દર વર્ષે સ્ત્રીઓમાં વધતું જતું હાર્ટ-ડિસીઝનું પ્રમાણ ખૂબ જ ચિંતાજનક છે

05 September, 2024 07:45 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આજની સ્ત્રીઓમાં પહેલાંની સ્ત્રીઓ કરતાં સ્ટ્રેસ-ફૅક્ટર ખૂબ વધી ગયું છે, ખાસ કરીને વર્કિંગ સ્ત્રીઓમાં

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

સ્ત્રીઓને જે રોગોનું રિસ્ક રહે છે એ રોગોમાં આજકાલ હાર્ટ-ડિસીઝનો સમાવેશ પણ થવા લાગ્યો છે અને આ રિસ્ક દર વર્ષે વધતું જ જઈ રહ્યું છે એટલે કે જે સ્ત્રીઓ કૉરોનરી આર્ટરી ડિસીઝનો ભોગ બની રહી છે એની સંખ્યામાં દર વર્ષે વધારો થઈ રહ્યો છે, જે વધારો ખૂબ જ ચિંતાજનક છે. સ્ટ્રેસને કારણે હાર્ટ-ડિસીઝનું રિસ્ક વધ્યું છે. આજની સ્ત્રીઓમાં પહેલાંની સ્ત્રીઓ કરતાં સ્ટ્રેસ-ફૅક્ટર ખૂબ વધી ગયું છે. ખાસ કરીને વર્કિંગ સ્ત્રીઓમાં, જ્યાં તેમણે ઘર અને નોકરી બન્નેનું ધ્યાન રાખવાનું હોય છે ત્યાં સ્ટ્રેસ ખૂબ વધી જાય છે. એ વધતા સ્ટ્રેસને કારણે સ્ત્રીઓને નાની ઉંમરે ચીડિયાપણું, ગુસ્સો, ડિપ્રેશન જેવા સાઇકોલૉજિકલ પ્રૉબ્લેમ્સની સાથે-સાથે બ્લડ-પ્રેશર જેવા શારીરિક રોગો પણ થાય છે. આમ સ્ટ્રેસ શારીરિક, માનસિક અને હૉર્મોનલ ઇમ્બૅલૅન્સ માટે જવાબદાર સાબિત થાય છે. વધતા સ્ટ્રેસને કારણે સ્ત્રીઓને ઊંઘની તકલીફ પણ થઈ જાય છે. પૂરતી ઊંઘ ન થવાનો પ્રૉબ્લેમ લાંબા ગાળે હાર્ટ-પ્રૉબ્લેમને આવકારે છે.

પહેલાંની સ્ત્રીઓ અને આજની સ્ત્રીઓની લાઇફ-સ્ટાઇલમાં ઘણો મોટો બદલાવ આવ્યો છે. પહેલાંની સ્ત્રીઓ ઘરકામ જાતે કરતી અને સાધનો અને ટેક્નૉલૉજીના અભાવે તેમની જિંદગી ખૂબ હાડમારી ભરેલી હતી, જેને લીધે તેમનું શરીર કસાયેલું રહેતું. પરંતુ આજે સાધનો ભરપૂર છે, ટેક્નૉલૉજીને લીધે કામો સરળ બન્યાં છે અને ઘરકામ માટે હેલ્પ મળી રહે છે. આ બધાં કારણોસર શરીરને શ્રમ પડતો નથી. આ સિવાય જે સ્ત્રીઓ ઑફિસમાં કામ કરે છે ત્યાં એ લોકો બેઠાડુ જીવન જીવે છે. બહારનું ખાવાનું, બેઠાડુ જીવન વગેરે સમસ્યાઓ પણ સ્ત્રીની માઠી હેલ્થમાં ઉમેરો કરે છે. આ બધાં કારણોસર સ્ત્રીઓ નાની ઉંમરે હાર્ટ-ડિસીઝ માટેનાં રિસ્ક-ફૅક્ટર જેમ કે હાઇપરટેન્શન, કૉલેસ્ટરોલ, ડાયાબિટીઝ કે ઓબેસિટીનો શિકાર બને છે અને આ રિસ્ક-ફૅક્ટર તેમને હાર્ટ-ડિસીઝ સુધી લઈ જાય છે.

જ્યાં સુધી એસ્ટ્રોજન હૉર્મોન સ્ત્રીનું રક્ષણ કરે છે ત્યાં સુધી તેને હાર્ટ-ડિસીઝ થતો નથી, પરંતુ આજકાલ સ્ત્રીઓમાં હાર્ટ-ડિસીઝ જોવા મળે છે એનો અર્થ એ કે કોઈ પ્રકારનું હૉર્મોનલ ઇમ્બૅલૅન્સ સ્ત્રીમાં જોવા મળે છે જેને કારણે હાર્ટ-ડિસીઝ થઈ રહ્યો છે. બર્થ-કન્ટ્રોલ પિલ્સ, ઇમર્જન્સી કૉન્ટ્રાસેપ્ટિવ પિલ્સ વગેરે જેવી દવાઓ લાંબા ગાળે સ્ત્રીઓમાં હૉર્મોનલ ઇમ્બૅલૅન્સ માટે જવાબદાર 
હોય છે. જે સ્ત્રીઓના ઘરમાં કોઈને હાર્ટ-ડિસીઝ છે, જેમને ખુદ હાઇપરટેન્શન કે ડાયાબિટીઝ છે, માઇગ્રેનનો દુખાવો રહે છે તેમના માટે આ પિલ્સનો ઉપયોગ ન કરવાનું હિતાવહ છે. આ પિલ્સનો ઉપયોગ ઘાતક હોઈ શકે છે. સ્ત્રીઓએ તેમની હેલ્થ માટે સજાગ થવું જરૂરી છે. 

 

- ડૉ. લેખા પાઠક (ડૉ. લેખા પાઠક અનુભવી કાર્ડિયોલૉજિસ્ટ છે. પ્રતિભાવ-માર્ગદર્શન માટે ઈ-મેઇલ કરી શકો છો.)

health tips life and style columnists