24 November, 2024 02:32 PM IST | New Delhi | Sejal Patel
બીચની રેતીનો કણ: ૯૦ માઇક્રોન્સનો
છેલ્લા લગભગ એક મહિનામાં દિલ્હીની હવામાં એટલું પ્રદૂષણ હતું કે તમે સ્મોકિંગ ન કરતા હો તો પણ રોજની ૪૯ સિગારેટ જેટલો ધુમાડો શ્વાસમાં જાય એટલો ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ એક તબક્કે હતો. દર દિવાળી પછી ઠંડીની સીઝન આવે ત્યારે સ્મૉગ અને પ્રદૂષણ માઝા મૂકે છે અને હવામાં જોવા મળતા PM2.5 અને PM10 કેટલા ડેન્જરસ છે એની વાતો ચર્ચામાં આવતી હોય છે. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન પણ જ્યારે સ્વીકારે છે કે પ્રદૂષણને કારણે વર્ષે ૭૦ લાખ લોકો મૃત્યુ પામે છે ત્યારે જાણવું જરૂરી છે કે આ પ્રદૂષકો કયા છે અને કઈ રીતે સ્વાસ્થ્ય માટે ખતરનાક છે
પ્રદૂષણને કારણે કૅન્સર થયું કે પ્રદૂષણને કારણે સ્ટ્રોક આવ્યો એવું સીધું નિદાન કદાચ મેડિકલ સાયન્સમાં ક્યારેય શક્ય નહીં બને. એમ છતાં હવામાં રહેલા પ્રદૂષકો શ્વાસ વાટે શરીરમાં જઈને જે ખાનાખરાબી કરી શકે છે એનો સ્વીકાર વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન નામની વૈશ્વિક સંસ્થા કરી ચૂકી છે. ઇન ફૅક્ટ, વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનમાં રજૂ થયેલા યુનિવર્સિટી ઑફ શિકાગોની એનર્જી પૉલિસી ઇન્સ્ટિટ્યૂટે (EPIC)ના ઍર ક્વૉલિટી લાઇફ ઇન્ડેક્સ રિપોર્ટ મુજબ જો હવામાં પાંચ માઇક્રોગ્રામ કે એથી ઓછા પ્રદૂષકો હોય તો એ વિસ્તારમાં રહેતા લોકોની આવરદા સાતથી આઠ વર્ષ વધી જઈ શકે છે. આ રિપોર્ટમાં એટલું પણ કહેવાયું છે કે જો ભારતના સ્ટાન્ડર્ડ મુજબ ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ (AQI)ને ૪૦ની અંદર કન્ટ્રોલ કરવામાં આવે તો એનાથી પણ દિલ્હીવાસીઓની ૪.૩ વર્ષની આવરદા વધી શકે છે. એનો મતલબ એ તો થયો જ કે હવામાં પ્રદૂષકોની હાજરી જીવનરેખા પર અસર તો કરે જ છે. આ પ્રદૂષકોમાં ખાસ કરીને PM2.5ને મોસ્ટ ડેન્જરસ માનવામાં આવે છે. અત્યાર સુધી આપણે માનતા હતા કે પૉલ્યુટન્ટ્સ શ્વાસ વાટે ફેફસાંમાં જઈને શ્વાસને લગતી તકલીફો જ કરે છે, પરંતુ લેટેસ્ટ અભ્યાસો કહે છે કે PM2.5 એવા પૉલ્યુટન્ટ્સ છે જે ફેફસાંમાંથી લોહીમાં ભળી જઈ શકે છે અને શરીરના કોઈ પણ ભાગની રક્તવાહિનીઓની અંદરની ત્વચામાં સોજો લાવી શકે છે. રક્તવાહિનીઓ મારફત આ પ્રદૂષકો શરીરના કોઈ પણ ભાગ સુધી પહોંચી શકે છે અને આંતરિક વાઇટલ અવયવોને ડૅમેજ કરી શકે છે. સૌથી ડેન્જરસ પાર્ટ એ છે કે એનાથી નર્વસ સિસ્ટમ એટલે શરીરને ચેતનવંતુ રાખતા ચેતાતંત્રને ખોરવવાની પણ ક્ષમતા છે.
કયા પ્રદૂષકો સૌથી ખરાબ?
