NICUમાંથી આવ્યા પછી નવજાત બાળકને દૂધ પીતા કેમ શીખવવું?

31 March, 2023 05:55 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

માનું દૂધ NICUમાં રહેલા બાળક માટે દવાથી પણ વિશેષ ઉપયોગી સાબિત થાય છે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

અમારા બાળકનો જન્મ થયો ત્યારે તેને તરત જ NICUમાં દાખલ કરવામાં આવ્યું હતું, કારણ કે તેનું વજન ખૂબ ઓછું હતું અને કમળો પણ થયો હતો. NICUમાં દાખલ થયાના સાતમા દિવસે તેને માનું દૂધ આપ્યું. પંપ વડે દૂધ કાઢીને બાળકને પીવડાવવા માટે કહેવામાં આવ્યું હતું, કારણ કે ડૉક્ટરનું કહેવું હતું કે બાળક હજી નબળું છે, દૂધ ખેંચી નહીં શકે. NICUમાં ૧૫ દિવસ કાઢ્યા પછી અમે તેને ઘરે લઈને આવ્યા. હવે ઘણું સારું છે, પણ હજી દૂધ પીતા આવડતું નથી. તેને દૂધ પીતા કઈ રીતે શીખવી શકાય? 

મોટા ભાગનાં NICUમાં જનારાં બાળકોને સ્તનપાનની સમસ્યા આવે જ છે. બાળક શરીરથી ખૂબ નાનું હોય એટલે તે ત્યારે દૂધ ખેંચી શકવાની અવસ્થામાં ન હોય એ સમજી શકાય. તમે તેને એ સમયે પંપથી દૂધ કાઢીને આપ્યું એ ખૂબ સારું કર્યું. માનું દૂધ NICUમાં રહેલા બાળક માટે દવાથી પણ વિશેષ ઉપયોગી સાબિત થાય છે. તેને રોગ સામે લડવામાં અને ગ્રોથ લાવવા માટે ઉપયોગી સાબિત થાય છે, પરંતુ હવે જ્યારે તે મોટું થયું છે અને થોડું સક્ષમ પણ થયું છે ત્યારે તમારે તેને દૂધ પીતા કરવું પડશે, જેને માટે બાળકને ભૂખ લાગી હોય ત્યારે તેને માના સ્તન પાસે લાવવું. આદર્શ રીતે તે જાતે સ્તનપાન કરશે, પરંતુ શરૂઆતના અમુક દિવસો તેને વગર કોઈ પ્રયત્ને દૂધ મળ્યું છે એટલે દૂધ પીવા માટે તેને ખેંચવું પણ પડશે, એ સમજ બાળકમાં હોતી નથી. તે દૂધ ન પીએ અને ભૂખને કારણે રડે તો પણ થોડી ધીરજ રાખો. તેને ખુદ શીખવા જેટલો સમય આપો. આ સમયે મોટા ભાગે મા ઇમોશનલ થઈને પંપ વાળું દૂધ બાળકને ચમચીથી પીવડાવી ન દો. આ રીતે તે ક્યારેય દૂધ પીશે નહીં અને હંમેશ માટે તમારે પંપનો ઉપયોગ કરવો પડશે. હાલમાં તમે કરી રહ્યા છો, પણ ધીમે-ધીમે એ વધારાનું કામ તમને વધુ થકવશે. એક સમય એવો પણ આવે છે કે મા થાકીને સ્તનપાન મૂકી દે છે અને ફૉર્મ્યુલા મિલ્ક આપવા લાગે છે. આવું ન કરતા. બાળક ખુદ સ્તનપાન કરે એનો સંતોષ બાળક અને મા બન્નેને રહે છે. પંપ ઇમર્જન્સી માટે જ વાપરો. હંમેશ માટેની આ આદત બરાબર નથી. આમ, ધીરજ અને નિષ્ઠાથી તમારું કામ પાર પડશે. બાળક જેટલું સ્તનપાન કરશે એટલો જ તેનો ગ્રોથ સારો થશે. 

columnists health tips life and style