હાઇપોથાઇરૉઇડ બૉર્ડરલાઇન પર છે

11 April, 2023 04:48 PM IST  |  Mumbai | Dr. Sushil Shah

તમારા થાઇરૉઇડ રિપોર્ટમાં થોડું ઇમ્બૅલૅન્સ દેખાય છે જે નૉર્મલ છે. 

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

હું ૬૨ વર્ષની છું. મને હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીઝ પણ છે. હાલમાં રેગ્યુલર ચેકઅપ દરમ્યાન મારાં થાઇરૉઇડ લેવલ થોડાં ઉપર-નીચે આવ્યાં છે. મને આજ દિવસ સુધી થાઇરૉઇડની કોઈ તકલીફ રહી નથી. અચાનક એનું લેવલ કઈ રીતે ઉપર-નીચે થયું એ સમજાતું નથી. હું રેગ્યુલર દવા લઉં છું, એક્સરસાઇઝ કરું છું અને ડાયટ પણ મારું યોગ્ય જ છે. તો આ હૉર્મોનલ ઇમ્બૅલૅન્સ કેમ આવ્યું એનું કોઈ કારણ? શું હવે મારે થાઇરૉઇડની દવાઓ પણ કરવી પડશે? દવાઓ ખાઈને હું થાકી ગઈ છું. નવી દવાનું કે રોગનું નામ પડતાં જ મને ગભરામણ થાય છે. આ સાથે રિપોર્ટ પણ મોકલાવ્યા છે. જોઈને જણાવશો કે શું કરવું?
 
 જેમને લાઇફ-સ્ટાઇલ સંબંધિત તકલીફો છે, જેમ કે ડાયાબિટિઝ કે બ્લડ પ્રેશર એમને દવાઓનું નામ સાંભળતા ગભરામણ થવા લાગે છે, પણ દવાઓને નકારાત્મક રીતે જોવાનું યોગ્ય નથી. આ દવાઓ તમારા લાંબા અને નીરોગી જીવન માટે જરૂરી છે. એમાં કંટાળો લાવવો કે એનાથી ચીડ થવી એ યોગ્ય નથી. માટે મનને થોડું પરિવર્તિત કરો. બીજું એ કે તમારા થાઇરૉઇડ રિપોર્ટમાં થોડું ઇમ્બૅલૅન્સ દેખાય છે જે નૉર્મલ છે. 

એને અમે સ્લગીશ થાઇરૉઇડ કહીએ છીએ. એટલે કે થાઇરૉઇડે જે રીતે કામ કરવું જોઈએ એ પ્રક્રિયા મંદ પડે છે, પરંતુ એ એકદમ બૉર્ડરલાઇન પર છે. એને ક્લિનિકલ હાઇપોથાઇરૉડિઝમ પણ કહેવાય છે. એટલે કે આ થાઇરૉઇડ ડીસ્ટર્બન્સની ખાસ અસર જોવા મળે નહીં, પરંતુ રિપોર્ટ કરાવો તો લેવલ ઉપર-નીચે દેખાય ખરું. આ પરિસ્થિતિમાં પહેલાં તો કોઈ જ દવા લેવાની જરૂર નથી. તમે નિયમિત રીતે તમારું વજન મૉનિટર કરતા રહો. એકદમ ઘટી કે વધી જાય તો ડૉક્ટરને મળવું. આ ઉપરાંત તમારું કૉલેસ્ટરોલ પણ જોવું જરૂરી છે. આ બધું તમારું ઉપર-નીચે થાય તો તરત ડૉક્ટર પાસે જવું. એના સિવાય ફરી ૨-૩ મહિને થાઇરૉઇડ ટેસ્ટ કરાવવી જરૂરી છે. અત્યારે તકલીફ વધુ નથી એટલે દવા લેવાની જરૂર નથી, પરંતુ જો ઇમ્બૅલૅન્સ વધે તો દવા લેવી જરૂરી બની શકે છે. આમ, સતત મૉનિટર કરવું જરૂરી છે. એ ૨-૩ મહિનાના ટેસ્ટમાં પણ જો ખાસ કઈ પરિણામ ન મળે તો ફરી ૬ મહિને એક વાર ટેસ્ટ કરાવવી. આમ, થોડું ઇમ્બૅલૅન્સ હોય ત્યારે આટલું ધ્યાન રાખવું  જરૂરી છે. પોસ્ટ મેનોપૉઝલ સ્ત્રીઓમાં આટલું ઇમ્બૅલૅન્સ સામાન્ય છે. ચિંતા જેવું નથી.

columnists health tips life and style