PM2.5 કેમ ડેન્જરસ છે એ સમજતાં પહેલાં હવામાં કેવા-કેવા પ્રદૂષકો હોય એ સમજી લઈએ. આપણે સાંભળતા આવ્યા છીએ કે AQI જેટલો ઊંચો એટલી પ્રદૂષકોની માત્રા વધુ. ભારતીય સ્ટાન્ડર્ડ મુજબ ૪૦ યુનિટ સુધીનો AQI સારો છે. ભારતમાં AQI ૫૦૦ને મૅક્સિમમ ગણવામાં આવે છે. ૫૦૦ કે એથી વધુને અતિ ગંભીર ગણવામાં આવે છે, જ્યારે ગ્લોબલી એનાથીયે વધુનો ઇન્ડેક્સ માપવામાં આવે છે અને એટલે જ ગ્લોબલ સ્ટાન્ડર્ડ મુજબ આ વર્ષે દિલ્હીનો AQI ૧૫૦૦ને ટચ કરી ગયો છે, પણ ભારતીય માપપદ્ધતિ મુજબ એને ૫૦૦થી વધુ જ ગણવામાં આવે છે. આ ઇન્ડેક્સ કઈ રીતે નક્કી થાય? આ ઇન્ડેક્સની ગણતરી માટે ભારતમાં PM10, PM2.5, નાઇટ્રોજન ડાયૉક્સાઇડ, ઓઝોન, કાર્બન મૉનોક્સાઇડ, સલ્ફર ડાયૉક્સાઇડ, ઍમોનિયા અને લીડ (સીસા) એમ આઠ પ્રદૂષકોની ઘનતા માપવામાં આવે છે. જો બીજા કોઈ જ પ્રદૂષકોની પૂરતી માહિતી ન હોય તો PM10 કે PM2.5 સહિત કુલ ત્રણ પ્રદૂષકોનો ડેટા મૉનિટર કરીને નક્કી કરવામાં આવે છે.
PM2.5 એટલે શું?
પાર્ટિક્યુલેટ મૅટર એટલે PM. હવામાં રહેલાં ખૂબ જ નાનાં કણો એટલે કે રજકણ. આ રજકણ કોઈ પણ કેમિકલ, વાયુ કે ઘન પદાર્થની આડપેદાશ હોઈ શકે છે. જ્યાં પણ કોઈ ઘનપદાર્થ બળે છે ત્યાં પાર્ટિક્યુલેટ મૅટર પેદા થાય છે. જ્યાં પણ કોઈ તરલ પદાર્થ હવામાં ભળે છે એ પાર્ટિક્યુલેટ મૅટર પેદા કરે છે. અમુક ગૅસને કારણે પણ હવામાં અતિસૂક્ષ્મ કણો હવામાં ભળે છે. આ કણોનું કદ માઇક્રોનમાં છે. મતલબ કે નરી આંખે જોઈ ન શકાય એવા. આવા જોઈ ન શકાય એવાં સૂક્ષ્મ કદની પાર્ટિક્યુલેટ મૅટર જેટલી ઓછી માત્રામાં હવામાં હોય એટલી હવા શુદ્ધ કહેવાય. આ કણોના કદ અનુસાર એને ડિવાઇડ કરવામાં આવે છે. ૧૦ માઇક્રોમીટર કે એથી નાના કદનાને PM10 અને ૨.૫ માઇક્રોમીટરથી નાના કદને PM2.5 પાર્ટિકલ્સ કહેવાય. ગૅસોલિન, ઑઇલ, ડીઝલ, લાકડું, ઘાસ, કપડું, પ્લાસ્ટિક કે કોઈ પણ ચીજ બાળવાથી સૌથી વધુ PM2.5 મૅટર પેદા થાય છે.
વિલન PM2.5 જ કેમ?
