સ્ટેરૉઇડને લીધે શુગર વધે છે, પણ પરેજી પાળો તો શુગર કન્ટ્રોલ કરવામાં મદદ થશે

24 October, 2024 10:00 AM IST  |  Mumbai | Yogita Goradia

મારી પાસે હાલમાં એક કેસ આવ્યો હતો. ૪૫ વર્ષનાં એક બહેનને ડાયાબિટીઝ અને બ્લડ-પ્રેશરની સમસ્યા એકસાથે હતી. તે પોતાની રીતે દવાઓ લઈને એ બન્નેને કાબૂમાં રાખતાં હતાં.

પ્રતીકાત્મક તસવીર

મારી પાસે હાલમાં એક કેસ આવ્યો હતો. ૪૫ વર્ષનાં એક બહેનને ડાયાબિટીઝ અને બ્લડ-પ્રેશરની સમસ્યા એકસાથે હતી. તે પોતાની રીતે દવાઓ લઈને એ બન્નેને કાબૂમાં રાખતાં હતાં. પરંતુ થોડાં વર્ષો પહેલાં ખાંસીની સમસ્યાથી હેરાન થઈને તેમણે ટેસ્ટ કરાવી ત્યારે તેમને ખબર પડી કે તેમને ઇન્ટરસ્ટિશ્યલ લંગ ડિસીઝ નામનો રોગ છે. જીવનમાં અમુક રોગો એવા છે જે અચાનક જ આવી જતા હોય છે, જેને ઑટોઇમ્યુન ડિસીઝ કહે છે. આ પ્રકારના રોગો શરીરની ઇમ્યુન સિસ્ટમના પ્રતિકારથી ઉદ્ભવતા રોગો છે. આ રોગને રોકવા તમારા હાથની વાત નથી કે ખોટી લાઇફ-સ્ટાઇલને લીધે એ ઉદ્ભવતા નથી. ફેફસાંનો આ એક એવો રોગ છે જે ઘાતક સાબિત થઈ શકે છે. આ રોગને કારણે વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને લોહીમાં ઑક્સિજનનું પ્રમાણ ઓછું થઈ જાય છે. હવે તકલીફ ત્યાં થઈ કે આ રોગનો એકમાત્ર ઇલાજ હતો સ્ટેરૉઇડ.

જ્યારે પ્રૉબ્લેમ વધુ હતો ત્યારે તેમને ૪૦ મિલીગ્રામની સ્ટેરૉઇડ્સનો ડોઝ આપવામાં આવતો, પરંતુ આ ઇલાજને કારણે એની સીધી અસર તેમની શુગર પર થઈ. તેમની શુગર ૨૮૦ સુધી વધી જતી હતી. સતત શુગર રિપોર્ટ કરાવતાં રહેતાં અને દવાઓથી એને કન્ટ્રોલ કરવાની કોશિશ કરતાં, પરંતુ આ કામ ધારીએ એટલું સહેલું નહોતું. તેમનાં ફેફસાંની હાલત ધીમે-ધીમે કાબૂમાં આવી એટલે સ્ટેરૉઇડ્સનો ડોઝ ઘટાડવામાં આવ્યો. એમણે આ સ્ટેરૉઇડની દવા જીવનભર લેવી જ પડશે.

સ્ટેરૉઇડ લેવાને કારણે શરીરનો બેઝિક મેટાબોલિક રેટ ઘટી જાય. એનો અર્થ એ કે શુગરનો શરીરમાં ઉપયોગ જ ઘટી જાય, જેને લીધે ઓછી શક્તિ મળે. એટલે શરીર તમને ભયંકર ભૂખ લગાડે. તમને અતિ ભૂખ લાગે એટલે તમે વધુ ખાઓ, પરંતુ તમે જે ખોરાક લો છો એમાંથી મળતી શુગર શરીરમાં ઉપયોગમાં લઈ શકાતી નથી એટલે એ ફૅટના સ્વરૂપે જમા થતી રહે છે. ફૅટ વધે એમ મેટાબોલિક રેટ વધુ ને વધુ ઘટતો જાય છે. આમ આ એક સાઇકલ છે જેને તોડવી જરૂરી છે.

આવી અવસ્થામાં પણ એક સારી લાઇફ-સ્ટાઇલ ઘણી મદદરૂપ થઈ શકે છે. સૌથી મોટી જરૂરિયાત હતી શિસ્તબદ્ધ જીવનની. સમય-સમય પર ખાવું, પૂરતું પાણી પીવું, સમય પર જ સૂવું, બ્રેકફાસ્ટ ટાળવો નહીં અને ડિનર જલદી લેવું વગેરે જેવા નિયમો તેમણે પાળવાના શરૂ કર્યા. સાથે યોગ, એક્સરસાઇઝ અને વૉક પણ શરૂ કર્યાં. આજે સ્ટેરૉઇડના ડોઝની સાથે-સાથે તેમની શુગર પણ એકદમ કાબૂમાં રહે છે. તેઓ સખત શિસ્તમાં રહે છે અને પરેજી પાળે છે જે ડાયાબિટીઝના દરદીઓ માટે અત્યંત જરૂરી બાબત છે.

diabetes health tips life and style mumbai columnists