હસતાં-હસતાં પણ બેભાન થઈ જવાય એ તમને ખબર છે?

11 June, 2024 09:39 AM IST  |  Mumbai | Jigisha Jain

હાલમાં હૈદરાબાદમાં એક ભાઈ કૉમેડી શો જોતાં-જોતાં પુષ્કળ હસવાને કારણે બેભાન થઈ ગયેલા. અલબત્ત, થોડી જ વારમાં પાછા ભાનમાં પણ આવી પણ ગયેલા. આવું થવાની પ્રક્રિયાને મેડિકલ ભાષામાં સિન્કોપ કહેવાય છે.

કૉમેડી શો

હૈદરાબાદમાં ૫૩ વર્ષના એક ભાઈ કૉમેડી શો જોતાં-જોતાં અમુક મિનિટો સુધી ખૂબ જોરથી હસ્યા એને કારણે તે બેભાન થઈ ગયા અને તેમને તાત્કાલિક હૉસ્પિટલ લઈ જવા પડ્યા. એ ભાઈ બેઠા હતા. તેમના હાથમાંથી ચાનો કપ છૂટી ગયો અને તે એક તરફ ઢળી પડ્યા. ખુરશી પરથી નીચે પછડાયા ત્યારે તેમના હાથમાં ઝટકા આવ્યા અને ખબર પડી કે એ તો બેભાન થઈ ગયા છે. તેમને ઠીક કરનાર ડૉક્ટર કુમારે લોકોને જણાવ્યું હતું કે આ ભાઈને લાફ્ટર ઇન્ડ્યુસ્ડ સિન્કોપ થઈ ગયું છે. આ ભાઈને જ્યારે હૉસ્પિટલમાં ભાન આવ્યું ત્યારે તે બધું ભૂલી ગયેલા. જોકે તેમને કોઈ ખાસ દવાની જરૂર પડી નહોતી. હસવાથી માણસ બેભાન થઈ શકે એ પરિસ્થિતિ સામાન્ય તો નથી, પરંતુ અશક્ય પણ નથી. એક વખત મગજમાં લોહીનું ભ્રમણ વ્યવસ્થિત ચાલુ થઈ ગયું પછી તેમને હૉસ્પિટલથી રજા આપી દેવામાં આવેલી.

બેભાન થવાનાં લક્ષણો
ચક્કર આવે, માથું ભમવા લાગે, હાથ-પગ ઠંડા પડી જાય, એકદમ નબળાઈ લાગે, માથું ભારે થઈ જાય, ઊલટી જેવું લાગે, આંખ આગળ અંધારાં આવી જાય અને માણસ બેભાન થઈ જાય. આંકડાઓ મુજબ લગભગ ૪૨ ટકા લોકોને પોતાના પૂરા જીવનકાળમાં આ પ્રકારનાં ચિહ્નો એકાદ વાર તો જોવા મળ્યાં જ હશે. ચક્કર ખાઈને બેભાન થઈ જવું ફિલ્મોમાં જ નહીં, રિયલ લાઇફમાં પણ ઘણું સામાન્ય છે.

સિન્કોપને સામાન્ય રીતે સમજીએ તો બેભાન થઈ જવાની પ્રક્રિયા જ ગણાય. કોઈ પણ કારણસર મગજમાં લોહી ઓછું પહોંચે છે ત્યારે માણસ બેભાન થઈ જતો હોય છે. આ બેભાન થઈ જવાની પરિસ્થિતિને જ સિન્કોપ કહે છે. માણસ બેભાન થાય એની પાછળ આમ તો અઢળક પ્રકારનાં કારણો જવાબદાર હોઈ શકે છે. ઘણી વાર માણસ બેભાન કેમ થયો એ માટેના કારણની તપાસ કરવાનું પણ અઘરું બની જતું હોય છે. બેભાન થવા પાછળ મેડિકલ સાયન્સમાં મુખ્યત્વે ૪ કારણોને મુખ્ય માનવામાં આવ્યાં છે.

