ઍસિડિટીને જડમૂળથી ટ્રીટ નહીં કરો તો દાંતમાં સેન્સિટિવિટી આવી જશે

18 July, 2024 07:45 AM IST  |  Mumbai | Dr. Rajesh Kamdar

લાંબા સમયથી ઍસિડિટી અને ખાટા ઓડકારની તકલીફ ધરાવતા લોકોના દાંત જલદી ખરાબ થાય છે

પ્રતીકાત્મક તસવીર

કંઈક ઠંડું કે ગરમ ખાતી વખતે જ્યારે પણ દાંતમાં કરન્ટ પસાર થવાનું શરૂ થાય એ છે ટીથ સેન્સિટિવિટીનું રેડ સિગ્નલ. દાંત સંવેદનશીલ થઈ જાય એ પછી એને નવેસરથી પાછા નૉર્મલ કરવાનું અસંભવ છે. વધુ સેન્સિટિવિટી ડેવલપ ન થાય એ માટે પ્રિવેન્શન જ બેસ્ટ ઑપ્શન છે. જોકે પ્રિવેન્શન કઈ રીતે થાય એ ‌સમજી લેવું બહુ જરૂરી છે. દાંત અને પેઢાં પર છારી ન બાઝે અને સડો ન થાય એ માટે એને સ્વચ્છ રાખવાં એ સૌથી પહેલી શરત છે. દિવસમાં બે વાર સૉફ્ટ બ્રશથી પ્રૉપર ક્લી‌નિંગ મસ્ટ છે.

મેં જોયું છે કે લાંબા સમયથી ઍસિડિટી અને ખાટા ઓડકારની તકલીફ ધરાવતા લોકોના દાંત જલદી ખરાબ થાય છે. તમને થશે કે પેટની તકલીફમાં દાંતને શું તકલીફ થાય? પણ થાય. કોઈ પણ પ્રકારનું ઍસિડ બહારથી કે ખોરાકના રૂપે કે પછી પેટમાંથી ખાટા ઓડકારના રૂપે મોઢામાં આવે એ દાંતને અસર કરે છે. આમ તો કુદરતી રીતે આપણા બધાના દાંત પ્રોટેક્ટિવ લેયર જેને આપણે ઇનેમલ કહીએ છીએ એનાથી સુરક્ષિત થયેલા હોય છે, પરંતુ આ ઇનેમલની થિકનેસ બધા લોકોમાં અલગ-અલગ હોય છે. ઍસિડ રિફ્લક્સ થાય ત્યારે સીધું દાંતના આ સુરક્ષિત આવરણ ઇનેમલને નબળું કરે છે. જો દાંતને એનાથી બચાવવા હોય તો ફક્ત ઍસિડિટી શમાવતી ટેમ્પરરી દવા લેવાથી નહીં ચાલે, પણ અમુક નિયમોનું પાલન કરવું જરૂરી છે. જેમાં વિનેગર નાખવામાં આવ્યો હોય, કોલા ડ્રિન્ક્સ, પેક્ડ જૂસ, અથાણાં કે કોઈ પણ પ્રિઝર્વેટિવ્ઝવાળી વસ્તુઓમાં ઍસિડ હોય છે. આવા કોઈ પણ પ્રકારના ઍસિડિક ખાદ્ય પદાર્થો કે પીણાંથી દૂર રહો. જો સાવ ખાવાનું બંધ ન કરી શકો તો મોઢામાં રાખીને વધુ સમય ચાવવાને કે ચગળવાને બદલે જલદીથી ગળે ઉતારી જવાં જોઈએ જેથી દાંત સાથે એનો સંપર્ક ઓછો થાય. જો કોલા ડ્રિન્ક્સ કે બીજા પૅક્ડ જૂસ ન છોડી શકો તો જ્યારે પણ પીઓ ત્યારે સ્ટ્રૉનો ઉપયોગ કરો. સ્ટ્રૉને કારણે પીણાં દાંતના સંપર્કમાં ઓછાં આવે છે અને સીધાં ગળે ઉતારી શકાય છે. જો ઍસિડિક ખાદ્ય પદાર્થ કે પીણાં પીઓ તો તરત જ કોગળા કરી લેવા, જેથી ઍસિડની અસરને થોડી ઘટાડી શકાય. જમ્યા પછી તરત બ્રશ કરવાને બદલે અડધો કલાક પછી જ બ્રશ કરવું. સામાન્ય રીતે સૂવાની દસ મિનિટ પહેલાં સૉફ્ટ બ્રશિંગની આદત અને ઍસિડિટીનો જડમૂળથી ઇલાજ  જરૂરી છે.

health tips life and style columnists