19 June, 2023 04:11 PM IST | Mumbai | Dr. Sushil Shah
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
મારી ઉંમર ૬૭ વર્ષ છે. આજકાલ મારા પગના સ્નાયુઓ ખૂબ ખેંચાઈ જાય છે. પહેલાં એવું હતું કે ખૂબ ચાલો કે પહાડ ચડવા ગયા હોઈએ ત્યારે જ સ્નાયુ ખેંચાઈ જતા, પરંતુ હવે એવું નથી. છેલ્લા ૩ મહિનાથી મારા સ્નાયુ ગમે ત્યારે ખેંચાઈ જાય છે અને એ પણ પગના જ. રાત્રે ઊંઘમાં રાડ પાડીને ઊભી થઈ જાઉં છું. મને ખબર છે હાઇડ્રેશનની તકલીફને કારણે કે ઇલેક્ટ્રૉલાઇટ ઇમ્બૅલૅન્સને કારણે આવું થાય છે. મારા પહેલી વાર સ્નાયુ ખેંચાયા એ પછીથી હું પાણી પણ ખૂબ પીઉં છું અને ઇલેક્ટ્રૉલાઇટ્સનું પણ ઘણું ધ્યાન રાખું છું, છતાં કેમ હજી પણ સ્નાયુ ખેંચાય છે?
ક્રૅમ્પ આવવાનું સૌથી જાણીતું કારણ છે પાણીની કમી. જો શરીરમાં પાણીની કમી સર્જાય તો સ્નાયુ ખેંચાઈ શકે છે, માટે જ કસરત સમયે થોડી-થોડી વારે પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. ઇલેક્ટ્રૉલાઇટ્સની કમી શરીરમાં થઈ જાય તો પણ ક્રૅમ્પ આવી શકે છે. ગરમીમાં સ્નાયુ ખેંચાઈ જવાની પ્રક્રિયા વધુ બનતી હોય છે. સ્નાયુનો વધુ ઉપયોગ કરવાથી, ખાસ કરીને સ્નાયુની કૅપેસિટી ન હોય, એ કૅપેસિટી બહાર એનો ઉપયોગ કરવાથી આ તકલીફ સર્જાય છે. આમ, જો તમારા ક્રૅમ્પ પાછળ ઉપરોક્ત કારણો હોય તો ક્રૅમ્પ ઉપરાઉપરી વધુમાં વધુ ૨-૪ વખત આવશે. પાણી બરાબર પીશો કે પછી ઇલેક્ટ્રૉલાઇટ બૅલૅન્સ કરશો કે સ્નાયુને આરામ આપશો તો એની મેળે એ ઠીક થઈ જશે.
પરંતુ તમે કહો છો એમ જો આ ક્રૅમ્પ સતત આવ્યા જ કરતા હોય જેમ કે છેલ્લા બે મહિનાથી ગમે ત્યારે તમને ક્રૅમ્પ આવી જાય છે તો ડૉક્ટરને મળવું જરૂરી છે. જો ક્રૅમ્પ નિયમિત રૂપે આવ્યા કરતા હોય તો આ કારણો હોઈ શકે છે. વ્યક્તિને જ્યારે શરીરમાં વિટામિન D કે વિટામિન B12ની ઊણપ સર્જાય છે ત્યારે પણ આ પ્રકારના ક્રૅમ્પ ખૂબ આવી જતા હોય છે. કોઈ પ્રકારની નસોની તકલીફ હોય તો પણ સ્નાયુ જોડે આવું થઈ શકે છે, જેમ કે જે વ્યક્તિને જૂનું ડાયાબિટીઝ હોય એટલે કે ડાયાબિટીઝ થયાને ૧૦-૧૫ વર્ષ થઈ ગયાં હોય કે પછી જેનું ડાયાબિટીઝ કન્ટ્રોલમાં ન રહેતું હોય તેને સ્નાયુઓની આવી તકલીફ થાય છે. જો કોઈને થાઇરૉઇડની તકલીફ હોય તો પણ સ્નાયુ ખેંચાઈ જવાની સમસ્યા બનતી હોય છે. આ સિવાય પોષણની કમી હોઈ શકે છે. જો વ્યક્તિના શરીરમાં મિનરલ્સ કે વિટામિન્સની ભારે કમી હોય તો પણ આ તકલીફ વારંવાર થતી દેખાય છે. આમ, એક વાર તમારા ડૉક્ટરને મળી લો અને જો તેમને જરૂરી લાગે તો અમુક ટેસ્ટ પણ કરાવી લો.