પુસ્તક કે ઈ-બુક વાંચતા હો તો રૂમમાં લાઇટ ક્યાં પડવી જોઈએ એ જાણી લો

24 July, 2024 07:40 AM IST  |  Mumbai | Dr. Himanshu Mehta

ડીમ લાઇટ કે લગભગ અંધારું હોય ત્યારે રૂમમાં સાવ અંધારુ હોય એ ઠીક નથી. લાઇટ મોબાઇલ પર પડતી હોવી જોઈએ, તમારી આંખ પર નહીં

પ્રતીકાત્મક તસવીર

હવેની જનરેશન પુસ્તકો નથી વાંચતી, પણ એને બદલે ઈ-બુકનો જમાનો આવ્યો છે. પુસ્તકો વાંચવાની આદત બહુ જરૂરી છે, પણ જો ઈ-બુક વાંચતા હો તો એ વખતે રૂમમાં કેટલું અજવાળું હોવું જોઈએ એ સમજી લેવું જોઈએ. ઑસ્ટ્રેલિયામાં થયેલા એક અભ્યાસમાં કહેવાયું છે કે જે કિશોરો બહુ ડીમ લાઇટમાં પુસ્તકો વાંચતા હોય તેમની આંખને નુકસાન થાય છે. બેડ પર સાઇડ લૅમ્પ ચાલુ રાખીને સૂતાં-સૂતાં વાંચતા હો તો એનાથી આંખોને ખેંચ પડશે.

ડીમ લાઇટ કે લગભગ અંધારું હોય ત્યારે રૂમમાં સાવ અંધારુ હોય એ ઠીક નથી. લાઇટ મોબાઇલ પર પડતી હોવી જોઈએ, તમારી આંખ પર નહીં. તમે પુસ્તકને આંખથી યોગ્ય અંતરે રાખો એ પછી પણ વાંચતી વખતે આંખો ઝીણી ન કરવી પડે એટલી લાઇટ હોવી જોઈએ. લાઇટ તમારી આંખો પર નહીં, તમારે જે વાંચવાનું છે એના પર પડવી જોઈએ. લાઇટ એવી જગ્યાએ પણ ન હોવી જોઈએ જેથી તમે જે વાંચી રહ્યા છો એના પર તમારા જ માથા કે હાથનો શેડો પડતો હોય.

સ્ક્રીનની બ્રાઇટનેસ પણ મીડિયમ હોવી જોઈએ. ડાર્ક મોડમાં આંખો વધુ ખેંચાશે અને બ્રાઇટનેસ વધુ હશે તો આંખો અંજાઈ જશે. બ્રાઇટ લાઇટથી ડ્રાયનેસ વધે છે, રેટિના અને કૉર્નિયા ડૅમેજ થાય છે અને ડીમ લાઇટથી આંખના મસલ્સ થાકી જાય છે અને મસલ્સને લગતી સમસ્યાઓ પેદા થાય છે. ઇન ફૅક્ટ, લાઇટની સાથે તમારા પોશ્ચરનું પણ ધ્યાન જરૂરી છે. ડીમ લાઇટ હોય ત્યારે મોબાઇલ આંખથી બહુ નજીક રહે છે. પથારીમાં સૂતાં-સૂતાં કે ઊંધું પડીને વાંચવાથી આંખને જેટલું નુકસાન નહીં થાય એટલું તમારી કરોડરજ્જુને થવાનું છે.

લાંબો સમય વાંચવાનું થાય ત્યારે દર અડધો કલાકે બન્ને આંખોને ઢાંકીને દસ-વીસ સેકન્ડ માટે પામિંગ પણ કરી શકાય. તમે પુસ્તક વાંચતા હો કે સ્માર્ટફોન કે ગૅજેટ પર રીડિંગ ચાલતું હોય, બન્ને વખતે આંખોને વચ્ચે હળવાશનો સમય આપવો જરૂરી છે. આંખોને રિલૅક્સ રાખવાનો ૨૦-૨૦-૨૦નો નિયમ છે. મતલબ કે દર વીસ મિનિટે તમારી આંખો સ્ક્રીન કે પુસ્તક પરથી હટાવીને ૨૦ ફુટ દૂરના ઑબ્જેક્ટને ૨૦ સેકન્ડ માટે જુઓ. એમ કરવાથી આંખોની થકાન ઘટશે. ધારો કે લાઇટને કારણે ડ્રાયનેસ આવતી હશે તો એમાં પણ ફરક પડશે. બાકી જો વધુ સમય વાંચવાનું હોય તો આઇ લુબ્રિકન્ટ ડ્રૉપ્સ પણ નાખી શકાય. ઓવર ધ કાઉન્ટર એ મેડિકલ સ્ટોરમાં મળે છે અને એનાથી કોઈ નુકસાન નથી થતું.

health tips life and style columnists