બૅક્નેની બળતરાથી કેમ બચશો?

11 July, 2024 07:16 AM IST  |  Mumbai | Sameera Dekhaiya Patrawala

આજે જાણીએ આ બૅક્નેનું અંગત-અંગત

પ્રતીકાત્મક તસવીર

ચહેરાના ખીલને ઍક્ને કહેવાય તો પીઠ, ખભા અને બાવડા પાસે થતા ખીલને બૅક્ને. આ ખીલ હૉર્મોનલ બદલાવો, આનુવંશિકતા, સ્વચ્છતા તરફ બેદરકારી, વધુપડતો પરસેવો જેવાં અનેક કારણોને લીધે થાય છે. જો પૂરતી કાળજી લેવામાં ન આવે તો આ નાનકડી વસ્તુ ન કેવળ તમારો દેખાવ બગાડે છે પણ તમને પીડા આપી કાયમ માટે દાગ પણ છોડી શકે છે. આજે જાણીએ આ બૅક્નેનું અંગત-અંગત.

વર્ષો પહેલાં દૂરદર્શન પર આવતી વાઢિયાને લગતી પેલી જાહેરાત ‘ચેહરે સે રાજરાની પૈરોં સે નૌકરાની’ તો આજે પણ સૌને યાદ હશે જ! ઘણી વાર અમુક સુંદર ચહેરાઓ આ રીતે એકાદ નાનકડા દાગ કે ખીલ જેવી વસ્તુઓને લીધે મહેણું પામે છે. આજના જમાનાની આપણી સુંદરતાની પરિભાષા ભલે બદલાઈ હોય, પણ ખીલ જેવી વસ્તુ પ્રત્યે આપણને આજેય એટલી જ સૂગ અને અણગમો છે. આવા ખીલ જો મોઢાને બદલે પીઠ પર થવા લાગે તો થઈ રહ્યું. ન ઊંડા ગળાનાં ફૅન્સી બ્લાઉઝ કે ટી-શર્ટ પહેરી શકાય છે, ન એને પૂરી રીતે ઢાંકવાનું અનુકૂળ આવે છે. અમુક લોકો માટે તો આ મસમોટી સમસ્યા વણઊકલી જ રહે છે. આવો જોઈએ આ સમસ્યાનું મૂળ અને નિવારણ કઈ રીતે થાય.

ક્યા હૈ બૅક્ને?

બૅક્ને જેવું ફૅન્સી નામ તો કોઈ ક્રીએટિવ મગજની ઊપજ હોવી જોઈએ એવી રમૂજ કરતાં ડર્મેટોલૉજિસ્ટ ડૉ. દિતિના ઉમેરેટિયા ભટ્ટ કહે છે, ‘મૂળ તો આ ઍક્ને જ છે. કદાચ ટ્રેન્ડી લાગે એટલા માટે એની સંધિ જોડી બૅક ઍક્નેનું ‘બૅક્ને’ થયું હોવું જોઈએ. આ મૂળે તો પીઠ, ખભા અને બાવડાં પર થતા ખીલ હોય છે. ખીલ જ્યારે ચહેરા પર થાય છે ત્યારે એનું કદ થોડું મોટું હોય છે જ્યારે પીઠ, ખભા જેવા ભાગોમાં થાય છે ત્યારે એનું કદ થોડું નાનું જોવા મળે છે.’

શા કારણે થાય?

ચહેરા પરના ખીલની સરખામણીએ જોવામાં આવે તો પીઠ પરના ખીલ જરાક જુદા હોય છે. આવું જણાવતાં ડૉ. દિતિના કહે છે, ‘પીઠ પરની ચામડીમાં જોવા મળતી સિબેશ્યસ ગ્લૅન્ડ્સનો સ્રાવ ચહેરા પરની ચામડી કરતાં પ્રમાણમાં વધુ હોય છે, જેના લીધે પીઠ પરના આ ખીલ ચહેરા કરતાં વધુ હેરાન કરે છે. આનાં કારણો અનેક છે. તમે જો એ ભાગને બરાબર સ્વચ્છ ન રાખતા હો તો થઈ શકે છે. પીઠના ભાગ પર જલદી હાથ ન પહોંચે એટલે સફાઈ અધૂરી રહે. આજકાલ પૉલ્યુશન બહુ છે એટલે પણ આ સામાન્ય બનતું જાય છે. બૅક પર થતા ખીલ પ્રમાણમાં નાના હોવાથી એને ગ્રેડ 1 કે ગ્રેડ 2 ઍક્ને કહેવાય છે. જેમ-જેમ ખીલનું કદ વધે છે એમ-એમ એનો ગ્રેડ પણ વધતો જાય છે. આ સિવાય જેમને ખૂબ પરસેવો થતો હોય તેમને થઈ શકે છે, હૉર્મોનલ ચેન્જિસને લીધે થાય, પ્રેગ્નન્સીમાં કે ઓરલ કૉન્ટ્રાસેપ્ટિવ પિલ્સ લેવાથી થઈ શકે. બૅક પર વૅક્સિંગ કરાવતા હો તો પણ ત્યાં ખીલ થઈ શકે છે. મેકઅપ અને બહુ જ ચુસ્ત કપડાં પહેરવાને લીધે ચામડીનો ત્વચા સાથે સતત ઘસારો રહે છે એના લીધે પણ થાય છે. અમુક લોકોને જિનેટિક હોય છે. આ સિવાય ખોરાકમાં વધુપડતી સિમ્પલ શુગરવાળો ખોરાક લેવાથી પણ થઈ શકે છે. ’

