10 August, 2024 10:31 AM IST | Mumbai | Jigisha Jain
પ્રતીકાત્મક તસવીર
માટુંગામાં રહેતી સુરેખા પ્રેગ્નન્સીના આઠમા મહિને પડી અને તેને તાત્કાલિક ઇમર્જન્સીમાં સાયન હૉસ્પિટલ લઈ ગયા. ત્યાં સર્જરી કરીને તેના બાળકને બચાવવામાં આવ્યું. બાળક ફક્ત ૧.૫ કિલોનું જ હતું. તેને NICU એટલે કે નીઓનેટલ ઇન્ટેન્સિવ કૅર યુનિટમાં રાખવામાં આવ્યું. સુરેખા તેના બાળકની ચિંતામાં હતી. ડૉક્ટરોએ કહ્યું કે બાળક સુરક્ષિત છે પણ તેના વિકાસ માટે તેને માનું દૂધ જોઈશે. ઍક્સિડન્ટ, ડિલિવરી, એ માટે થયેલી સર્જરી અને જન્મતાં વેંત જ બાળકને NICUની જરૂર પડી, આ બધી વસ્તુમાં સુરેખા અતિ દુખી હતી એથી તેને દૂધ જ નહોતું આવી રહ્યું. ત્યાંના ડૉક્ટર્સ અને સ્ટાફે તેને ખૂબ સમજાવી, ધીરજ રાખવા કહ્યું. બાળકને જો તે તંદુરસ્ત જોવા માગતી હોય તો દૂધ પાવું જરૂરી છે. તેણે મન મક્કમ કર્યું અને દૂધ આવે એ માટે પમ્પ વડે સ્ટિમ્યુલેટ કર્યા કર્યું. બે દિવસની અંદર સુરેખાનું દૂધ શરૂ થઈ ગયું. તેને પીવડાવવા હું જ બાળક પાસે જઈશ એવો આગ્રહ કરી તે NICUમાં ગઈ ત્યારે તેણે તેની બાજુમાં બેઠેલી એક મા રડતી જોઈ. સુરેખાએ પૂછ્યું કે કેમ રડો છો? તેણે કહ્યું કે મારું દૂધ નથી આવી રહ્યું. મારા માંદા બાળકને માના દૂધની જરૂર છે. સુરેખાનું મન ભરાઈ આવ્યું. બે દિવસ પહેલાં તેની પણ આવી જ હાલત હતી. તેણે નર્સને કહ્યું કે આ બાળકને હું મારું દૂધ ન આપી શકું? નર્સે કહ્યું, ચોક્કસ આપી શકાય. સુરેખા એ પછી દસ દિવસ હૉસ્પિટલમાં રહી. એ દસે દિવસ તેણે પોતાનું દૂધ પમ્પ વડે કાઢીને હૉસ્પિટલની મિલ્ક બૅન્કમાં દાન આપ્યું. તેનું દૂધ તેના બાળક સિવાય બીજાં બે બાળકોને આપી શકાયું. જે સ્ત્રીને બિલકુલ દૂધ આવતું નહોતું તે એક મિલ્ક-ડોનર બનીને પોતાના સ્વસ્થ બાળકની સાથે હૉસ્પિટલથી ઘરે ગઈ.
સાયનની મિલ્ક બૅન્ક
પહેલી બૅન્ક
છેલ્લાં ૫ વર્ષમાં સાયન હૉસ્પિટલમાં સુરેખા જેવી ૪૩,૪૧૨ મમ્મીઓએ ૧૦,૫૨૩ નવાં જન્મેલાં બાળકો માટે પોતાના દૂધનું દાન આપ્યું છે. નવજાત બાળક માટે સ્તનપાન તેનો જન્મસિદ્ધ હક છે. આ એ અમૃત છે જેનું નિર્માણ કુદરતે એ બાળક માટે કર્યું છે. બીમાર બાળક કે ઓછા વજનવાળા જન્મેલા કમજોર બાળક માટે તો માનું દૂધ ઇલાજની ગરજ સારે છે પરંતુ ઘણાં બાળકો, જે જન્મ લેતાંની સાથે મા ગુમાવી દે કે જેની માને દૂધ ન જ આવતું હોય કે પૂરતું ન આવતું હોય એ બાળકોને ફૅક્ટરીમાં બનતું ફૉર્મ્યુલા મિલ્ક આપવાને બદલે હ્યુમન મિલ્ક બૅન્ક શરૂ થવી જોઈએ એનો પ્રથમ વિચાર આખા એશિયામાં મુંબઈમાં લોકમાન્ય ટિળક મ્યુનિસિપલ મેડિકલ કૉલેજ અને જનરલ હૉસ્પિટલમાં ડૉ. અર્મીડા ફર્નાન્ડિસ અને એ સમયના નીઓનેટોલૉજી ડિપાર્ટમેન્ટનાં હેડ ડૉ. જયશ્રી મોન્ડકરને આવેલો, જેને કારણે ૧૯૮૯માં આખા એશિયામાં પહેલી વાર હ્યુમન મિલ્ક બૅન્ક એક સિવિલ હૉસ્પિટલની અંદર શરૂ થઈ.
