12 July, 2023 04:01 PM IST | Mumbai | Dr. Sanajy Chhajed
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
હું ૬૮ વર્ષનો રિટાયર્ડ બૅન્ક ઑફિસર છું. છેલ્લાં કેટલાંક વર્ષોમાં મેં અનુભવ્યું છે કે વરસાદમાં ઘૂંટણનો દુખાવો વધી જાય. ચોમાસામાં જ એવું થાય છે, બાકીની સીઝનમાં એ કન્ટ્રોલમાં રહે છે. મારી લાઇફ-સ્ટાઇલ એકદમ સારી છે. ત્રણ ટાઇમ જમવાનું, ૩૦ મિનિટની દરરોજની વૉક અને એની સાથે ૩૦ મિનિટ યોગ. વરસાદને કારણે વૉક કરી શકતો નથી. ડૉક્ટર મને પેઇન-કિલર્સ આપી દે છે, જે ક્યા સુધી લીધા કરવાની? આયુર્વેદ આમાં કશી હેલ્પ કરી શકશે?
આયુર્વેદ મુજબ ચોમાસું એ વાત પ્રકોપકાળ છે. ઉનાળાની શુષ્કતાને કારણે વાત ભેગો થાય છે અને ચોમાસામાં જેવું તાપમાન નીચે જાય એ વાતના પ્રમાણમાં ઘણો વધારો થાય છે. વાતનો દોષ એ એક એવી બાયોએનર્જી છે જે શરીરની સેન્સરી અને મોટર ઍક્ટિવિટીઝને કન્ટ્રોલ કરે છે અને એને કારણે દુખાવા ઊભા થાય છે. એમ પણ ચોમાસા દરમ્યાન એક્સરસાઇઝનું પ્રમાણ ઘટી જતું હોય છે, ખાસ કરીને બહાર જઈને ચાલવાનું શક્ય બનતું નથી. એક્સરસાઇઝ કરે તો પેઇન ઓછા થાય, પરંતુ જ્યારે વૉક બંધ થઈ જાય ત્યારે વાતની પરિસ્થિતિ વધુ વણસે છે. આ પરિસ્થિતિમાં દુખાવો વધે છે, માટે શક્ય હોય ત્યાં સુધી વૉક બંધ ન કરવી. એ વાત પણ એટલી જ સાચી છે કે દુખાવો થતો હોય તો વૉક કરીને એને વધુ ખરાબ પરિસ્થિતિમાં પણ ન મુકો.
એને કારણે જે પેઇન થાય છે એ સાયટિકા, હીપ, કોણી, ઘૂંટણ અને ખભાને અસરકર્તા છે. આ જગ્યાઓમાં સોજો આવતો નથી, પરંતુ દુખાવો થાય છે.
એના માટે જ્યાં દુખાવો થતો હોય ત્યાં તેલનું મસાજ કરવું. ખાસ કરીને તલનું તેલ કે એરંડીનું તેલ હોય તો વધુ સારું. એ તેલમાં નીલગિરિનું તેલ અને કપૂર પણ ઉમેરી શકાય. જોર-જોરથી ભાર આપીને મસાજ કરવાની જરૂર નથી. હળવા હાથે એ ભાગ પર તેલ લગાડવાથી દુખાવામાં ઘણી રાહત મળશે. જો તમે વરસાદમાં બહાર વૉક કરવા ન જઈ શકતા હો તો પણ ઘરમાં ચાલો. કેટલીક બેઝિક પણ ઘણી કામની ઘૂંટણની એક્સરસાઇઝ શીખી લો અને દરરોજ કરો. એના માટે ફિઝિયોથેરપિસ્ટનો સંપર્ક કરી શકાય. તમારા રૂટીન યોગાસનોમાં પવન મુક્તાસન કરો, જેનાથી વાયુની સમસ્યા ઘટશે. આ સિવાય અશ્વગંધા ચૂર્ણ ગરમ દૂધ સાથે લો. મહાયોગરાજ ગુગુલ્લુની બે ગોળી તમને લાંબા સમયની રાહત માટે પણ કામ લાગશે.