોલિક ફૅટી લિવર ડિસીઝ જેવા રોગો માટે પણ અભિયાન શરૂ કરવું છે. સોમવારે KEM હૉસ્પિટલ ખાતે તેમણે નૉન-આલ્કોહોલિક ફૅટી ડિસીઝના આગળના સ્ટેજના રોગ નૉન-આલ્કોહોલિક સ્ટીટો હૅપેટાઇટિસ (NASH) માટેના ક્લિનિકનું ઉદ્ઘાટન કર્યું હતું. એ સમયે તેમણે ડૉક્ટર્સ અને મેડિકલ સ્ટુડન્ટ્સને જણાવ્યું હતું કે પોલિયોની જેમ આ રોગ માટે પણ એટલી જ જાગૃતિની જરૂર છે. તેમણે કહ્યું હતું કે તેઓ ખુદ ૨૫ ટકા લિવર સાથે જીવી રહ્યા છે અને એટલે જ લિવરની તકલીફને ખૂબ નજીકથી સમજે છે. ૧૯૮૦માં તેમને હેપેટાઇટિસ Bનું ઇન્ફેક્શન થયું હતું જેને કારણે તેમનું લિવર ડૅમેજ થયું હતું. ‘સત્તે પે સત્તા’ ફિલ્મમાં અમિતાભ બચ્ચનનો એક આઇકૉનિક સીન છે જેમાં અમજદ ખાન તેમને દારૂ પીવડાવે છે ત્યારે નશાની હાલતમાં તેઓ વારંવાર બોલે છે કે મૈં દારૂ નહીં પીતા, દારૂ પીને સે લિવર ખરાબ હો જાતા હૈ. પણ હકીકત એ છે કે દારૂ ન પીઓ છતાં પણ લિવર ખરાબ થઈ જતું હોય છે અને આજની તારીખે આ પ્રકારે ખરાબ થતું લિવર જેને નૉન-આલ્કોહોલિક ફૅટી લિવર ડિસીઝ કહે છે એનું પ્રમાણ ઘણું વધુ જોવા મળે છે.

નૉન-આલ્કોહોલિક ફૅટી લિવર ડિસીઝ લિવરના રોગોમાં સૌથી વધુ જોવા મળતો રોગ છે. આ રોગ આગળ વધીને લિવરને સંપૂર્ણ રીતે ડૅમેજ કરી શકે છે. લિવર કૅન્સર કે લિવર સિરૉસિસ સુધી એ આગળ વધીને લિવર સંપૂર્ણ રીતે ફેલ કરી શકે છે. એક સમય હતો જ્યારે લોકો માનતા કે આ પ્રકારનું ડૅમેજ આલ્કોહોલ પીનારી વ્યક્તિને જ થાય છે, પરંતુ હકીકતે જે વ્યક્તિ દારૂને હાથ પણ ન લગાડતી હોય એવી વ્યક્તિના જીવનમાં પણ આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ શકે છે જેનું કારણ નૉન-આલ્કોહોલિક ફૅટી લિવર ડિસીઝ બને છે.

લિવર જ કેમ?