પ્રદૂષક કોઈ પણ હોય એ સ્વાસ્થ્ય માટે ખરાબ જ છે, પરંતુ ખાસ કરીને PM2.5ને વધુ હાનિકારક ગણવામાં આવે છે એનું શું કારણ? સૌથી પહેલું કારણ એનું કદ. સામાન્ય રીતે પાર્ટિક્યુલેટ મૅટર આપણા શરીરમાં ઘૂસવાનો મુખ્ય રસ્તો છે નાક. જો વાઇરસ, બૅક્ટેરિયા, રજકણ, ધૂળ કે કોઈ પણ બાહ્ય કણો અંદર પ્રવેશવાની કોશિશ કરે તો નાકથી ફેફસાં સુધીના પૅસેજમાં એવી ગોઠવણ છે કે એ ચીકણી દીવાલમાં જ અટવાઈ જાય. જોકે ૨.૫ માઇક્રોન્સ એટલું સૂક્ષ્મ કદ છે કે કણોને અવરોધવાનું અઘરું બની જાય છે. એ ફેફસાં સુધી પહોંચી જાય છે. એક વાર એ ફેફસાંમાં પહોંચે તો ત્યાંથી લોહીમાં ભળી જઈ શકે છે. આપણા લોહીમાંના રક્તકણોનું કદ આઠ માઇક્રોન્સ જેટલું હોય છે એટલે એમાં PM2.5 કણો ભળીને રક્તવાહિનીઓમાં ઘૂસી જઈ શકે છે. લાંબા સમયથી આ વિશે વિવિધ યુનિવર્સિટીઓમાં અભ્યાસ થઈ રહ્યો હતો કે રક્તવાહિનીઓમાં ભળેલા આ કણો કઈ રીતે નુકસાન કરે છે.
કેવી-કેવી તકલીફો
પબ્લિક હેલ્થ ફાઉન્ડેશન ઑફ ઇન્ડિયા અને AIIMS દ્વારા થયેલા અભ્યાસ મુજબ PM2.5 કેવી-કેવી રીતે શરીરને હાનિ કરી શકે છે એ જાણીએ.
૧. હાર્ટ-અટૅક ટ્રિગર કરી શકે: આ સૂક્ષ્મ કણો રક્તવાહિનીઓમાં જઈને અંદરની લાઇનિંગ પર ચીપકી જતાં ત્યાં ઇન્ફ્લમેશન થાય છે. એને કારણે ઝીણી-ઝીણી રક્તવાહિનીઓ નબળી પડે છે. નબળી પડેલી લોહીની નળીમાં સોજા અને ક્લૉટને કારણે એ ફાટી જવાનું રિસ્ક વધી જાય છે. નાની નળીઓ ફાટવાથી બ્લૉકેજ પેદા થાય છે જે હાર્ટ-અટૅક ટ્રિગર કરી શકે છે. જેમને ઑલરેડી રક્તવાહિનીઓમાં બ્લૉકેજ હોય તેમને લોહીની નળીઓમાં વધુ બ્લૉકેજ થઈ શકે છે.
૨. કૅલ્સિફિકેશન અને બ્લડ-પ્રેશરઃ PM2.5ને કારણે લોહીની નળીઓમાં અંદરની તરફ કૅલ્શિયમની જમાવટ વધે છે જે હાર્ટબીટ્સમાં અનિયમિતતા પેદા કરે છે. એને કારણે ટેમ્પરરી ધોરણે બ્લડ-પ્રેશર વધી જાય કે અચાનક જ હૃદય કામ કરતું બંધ થઈ જાય એવું જોખમ પણ વધે છે.
૩. પ્રીમૅચ્યોર ડેથનું કારણઃ PM2.5 એટલા સૂક્ષ્મ કણો છે કે એ શરીરના કોષોમાં લાંબા ગાળે બાયોલૉજિકલ ચેન્જિસ પણ પેદા કરે છે. રક્તવાહિનીઓને જાડી કરવાનું અને ફેફસાંના સેલ્સ પર જામી જઈને ઑક્સિડેશન દ્વારા ફેફસાંને ડૅમેજ કરે છે જે અચાનક જ અને પ્રીમૅચ્યોર ડેથનું કારણ બની શકે છે. જે લોકોમાં ક્રોનિક હાર્ટ કે લંગની બીમારી હોય તેમને આ બાબતે ઊંચું રિસ્ક રહે છે.
૪. હૃદય માટે જોખમી: ૨૦૨૪ની શરૂઆતમાં થયેલા અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીના અભ્યાસમાં કહેવાયું છે કે PM2.5ના સતત ત્રણ વર્ષના એક્સપોઝરને કારણે હાર્ટ ડિસીઝ, હાર્ટ ફેલ્યર, અનિયમિત ધબકારાને કારણે થતો ઍરિધમિયા કે મગજના કોષોને લોહી પહોંચાડતી નળીઓની સેરીબ્રોવૅસ્ક્યુલર ડિસીઝ નામની તકલીફનું જોખમ વધી જાય છે. અનિયમિત હૃદયના ધબકારા, હાર્ટ ફેલ્યર, હાર્ટ-અટૅક અને સ્ટ્રોક જેવી તકલીફો થઈ શકે છે.
