જુવાર, બાજરી, કોદરી, રાગી જેવાં મિલેટ્સમાંથી બનેલી ચાર ગોળી ફાકી જાઓ અને તમારું લંચ પૂરું

03 March, 2025 06:56 AM IST  |  Mumbai | Sejal Patel

લખનઉની કાઉન્સિલ ઑફ સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ – ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટૉક્સિકોલૉજી રિસર્ચ (CSIR-IITR) સંસ્થાના સાયન્ટિસ્ટોએ આ વાત સંભવ બનાવી છે.

પ્રતીકાત્મક તસવીર

લખનઉની કાઉન્સિલ ઑફ સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ – ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટૉક્સિકોલૉજી રિસર્ચ (CSIR-IITR) સંસ્થાના સાયન્ટિસ્ટોએ આ વાત સંભવ બનાવી છે. જુવાર, બાજરી, કોદરી, રાગી જેવાં મિલેટ્સ એટલે કે જાડાં ધાન્યની મદદથી જબરદસ્ત પાવરહાઉસ જેવી ટીકડીઓ તૈયાર થઈ છે કે આ ગોળીઓ ફાકવામાત્રથી શરીરને ખોરાક ખાધા જેટલી શક્તિ અને ન્યુટ્રિશન બન્ને મળી શકશે

ક્વિક ફિક્સના જમાનામાં આપણને કોઈ પણ સમસ્યાનું સૉલ્યુશન ચુટકીમાં જોઈતું હોય છે. પોષકતત્ત્વોની કમી છે તો અમુક-તમુક ગોળી ફાકી લેવાથી પૂર્તિ થઈ જાય. શરીરને વધુ પ્રોટીનની જરૂર છે તો એ માટે પ્રોટીન પાઉડર લઈ લો. વિજ્ઞાન હવે એટલું આગળ વધ્યું છે કે ભૂખ ન લાગે એવી ગોળીઓ પણ શોધી નાખી છે. મેદસ્વિતાને મિટાવવા માટે એના પણ અનેક પ્રયોગો થઈ ચૂક્યા છે. સામાન્ય રીતે જ્યારે પણ ક્વિક ફિક્સની વાત આવે છે ત્યારે એ લાંબા ગાળા માટે જોખમી પુરવાર થતી હોય છે. જોકે તાજેતરમાં ભારતીય વૈજ્ઞાનિકોએ ફૂડજગતમાં તહેલકો મચાવી દે એવી શોધ કરી છે. એ છે ઓવરઑલ ફૂડનો જ વિકલ્પ બની જાય એવી ગોળીઓ. મતલબ કે એ ગોળીઓ ખાધા પછી તમારા શરીરને ટકાવવા માટે ખોરાકની જરૂરિયાત ન રહે એ ગોળીથી બૉડીનાં તમામ ફંક્શન્સ માટે જરૂરી મોટાથી લઈને નાનામાં નાનાં પોષકતત્ત્વો મળી રહેતાં શરીર પૂરતી એફિશ્યન્સીથી કામ કરે. આ ગ્રાઉન્ડ-બ્રેકિંગ શોધ કરી છે લખનઉની કાઉન્સિલ ઑફ સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ – ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટૉક્સિકોલૉજી રિસર્ચ (CSIR-IITR) સંસ્થાના સાયન્ટિસ્ટોએ.  આ ફૂડ સપ્લિમેન્ટને આપાતકાલીન ફૂડ ગણવામાં આવ્યું છે અને એની કોઈ મેજર સાઇડ-ઇફેક્ટ્સ પણ હોવાનું નોંધાયું નથી. અલબત્ત, આ ગોળીઓ તમે ચાહો ત્યારે મેડિકલ સ્ટોરમાંથી ખરીદીને ફાકી શકો એવું નથી બનવાનું. તો ચાલો, આ ફૂડ સપ્લિમેન્ટ્સની શોધ કરનારા સાયન્ટિસ્ટ પાસેથી જાણીએ મિલેટ્સમાંથી બનેલી આ નવતર પ્રોડક્ટ વિશે.

વિચાર ક્યાંથી આવ્યો?