લિવરની આસપાસ ચરબી જમા થાય ત્યારે એ લિવરના કામમાં હસ્તક્ષેપ કરે છે અને એને એનું કામ કરવા દેતી નથી. આ પરિસ્થિતિ એવી વ્યક્તિમાં થાય જે દારૂ નથી પીતી તો એને થયેલા રોગને કહેવાય છે નૉન-આલ્કોહોલિક ફૅટી લિવર ડિસીઝ. સવાલ એ છે કે શરીરમાં જ્યારે વધારાની ફૅટ જમા થાય ત્યારે એ લિવર પર જઈને કેમ ચોંટી જાય છે? બીજા કોઈ અંગ પર કેમ નહીં? આ પ્રશ્નનો જવાબ આપતાં ડૉ. સમીર શાહ કહે છે, ‘લિવરનું મુખ્ય કામ છે શરીરમાં એનર્જી પ્રોડ્યુસ કરવાનું અને એ એનર્જીનો સંગ્રહ કરવાનો. લિવર જે એનર્જી પ્રોડ્યુસ કરે છે એમાંથી શરીર જેટલી વાપરે એ વપરાય અને બાકીની એનર્જી સ્ટોર થાય. આ સ્ટોરેજ પણ અગત્યનો ભાગ છે. જેમ આપને ઘરમાં અમુક વસ્તુઓ અચાનક ખૂટી ન પડે એ માટે સ્ટોરેજ રાખીએ છીએ એ જ રીતે શરીરમાં પણ એ સિસ્ટમ છે. કોઈ વિપરીત પરિસ્થિતિ માટે શરીર પોતાનું સ્ટોરેજ રાખે છે. પરંતુ અમુક લોકોના શરીરમાં એ સ્ટોરેજનું પ્રમાણ વધી જાય છે. એટલે ચરબી તેમના લિવરના કોષોમાં જમા થતી જાય છે. પૅન્ક્રિયાસ જેવાં અંગોની આસપાસ પણ ફૅટ જમા થાય છે પરંતુ લિવરમાં જમા થતી ફૅટ લિવરને ડૅમેજ કરી શકે છે કારણ કે એ ફૅટને કારણે લિવરમાં સોજો આવે છે. આ સોજો એને ડૅમેજ કરે છે.’

કોને ફૅટી લિવર થાય?

લિવર પર ફૅટ જમા થવાની પ્રક્રિયા દારૂને કારણે થઈ શકે એ વાત સાચી પરંતુ આજની તારીખે દારૂ પીનારા લોકો કરતાં એ નહીં પીનારા લોકોમાં આ સમસ્યા વધુ જણાય છે. તો આ રોગ કોને થઈ શકે એ સમજાવતાં ડૉ. સમીર શાહ કહે છે, ‘આ રોગનો સીધો સંબંધ મેટાબોલિક સિન્ડ્રૉમ સાથે છે જેને સાદી ભાષામાં સમજીએ તો જે વ્યક્તિનું વજન વધુ છે એટલે કે તે ઓવરવેઇટ કે ઓબીસ છે, જે વ્યક્તિના શરીરમાં ફૅટનું ચયાપચય વ્યવસ્થિત થતું નથી તેને આ રોગ થઈ શકે છે. એવી વ્યક્તિઓ એટલે જે ઓબીસ છે, જેને ડાયાબિટીઝ છે કે જેને કૉલેસ્ટરોલ છે, જેમના લોહીમાં ટ્રાઇગ્લિસરાઇડ્સનું પ્રમાણ ઘણું વધારે હોવા મળે છે. આ પ્રકારની વ્યક્તિને ફૅટી લિવર ડિસીઝ થવાની પૂરી શક્યતા છે. જિનેટિકલી પણ આ રોગ થવાની તમને શક્યતા હોય એટલે કે તમારા ઘરમાં આ રોગો હોય તો તમારી અંદર એ જીન્સ હશે જ. એટલે તમને એ થવાની શક્યતા છે જ. આમ તમારા ઘરમાં આ રોગો હોય, તમને આ રોગ હોય તો એક વખત પેટની સોનોગ્રાફી કરાવી જ લેવી. એનાથી સમજાઈ જશે કે તમને આ રોગ છે કે નહીં.’

ચિહ્‍નો

ફૅટી લિવર ડિસીઝનાં કોઈ લક્ષણો છે નહીં. ઊલટું જે દારૂ પીતા હશે તેમને તો એ અંદાજ હોઈ પણ શકે કે તેમનું લિવર કદાચ ખરાબ થયું હોય, પરંતુ જેઓ દારૂ પીતા નથી તેમને સ્વપ્ને પણ વિચાર આવતો નથી કે તેમના લિવરમાં કોઈ તકલીફ છે. આ તકલીફ વધી જાય એટલે કે લિવર ડિસીઝ પ્રોગ્રેસ કરે એ પછી અમુક ચિહ્નો જે જોવા મળે એમાં અતિશય થાક, અંદરથી સારું ન લાગવું અને પેટની જમણી બાજુ ઉપરની તરફ દુખાવો થવા લાગે છે. જો તમારું વજન વધુ હોય તો ચોક્કસ તમારે દર વર્ષે પેટની સોનોગ્રાફી કરાવીને ચકાસવું જોઈએ. જો આ રોગ હોય તો તાત્કાલિક એને રિવર્સ કરવાના પ્રયત્નો શરૂ કરવા જોઈએ.