ટચૂકડા PM2.5 કણોનું લાંબા ગાળાનું એક્સપોઝર હૃદયના મસલ્સને ડૅમેજ કરે છે. હૃદયના ડાબી બાજુની ચેમ્બરમાં ઘૂસી જઈને હૃદયના ટિશ્યુઝ પર ઘસરકા કરી શકે છે જેને કારણે પૂરી ક્ષમતાથી લોહી પમ્પ કરવાની ક્ષમતા ખોરવાઈ શકે છે.
૫. વૃદ્ધત્વ અને ન્યુરોડીજનરેટિવ ડિસીઝ: લોહીમાં ભળેલા આ કણો મગજ સુધી પહોંચી જાય તો એનાથી શરીર અને મગજ વચ્ચેના સેતુનું કામ કરતી ચેતાઓની કામગીરી ધીમી પાડી શકે છે. એને કારણે વૃદ્ધાવસ્થાની તકલીફો નાની ઉંમરે દેખાય છે. પાર્કિન્સન્સ અને ઑલ્ઝાઇમર્સ જેવા રોગોનું રિસ્ક વધે છે.
પ્રદૂષકો બાબતે સાવધાન બનો
જે હવા આપણે શ્વાસમાં લઈએ છીએ એ શુદ્ધ છે કે નહીં એ બાબતે સરકારે તો પગલાં લેવાં જ જોઈએ, પરંતુ નાગરિકોએ પણ જાગૃત થવું જરૂરી છે. પ્રદૂષકો કેવાં છે અને કઈ રીતે પેદા થાય છે એની જાગૃતિ લાવવી જરૂરી છે એ વિશે અસર સોશ્યલ ઇમ્પેક્ટ સંસ્થાના વિરાટ સિંહ કહે છે, ‘જો તમારા પાણીમાં એક બુંદ કોઈ શાહી નાખી દેશે તો શું તમે એ પીશો? નહીં, પણ હવામાં પ્રદૂષણ થાય છે એ દેખાતું નથી એટલે શ્વાસમાં એમ જ લેવાય છે. ધૂળ, ધુમાડો, રજકણ, સ્મૉગ કેમ પેદા થાય છે એ નાગરિકોએ સમજવું જરૂરી છે. એમ કરવાથી દરેક વ્યક્તિ પોતાની રીતે પ્રદૂષણ કઈ રીતે ઓછું થાય એના પ્રયત્નો કરી શકશે.’
હવા શુદ્ધ છે કે નહીં એ કઈ રીતે માપી શકાય? એના માટે સરસ વિકલ્પ આપતાં વિરાટ કહે છે, ‘હવે ગવર્નમેન્ટ અપ્રૂવ્ડ પૉલ્યુશન કન્ટ્રોલ મૉનિટર આવી ગયાં છે. એ ઍર ક્વૉલિટી કેવી છે એ રિયલ ટાઇમમાં કહી આપે છે. Sameer ઍપ કરીને આવે છે જે સરકારે ઑફિશ્યલી લૉન્ચ કરી છે. સિટિઝન્સ એના દ્વારા પોતાની આસપાસની હવામાં કેટલા પ્રદૂષકો છે એ મૉનિટર કરી શકે છે.’
પ્રદૂષકો ક્યાંથી પેદા થાય?
૧. PM2.5: પાવર પ્લાન્ટ્સ, લાકડું કે પરાળ બાળવાથી, જંગલમાં દાવાનળ થવાથી, પેટ્રોલ, ડીઝલ બળવાથી
૨. PM10: કન્સ્ટ્રક્શન સાઇટ પર ઊડતી ધૂળ, રોડ પર ચાલતું ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામકાજ, ધુમાડો
૩. નાઇટ્રોજન ડાયૉક્સાઇડ:ઃ આ લાલાશ પડતો બ્રાઉન વાયુ છે જે તીખી સ્મેલ ધરાવે છે. વાહનો અને પાવર-પ્લાન્ટમાં બળતા બળતણમાંથી પેદા થાય છે.
૪. સલ્ફર ડાયૉક્સાઇડઃ સલ્ફર ધરાવતા ફ્યુઅલને બાળવાથી, કોલસો કે તેલ બળવાથી કે પછી મેટલ જેવી ચીજોને મેલ્ટ કરવાથી આ પ્રદૂષક પેદા થાય છે.
૫. કાર્બન મૉનોક્સાઇડઃ રંગ અને ગંધ વિનાનો આ વાયુ જો હાઈ કૉન્સન્ટ્રેશનમાં હોય તો એ ઝેરી બની જાય છે. વાહનોના પૉલ્યુશન, ઓવર હીટિંગ અને ઇન્ડસ્ટ્રિઅલ પ્રોસેસમાંથી પેદા થાય છે.