મિલેટ ટૅબ્લેટ્સના ઇન્વેન્શનનું નેતૃત્વ કરનારા અને CSIR-IITR સંસ્થાના ડિરેક્ટર ડૉ. ભાસ્કર નારાયણ કહે છે, ‘લગભગ ૨૦૨૩ની શરૂઆતની વાત છે. એ વર્ષને મિલેટ યર તરીકે સેલિબ્રેટ કરવામાં આવેલું. ભારત સરકાર પણ ઇચ્છતી હતી કે મિલેટમાંથી સાયન્ટિસ્ટો કંઈક નવતર ચીજ બનાવે. આ સમયગાળા દરમ્યાન મિલેટ્સનાં અનેક નવાં સ્વરૂપો પણ બહાર આવ્યાં. હું પણ અમારી સાયન્ટિસ્ટોની ટીમ સાથે મિલેટમાંથી શું થઈ શકે એના પર બ્રેઇનસ્ટૉર્મિંગ કરી રહ્યો હતો. એવામાં અમારે કોઈક કારણસર મિલિટરીના કેટલાક અધિકારીઓને મળવાનું થયું. સેનાના જવાનોએ બહુ કપરી પરિસ્થિતિઓમાં ખૂબ ઊંચાઈ પર, રણપ્રદેશમાં કે ઈવન મિલિટરી બેઝ-કૅમ્પથી દૂર દુર્ગમ જગ્યાઓએ ડ્યુટી પર જવાનું હોય ત્યારે તેઓ ઓછી માત્રામાં વધુ એનર્જી આપે એવો ખોરાક પોતાની સાથે લઈ જતા હોય છે. એવા સમયે જેટલું ઓછું વજન તેમણે કૅરી કરવું પડે એટલું સારું. જો ઓછો ખોરાક લે તો તેમની અલર્ટનેસ અને એનર્જી ઓછી થઈ જાય, વધુ લે તો ભારે વજન કૅરી કરવું પડે. આ અધિકારી સાથેની વાત દરમ્યાન અમને સમજાયું કે જો અમે પાવરપૅક્ડ એવું ફૂડ તૈયાર કરીએ જે શરીરની એક દિવસની જરૂરિયાત પૂરી પાડી શકે એમ હોય તો  સૈનિકોનો પ્રૉબ્લેમ સૉલ્વ થઈ જાય.’

આ વિચાર ખૂબ ફેસિનેટિંગ હતો, પરંતુ એને મિલેટ સાથે કઈ રીતે જોડવો એ એક ચૅલેન્જ હતી. મિલેટ એટલે મોટું ધાન્ય. આ ધાન્ય કૅલરી-ડેન્સ્ડ નથી હોતું, પરંતુ એનર્જી ભરપૂર આપે એવું છે. ડૉ. ભાસ્કર નારાયણ કહે છે, ‘બસ, અમારા માટે એ પડકાર હતો જે અમારી ટીમે ઉપાડી લીધો. અમે નક્કી કરેલું કે એમાં કોઈ અનનૅચરલ ચીજો વાપરવી નહીં. રોજની એક વ્યક્તિની એનર્જીની જરૂરિયાત તેમ જ બેસિક પોષકતત્ત્વોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને એવું કૉમ્બિનેશન તૈયાર કર્યું જે લેવાથી શરીરને ઓવરઑલ ટકાવવામાં મદદ મળે. જો તમે એક દિવસ ખાવાનું ન ખાઓ તો એનર્જીના અભાવે શરીર ઢીલું પડી જાય, પણ જો ફૂડ ન મળે એવા સંજોગો હોય ત્યારે આ ટીકડી શરીરની વાઇટલ એનર્જીને જાળવી રાખવાનું કામ કરે છે અને કટોકટીના સમયમાં સુપરફૂડની ગરજ સારે છે. આ ગોળીને સુપરફૂડ એટલા માટે કહું છું કેમ કે એમાં કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન અને ફૅટ જેવી બેસિક જરૂરિયાત તેમ જ માઇક્રોન્યુટ્રિઅન્ટ્સનો ડેઇલી રેકમેન્ડેડ ડોઝ સમાવિષ્ટ છે.’