રિવર્સ થઈ શકે

ફૅટી લિવરમાં ચાર ગ્રેડ હોય છે. એને સરળતાથી સમજાવતાં ડૉ. સમીર શાહ કહે છે, ‘ગ્રેડ વન કે ગ્રેડ ટૂ ફૅટી લિવર રિવર્સ થઈ શકે છે. લિવર એક એવું અંગ છે જે ખુદને રિપેર કરી જાણે છે. એનો જ્યારે એક ભાગ કાઢી નાખવામાં આવે તો બચેલો ભાગ ફરીથી ઊગી પણ શકે છે. આમ એને ઠીક કરવું શક્ય છે જ્યારે શરૂઆતની પરિસ્થિતિ હોય. ગ્રેડ વન અને ટૂમાં લિવર એટલી હદે ડૅમેજ થયું હોતું નથી એટલે ફરીથી એ જેવું હતું એવું કરવા માટે પ્રયત્ન કરી શકાય. ગ્રેડ ૩ કે ૪ પર પહોંચી ગયા હોય તો કોશિશ એ હોવી જોઈએ કે તમારું એ લેવલ આગળ ન વધે, ત્યાં જ અટકી જાય. આ બધાનો એક સરળ ઉપાય છે, વજન ઉતારો. જો કોઈ વ્યક્તિ તેના વજનનું ૧૦ ટકા વજન ઘટાડે છે એટલે કે જો તમારું વજન ૧૦૦ કિલો હોય અને તમે ૧૦ કિલો વજન ઉતારો તો તમારા લિવરમાં જમા થયેલી ફૅટ નીકળતી જાય છે. આમ એ ફરીથી ઠીક થાય એ માટે વજન ઉતારવું અને ચયાપચયની ક્રિયા એટલે કે મેટાબોલિઝમને સ્ટ્રૉન્ગ કરવું જરૂરી બને છે.’

દારૂ અને ફૅટી લિવર 
દારૂ વિશેની સ્પષ્ટતા કરતાં ડૉ. સમીર શાહ કહે છે, ‘જે ૧૦ લોકો દારૂ પીએ છે એમાંથી ૩ને ફૅટી લિવર ડિસીઝ થાય છે, બધાને થતું નથી. પરંતુ એનો અર્થ એ નથી કે તમે વિચારો કે તમને પણ નહીં થાય અને તમે દારૂ પીવાનું શરૂ કરી દો. જો તમારા ઘરમાં તમારા વડીલોને કે તમને મેટાબોલિક સિન્ડ્રૉમ છે એટલે કે ઓબેસિટી, ડાયાબિટીઝ, કૉલેસ્ટરોલ, ટ્રાઇગ્લિસરાઇડ્સ જેવી સમસ્યાઓ છે તો તમારે દારૂ ન જ પીવો જોઈએ. તમારે પહેલાં આ પરિમાણો ચકાસવાં, જો તમારી શુગર વધુ હોય કે કૉલેસ્ટરોલ અને ટ્રાઇગ્લિસરાઇડ્સની તકલીફ પણ આવી હોય તો તમારે પેટની સોનોગ્રાફી કરાવી જાણી લેવું કે તમને ફૅટી લિવરની તકલીફ છે કે નહીં. મોટા ભાગે આ પરિમાણો સાથે ફૅટી લિવર આવે જ છે. જે લોકો દૂબળા છે તેમને પણ જો ડાયાબિટીઝ હોય તો ફૅટી લિવર થવાની પૂરી શક્યતા છે. એનું નિદાન જેટલું જલદી કરાવશો એટલું એના પર કામ જલદી ચાલુ કરી શકશો. એક વાર તમને ફૅટી લિવર છે એ ખબર પડ્યા પછી દારૂને હાથ પણ ન લગાડવો જોઈએ, કારણ કે એ તમારી પરીસ્થિતિને વધુ ખરાબ કરે છે.’  

health tips amitabh bachchan life and style columnists gujarati mid-day