પ્રોસેસિંગ કરીને સ્ટોરેજ
કોણ આપી શકે દાન?
છેલ્લાં પાંચ વર્ષમાં ૫૧,૨૧૪ મમ્મીઓને સ્તનપાન અને દૂધનું દાન દેવા માટે કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું, જેમાંથી ૪૩,૪૧૨ મમ્મીઓએ દૂધનું દાન કર્યું હતું. એને કારણે છેલ્લાં પાંચ વર્ષમાં કુલ ૪૧૮૪ લીટર દૂધ બૅન્ક પાસે જમા થયું હતું અને વપરાયું હતું. એ વિશે વાત કરતાં હાલમાં સાયન હૉસ્પિટલના નીઓનેટોલૉજી ડિપાર્ટમેન્ટનાં હેડ પ્રોફેસર ડૉ. સ્વાતિ માનેરકર કહે છે, ‘અહીં આવનારી ગર્ભવતી સ્ત્રીઓને સ્તનપાન વિશે પૂરું માર્ગદર્શન આપવામાં આવે છે. પોતાના બાળકને વગર કોઈ તકલીફે તે સ્તનપાન કરાવી શકે એ માટે તેને પૂરો સપોર્ટ મળે એ બાબતે તેમને જાગૃત કરવામાં આવે છે અને એ પછી તેમને દૂધના દાનનું મહત્ત્વ સમજાવવામાં આવે છે. પોતાના બાળકને દૂધ પીવડાવવા ઉપરાંત જે સ્ત્રીઓને વધુ દૂધ આવે છે એ દૂધના વપરાશની આ વાત છે. મોટા ભાગની પહેલી વાર મમ્મી બનેલી સ્ત્રીઓ મૂંઝાય છે કે તેને આવનારું દૂધ વધુ કહેવાય કે નહીં, જો તે દૂધ દાનમાં આપશે તો તેના બાળકને એ દૂધ ઓછું તો નહીં પડે? આ પ્રશ્નો માટે અમે તેમને સમજાવીએ છીએ. દૂધ જેટલું કાઢવામાં આવે એટલું એ વધુ નીકળે છે. વળી સ્તનપાનને લાગણી સાથે ઘણો સીધો સંબંધ છે. જે ભાવ સાથે સ્ત્રીઓ દૂધ દાન આપે છે અમારો અનુભવ છે કે એ માતૃત્વની લાગણી તેના દૂધનો જથ્થો વધારી દે છે. આમ દાન કરવાથી સ્ત્રીને અને તેના બાળકને વધુ ફાયદો થાય છે.’
કઈ રીતે વપરાય છે દૂધ?
