21 January, 2025 07:41 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
આમ તો પ્રેગ્નન્સી એક નૅચરલ વસ્તુ છે જેમાં સ્ત્રી ગર્ભને ધારણ કરે છે અને જન્મ આપે છે. આ પ્રોસેસમાં દવાઓ કે ટ્રીટમેન્ટની કોઈ જરૂર આદર્શ રીતે પડવી ન જોઈએ. પરંતુ દવાઓ કે ટ્રીટમેન્ટની જરૂર ત્યારે પડે છે જ્યારે બાળક કે માની હેલ્થ પર કોઈ ને કોઈ રીતે અસર થાય. પ્રેગ્નન્સી દરમિયાન આમ તો દવા જ ન લેવી પડે એ શ્રેષ્ઠ છે, કારણ કે આપણે બાળકને દરેક જાતની કેમિકલયુક્ત અસરોથી મુક્ત રાખવા માગતા હોઈએ છીએ. વળી ઍન્ટિબાયોટિક કે પેઇનકિલર્સ જેવી અમુક દવાઓ પ્રેગ્નન્સી દરમિયાન ઘણી જ નુકસાનકારક સાબિત થઈ શકે છે. એટલે મોટા ભાગની સ્ત્રીઓ એ તકલીફોને સહન કરીને દવાઓ લેવાનું ટાળતી હોય છે. હોમિયોપથી આ પરિસ્થિતિઓમાં ઘણી જ ફાયદાકારક છે, કારણ કે એની કોઈ આડઅસર નથી.
પ્રેગ્નન્સીના પહેલા ત્રણ મહિનામાં સ્ત્રીઓ સવારે ઊઠે ત્યારે ખાલી પેટે બીમાર હોય એવું લાગે છે. નબળાઈ આવે, ઊલ્ટીઓ થાય, કંઈ ખાવાનું ન ભાવે વગેરે જેવાં ચિહ્નો દેખાય છે. આ સંજોગોમાં ઘરગથ્થુ ઉપાયો કામ લાગે છે પરંતુ ઊલ્ટીઓ જો વધી જાય, સ્ત્રીનું વજન વધવાને બદલે ઘટે, તે કંઈ જ ખાઈ ન શકે તો પ્રોફેશનલ હેલ્પની જરૂર પડે છે. એમાં હોમિયોપથી કામ લાગી શકે છે. પ્રેગ્નન્સીમાં કબજિયાત સામાન્ય છે. ખોરાકમાં જરૂરી ફેરફાર, ખાસ કરીને પાણીની માત્રામાં વધારો આ સમયે મદદરૂપ થાય છે. જો ફક્ત ખોરાકમાં કરવામાં આવતા ફેરફારથી ફાયદો ન થાય તો એ માટે હોમિયોપથી કામ લાગી શકે છે. જ્યારે ડિલિવરીનો સમય નજીક આવે ત્યારે દુખાવો, ગર્ભાશયના મુખનું વ્યવસ્થિત ન ખૂલવું, વધુપડતો રક્તસ્રાવ કે બીજી કોઈ પણ તકલીફને ટાળવામાં હોમિયોપથી રેમેડીઝ ઘણી ઉપયોગી છે. લેબર વખતે જો હોમિયોપથી ડૉક્ટર સાથે રહી શકે અથવા તેમણે સમજાવેલી રેમેડીની કિટ સાથે રાખી શકાય અને એ પ્રમાણે રેમેડીઝ લેવામાં આવે તો ઘણો ફાયદો થઈ શકે છે. જે સ્ત્રીને સ્તનપાનમાં કોઈ તકલીફ થતી હોય તે પણ હોમિયોપથી દ્વારા દૂર કરી શકાય છે. સ્તનપાનની તકલીફો મોટા ભાગે હૉર્મોન્સ સંબંધિત હોય છે જેનો ઘણો સારો ઇલાજ હોમિયોપથીમાં છે. આમ મૉર્નિંગ સિકનેસ, હૉર્મોનલ ઇમ્બૅલૅન્સ, કબજિયાત, થાક, ડર, લેબર અને સ્તનપાન સુધી દરેક પરિસ્થિતિમાં હોમિયોપથી ઘણી અસરકારક નીવડે છે એટલું જ નહીં, પ્રેગ્નન્સીમાં જ્યારે ઍલોપથી દવાઓ બાળક પર આડઅસર કરી શકે છે. હોમિયોપથી બિલકુલ સેફ છે અને રિઝલ્ટ પણ આપે છે.
- ડૉ. રાજેશ શાહ