ડૉ. કુશરાવ બજન

૧. રિફ્લેક્સ સિન્કોપ : જ્યારે અમુક પ્રકારના પ્રત્યાઘાતો પર કાબૂ ન રહે ત્યારે આ પ્રકારના સિન્કોપ ઊભા થાય છે. એ વિશે વાત કરતાં પી. ડી. હિન્દુજા હૉસ્પિટલના ઍક્સિડન્ટ અને ઇમર્જન્સી વિભાગના હેડ ડૉ. કુશરાવ બજન કહે છે, ‘મોટા ભાગે વ્યક્તિ બેભાન થાય ત્યારે તેનું બ્લડ-પ્રેશર માપવામાં આવે છે. આ પ્રકારના સિન્કોપમાં બ્લડ-પ્રેશર ઘટે છે, જેના પણ પેટા પ્રકાર છે. એમાં પહેલો છે ન્યુરોકાર્ડિયોજેનિક કે વેસોવેગલ. આ પ્રકારમાં શરીર કોઈ પણ ટ્રિગર કરનારાં પરિબળો પર વધુપડતી પ્રતિક્રિયા આપે છે. જેમ કે વધુપડતી પીડા થાય કે કોઈ વ્યક્તિ ઘણા લાંબા સમયથી ઊભી હોય ત્યારે. આમાં ડર કે પેઇનને કારણે પૅનિક અટૅક આવે છે. કોઈ એવી ઍક્ટિવિટી, જેને કારણે ધબકારા એકદમ જ વધી જાય કે એકદમ જ ઘટી જાય, જેને કારણે દરદીને ગભરાટ થાય છે. વ્યક્તિના બેભાન થવા પાછળ સૌથી વધુ જોવા મળતું આ જ કારણ છે. આ સિવાય સિચુએશનલ સિન્કોપ એટલે કે પરિસ્થિતિજન્ય કારણ. જ્યારે દરદી ઉધરસ ખાતો હોય, જોરથી હસતો હોય, યુરીન પાસ કરતો હોય કે હાજતે ગયો હોય ત્યારે જો તે બેભાન થઈ જાય તો આ પ્રકાર ગણાય. હૈદરાબાદનો જે બનાવ હતો એ આ કૅટેગરીમાં આવે. અને છેલ્લો પ્રકાર છે કૅરોટિડ સાઇનસ સિન્કોપ; જેમાં ગળા પર એકદમ ભીંસ આવે, કોઈ ટાઇટ ગળાવાળું શર્ટ પહેરી લીધું હોય કે દાઢી કરતા હોય ત્યારે કોઈ નસ દબાઈ જાય કે એકદમ જ ઝટકાથી ડોક ફેરવવામાં 
આવે ત્યારે ગળામાં રહેલું કૅરોટિડ સાઇનસ ઉત્તેજિત થાય છે; જેને કારણે વ્યક્તિ બેભાન થઈ જાય છે.’

૨. કાર્ડિઍક સિન્કોપ : જો હાર્ટમાં કોઈ પ્રૉબ્લેમ હોય તો પણ માણસ બેભાન થઈ શકે છે. હાર્ટમાં કોઈ તકલીફ હોય ત્યારે વ્યક્તિના મગજ સુધી લોહી બરાબર પહોંચતું નથી અને એને કારણે વ્યક્તિ બેભાન થઈ શકે છે. બેભાન થયેલા લગભગ ૧૫ ટકા દરદીઓમાં આ તકલીફ જોવા મળે છે જેમાં હાર્ટમાં ઇસ્કેમિક કાર્ડિયોમાયોપથી, હાર્ટના વાલ્વનો પ્રૉબ્લેમ, કાર્ડિયોમાયોપથી જેવી બંધારણને લગતી તકલીફો હોઈ શકે છે. કે પછી એરિધ્મિયા, પલ્મનરી એમ્બોલિઝમ જેવી તકલીફ પણ હોઈ શકે છે. આ પરિસ્થિતિમાં બેભાન થવા પાછળ હાર્ટની મોટી બીમારી છે. એટલે કે બેભાન થવાની અવસ્થા એ એક ચિહ્ન છે એમ સમજાવતાં ડૉ. કુશરાવ બજન કહે છે, ‘જો વ્યક્તિને બેભાન થતી વખતે છાતીમાં પેઇન ઊપડ્યું હોય કે એક્સરસાઇઝ કરતાં-કરતાં વ્યક્તિ બેભાન થઈ હોય કે પલંગ પર આડી પડી હોય ત્યારે બેભાન થઈ હોય તો એનો અર્થ એ થયો કે તમને આ પ્રકારનું સિન્કોપ છે. આવી વ્યક્તિ જ્યારે ભાનમાં આવી જાય ત્યારે પણ તેના હાર્ટની તપાસ કરવી જરૂરી છે. ખાસ કરીને જો તે ૬૦ વર્ષની હોય, પુરુષ હોય અને તેના ઘરમાં કોઈને હાર્ટ ડિસીઝ હોય તો-તો ખાસ તપાસ જરૂરી છે.’