આ દૂધ જરૂરતમંદ બાળક સુધી કઈ રીતે પહોંચે છે એ પ્રશ્નનો જવાબ આપતાં ડૉ. સ્વાતિ માનેરકર કહે છે, ‘આદર્શ રીતે માનું ફ્રેશ દૂધ બાળક સીધું પીવે તો તેને ઘણો ફાયદો થાય, પરંતુ મિલ્ક બૅન્ક તરીકે અમે કોઈ પણ માનું દૂધ બાળકને ચેક કર્યા વગર ન આપી શકીએ. એ દૂધથી કોઈ ઇન્ફેક્શન બાળકને ન થાય એનું ધ્યાન રાખવું જરૂરી છે. જે પણ સ્ત્રીને દૂધ દાનમાં આપવું છે તેની મેડિકલ હિસ્ટરી અમે જાણતા હોઈએ છીએ, કારણ કે મોટા ભાગે એ સ્ત્રી હૉસ્પિટલની જ દરદી હોય છે. જેમ ગાયનું દૂધ પાસ્ચરાઇઝેશનની પ્રોસેસ પછી આપણા સુધી પહોંચે છે એ રીતે માનું દૂધ પણ આ પ્રોસેસમાંથી પસાર કરીને જ બાળકને આપવામાં આવે છે. આ પ્રોસેસ અમે અવગણી ન શકીએ. બાળક માનું સ્તનપાન કરે તો નક્કી એ દૂધથી જે ફાયદો થાય એના કરતાં ઓછો ફાયદો આ પાસ્ચરાઇઝેશનવાળા દૂધથી થાય છે પરંતુ એ વાત ૧૦૦ ટકા સાચી છે કે એક ફૉર્મ્યુલા મિલ્ક કરતાં તો એ વધુ જ ફાયદાકારક છે. એનું રિઝલ્ટ અમે અમારાં બાળકોમાં જોઈએ શકીએ છીએ.’
સાયન હૉસ્પિટલના નીઓનેટલ ઇન્ટેન્સિવ કૅર યુનિટમાં દાખલ થતાં બાળકોને આ દૂધ આપવામાં આવે છે. વાર્ષિક ૧૫૦૦થી ૨૦૦૦ નવજાત બાળકોને આ દૂધ મળે છે. શું બહાર કોઈને આ દૂધની જરૂર પડે તો મળી શકે ખરું? એ વાતનો જવાબ આપતાં ડૉ. સ્વાતિ માનેરકર કહે છે, ‘જો અમે બહાર જેને જરૂર હોત તેને આપી શકત તો સારી વાત હતી પરંતુ સાચું કહું તો એટલું દૂધ જ નથી કે અમે બહાર આપી શકીએ. અમારી પાસે એટલું જ દૂધ એકઠું થાય છે કે એ અમે અમારાં NICUનાં બાળકોને આપી શકીએ. જો જાગૃતિ વધી તો ભવિષ્યમાં કદાચ એ શક્ય બને.’
કઈ રીતે બને બૅન્ક?
રસેશ ગોગરી અને ડૉ. મનીષા ગોગરી
સાયન હૉસ્પિટલ આજની તારીખે પશ્ચિમ ભારત માટે ઝોનલ રેફરન્સ સેન્ટર તરીકે કાર્યરત છે. ગુજરાત, ગોવા, મધ્ય પ્રદેશ, દમણ, દીવ અને સમસ્ત મહારાષ્ટ્રમાં કોઈ પણ જગ્યાએ હ્યુમન મિલ્ક બૅન્ક શરૂ કરવી હોય તો એનું માર્ગદર્શન અહીં આપવામાં આવે છે. જો મિલ્ક બૅન્ક ચલાવવી હોય તો એનું મૅનેજમેન્ટ કઈ રીતે શક્ય છે એની ટ્રેઇનિંગ ડૉક્ટર્સ, નર્સો અને બીજા સ્ટાફને આપવામાં આવે છે. અહીં મિલ્ક બૅન્ક બની એ પછી મુંબઈમાં ઘણી જગ્યાએ મિલ્ક બૅન્ક શરૂ થઈ છે. એ વિશે વાત કરતાં લૅક્ટેશન કન્સલ્ટન્ટ અને હાલમાં એક જાણીતી હૉસ્પિટલમાં મિલ્ક બૅન્ક સેટ-અપ માટે કાર્યરત ડૉ. મનીષા ગોગરી