જૂની દુખદ યાદો ખૂબ પજવે છે

26 April, 2023 06:26 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વ્યક્તિમાં મનોવૈજ્ઞાનિક પ્રૉબ્લેમ્સ ખાસ કરીને એન્ગ્ઝાયટી એટલે કે ગભરાટ અને ડિપ્રેશન એટલે કે નિરાશાનું કારણ આ યાદો જ છે,

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

મારા પતિ ૬૮ના થયા. અમારું જીવન અતિ ખુશહાલ હતું, પરંતુ નાના ભાઈએ દગો કરીને પિતાનું ઘર પોતે રાખી લીધું એ ઘટના મારા પતિ ભૂલી જ નથી શકતા. આજથી ૩૦ વર્ષ જૂની એ વાત છે, પરંતુ તેઓ દર થોડા-થોડા દિવસે એનો મલાલ લઈને બેઠા હોય એમ લાગે. તે આ બનાવને ભૂલી જ નથી શકતા. ભૂલે નહીં તો કંઈ નહીં, પરંતુ એને આટલું યાદ પણ ન કરવું જોઈએ. ક્યારેક મને લાગે છે કે તેમની આ પીડા તેમનો જીવ લઈ લેશે. એ માટે કંઈ થઈ શકે?
 
 માનવ મગજનો સ્વભાવ છે ભૂલી જવું, પરંતુ તમે એ જ વસ્તુ ભૂલો છો જે તમારે ખુદને ભૂલવી હોય છે. કોઈ અણબનાવ બને અને તમે સતત એને મગજમાં ઘુંટ્યા કરો તો એ મનમાં વધુ ને વધુ દૃઢ બને છે અને એને કારણે તે વ્યક્તિના સ્વભાવ અને પર્સનાલિટી પર અસર કરે છે. વ્યક્તિમાં મનોવૈજ્ઞાનિક પ્રૉબ્લેમ્સ ખાસ કરીને એન્ગ્ઝાયટી એટલે કે ગભરાટ અને ડિપ્રેશન એટલે કે નિરાશાનું કારણ આ યાદો જ છે, જેને લઈને આપણે મનમાં મુંઝાતા રહીએ છીએ. વળી, એક દુખદ ઘટના પાછળની બધી જ દુખદ યાદોને જીવતી કરે છે. આ બધામાંથી બહાર નીકળવાના ઉપાય ચોક્કસ છે. 

સૌથી પહેલાં વ્યક્તિએ એ સમજવું જરૂરી છે કે પોતાને કયા પ્રકારની લાગણી વધુ પજવી જાય છે, જેમ કે ઘણા લોકોને કોઈ અવગણે તો પ્રૉબ્લેમ થાય, તો ઘણા લોકોને કોઈ ખૂબ પોતાપણું જતાવે તો એનાથી ઇરિટેશન થાય. લાગણીઓનું આવું ઍનૅલિસિસ તમને જાતને ઓળખવામાં મદદરૂપ થશે. જ્યારે પણ કોઈનાથી તમને પ્રૉબ્લેમ થાય ત્યારે મનનો ઊભરો ઠાલવવા ડાયરી વાપરો. એનાથી તમે તરત જ હળવા થઈ જશો અને બીજો ફાયદો એ થશે કે પ્રૉબ્લેમને લાગણીની દૃષ્ટિએ નહીં, બુદ્ધિ કે તર્કની દૃષ્ટિએ સૉલ્વ કરી શકશો. ભાવનામાં વહીને લેવામાં આવતા નિર્ણયો ભાગ્યે જ તમારા હિતમાં હોય છે. આથી જ્યારે જૂની યાદો હેરાન કરે અને લાગણીઓ ઊભરા મારતી હોય ત્યારે કોઈ પણ નિર્ણય ન લો. એને બુદ્ધિથી પહેલાં ચકાસો અને સમય લો અને પછી જ નિર્ણય કરો. કોઈ પણ બનાવને ભૂલવાની અને બીજી વ્યક્તિને જ નહીં, ખુદને પણ માફ કરી દેવાની ટેવ કેળવો. એ ટેવ ભલે અઘરી છે, પણ એક વખત એ કેળવાઈ ગઈ તો સંસાર તેમના માટે સરળ બની જશે.

columnists health tips