દીકરાને પૂછો તો આવડે, પણ લખવામાં બાફે છે

24 March, 2023 09:30 PM IST  |  Mumbai | Dr. Pankaj Parekh

શું તેને પણ ‘તારેં ઝમીન પર’ના બાળક જેવો રોગ તો નહીં હોયને? મને ચિંતા થાય છે કે આ છોકરો મોટો થઈને શું કરશે?

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

મારો છ વર્ષનો દીકરો ચંચળ, હાઇપર અને તોફાની છે. સ્કૂલમાંથી પણ તેની ખૂબ ફરિયાદ આવે છે. નાનો હતો ત્યારે તેને કોઈ પણ નવું રમકડું હાથમાં આપ્યું હોય તો ત્રણ-ચાર દિવસમાં તો એને તોડીને નવરું કરી નાખ્યું હોય. પહેલાં તો એ બધું ચલાવી લીધું, પણ હજીયે તે જરાય ઠરેલ નથી થયો. એટલો ઇમ્પલ્સિવ છે કે ભણવામાં એકાગ્રતા નથી રાખી શકતો. જોઈ-જોઈને લખવાનું કહીએ તોય કંઈક ભળતું જ લખી બેસે છે. અંગ્રેજીમાં છ અને નવમાં ગોટાળા કરે છે. તેને મોઢે પૂછવામાં આવે કે છ વત્તા નવ કેટલા તો તે સાચો જવાબ આપશે, પણ જો લખીને પૂછવામાં આવે તો તે નક્કી ગોટાળો મારે છે. ટીચર્સ તેનાથી ખુશ હોય છે, પણ લખવામાં બાફી નાખે છે. શું તેને પણ ‘તારેં ઝમીન પર’ના બાળક જેવો રોગ તો નહીં હોયને? મને ચિંતા થાય છે કે આ છોકરો મોટો થઈને શું કરશે?

‘તારેં ઝમીન પર’ના બાળકને રોગ નહોતો, એક ડિસઑર્ડર હતો. આ બાળકને શારીરિક કે માનસિક રીતે કોઈ રોગ નહોતો, પણ તેને નવી વસ્તુ શીખવામાં તકલીફ પડતી હતી. એ ડિસ્લેક્સિયા નામનો લર્નિંગ ડિસઑર્ડર કહેવાય છે. તમે નાહકની ચિંતા કરીને એનું પ્રેશર બાળક પર ન લાવો એ જરૂરી છે, કેમ કે ચર્ચિલ અને નેપોલિયન જેવા મહાનુભાવો પણ ડિસ્લેક્સિક હતા. 
સૌથી પહેલાં તો તમારે બાળક સાથે ધીરજથી પેશ આવવાની જરૂર છે. તેને ફોર્સ કરવાની, ભૂલો માટે ધમકાવવાની કે સજા કરવાની જરૂર નથી. આવાં બાળકો સામાન્ય રીતે હોશિયાર હોય છે. તેમને જો શીખવતી વખતે ધીરજ રાખવામાં આવે તો તેઓ ખૂબ સારું ભણી પણ શકે છે. તેને ‘ડોબો’ કે ‘ઢ’ કહીને તિરસ્કૃત કરશો નહીં. પહેલાં તો કોઈ સારા સાઇકોલૉજિસ્ટ પાસે તેની તકલીફનું યોગ્ય અસેસમેન્ટ કરાવો. કાઉન્સેલિંગ અને રમતો દ્વારા જ તેને શીખવામાં મદદ કરી શકાશે. આંખો અને હાથ વચ્ચેનું યોગ્ય કો-ઑર્ડિનેશન તેમ જ અન્ય જરૂરી થેરપી માટે સાઇકોલૉજિસ્ટ તમને યોગ્ય ગાઇડન્સ આપશે. તમારા બાળકને નજાકતથી ટ્રીટ કરવામાં આવે એ જરૂરી છે. તેના માથે નેગેટિવ કમેન્ટ્સનો ઢગલો કરવાને બદલે તેની શીખવાની સમસ્યાને સૂલઝાવશો તો હીરો જરૂર ચળકી ઊઠશે.

health tips columnists