ડાયાબિટીઝ હોય તો જરૂર આ સીઝનમાં કંટોલાં ખાજો

25 July, 2024 11:15 AM IST  |  Mumbai | Rajul Bhanushali

આજકાલ આ ટ્રેડિશનલ ચોમાસુ શાક ખાવાનું ચલણ ઓછું થવા લાગ્યું છે ત્યારે જાણીએ કે એ પોષક તત્ત્વોથી કેટલાં ભરપૂર હોય છે

પ્રતીકાત્મક તસવીર

ચાલીસથી મોટી ઉંમરના લોકો જો પોતાના બાળપણના દિવસો યાદ કરે તો તેમને ધ્યાનમાં આવી જાય કે તેઓ જ્યારે નાના હતા ત્યારે તેમના ઘરમાં બધા માટે એકસરખું ખાવાનું બનતું અને જે બને એ ખાવું પડતું. મોટા ભાગનાં ઘરોમાં ‘આ નથી ખાવું કે તે નથી ખાવું’ જેવાં નખરાં બિલકુલ ચાલતાં નહીં. પહેલાં જ્યારે ફ્રિજ નહોતાં ત્યારે શાકભાજી ફ્રેશ અને સીઝનલ ખવાતાં. ઇન્ડિયન ફૂડ રૂટીનમાં અનાજ હોય કે શાકભાજી કે ફ્રૂટ; ૠતુ પ્રમાણે જ ખવાય છે. જેમ કે જનરલી બાજરો શિયાળામાં ખવાય, ઉનાળામાં જુવાર. ભાજીઓ શિયાળામાં ખવાય અને ચોમાસામાં કંટોલાં અને પરવળ જેવાં શાક. આજકાલ આ ટ્રેડિશનલ ચોમાસું શાક ખાવાનું ચલણ ઓછું થવા લાગ્યું છે ત્યારે આ સીઝનમાં પ્રકૃતિ જેનું નિર્માણ કરે છે એવાં કંટોલાં શું કામ ખાવાં જોઈએ અને એની વિશેષતા શું છે એ વિષય પર ચર્ચા કરીએ.

ચોમાસામાં જ શા માટે?

કુદરતનું ચક્ર એ રીતે ગોઠવાયેલું છે કે જ્યારે જેની જરૂર હોય એ મુજબ જ એનું ઉત્પાદન થાય. કંટોલાં ચોમાસામાં જ ઊગે છે અને એનું કારણ છે એનો સ્વાદ, તાસીર અને ગુણ. આયુર્વેદના ગ્રંથ આર્યભિષક મુજબ કંટોલાંનો કડવો રસ ચોમાસામાં રોગપ્રતિકારક શક્તિ વધારે છે. આયુર્વેદમાં કંટોલાં ઉષ્ણવીર્ય છે એટલે કે પચ્યા પછી શરીરને અંદરથી ગરમાટો આપવાનું કામ કરે છે. કંટોલાંથી સ્વાદુપિંડમાંના ચોક્કસ કોષો સ્ટિમ્યુલેટ થાય છે જે ઇન્સ્યુલિન રિલીઝ કરતા હોવાથી એ ખાધા પછી લોહીમાં રહેલા ગ્લુકોઝનું એનર્જીમાં રૂપાંતર થવાની પ્રક્રિયા ઝડપી બને છે. આ જ કારણ છે કે કંટોલાને ડાયાબિટીઝ માટે ગુણકારી કહેવાયાં છે. ચોમાસામાં શુગરનું એનર્જીમાં રૂપાંતર કરવાનું કામ ધીમું પડતું હોય છે એટલે કડવા, તીક્ષ્ણ અને ઉષ્ણવીર્ય શાકભાજીનું સેવન કરવાનું કહેવાય છે.

આ શાકના ગુણ

કંટોલાંને ઇંગ્લિશમાં સ્પાઇન ગોર્ડ કહેવાય છે અને આ શાકનો સ્વાદ સહેજ બિટર એટલે કે કડવાશવાળો હોય છે. મધ્ય પ્રદેશમાં કાકોરા સબ્જી, બુંદેલખંડમાં પડોરા અને કેટલી જગ્યાએ કંટોલાં કે કંકોડા તરીકે પણ ઓળખાય છે. કેટલાક ભારતીયો એને મીઠી કડવી પણ કહે છે. આયુર્વેદમાં આ શાકને સૌથી શક્તિશાળી શાક કહેવામાં આવ્યું છે. ઘાટકોપરમાં રહેતાં ન્યુટ્રિશનિસ્ટ યશવી છેડા કંટોલાં વિશે કહે છે, ‘કંટોલાંમાં બિટર ટેસ્ટ એમાં રહેલાં આલ્કલોઇડ નામના પ્લાન્ટ કમ્પાઉન્ડને કારણે આવે છે. આલ્કલોઇડ ટૉક્સિક પણ હોઈ શકે અને સારું પણ હોઈ શકે. કંટોલાંમાં સારુંવાળું આલ્કલોઇડ છે. આ કમ્પાઉન્ડની પ્રૉપર્ટીમાં ઍન્ટિઇન્ફ્લેમૅટરી (સોજાને દૂર કરે), ઍન્ટિ-કૅન્સરસ (કૅન્સરને દૂર રાખે), ઍન્ટિમાઇક્રોબિઅલ (માઇક્રોબૅક્ટેરિયા સામે રક્ષણ આપે), ઍન્ટિ ફંગલ (ફંગસથી રક્ષા કરે) અને પેઇન રિલીફમાં થોડેઘણે અંશે મદદ કરે. આ શાક પોષક તત્ત્વોથી ભરપૂર છે. જેમ કે વિટામિન A, વિટામિન C, વિટામિન E, પોટૅશિયમ, કૅલ્શિયમ, આયર્ન, ઝિન્ક, ફૉસ્ફરસ અને મૅગ્નેશિયમ જેવાં ઘણાં તત્ત્વો આ શાકમાં હોય છે. સૌથી મહત્ત્વની વાત કે આ શાક સીઝનલ ઇન્ફેક્શનને રોકવામાં મદદ કરે છે, રોગપ્રતિકારક શક્તિને મજબૂતી આપે છે. એક્ઝિમા જેવી સ્કિન-કન્ડિશનમાં પણ કંટોલાં રિલીફ આપે છે. વરસાદી સીઝનમાં જ્યારે પેટની પ્રકૃતિ મંદ પડી જતી હોય છે ત્યારે આ શાક ખાવાથી ડાઇજેશન પણ સારું રહે છે.