એનર્જી મળશે, પેટ નહીં ભરાય

અત્યાર સુધી માર્કેટમાં વેઇટલૉસની જે દવાઓ મળતી આવી છે એનાથી આ ટીકડીઓ તદ્દન ઊલટું કામ કરવાની છે. ભૂખ દબાવનારી ગોળીઓથી તમને ખાવાનું મન જ નહીં થાય. જોકે ખાવાનું ન ખાવાને કારણે શરીરમાં અશક્તિ આવી જાય છે, જ્યારે મિલેટમાંથી બનેલી નવી ટીકડીઓ ખાવાથી શરીરનું ફંક્શનિંગ સરસ રીતે ચાલશે એમ જણાવતાં ડૉ. ભાસ્કર નારાયણ કહે છે, ‘આ ગોળી શરીરની રોજિંદી જરૂરિયાતો ચોક્કસ પૂરી પાડશે, પણ એમાં બીજા કોઈ જ હૉર્મોનલ ઘટકો નથી કે એનાથી તમને ‘ખાવાનો સંતોષ’ મળે. તમે મનગમતા બે આલુ પરાઠા ઝાપટી જાઓ તો જે તૃપ્તિ થાય એવું આ ગોળીથી નહીં થાય, પણ તમારું શરીર એનર્જીથી ડિપ્રાઇવ નહીં રહે. અમારો હેતુ ફૅન્સી ચીજ બનાવવાનો નહીં, ક્રાઇસિસમાં સુપરફૂડ જેવું કામ આપીને સર્વાઇવલમાં મદદ કરે એવી પ્રોડક્ટ બનાવવાનો હતો.’

કેવા-કેવા સંજોગોમાં વપરાય?

સર્વાઇવલ એટલે જીવન ટકાવી રાખવા માટે જરૂરી ચીજો. સૈનિકો જ્યારે પણ કોઈ મિશન પર કે દૂરનાં સ્થળોએ ડ્યુટી પર જાય ત્યારે એનર્જી-પૅક્ડ બાર્સ લઈને જાય છે. એને બદલે આ ટીકડીઓ લઈ જાય તો ઓછું વજન ઉપાડવું પડે. ક્યાંક કોઈ કટોકટીમાં અટવાઈ જાઓ તો આ ગોળીઓ ૧૦-૧૫ દિવસ સુધી સર્વાઇવલમાં મદદરૂપ થાય. એટલે જ આ સુપરફૂડને આપાતકાલીન ફૂડની કૅટેગરીમાં ગણવામાં આવ્યું છે. એ બીજા પણ કેવા સંજોગોમાં વાપરી શકાય એની વાત કરતાં ડૉ. ભાસ્કર નારાયણ કહે છે, ‘આ ગોળી એવા દરદીઓ માટે પણ છે જેઓ ખાઈ નથી શકતા. કૅન્સરની સારવાર દરમ્યાન કીમોથેરપી ચાલતી હોય, પાચનની તકલીફોને કારણે ખોરાક પેટમાં ટકતો જ ન હોય, માંદગીને કારણે ભૂખ ન લાગતી હોય અને ન ખાવાથી નબળાઈ વધી જતાં રિકવરીમાં વધુ મુશ્કેલીઓ પડતી હોય એવા સંજોગોમાં મિલેટ ટૅબ્લેટ્સ વાપરી શકાય. મૅરથૉન, ટ્રાયથ્લોન કે કસોટી કરતી આવી સ્પોર્ટ્સમાં ઇન્સ્ટન્ટ એનર્જીની જરૂર પડતી હોય તેઓ પણ આ ગોળી વાપરી શકે. સ્પેસમાં પણ ફૂડ પહોંચાડવાની અનેક મુશ્કેલી હોય છે એટલે અવકાશયાત્રીઓ માટે પણ આ ગોળી અનુકૂળ છે. આપણે ત્યાં પૂર, ભૂકંપ, વાવાઝોડું જેવી કુદરતી હોનારતોમાં આખા ને આખા વિસ્તારો કે ગામો વિખૂટાં પડી જતાં હોય છે ત્યારે ફસાયેલા લોકોને સર્વાઇવલ માટે હેલિકૉપ્ટરમાંથી ફૂડ-પૅકેટ્સ ફેંકવામાં આવતાં હોય છે. એવા સમયે આ ગોળીઓની બૉટલ્સ જો અસરગ્રસ્તોને આપવામાં આવે તો તેમના સર્વાઇવલમાં બહુ જ મોટી મદદ થાય.’

કેટલી ગોળી કાફી?