કહે છે, ‘સરકાર ઇચ્છે છે કે દરેક સરકારી હૉસ્પિટલમાં એક મિલ્ક બૅન્ક હોવી જ જોઈએ. એ માટે સરકારની સાથે મળીને ઘણી સમાજસેવી સંસ્થાઓ કાર્યરત થાય છે અને ફન્ડ ઊભું કરે છે. એમાંથી મિલ્ક બૅન્કનું નિર્માણ થાય છે. એ સમજવું પડે છે કે હૉસ્પિટલના NICUની ક્ષમતા કેટલી છે, કેટલી મમ્મીઓનું મિલ્ક હૉસ્પિટલને દાનમાં મળશે એનો એક અંદાજ કાઢવો પડે છે. આમ ડિમાન્ડ અને સપ્લાય બન્નેનો તાગ કાઢી આગળ વધવાનું રહે છે. એ માટે જગ્યા ઊભી કરવી પડે છે. એનાથી પણ વધુ મહત્ત્વનો છે સ્ટાફ. એક મિલ્ક બૅન્ક બનાવવાની અને એને ચલાવવાની સફળતાનો મોટો આધાર ત્યાં કામ કરતા લોકોની ધગશ પર નિર્ભર રહે છે. મમ્મીઓને સતત મોટિવેટ કરવાનું કામ સ્ટાફનું હોય છે, જે મિલ્ક મળ્યું છે એની જાળવણી અને એનો યોગ્ય ઉપયોગ થવો એ તેમના પર નિર્ભર કરે છે. આ બધી બાબતોનું ધ્યાન રાખીને મિલ્ક બૅન્ક શરૂ થતી હોય છે. એકદમ સાધારણ મિલ્ક બૅન્ક શરૂ કરવાનો ખર્ચ આજની તારીખે ઓછામાં ઓછો ૧૫-૩૦ લાખ જેટલો થાય છે. બાકી તો એક પાસ્ચરાઇઝેશન મશીન પણ ઇમ્પોર્ટેડ લેવા જાઓ તો ૫૦ લાખનું આવતું હોય છે. આમ મશીનો તમને કેવાં જોઈએ છે એના પર આખા સેટ-અપના ખર્ચનો મદાર હોય છે.’
અપગ્રેડ કરવી જરૂરી
સાયન હૉસ્પિટલનાં ડૉ. સ્વાતિ માનેરકર
એક વખત મિલ્ક બૅન્ક બની જાય પછી એને અપગ્રેડ કરવાની જરૂર પડતી રહે છે. કિંગ એડ્વર્ડ મેમોરિયલ (KEM) હૉસ્પિટલમાં ઘણાં વર્ષોથી મિલ્ક બૅન્ક છે જ અને સારી રીતે ચાલી રહી છે, પરંતુ એમને એ અપગ્રેડ કરવી હતી. એનું કામ આરતી ફાઉન્ડેશન નામની સમાજસેવી સંસ્થાએ સંભાળ્યું, જેના ટ્રસ્ટી રસેશ ગોગરી કહે છે, ‘મારાં પત્ની ડૉ. મનીષા ગોગરી ખુદ લૅક્ટેશન કન્સલ્ટન્ટ છે એટલે તેની મદદથી અમે KEMની મિલ્ક બૅન્કના અપગ્રેડેશનનું કાર્ય ગયા વર્ષે શરૂ કરેલું, જે ઑલમોસ્ટ પૂરું થવાનાં આરે છે. મિલ્ક બૅન્કનું એક વખત સેટ-અપ કર્યા પછી અમુક વર્ષો બાદ અપગ્રેડેશન પણ એટલું જ જરૂરી છે, કારણ કે ત્યાં સુધીમાં ડિમાન્ડ અને સપ્લાય બદલતી રહે છે. KEM હૉસ્પિટલને દૂધને ચકાસવા માટેનાં સાધનો, એને પાસ્ચરાઇઝ કરવા માટેનાં મશીન અને સ્ટોરેજ કરવા માટેનાં ફ્રીઝર વધુ ઍડ્વાન્સ કરવાં હતાં. આ ઉપરાંત ત્યાં જે મમ્મીઓનાં બાળકો NICUમાં હોય એ મમ્મીઓ ૧-૨ મહિના હૉસ્પિટલમાં જ રહે છે, તેમને રહેવાની જગ્યા અમે વધુ સારી બનાવી.’