સ્નેક કે લિઝર્ડ બાઇટને કારણે થતું ઇન્ફ્લમેશન અને એલિફેન્ટાઇસિસ જેવા રોગમાં પણ કંટોલાં ઇફેક્ટિવ છે એવું વિજ્ઞાન કહે છે.’

વેઇટલૉસ માટે

કેટલાક ડાયટિશ્યન માને છે કે ફૅટી લિવરની સમસ્યામાં પણ કંટોલાં ઉપકારક છે. યશવી કહે છે, ‘કંટોલાંમાં એક ઍન્ટિલિપિડ પ્રૉપર્ટી છે જે ફૅટી લિવરમાં પ્રિવેન્ટેટિવ રોલ અદા કરે છે. સીરમ કૉલેસ્ટરોલ લેવલ ઓછું કરવામાં પણ મદદ કરે છે. હાઈ બ્લડ-પ્રેશરવાળા અને ડાયાબિટીઝના દરદીઓએ કંટોલાં ખાવાં જોઈએ. એવું કહેવાય છે કે આ શાકમાં રહેલો બિટર ટેસ્ટ શુગર લેવલ કન્ટ્રોલ કરે છે. ટાઇપ-વન  અને ટાઇપ-ટૂ ડાયાબિટીઝ એમ બેઉ ટાઇપના દરદીઓએ કંટોલાં નિયમિતપણે ખાવાં જોઈએ. કંટોલાં ‘વિટામિન C’નું પ્રમાણ બહુ સારું છે એટલે એ નૅચરલ ઍન્ટિઑક્સિડન્ટ તરીકે કામ કરે છે. એટલે કે આપણા શરીરના મૂળભૂત ઘટક એવા શરીરના કોષોને નુકસાન પહોંચાડી શકતાં તત્ત્વોને કંટોલાં ઓછાં કરે છે, જેને કારણે આગળ જતાં કૅન્સરનું જોખમ ઓછું થાય છે. કંટોલાંને કારણે રક્તપરિભ્રમણ સુધરે છે. હાઈ બ્લડ-પ્રેશરના દરદીઓ જો એનો તાજો જૂસ પીએ તો એનાં ખૂબ સારાં પરિણામ મળી શકે છે. બ્રીધિંગ પ્રૉબ્લેમ હોય એ લોકો એક ચમચી કંટોલાંના જૂસમાં એક ચમચી મધ ઉમેરીને પીએ તો તરત જ રાહત થઈ શકે છે અને આ નુસખો તો આગળના જમાનામાં લોકો કરતાં એવું સાંભળેલું છે. ટૂંકમાં કંટોલાંમાં અધધધ ગુણ છે. એ ચોમાસાનું વન્ડર શાક છે.’

શાક ઉપરાંત કંટોલાંનો છોડ પણ ઉપયોગી છે. એના ઘણાબધા કમ્પાઉન્ડ ન્યુટ્રાસ્યુટિકલ કંપનીમાં વપરાય છે. ન્યુટ્રાસ્યુટિકલ એ ફાર્માસ્યુટિકલ અને ન્યુટ્રિશનનું કૉમ્બિનેશન છે. એ હાર્ટની હેલ્થ સુધારવાના ઉપયોગમાં પણ લેવાય છે સાથે ઑલ્ઝાઇમર્સ ડિસીઝમાં પણ કામ લાગે છે. ટૂંકમાં વરસાદી સીઝનમાં મળતું આ શાક ખાવા અને ખવડાવવા જેવું છે. થોડુંક મોંઘું હોય છે અને તેથી જ એને શાહુકારોનું શાક પણ કહેવામાં આવે છે. ગુણકારી કંટોલાં ઘણાબધા રોગોને અટકાવવાનું કામ કરે છે પરંતુ ઓવરઑલ લાઇફસ્ટાઇલ પણ સારી હોવી જોઈએ. એવું નથી કે માત્ર વરસાદની સીઝનમાં ઢગલા મોઢે કંટોલાં ખાઈ લીધાં તો બધું જ સૉલ્વ થઈ જશે! હા, ફાયદો જરૂર થશે, એમાં બેમત નથી.

health tips monsoon news life and style columnists