એક સરેરાશ વ્યક્તિને જીવવા માટે રોજની ૨૦૦૦થી ૨૪૦૦ કૅલરીની જરૂર પડતી હોય છે. આ એક ગોળીમાં ૨૦૦ કૅલરી હોય છે એટલે દસથી ૧૨ ગોળી સર્વાઇવલ માટે પૂરતી થઈ પડે. ડૉ. ભાસ્કર નારાયણ કહે છે, ‘દિવસમાં એક જ સમયે બધી ગોળીઓ ફાકી લેવાને બદલે તમે એનર્જીની જરૂરિયાત મુજબ દિવસભરમાં ડોઝ ડિવાઇડ કરો તો બહેતર છે. સવારે બ્રેકફાસ્ટમાં બેથી ચાર ગોળી લો. લંચમાં ચાર ગોળી લો અને ડિનરમાં ચાર ગોળી લો તો શરીરમાં સતત એનર્જીનો ફ્લો જળવાયેલો રહે.’

માર્કેટમાં ક્યારે આવશે?

CSIR-IITR લખનઉ સંસ્થા દ્વારા આ પ્રોડક્ટની પ્રોટોટાઇપ તૈયાર થઈ ગઈ છે અને પેટન્ટ પણ નોંધાઈ ગઈ છે. હવે એનું જથ્થાબંધ ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન કરવા માટે ટૂંક સમયમાં જ ફૂડ મૅન્યુફૅક્ચર કંપનીને કૉન્ટ્રૅક્ટ આપવામાં આવશે અને આ ફૂડ ટેક્નૉલૉજી દ્વારા આગામી છથી બાર મહિનામાં પ્રોડક્ટ માર્કેટમાં આવી જાય એવી સંભાવના છે. શરૂઆતમાં આ ટૅબ્લેટ દવાની જેમ જ વેચાશે અને એને ક્યાં અને કેટલી માત્રામાં વાપરવી એનો ડોઝ નિષ્ણાત દ્વારા નક્કી કરવામાં આવે એ જરૂરી છે.

કોઈ સાઇડ-ઇફેક્ટ નથી

સર્વાઇવલ ફૂડ તરીકે આ ગોળીઓ સળંગ ૮ દિવસ લેવામાં આવે તો પણ એનાથી કોઈ જ આડઅસર થતી હોવાનું હજી સુધી નોંધાયું નથી. નિષ્ણાતનું કહેવું છે કે આ એક નૅચરલ ફૂડ સપ્લિમેન્ટ છે એટલે કોઈ આડઅસરની સંભાવના જ નથી.

ચિકન ટિક્કા અને આલુ પરાઠા જેવી ફ્લેવર્સ ઉમેરાશે  
મિલેટ્સ ટૅબ્લેટનો એક ડ્રૉબૅક એ છે કે એ શરીરની જરૂરિયાત સંતોષે છે, પણ ખાધાનો સંતોષ નથી આપતી. એનો પણ તોડ કાઢવાના અમારા પ્રયોગો ચાલુ છે એમ જણાવતાં ડૉ. ભાસ્કર નારાયણ કહે છે, ‘અમે જાણીએ છીએ કે આ સર્વાઇવલ ફૂડ છે, પણ જો એમાંય ટેસ્ટ ઉમેરાય તો સંતોષનું ફૅક્ટર પણ ઉમેરી શકાય. અમે કેટલીક લોકપ્રિય અને ફેમસ ફ્લેવર્સ આ ટૅબ્લેટ્સમાં ઉમેરી રહ્યા છીએ જેને કારણે ખોરાક ખાધાની તૃપ્તિ પણ આવે. જેમ કે ચિકન ટિક્કા, પનીર મસાલા, આલુ પરાઠા... ઍન્ડ સો ઑન. એનું કારણ એ છે કે માત્ર બૉડીને રનિંગ રાખવું જ પૂરતું નથી, મનને પણ ખોરાક મળ્યાનો સંતોષ એટલો જ જરૂરી છે. મનને અરોમા વધુ આકર્ષે છે એટલે ટૅબ્લેટ્સમાં વિવિધ ફૂડની અરોમા નૅચરલ ઇન્ગ્રિડિયન્ટ્સની મદદથી ઉમેરવાનું કામ અત્યારે ચાલી રહ્યું છે.’

columnists health tips life and style sejal patel gujarati mid-day all india institute of medical sciences mumbai technology news lucknow