૩. ઑર્થોસ્ટેટિક સિન્કોપ : જ્યારે કોઈ વ્યક્તિ ઘણીબધી વાર ઊભી હોય ત્યારે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની અસર તેના બ્લડ-પ્રેશર પર થાય છે. સામાન્ય રીતે આ અસરને મગજ સંભાળી લે છે પરંતુ એવું ન થાય ત્યારે માણસ બેભાન થાય છે. પાણી ઓછું પીતા હોય, ઝાડા-ઊલટી થયાં હોય, લોહી ખૂબ વધુ વહી ગયું હોય, કોઈ ડાયાબિટીઝ, બ્લડ-પ્રેશર કે ડિપ્રેશનની દવાઓની આડઅસર સ્વરૂપે, દારૂનું પ્રમાણ વધી ગયું હોય ત્યારે વ્યક્તિ બેભાન થાય એને આ કૅટેગરીમાં મૂકવામાં આવે છે. આ કૅટેગરીમાં જો તમે આવતા હો તો એક વખત ઠીક થયા પછી ડાયાબિટીઝ, પાર્કિન્સન્સ ડિસીઝ કે મલ્ટિપલ સ્ક્લેરોસિસ તમને છે કે નહીં એની તપાસ ચોક્કસ કરવી.

સેરિબ્રોવૅસ્ક્યુલર સિન્કોપ
મગજમાં આવેલી લોહીની નળીઓમાં કોઈ તકલીફ થાય તો પણ મગજને લોહી પૂરતું મળતું નથી અને વ્યક્તિ બેભાન થઈ શકે છે. સેરિબ્રોવૅસ્ક્યુલર ડિસીઝ જેમાં સ્ટ્રોક, કૅરોટિડ સ્ટેનોસિસ જેવા રોગો આવે છે; એને કારણે મગજની લોહીની નળીઓમાં તકલીફ આવે છે અને વ્યક્તિ બેભાન થઈ જાય છે. એમાં વ્યક્તિને બેભાન થવાની સાથે સાંભળવામાં તકલીફ, બૅલૅન્સ ખોરવાઈ જવું, કન્ફ્યુઝન થવું વગેરે જેવાં ચિહ્નો પણ જોવા મળે છે.

બેભાન થાઓ એ પછી 
જો કોઈ વ્યક્તિ બેભાન થઈ જાય તો તેને સપાટ જગ્યાએ સુવડાવી, માથું નીચે અને પગ ઊંચા કરી દેવા જેથી તેનું લોહી મગજ સુધી પહોંચવામાં મદદ મળે એમ સમજાવતાં ડૉ. કુશરાવ બજન  કહે છે, ‘આ સિવાય જો તમે એક વાર બેભાન થયા અને પછી તમને ભાન પણ આવી ગયું તો એ પછી પણ ડૉક્ટરને બતાવવું જરૂરી છે. આમ તો વ્યક્તિ પ્રેગ્નન્ટ હોય, તેને ડાયાબિટીઝ હોય, હાર્ટ ડિસીઝ હોય, ધબકારા અનિયમિત હોય તો બેભાન થવાની શક્યતા વધુ હોય. આમ જરૂરી છે કે ભાનમાં આવ્યા પછી પણ ડૉક્ટરને તમારી તપાસ કર્યા બાદ એમ લાગે કે જરૂર છે તો એ ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ, સ્ટ્રેસ-ટેસ્ટ, ઇકોકાર્ડિયોગ્રામ, ઇલેક્ટ્રોફિઝિયોલૉજી, CT સ્કૅન કે MRI, બ્લડ-ટેસ્ટ જેમાં શુગર, હીમોગ્લોબિન કે કૉલેસ્ટરોલની તપાસ કરાવે. આવા સમયે મને તો કંઈ નથી એમ માનીને ટેસ્ટ કરવાનું ટાળવું નહીં. એ જરૂરી છે. બેભાન થવા પાછળ શું કારણ છે એ સમજવું ખૂબ જરૂરી છે.’

life and style health tips columnists Jigisha Jain