નાની બાબતોનું ધ્યાન
મમ્મીઓના રહેવા માટેની જગ્યા પર આટલું વિશેષ ધ્યાન શા માટે? એ પ્રશ્નનો જવાબ આપતાં ડૉ. મનીષા ગોગરી કહે છે, ‘સ્ત્રીઓ જ્યારે સ્તનપાન કરાવતી હોય ત્યારે જો તે કોઈ પણ જાતના સ્ટ્રેસમાં રહે તો તેના દૂધની ગુણવત્તા અને જથ્થો બન્ને ઘટે છે. એક હૉર્મોન હોય છે ઑક્સિટોસિન, જેનું ઉત્પાદન ખુશ રહેતી સ્ત્રીઓમાં વધે છે અને એને કારણે દૂધનું પ્રોડક્શન પણ વધે છે. આમ જો તેમના રહેવાની જગ્યા સારી થાય, તેમને આરામ મળે, તેઓ ખુશ રહે તો મિલ્ક સારું અને વધુ જથ્થામાં મળે. એટલે એ જરૂરી હતું.’
અમૂલ્ય જીવન
લાખો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ, આટલી ઝીણી-ઝીણી બાબતોનું ધ્યાન, ત્યાં કામ કરતા લોકોનો અથાગ પ્રયત્ન અને ક્યારેય ઓછી ન પડનારી ધગશનું પરિણામ શું છે? આ બૅન્કો બનાવવાથી આપણને શું મળે છે? આ પ્રશ્નોનો જવાબ આપતાં ડૉ. મનીષા ગોગરી કહે છે, ‘આપણને મળે છે એ માંદાં અને ઓછો વિકાસ પામેલાં બાળકોનું નવજીવન. કોઈ દવા જે કામ નથી કરી શકતી એ કામ માનું દૂધ કરે છે. ફૉર્મ્યુલા મિલ્ક એની પાસે સાવ ઊણું ઊતરે. જે કુદરતી છે એ ઘણું કીમતી છે અને એ આપણે બનાવી શકતા નથી. એટલે એની જો બૅન્ક બનાવીએ તો કેટલાંય નવજાત શિશુઓને એક સ્વસ્થ નવજીવન આપી શકીએ છીએ.’
જો કોઈને પોતાનું દૂધ દાન કરવું હોય તો?
પહેલાં તો દરેક માએ હૉસ્પિટલને જાણ કરવી જરૂરી છે કે તે દાન કરવા માગે છે. એ પછી તેની અમુક જરૂરી ટેસ્ટ હૉસ્પિટલ માગી શકે છે. એક ટ્રિપલ H ટેસ્ટ હોય છે એ કરવી જરૂરી છે; જેમાં HIV, HCV અને HBV ટેસ્ટ થાય છે. આ ત્રણેય ટેસ્ટ નેગેટિવ આવવા જોઈએ. HIV કે હેપેટાઇટિસ C અને B જેવા રોગ માને ન હોવા જોઈએ. તમે કોઈ દવાઓ તો નથી લઈ રહ્યા એ જોવું જરૂરી છે. હૉસ્પિટલ મેડિકલ હિસ્ટરીથી નિશ્ચિંત થાય પછી જ તમે દાન આપી શકો છો.
હૉસ્પિટલમાં ત્યાં જઈને તમે દૂધ આપો તો સારું, પણ જો તમને તમારા ઘરમાં આ કામ કરવું હોય તો ઘણા પ્રોટોકૉલ છે. આ દૂધને સાચવવા તમારી પાસે અલગથી ફ્રીઝર હોવું જોઈએ. એ શેમાં સાચવવું એનું પણ માર્ગદર્શન હોવું જોઈએ. લગભગ એકાદ મહિનાનો સ્ટૉક રેડી થાય પછી એ હૉસ્પિટલને એકસાથે આપવો પડે. ઘણી હૉસ્પિટલ નજીકમાં રહેતા હો તો ત્યાંથી ખુદ કલેક્ટ કરવાની સગવડ પણ આપે છે. આ રીતે દાન કરનારા આજની તારીખે મુંબઈ શહેરમાં ઘણા ઓછા લોકો છે. હૉસ્પિટલથી સીધું દાન કરનારી સ્ત્રીઓની સંખ્યા ઘણી વધુ છે.
