એક્સરસાઇઝ દરમિયાન કેટલું પાણી પીવાનું હોય?

01 April, 2024 09:06 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આદર્શ રીતે એક્સરસાઇઝ પહેલાં, એક્સરસાઇઝ દરમ્યાન અને એક્સરસાઇઝ પત્યા પછી પણ પાણી પીવું ખૂબ જરૂરી છે.

પ્રતીકાત્મક તસવીર

હું ૪૨ વર્ષનો છું અને મેં છેલ્લા ૬ મહિનાથી ​જિમમાં જવાનું શરૂ કર્યું છે. ​ ફુલ AC ચાલુ હોવા છતાં મને ઘણો પરસેવો થાય છે. ટ્રે​ઇનર કહે છે કે પરસેવો થાય એ સારું, થવા દેવાનો. એટલે હું એ દરમિયાન પાણી પીતો નથી. જોકે હમણાં થોડા દિવસ પહેલાં ટ્રેડમિલ પર ભાગતાં-ભાગતાં પગનો સ્નાયુ ખેંચાઈ ગયો. શું પાણીની કમીને કારણે આવું થાય? એક્સરસાઇઝ કરતાં-કરતાં પાણી પીવું જોઈએ કે નહીં અને જો પીવાનું હોય તો કેટલું પીવું?  

પીવું જ જોઈએ; કારણ કે જો શરીરમાં પાણીની અછત થઈ તો વ્યક્તિને ચક્કર આવે, ઊલટી થાય કે મસલ ખેંચાઈ જાય એવું પણ બને. ઘણી વાર ખબર ન પડે અને પાણી એટલું ઓછું થઈ જાય કે વ્યક્તિનું બ્લડ-પ્રેશર ઘટી જાય અને તે બેભાન થઈ જાય. ઘણા લોકો તમારી જેમ માને છે કે પરસેવો આવે તો ચરબી ઓગળે અને વજન ઊતરે. આમ જ્યારે પણ એક્સરસાઇઝ દરમ્યાન પરસેવો આવે ત્યારે તે લોકો ખુશ થઈને એને વહેવા દે છે અને પાણી પીતા નથી. શરીરમાંથી પરસેવો આવે એ એક સારી એક્સરસાઇઝ થયાની નિશાની છે, વેઇટલૉસ થયાની નહીં; કારણ કે પરસેવા દરમ્યાન જે પાણી શરીરમાંથી છૂટું પડે છે એ પરસેવારૂપે બહાર આવે છે. ચરબી ઓગળીને પાણી બનતું નથી એટલે એવું ક્યારેય ન સમજવું કે આ પરસેવો એ ફૅટ્સ છે. ઊલટું એ તમારા શરીરમાંનું ખૂબ જરૂરી એવું પાણી છે જે બહાર આવી રહ્યું છે. શરીરમાંથી પાણી ઓછું થઈ રહ્યું છે અને એ નિશાની છે કે શરીરમાંથી જે પાણી ઓછું થયું છે એની ભરપાઈ આપણે બહારથી કરવી પડશે. 

શરીરમાં પરસેવો થવાની પ્રોસેસ દરેક વ્યક્તિમાં અલગ-અલગ હોય છે તેથી જ ઘણી વ્યક્તિને અડધો કલાક કસરત કર્યા પછી પરસેવો થાય છે તો ઘણી વ્યક્તિ પાંચ મિ​નિટની અંદર જ પરસેવાથી નહાઈ રહે છે. આમ સૌથી મહત્ત્વની વાત એ છે કે વ્યક્તિ પોતાના શરીરની સિસ્ટમને જાતે સમજે એટલે કે તેને પોતાને કેટલા પાણીની જરૂર છે એ પોતે સમજે. શરીર વ્યક્તિને દરેક સિગ્નલ આપે છે. જ્યારે પણ ગળું સુકાય અને તરસ લાગે એનો અર્થ એ કે તમારા શરીરને પાણીની જરૂર છે. ફક્ત જો આ સિગ્નલને સમજીએ તો ક્યારેય પ્રૉબ્લેમ નડતો નથી. આદર્શ રીતે એક્સરસાઇઝ પહેલાં, એક્સરસાઇઝ દરમ્યાન અને એક્સરસાઇઝ પત્યા પછી પણ પાણી પીવું ખૂબ જરૂરી છે. કેટલું પીવું એ દરેક વ્યક્તિની જરૂરિયાત મુજબ નક્કી કરવું.

અહેવાલ: વિભૂતિ કાણકિયા  

health tips columnists