૬. ઓઝોનઃ આ વાયુ સ્મૉગ પેદા કરવામાં સૌથી મોટો ફાળો ભજવે છે. સૂર્યપ્રકાશ અને ઊડી જાય એવાં પ્રદૂષક તત્ત્વો જેવાં કે નાઇટ્રોજન ઑક્સાઇડ વચ્ચે કેમિકલ પ્રક્રિયા થવાથી પેદા થાય છે.
૭. ઍમોનિયાઃ ફર્ટિલાઇઝર, પશુઓનું છાણ અને ઇન્ડસ્ટ્રિઅલ કેમિકલ પ્રોસેસને કારણે પેદા થાય છે.
૮. લીડ (સીસું): ગૅસોલિન અને સીસાવાળા પેઇન્ટ તેમ જ પ્રિઝર્વેટિવ્સમાંથી આ પ્રદૂષક પેદા થાય છે.
ધ એનર્જી ઍન્ડ રિસોર્સિસ ઇન્સ્ટિટ્યૂશનના અસિસ્ટન્ટ ડિરેક્ટર અને છેલ્લાં પંદર વર્ષથી ઍર ક્વૉલિટી મૅનેજમેન્ટ માટે કામ કરતાં અસિસન્ટ ડિરેક્ટર ડૉ. અંજુ ગોયલનું કહેવું છે, ‘ખાસ કરીને દિવાળી પછીના સમયમાં હવામાં PM2.5 વધી જાય છે. એટલું જ નહીં, આ સમયમાં હવામાં હેવી મેટલ, આયર્ન, એલિમેન્ટલ કાર્બન, બ્લૅક કાર્બન, સલ્ફેટ, નાઇટ્રેટ, ચારકોલ અને વૉલેટાઇલ ઑર્ગેનિક કમ્પાઉન્ડ્સ વધુ માત્રામાં જોવા મળે છે. આ બધાનું મિશ્રણ ફેફસાંને ડૅમેજ કરે છે. સતત કફ થયા જ કરે છે. ઇન્હેલર અને નેબ્યુલાઇઝરથી પણ રાહત નથી રહેતી. આ કેમિકલ્સ એવાં છે જે કૅન્સરનું પણ કારણ બની શકે છે. ખાસ કરીને ઍરોમેટિક કમ્પાઉન્ડ અને PM2.5થી પણ વધુ સૂક્ષ્મ અલ્ટ્રા ફાઇન પાર્ટિક્યુલેટ કણો અને બેન્ઝિન કૅન્સર માટે ઉત્તરદાયી છે. બ્લૅક કાર્બન જ્યારે લોહીમાં ભળી જાય છે ત્યારે લોહી થકી એ શરીરની સર્ક્યુલેશન સિસ્ટમમાં ટ્રાન્સફર થઈ જાય છે જે લાંબા ગાળે નર્વસ સિસ્ટમને ડૅમેજ કરે છે અને ફિઝિયોલૉજિકલ અને બિહેવિયરલ ચેન્જ પણ કરી શકે છે.’
હવાનું પ્રદૂષણ શરીર પર શું અસર કરે છે?
સોજો અને શરીર-મગજના કો-ઑર્ડિનેશનમાં ગરબડ, ઑલ્ઝાઇમર્સ અને પાર્કિન્સન્સ ડિસીઝનું જોખમ, બાળકના બ્રેઇન ડેવલપમેન્ટમાં નકારાત્મક અસર
ગળું
ઇરિટેશન અને કફ, વારંવાર ઇન્ફેક્શન, ક્રોનિક થ્રૉટ ઇન્ફેકશનનું જોખમ
ફેફસાં
ફેફસાંની કાર્યક્ષમતા ઘટવી, ફેફસાંના કૅન્સરનું વધેલું જોખમ, COPD જેવા ક્રોનિક રેસ્પિરેટરી ડિસીઝ
આંખો
બળતરા અને લાલાશ, ડ્રાય આઇઝ સિન્ડ્રૉમ, લાંબા ગાળે વિઝનમાં ડૅમેજ
હૃદય
હાઇપરટેન્શનનું રિસ્ક, અચાનક હાર્ટ-અટૅક અને હાર્ટ-ફેલ્યરની સમસ્યા, હૃદયના ધબકારામાં અનિયમિતતા