તમે જાતે તમારા બાળક માટે પણ તૈયાર કરી શકો છો મિલ્ક બૅન્ક
૩૪ વર્ષની પ્રિયલ દેઢિયા બે બાળકો ઝોહાન અને ઝીકની મમ્મી છે. તેનો મોટો દીકરો ઝોહાન જ્યારે ૪ મહિનાનો હતો ત્યારની વાત કરતાં તે કહે છે, ‘એ વખતે હું ફાઇનૅન્શિયલ સર્વિસમાં કામ કરતી હતી. મને મારા જીવનનો પહેલો અવૉર્ડ મળવાનો હતો અને એ માટે મારે ઑસ્ટ્રેલિયા જવું પડે એમ હતું. મારા ઘરમાં એ વખતે દસ જણ હતા એટલે ઝોહાનને સંભાળવાની કોઈ તકલીફ નહોતી પરંતુ મારા બાળકને હું ફૉર્મ્યુલા મિલ્ક પર રાખવા નહોતી માગતી. બ્રેસ્ટ મિલ્ક કઈ રીતે સાચવી શકાય અને બાળકને આપી શકાય એ હું ઇન્ટરનેટ પરથી શીખી. એ સમયે મારી પાસે ઇલેક્ટ્રિક પમ્પ પણ નહોતો. મૅન્યુઅલ પમ્પથી મેં લગભગ ૧ મહિનો કોશિશ કરીને સ્ટૉક ભેગો કર્યો, એને ફ્રીઝરમાં રાખ્યો અને પછી હું અને મારા પતિ ઑસ્ટ્રેલિયા ગયાં.’
કારણ કે તમે પહેલાં એટલું પમ્પ કર્યું છે કે તમે ભલે બાળકથી અળગાં હો, તમને દૂધ તો આવવાનું જ છે. ઑસ્ટ્રેલિયામાં પ્રિયલે કઈ રીતે મૅનેજ કર્યું એ જણાવતાં તે કહે છે, ‘ત્યાં હું એક મોટું થર્મોકોલ બૉક્સ આઇસપૅક્સ સાથે લઈ ગયેલી. જેવું દૂધ ભરાય એવું હું ફ્લાઇટમાં, હોટેલમાં ત્યાં ટ્રાવેલ કરતી વખતે જ્યાં મને તક મળે ત્યાં દૂધ કાઢી લેતી. એ બૉક્સમાં સ્ટોર કરતી. જે હોટેલમાં અમે રોકાયાં હતાં ત્યાંનાં ફ્રીઝર મેં વાપર્યાં. ત્યાં સ્ટોર કર્યું. પાછા આવતી વખતે આ આખું બૉક્સ ભરાઈ ગયું હતું. ઍરલાઇનવાળાએ તો પણ એના કોઈ એક્સ્ટ્રા પૈસા ન લીધા. તેમણે પણ ઘણો સપોર્ટ કર્યો. એ બધું દૂધ હું ભારત પાછું લાવી. ઘરે ફ્રીઝરમાં મૂક્યું ત્યારે આખું ફ્રીઝર ભરાઈ ગયું હતું. એ સ્ટૉક મેં નેક્સ્ટ ટ્રિપ માટે વાપર્યો.’
પહેલો અનુભવ અઘરો હતો, પરંતુ એ પાર પાડ્યા પછી પ્રિયલને આત્મવિશ્વાસ આવી ગયેલો એટલે ઑસ્ટ્રેલિયાની ટ્રિપ પછી તે દુબઈ, કાશ્મીર, હૉન્ગકૉન્ગ, વિયેટનામ પણ ફરી આવી. મોટાની જેમ નાના બાળક માટે પણ તે પ્રતિબદ્ધ રહી કે ફૉર્મ્યુલા મિલ્ક હું નહીં જ આપું. ક્યાંય પણ જવું પડે તો તે આ રીતે પોતાની બૅન્ક બનાવીને જ જતી.
જો મમ્મીઓને દૂધના દાન બાબતે વધુ જાણકારી જોઈતી હોય તો આ રહ્યું લિસ્ટ
સાયન હૉસ્પિટલ - 022-24063157
કેઈએમ હૉસ્પિટલ, પરેલ - 02224107138
નાયર હૉસ્પિટલ, મુંબઈ સેન્ટ્રલ - 02223027000
સૂર્યા હૉસ્પિટલ- સાન્તાક્રુઝ, મીરા રોડ- 9820457078
કામા ઍન્ડ અલ્બ્લેસ હૉસ્પિટલ - ફોર્ટ - 02222710355
જે. જે. હૉસ્પિટલ, નાગપાડા - 02223222401, 02223735555
નવરોઝજી વાડિયા મૅટરનિટી હૉસ્પિટલ, પરેલ - 2224146964