સામાન્ય શરદી અને સાઇનસાઇટિસમાં આયુર્વેદ કઈ રીતે મદદરૂપ થાય?

25 September, 2024 02:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આયુર્વેદમાં પણ સાઇનસાઇટસનો ઘણો ઇલાજ ઉપલબ્ધ છે.

પ્રતીકાત્મક તસવીર

આપણું શરીર અને એની રચનાઓ ઘણી જ રસપ્રદ છે. ઘણા લોકોને માથું દુખે કે ખૂબ શરદી ભરાઈ ગઈ હોય ત્યારે તેઓ કહેતા જોવા મળે છે કે તેમને સાઇનસ થઈ ગયું છે. ખરા અર્થમાં એ તકલીફનું નામ સાઇનસ નથી, પરંતુ આપણા નાકની રચનામાં સાઇનસ નામની જગ્યા છે. એમાં જયારે ઇન્ફેક્શન આવે ત્યારે એને સાઇનસાઇટિસ કહે છે. એનું નિદાન નિષ્ણાત પાસે જ કરી શકાય કે તમને થયેલી શરદી સામાન્ય છે કે એનો કોઈ સંબંધ સાઇનસાઇટિસ સાથે છે.

આપણી ખોપરીને એક આકાર આપવા અને વધુ ભારી ન થઈ જાય એ માટે હાડકાંઓની વચ્ચે ખાલી જગ્યાઓ રાખવામાં આવી છે. સાઇનસ એટલે શું એ સમજીએ તો આપણી ખોપરીને જો અધવચ્ચેથી બે ભાગ કરીએ તો ચહેરાની જમણી અને ડાબી બન્ને બાજુએ સરખી રીતે ફેલાયેલી સ્પેસ એટલે કે ખાલી જગ્યા છે એને સાઇનસ કહે છે. આ સાઇનસ કપાળમાં આઇબ્રોની ઉપરના ભાગમાં, આંખ-નાકની વચ્ચેના ભાગમાં, નાકની પાછળના ભાગમાં તથા નાકની નજીક ગાલમાં આમ, ચાર જગ્યાએ ચહેરાની બન્ને બાજુએ ફેલાયેલા છે. સામાન્ય રીતે સાઇનસમાં હવા ભરાયેલી હોય છે, પરંતુ જયારે એ કફથી ભરાઈને બ્લૉક થઈ જાય તો એમાં કીટાણુ પેદા થાય છે.

આયુર્વેદમાં પણ સાઇનસાઇટસનો ઘણો ઇલાજ ઉપલબ્ધ છે. જોકે આયુર્વેદ-નિષ્ણાતના માર્ગદર્શન હેઠળ જ કોઈ પણ ઇલાજ કરવો, જાતે પ્રયોગ કરવા નહીં. જેમને નવું-નવું સાઇનસાઇટિસ થયું હોય તેમને પાણીમાં તુલસી, આદું, તજ, કાળી મરી, લીલી ચા, લવિંગ નાખી એને ઉકાળીને બનાવેલો ઉકાળો પીવાથી ઘણો ફાયદો થાય છે. સ્વાદ માટે એમાં મધ કે ખડી સાકર નાખી શકાય. આ સિવાય દવાઓમાં સુદર્શન અને સિતોપલાદી અસરકારક સાબિત થાય છે. હળદર અને જેઠી મધને પાણીમાં ઉકાળીને એની સ્ટીમ એટલે કે નાસ લેવાથી પણ ઘણો ફરક પડે છે. આજ પાણીના કોગળા પણ કરી શકાય છે. આવા લોકોએ ઠંડી હવાથી બચવું જોઈએ. જેમને ક્રૉનિક સાઇનસાઇટિસ છે એટલે કે લાંબા સમયથી આ પ્રૉબ્લેમ છે તેમણે નસ્ય-ચિકિત્સા લેવી પડે છે, જેમાં અનુ તેલ કે ષડબિંદુ તેલનાં ટીપાં નાકમાં નાખવાથી ફાયદો થાય છે. જેમને સામાન્ય તકલીફ છે તેમને ૨-૩ ટીપાંનો નાનો ડોઝ આપવામાં આવે છે, પરંતુ જેમને વધુ પ્રૉબ્લેમ છે તેમને ૨૦-૩૦ ટીપાં એકસાથે લેવાનાં હોય છે જેને શોધન-નસ્ય કહે છે, જે કોઈ પંચકર્મ-ચિકિત્સક પાસે જ લેવાં જરૂરી રહે છે. એક વખત સાઇનસાઇટિસ જતું રહે પછી પીપરી અને આમળાયુક્ત ચ્યવનપ્રાશ ખાઈને આવી વ્યક્તિ પોતાની ઇમ્યુનિટી સ્ટ્રૉન્ગ કરી શકે છે, જેને લીધે આ રોગ પાછો આવે નહીં.

health tips life and style