બાળકોમાં પ્રૉપર હાઇજીન હૅબિટ્સ નહીં કેળવો તો કરમિયા થતાં વાર નહીં લાગે

19 July, 2024 09:12 AM IST  |  Mumbai | Dr. Pankaj Parekh

કૃમિનાશક દવાનો એક ખાસ કોર્સ આવે છે એ બાળકને કરાવવો

પ્રતીકાત્મક તસવીર

ચોમાસામાં વાઇરલ ફીવર, શરદી-ઉધરસ બહુ કૉમન છે. બાળકોને આવું કંઈ થાય તો તરત જ પેરન્ટ્સ એની સારવાર કરાવે છે. જોકે ચોમાસાની એક સાઇલન્ટ સમસ્યા છે જેને બાળકોમાં ઓળખવી અઘરી છે. એ છે પેટમાં કરમિયા થવાની. બાળકોમાં કરમિયા તપાસવા હોય તો સૌથી કૉમન લક્ષણ છે પૂંઠે ખંજવાળ આવવી. જો કૃમિની સમસ્યા વકરી જાય તો ખૂબ ગળ્યું ખાવાનું મન થાય અને ખાધા પછી પણ બાળક સુસ્ત રહે અને વજન વધે જ નહીં. ચોમાસું એવી સીઝન છે જેમાં બાળકોના પેટમાં કરમિયા થતા જ હોય છે અને ચોમાસામાં તો એ વધુ થાય છે. એ પણ મોટા ભાગે પાણીજન્ય છે. પાણીમાં ફરતા કરમિયાનાં ઈંડાં પેટમાં જાય છે અને અંદર જઈને મલ્ટિપ્લાય થાય છે.

કરમિયાથી બચવા ઘરની સફાઈ અને પર્સનલ હાઇજીન પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે. ભેજવાળા વાતાવરણમાં ઘરમાં ડ્રાયનેસ મેઇન્ટેઇન રહે એ મસ્ટ છે. બાળકોને જમ્યા પહેલાં, રમીને આવે એ પછી, બહારથી ઘરે પાછા આવ્યા બાદ હાથ અને પગ સાબુથી ધોવડાવો. જો તે વરસાદમાં પલળે તો તેને તાત્કાલિક સૂકો કરો અને શરીરને ગરમાવો મળે એવું કંઈક ખવડાવો. ઉકાળેલું પાણી અને ઘરનો બનાવેલો તાજો ખોરાક જ બાળકને આપો. ઘરમાં માખી-મચ્છર ન થાય એનું ધ્યાન રાખો. સ્વચ્છતા એ કરમિયાને દૂર રાખવાનો સૌથી સરળ ઉપાય છે, પણ બાળકો રમત-રમતમાં જ્યાં-ત્યાં અડીને એ જ હાથ મોંમાં નાખે છે જેને કારણે તેમને કૃમિ થવાની સંભાવના વધારે રહે છે.

બધી કાળજી છતાં કરમિયા થાય તો એક વધુ સાવધાની જરૂરી છે. કૃમિનાશક દવાનો એક ખાસ કોર્સ આવે છે એ બાળકને કરાવવો. હું કહીશ કે બાળકોએ જ નહીં, સમગ્ર પરિવારે ચોમાસામાં કરમિયા માટેનો કોર્સ કરી લેવો જોઈએ; કારણ કે ઘરમાં એક જ ટૉઇલેટ યુઝ કરતા લોકોને એકબીજાને કારણે ચેપ લાગી શકે છે. જો તમારા ઘરમાં બાળકને સાચવવા માટે કોઈ હેલ્પર રાખ્યો હોય તો તેને પણ કરમિયાની દવા આપવી. આ પ્રૉબ્લેમ એવો છે જેના માટે લક્ષણોની રાહ જોવાની જરૂર નથી હોતી. એની દવા ઘણી જ સેફ છે. શંકા થાય કે ન થાય, આ રોગ માટે પણ ચોમાસામાં તો એ દવા લઈ જ લેવી. તમારા ડૉક્ટરને મળીને કરમિયાનો એક ડોઝ લઈ જ લો. આ ડોઝ તમે દર ચાર-છ મહિને એક વાર લઈ શકો છો. 

health tips monsoon news life and style