07 July, 2023 04:47 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
મારી દીકરી ૩ મહિનાની છે. તેના જન્મ સમયે વાઇફને દૂધ આવવામાં તકલીફ થઈ હતી એટલે શરૂઆતનું અઠવાડિયું અમે થોડું બહારનું દૂધ પણ તેને આપતા હતા, પરંતુ હવે તે દૂધ પી લે છે, તકલીફ નથી પડતી. દિવસમાં નહીં-નહીં તો દર ૩ કલાકે તે દૂધ પીએ છે, પણ અમારી સમસ્યા એ છે કે અમને સમજાતું નથી કે તેને દૂધ ઓછું તો નહીં પડતું હોય? એ કઈ રીતે સમજી શકાય કે બાળકને દૂધ પૂરું પડે છે કે નહીં? કારણ કે તેને તો જેટલી વાર પીવડાવો તે પીએ જ છે. રાત્રે ક્યારેક ફૉર્મ્યુલા મિલ્ક આપવું પડે છે, કારણ કે તે ખૂબ રડે છે. માર્ગદર્શન આપશો.
આ પ્રકારનું કન્ફ્યુઝન નવાં-નવાં માતા-પિતાને થતું રહે છે. ધીમે-ધીમે બાળકની ભૂખ વિશેની સમજ ખૂલે છે. જન્મ પછી જ્યારે માતા બાળકને સ્તનપાન કરાવડાવે છે ત્યારે મોટા ભાગની માતાઓને કન્ફ્યુઝન હોય છે કે ખબર કેમ પડે કે મારું દૂધ બાળક માટે પૂરતું થાય છે કે તે ભૂખ્યું રહી જાય છે? ઘણાં માતા-પિતા એવા પણ હોય છે જેઓ આ કન્ફ્યુઝનને કારણે બહારનું દૂધ આપવાનું શરૂ કરી દે છે. એને કારણે બાળક માનું દૂધ ઓછું પીએ છે. બાળક દૂધ ઓછું પીએ તો આપોઆપ દૂધ ઓછું થતું જાય છે. આમ, નાનકડું કન્ફ્યુઝન ભારે પડી શકે છે. એના કરતાં આ બાબતે થોડી ધીરજ રાખવી જરૂરી છે.
બાળકને દૂધ પૂરતું પડે છે કે નહીં એ માટે તેનાં ત્રણ ચિહ્નો સમજવા ખૂબ અનિવાર્ય છે. પહેલું એ કે બાળકનું વજન વધવું જોઈએ. દર ૧૫ દિવસે કે મહિને સતત નવજાત બાળકનું વજન કરાવતા રહેવું જોઈએ. જો વજન વધતું હોય તો માની શકાય કે બાળકને દૂધ પૂરતું મળે છે. આ માટે ડૉક્ટર પાસે જવું ન હોય તો ઘરે વજન કરી શકો છો. બીજું લક્ષણ એ કે બાળક ૨૪ કલાકમાં ૭-૮ વાર યુરિન પાસ કરતું હોવું જોઈએ અને ત્રીજું લક્ષણ એ કે બાળક ખુશ અને રમતું હોય. જો બાળક ચીડિયું અને રડ્યા કરે તો કદાચ તેને દૂધ ઓછું પડે છે એમ સમજવું.
બીજું એ કે બાળક રડે છે એટલે તે ભૂખ્યું જ હશે એમ માની લેવું પણ અતિશયોક્તિ છે. એવું જરાય જરૂરી નથી કે બાળક ભૂખ્યું જ હશે. તેને કોઈ બીજી તકલીફ પણ હોઈ શકે છે. થોડી ધીરજ, થોડું ઑબ્ઝર્વેશન રાખશો તો આપોઆપ સમજાશે કે બાળક ખરેખર શા માટે રડે છે.
- ડૉ. ઝીનલ ઉનડકટ