દવાઓ પણ કારણભૂત

બૅક્ને થવાનું એક કારણ લેવામાં આવતી દવાઓ પણ હોઈ શકે છે. ઘણી વાર લોકોને અમુક ચોક્કસ પ્રકારની દવાઓ લેવાને લીધે ચહેરા અને પીઠ, ખભા પરથી ખીલ જતા જ નથી. આ વિશે ડૉ. દિતિના કહે છે, ‘બૅકને એની તીવ્રતાને આધારે પીડાદાયક નીવડી શકે છે. ઊંડા જખમ સાથેના સિસ્ટિક ઍક્ને ખૂબ જ પીડાદાયક હોય છે. એમાં ક્યારેક ચામડીમાં ઊંડે સુધી ખીલ હોય છે. ક્યારેક કોઈને ફંગલ ઇન્ફેક્શન કે ધાધર જેવું થયું હોય તો એ જાતે જ મેડિકલમાંથી કોઈ દવા લઈ આવે; જેમાં ઍન્ટિફંગલ, ઍન્ટિબૅક્ટેરિયલ ને ઍન્ટિબાયોટિક જેવી ટ્રિપલ ફૉર્મ્યુલા હોય છે. એના લીધે આ થઈ શકે છે. આ સિવાય કોઈ સ્ટેરૉઇડ લેતું હોય ત્યારે થાય છે. ઘણી વાર અસ્થમા કે ઍલર્જી જેવી સ્થિતિમાં આવી દવાઓ આપવાથી ફેફસાં વગેરેમાં ઇન્ફ્લૅમેશન ઘટે છે, પણ ખીલની હાલત વકરી જાય છે. આ સિવાય પુરુષો ટેસ્ટોસ્ટેરોન વધારવા જેલ, ઇન્જેક્શન કે પૅચ વાપરે છે ત્યારે પણ થઈ શકે છે. આ રીતે કેટલીક બર્થ કન્ટ્રોલ પિલ્સના વપરાશથી પણ થઈ શકે છે. B12 અને વાઈની દવાઓથી થઈ શકે છે. લાંબો સમય ટીબીની દવા ચાલુ હોય ત્યારેય થાય છે. જોકે આ બધી દવાઓમાંથી શક્ય હોય ત્યારે દવા ફેરવવામાં આવે છે અથવા ઘણી દવાઓ એવી હોય જે અનિવાર્યપણે ચાલુ રાખવી જ પડે ત્યારે બૅક્ને માટે અલગથી ટ્રીટમેન્ટ શરૂ થાય છે.’

સારવાર શું?

ક્લિનિકલ સારવાર વિશે વાત કરતાં ડૉ. દિતિના સૂચવે છે, ‘આવી સ્થિતિમાં બેન્ઝોયલ પેરોક્સાઇડનાં બૉડીવૉશ રાહત આપે છે. એક તો એ બૅક્ટેરિયાને મારવામાં અને સ્કિનમાં ઑઇલનું ઉત્પાદન ઘટાડવામાં મદદ કરે છે. બીજું, એ ત્વચાનાં છિદ્રોમાં ભરાયેલો કચરો પણ સાફ કરે છે. જે પીઠ અને ખભા પર લગાડી શકાય છે. તમે સેલિસિલિક ઍસિડનો પણ ઉપયોગ કરી શકો છો, જે ત્વચાના મૃત કોષોને દૂર કરવામાં મદદ કરે છે. આ સિવાય આગળ કહ્યું એમ કોઈ સ્પેશ્યલ મેડિકલ કન્ડિશન હોય તો એ ચેક કરીને એ મુજબ ટ્રીટમેન્ટ થાય છે. ઍન્ટિબાયોટિક્સમાં ડૉક્સિસાયક્લિન જેવી ઓરલ ઍન્ટિબાયોટિક્સ બળતરા ઘટાડી શકે છે અને બૅક્ટેરિયાને નિયંત્રિત કરી શકે છે. ખીલનાં નિશાન ગ્લાયકોલિક ઍસિડ અને સેલિસિલિક ઍસિડનો ઉપયોગ કરી હટાવી શકાય છે. આ સિવાય ટૉપિકલ રેટિનૉઇડ્સ, વિટામિન C સીરમ અથવા નિઆસિનામાઇડનો ઉપયોગ કરી ખીલના દાગથી છુટકારો મેળવવામાં મદદ મળે છે. કેટલાક લોકો આ માટે લેસર થેરપી પણ કરાવે છે.’

