અચાનક જ જમણી બ્રેસ્ટમાં ગાંઠ થઈ હોય એવું લાગે છે

20 December, 2022 05:28 PM IST  |  Mumbai | Dr. Meghal Sanghavi

કોઈ પણ પ્રકારની ગાંઠ કે કડક ભાગ હાથમાં આવે કે ફીલ થાય તો એક વખત ડૉક્ટર પાસે ફિઝિકલ એક્ઝામિનેશન જરૂરી છે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

હું ૩૮ વર્ષની છું. પરમ દિવસે રાત્રે મારું ધ્યાન ગયું કે મારા જમણી બ્રેસ્ટમાં કંઈક થોડું કડક લાગે છે. નાનુંસૂનું નથી એ. મોટું જ છે. આજ પહેલાં મેં એ ક્યારેય અનુભવ્યું નથી. કદાચ મારું ધ્યાન જ ત્યાં ગયું નહોતું, પણ જ્યારથી ધ્યાનમાં આવ્યું છે મારી સોય ત્યાં ચોંટી ગઈ છે. મને એમ કે સવારે કદાચ એવું નહીં લાગે. હું ત્યાર પછીથી દર કલાકે ચેક કરી રહી છું. મારી મમ્મીને પણ હું બતાવી ચૂકી છું. કંઈક તો છે જ. મારા ઘરમાં કોઈનેય બ્રેસ્ટ કૅન્સર નથી થયું. મને અચાનક આ કેમ આવ્યું હશે? શું મારે મેમોગ્રામ કરાવવો જોઈએ? 

સારું છે કે તમારું ત્યાં ધ્યાન ગયું. એ જરૂરી છે કે બ્રેસ્ટ બાબતે સ્ત્રીઓ જાગ્રત રહે. કારણ કે કોઈ પણ પ્રકારની ગાંઠ કે કડક ભાગ હાથમાં આવે કે ફીલ થાય તો એક વખત ડૉક્ટર પાસે ફિઝિકલ એક્ઝામિનેશન જરૂરી છે, પણ એની સાથે-સાથે એક વસ્તુ એ પણ સમજવાની જરૂર છે કે ગાંઠ છે એટલે બ્રેસ્ટ કૅન્સર જ હોય એવું જરૂરી નથી. ગાંઠ ઘણા પ્રકારની હોય છે. ઘણી કાયમી હોય તો ઘણી થોડા સમય માટે બને અને જતી રહે છે. ગાંઠ દૂધની હોય, ગાંઠ સ્નાયુઓની હોય, ઘણી વાર ઇન્ટર્નલ બ્લીડિંગને કારણે લોહી ત્યાં જામી ગયું હોય તો પણ ગાંઠ લાગી શકે છે અને મહત્ત્વની વાત એ છે કે હા, એ ગાંઠ કૅન્સરની પણ હોઈ શકે છે. માટે સૌથી મહત્ત્વનું એ છે કે ખુદ ડરી જવાથી કે કૅન્સર જ છે એવું માની લેવાથી કામ થવાનું નથી. 

આ પણ વાંચો : સર્વાઇકલ સ્પૉન્ડિલાઇટિસ હોય તો ઊંધા ન સુવાય?

બેશક કૅન્સર હોય કે ન હોય, તમારે પહેલાં ડૉક્ટરને મળવાની જરૂર છે. એના માટે કોઈ ટેસ્ટ પહેલેથી ન કરાવવી. મેમોગ્રામ એવી ટેસ્ટ નથી કે તમે ઇચ્છા પડે ત્યારે કરાવી લો. 

આ પણ વાંચો : એવું ટચૂકડું એન્ડોસ્કોપ, જેનાથી બ્રેસ્ટ-કૅન્સરની સારવાર બનશે સરળ

સૌપ્રથમ તમે કોઈ પણ બ્રેસ્ટ સર્જ્યન પાસે અથવા કોઈ ઑન્કોલૉજિસ્ટ પાસે જઈ શકો છો. એ તમારું ફિઝિકલ એક્ઝામિનેશન કરશે. જો તેમને લાગશે કે ગાંઠ છે જ તો એ તમને સ્કૅન માટે મોકલશે. સ્કૅનમાં ખબર પડી જશે કે જો ગાંઠ છે તો એ શેની ગાંઠ છે. શંકાસ્પદ લાગશે તો તે મેમોગ્રામ રેકમેન્ડ કરશે અને આગળની ટેસ્ટ કરાવશે. નહીંતર ત્યાં જ તપાસ અટકી શકે છે. મહત્ત્વનું એ છે કે એક પણ દિવસ ગુમાવ્યા વગર તમે ડૉક્ટરને મળો અને તપાસ ચાલુ કરો. ડરવું યોગ્ય નથી, પણ સામે પક્ષે સાવચેતી પણ એટલી જ જરૂરી છે. સ્ટેપ બાય સ્ટેપ આગળ વધશો તો વાંધો નહીં આવે.

columnists health tips cancer life and style