03 October, 2024 12:39 PM IST | Mumbai | Dr. Samir Shah
પ્રતીકાત્મક તસવીર
લોહીમાંથી ટૉક્સિન્સ એટલે કે ઝેરી તત્ત્વોને હટાવવાનું, પિત્તનું નિર્માણ કરવાનું, પ્રોટીનનું સંશ્લેષણ, ગ્લુકોઝનું સ્ટોરેજ, બ્લડ-ક્લૉટિંગ ફૅક્ટર્સનું નિર્માણ, ઇમ્યુન ફૅક્ટરનું નિર્માણ તથા લાલ રક્તકણોને લોહીમાંથી હટાવવાનું કામ લિવર કરે છે. આ બધાં જ કામ શરીર માટે અત્યંત જરૂરી છે અને કોઈ પણ પરિસ્થિતિમાં જો લિવર ખરાબ થાય તો આ કામો અટકી જાય તો વ્યક્તિ કોમામાં સરી પડે કે તેનું મૃત્યુ પણ થઈ શકે છે. આવું ન થાય એ માટે આપણે લિવરની સંભાળ રાખવી જરૂરી છે.
લિવરને હેલ્ધી રાખવા માટે લિવર સંબંધિત જેટલા પણ રોગો છે એનાથી બચવું આવશ્યક છે. કઈ બાબતો લિવરને નુકસાન પહોંચાડી શકે છે એ સમજીએ. હેપેટાઇટિસ જેવા વાઇરલ ઇન્ફેક્શનથી લિવર ડૅમેજ થઈ શકે છે. હેપેટાઇટિસ A અને હેપેટાઇટિસ E મલીન પાણીથી ફેલાતા રોગ છે. દૂષિત પાણીમાં આ વાઇરસ વધુ સમય સુધી જીવી શકે છે. મોટા ભાગે એટલે જ ચોમાસામાં આ ઇન્ફેક્શન ફેલાયેલું વધુ જોવા મળે છે. આ સિવાય હેપેટાઇટિસ B અને હેપેટાઇટિસ C બન્ને લોહીથી ફેલાતા રોગ છે. જ્યારે પણ લોહી ચડાવવાની જરૂર પડે ત્યારે કે પછી ડોનેટ કરો ત્યારે એ ખાસ ચેક કરો કે એની સોય કે ઇન્જેક્શન ફ્રૅશ વાપરવામાં આવ્યા છે કે નહીં. આ સિવાય ફૅટી લિવર જેવી સમસ્યા હોય છે જેમાં લિવર પર ચરબી જમા થતી જાય છે એનાથી બચવું પણ જરૂરી છે.
ટૂથબ્રશ, ટંગ-ક્લીન અને રેઝર વડે પણ હેપેટાઇટિસ B અને હેપેટાઇટિસ C ફેલાઈ શકે છે. ફક્ત લોહી ચડાવવાથી જ નહીં, પરંતુ આવી વ્યક્તિના લોહીનું ટીપું પણ જો બીજી વ્યક્તિના લોહીના સંપર્કમાં આવે તો આ રોગ થઈ શકે છે. એ માટે આ બધી જ વસ્તુઓ પર્સનલ રાખો અને બીજાની ઉપયોગ ન જ કરો. જ્યારે બહાર દાઢી બનાવવા જાઓ ત્યારે તમારા વાળંદનાં ઓજારો ધોયેલાં છે એનું ખાસ ધ્યાન રાખો. આ ઉપરાંત ટૅટૂ બનાવતી વખતે કે નીડલ વડે પિયર્સિંગ કરાવતી વખતે પણ ધ્યાન રાખવું જરૂરી છે.
એક હેલ્ધી વ્યક્તિના લિવર પર ફૅટ્સ જમા નથી થતી. તમારા શરીરનું વધુ પડતું વજન પણ તમારા લિવરને નુકસાન પહોંચાડી શકે છે. માટે હેલ્ધી ખોરાક લો અને રેગ્યુલર એક્સરસાઇઝ કરી હેલ્ધી વેઇટ મેઇન્ટેન કરો. આ સિવાય જો ડાયાબિટીઝ હોય તો શુગરને કન્ટ્રોલમાં રાખો. દારૂ પીવાથી લિવર ખરાબ થઈ જાય છે એ વાત ભાગ્યે જ કોઈને નહીં ખબર હોય. જે વ્યક્તિ ખૂબ દારૂ પીતો હોય તેના લિવર પર ફૅટ્સ જમા થાય છે અને ફૅટી લિવરની સમસ્યાથી તે પીડાઈ શકે છે. માટે એક હેલ્ધી લિવર માટે આલ્કોહૉલથી દૂર રહેવું જરૂરી છે.