છેલ્લા એકાદ વર્ષથી મને ખૂબ પરસેવો વળે છે

30 January, 2023 04:18 PM IST  |  Mumbai | Dr. Batul Patel

જો તમને થાઇરૉઇડ હોય કે ડાયાબિટીઝ હોય તો પણ આ થવાની શક્યતા છે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

હું ૩૮ વર્ષનો છું. નાનો હતો ત્યારે મને ખાસ પરસેવાની તકલીફ નહોતી, પરંતુ છેલ્લા એકાદ વર્ષથી મને આ તકલીફ ખૂબ વધી ગઈ છે. પહેલાં એટલો જ પરસેવો વળતો કે જે મૅનેજ કરી શકાતો. આજકાલ તો ઠંડું વાતાવરણ છે છતાં જમ્યા પછી મારા મોઢા પર પરસેવો ટપકવા લાગે છે. અન્ડર આર્મ્સમાં પણ ખૂબ પરસેવો થાય છે, એ ભાગમાં શર્ટ ભીનું થઈ જાય છે. પૅચ ઊઠી આવે છે. મને સમજાતું નથી કે મારે શું કરવું જોઈએ. પાઉડરથી ખાસ ફાયદો નથી. 

પરસેવો તો બધાને થતો હોય છે. પણ વધારે પરસેવો થવા પાછળ બે કારણ છે, એક તો જન્મથી જ વ્યક્તિને આ પ્રૉબ્લેમ હોય એટલે કે જિનેટિક કે વારસાગત પ્રૉબ્લેમ હોવાથી ખૂબ પરસેવો વળતો હોય અને બીજું એ કે અચાનક હૉર્મોનલ પ્રૉબ્લેમ થયો હોય તો એ પ્રૉબ્લેમ કોઈ પણ ઉંમરે સામે આવી શકે. આ તકલીફને હાઇપરહાઇડ્રોસિસ કહે છે. જો તમને થાઇરૉઇડ હોય કે ડાયાબિટીઝ હોય તો પણ આ થવાની શક્યતા છે. અચાનક આવતું હાઇપરહાઇડ્રોસિસને અવગણવું નહીં. એક વખત ડૉક્ટરને કન્સલ્ટ કરવા જરૂરી છે, જેથી એ શું કામ શરૂ થયું છે એ જાણી શકાય. આ સિવાય એવું પણ બને કે તમે કોઈ દવા લેતા હો અને એ દવા તમને માફક ન આવતી હોય તો એની સાઇડ ઇફેક્ટ રૂપે તમને એકદમ વધુ પરસેવો ચાલુ થઈ ગયો હોય. જો એવું હોય તો એ દવા તાત્કાલિક બદલવાથી ફરક પડી શકે છે. પ્રસ્વેદ ગ્રંથિઓ ઇમોશન્સ સાથે પણ કનેક્ટ કરે છે. અચાનક જીવનમાં સ્ટ્રેસ વધી ગયો હોય, એન્ગ્ઝાયટી ઇશ્યુ વધી ગયા હોય તો પણ આ ટ્રિગર થઈ શકે છે. માટે જો તમે ઇચ્છતા હો કે પરસેવો ઓછો થાય તો તમારાં ઇમોશન્સ પર પણ કન્ટ્રોલ જરૂરી છે. 

આ પણ વાંચો : હાર્ટ અટૅક પછી પેટ પર ન સૂઈ શકાય?

નૉર્મલ ટૅલ્કમ પાઉડરની જગ્યાએ ઍલ્યુમિનિયમ ક્લોરાઇડ યુક્ત ટૅલ્કમ પાઉડર વાપરી શકાય. એ પણ પૂરતું ન પડે તો જે ભાગમાં પ્રૉબ્લેમ હોય એ ભાગમાં બોટોક્સનું એક ઇન્જેક્શન આપવામાં આવે છે, જેને કારણે વ્યક્તિને ૮-૯ મહિના સુધી આ સમસ્યા ટળી જાય છે, પછી ફરી શરૂ થાય એ પહેલાં ઇન્જેક્શન લઈ શકાય છે. આ પદ્ધતિમાં પ્રસ્વેદ ગ્રંથિઓ થોડા સમય માટે પૅરેલાઇઝ્ડ થઈ જાય છે. આ ઘણો અકસીર ઇલાજ છે. આ સિવાય માઇક્રો નીડલિંગ જેવાં સર્જિકલ ઑપ્શન્સ પણ છે, જે માટે ડૉક્ટરની સલાહ મુજબ તમે આગળ વધી શકો છો.  

columnists health tips life and style