ખોરાક અને ઘરેલુ ઉપચાર

આમ તો બૅક્ને માટે કોઈ પણ ખોરાક ડાયરેક્ટ અસર નથી કરતો એમ જણાવતાં ડૉ. દિતિના કહે છે, ‘પીઠ પરના ખીલ કોઈ ચોક્કસ પ્રકારન ખોરાકને લીધે નથી થતા. એમ છતાં ત્વચામાં ઇન્ફલૅમેશન થતું હોય ત્યારે વધુપડતી મીઠી વસ્તુ ન ખાવી. ખાઓ તો પણ બહુ ઓછા પ્રમાણમાં ખાવાનું રાખવું. મીઠાશ ઇન્સ્યુલિન વધારે અને એ હૉર્મોનલ સમસ્યાઓ વધારીને ઇન્ડાયરેક્ટ્લી ખીલ પર અસર કરે. આ સમયે પાણી પણ વધુ પીવું અને બળતરા વધુ થતી હોય તો એલોવેરાનો અર્ક લગાડી શકાય. એ ટાઢક આપશે. આ સિવાય ઘરેલુ ઉપચારમાં ઓટમીલ સ્ક્રબ મૃત ત્વચાના કોષોને એક્સફોલિએટ કરવા માટે વાપરી શકાય છે. ઍપલ સાઇડર વિનેગરને પાણીથી પાતળો કરી (૧ ભાગ વિનેગરથી ૩-૪ ભાગ પાણી) કૉટન બૉલના ઉપયોગથી એને ત્વચા પર લગાવવાથી ત્વચાના pHને સંતુલિત કરવામાં અને બૅક્ટેરિયા ઘટાડવામાં મદદ મળે છે.’

પ્રિવેન્શન માટે શું કરવું?

હાઇડ્રેશન : તમારી ત્વચાને હાઇડ્રેટેડ રાખવા માટે દિવસ દરમિયાન પુષ્કળ પાણી પીતા રહો.
હાઇજીન : પીઠના ખીલને રોકવા માટે જિમથી આવ્યા પછી કે કોઈ પણ હેવી શારીરિક પ્રવૃત્તિ કર્યા પછી તરત જ સ્નાન કરી લેવું જેથી યોગ્ય રીતે સ્વચ્છતા કેળવાય. આ સિવાય પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું જોઈએ.
ચુસ્ત કપડાં ટાળો : ત્વચાને પૂરતો ઑક્સિજન મળી શકે એ માટે કૉટનનાં ખૂલતાં કપડાં પહેરી શકાય.
ત્વચાને અનુકૂળ સનસ્ક્રીન વાપરો : નૉન-કોમેડોજેનિક અને ઑઇલ-ફ્રી સનસ્ક્રીન વાપરો. સૂર્યના સંપર્કમાં આવ્યા પછી સંપૂર્ણ સફાઈની ખાતરી કરો.
ત્વચાના મૃત કોષો દૂર કરો : એક્સફોલિએટિંગ સ્ક્રબ અથવા એક્સફોલિએટિંગ પ્રૉપર્ટીઝ સાથે બૉડી વૉશ વાપરીને એક્સફોલિએશન કરવું. એક્સફોલિએશન એવી પ્રક્રિયા છે જેમાં ત્વચાના મૃત કોષો દૂર કરીને ઓપન પોર્સ બંધ કરાય છે. 
ખીલ ફોડવાનું ટાળો : ખીલને ફોડવાથી એના જખમમાં વધારો થઈ શકે છે અને બળતરા પણ વધે છે. ક્યારેક કાયમ માટે ડાઘ રહી જાય છે.

આ ત્રણ થેરપી આપશે અસરકારક રિઝલ્ટઃ ડૉ. દિતિના

કેમિકલ પિલ : આ પ્રોસેસમાં અમુક કેમિકલ્સ વાપરીને ત્વચા પરથી ઉપરનું લેયર હટાવવામાં આવે છે. એમાં દવા લગાડી થોડા સમય પછી હટાવી દેવાય છે. ત્વચાની અંદરનું લેયર થોડું લીસું દેખાય છે. 
ફોટોડાયનૅમિક થેરપી (PDT) : આ થેરપીનો મુખ્યત્વે સ્કિન-કૅન્સરમાં ઉપયોગ થાય છે. એમાં ત્વચાની ઑઇલ ગ્લૅન્ડ્સ અને બૅક્ટેરિયાને લક્ષ્ય બનાવવા માટે પ્રકાશ અને ફોટોસેન્સિટાઇઝિંગ એજન્ટનો ઉપયોગ કરવામાં આવે છે.
લાઇટ થેરપી : બ્લુ લાઇટ થેરપીમાં ત્વચા પર અસરગ્રસ્ત જગ્યાએ લાઇટ ફેંકીને અમુક બૅક્ટેરિયાને મારીને ખીલ ઘટાડવામાં આવે છે (જોકે લાંબા ગાળે આની અસર વિશે બહુ જ સીમિત અભ્યાસો થયા છે).

health tips life and style columnists